બ્રિટન EUની બહાર..
ડોસી મરી અને જમડો ઘર ભાળી ગયો..ટીવી પર ઘણા દિવસથી જોયું અને કૈક તારણ પર આવવાનું મન થયું..અને તારણ આવું નીકળ્યું.. ડોસી મરી અને જમડો ઘર ભાળી ગયો..
યુરોપના ઘણા બધા દેશોમાં આ રેફરેન્ડમનો કીડો સળવળ્યો અને હિદુસ્તાનમાં કેજરીવાલને મકોડો ચટક્યો..રેફરેન્ડમનો..હવે સનેપાતની હદ સુધી જઈને કકળાટ મચાવશે રેફરેન્ડમ માટે..!
લોકતંત્રની કાળી બાજુ છે આ રેફરેન્ડમ..બંધારણના ધજીયા ઉડાડવા હોય તો જ રેફરેન્ડમ કરાય નહિ તો આવા મુદ્દા ઉપર સીધું ઈલેક્શન જ થાય..!
બ્રિટનના રેફરેન્ડમમાં એક ખતરનાક બાબત બહાર આવી યુથની કમ્પ્લીટલી હાર થઇ..! હવે આવો જ રેફરેન્ડમ ત્રીસ વર્ષ પછી ફરી થશે તો કદાચ આ યુવાન બ્રિટીશ લોકો ફરી પાછા EU માં જવાનું કેહશે..!
કેમકે ના પાડનારા ડોસા ડગરા ઉકલી ગયા હશે..!
રેફરેન્ડમ એ ચૂંટાયેલી પાર્લામેન્ટ અને બીજી બંધારણીય સંસ્થામાં જનતાનો અવિશ્વાસ..!
અને જનતાની સીધી વાત કે અમારે હવે આ જ ચીજ જોઈએ આપો જ આપો..!
એક જમાનાનો મહાન દેશ ધ ગ્રેટ બ્રિટન, અને સૌથી વધુ ઇમિગ્રન્ટસ આજે લંડન અને એની આજુબાજુ વસ્યા..અને એ બધા બ્રિટીશ સિટીઝન થયા..!આમ ને આમ ચાલુ રહે તો કદાચ પચાસ વર્ષ પછી મૂળ બ્રિટીશ પ્રજા લઘુમતીમાં આવે લંડનમાં..! અને ઈતિહાસના પરિપેક્ષમાં પચાસ વર્ષ ખુબ જ નાનો સમય ગાળો છે..!
આમ તો મારા જેવાને બહુ સારું લાગે, એ જ લાગના છો તમે બ્રીટીશરો..બહુ વર્ષો સુધી અમારા લોહી ચૂસ્યા..પણ આવો જ ખતરો હિન્દુસ્તાનમાં પણ છે, અહિયા ઇમિગ્રન્ટસ નથી પણ ઇમિગ્રન્ટસની જેમ અલગ ચોકો પાડીને જીવતી લઘુમતી નામની પ્રજા છે, જેને ભારતમાં બીજા બધા નાગરીકો કરતા કઈક અલગ સ્ટેટસ જોઈએ છે..! અને આવા સંજોગોમાં રેફરેન્ડમ નામની ચીજ બહુ ખતરનાક નીવડે..
રેફરેન્ડમનો બીજો દ્રષ્ટિકોણ જોઈએ તો કદાચ મૂળનિવાસી બ્રિટીશ પ્રજા હજી બહુમતીમાં છે બ્રિટનમાં, અને જે નાના નાના ગામોમાં રહે છે અને એમણે EUમાંથી છુટા જ પડવું છે એવો મત આપ્યો છે..આ ઘરડી અને ગામડામાં રેહતી પ્રજાના મનમાં કદાચ જુનો સામ્રાજ્યવાદી બ્રિટીશયુગ જીવતો છે અને એમને પોતાના દેશમાં “કૈક” સરખું કરવામાં EU ના કાયદા નડે છે..
જર્મની અને ફ્રાંસને ઇમિગ્રન્ટસની સમસ્યા બહુ નથી,પણ એ લોકો ને મધ્યપૂર્વ માંથી શરણાગતો આવી આવીને લોહી પીવે છે..અને કદાચ એ સમસ્યા બ્રિટનને પોતાના ગળે નથી બાંધવી..! અને હવે વધારાના ઇમિગ્રન્ટ પણ બ્રિટનને નથી જોઈતા..
અઘરું થઇ પડશે ભારતીય મૂળના લોકોને હવે બ્રિટનમાં જવાનું અને “ખોવાઈ” જવાનું..
હું થોડોક જુદી રીતે જોઉં છું આ રેફરેન્ડમને.. ઈતિહાસ જોઈએ તો બંને વિશ્વયુદ્ધો યુરોપની ધરતી પરથી જ શરુ થયા, અને યુદ્ધ હંમેશા જયારે બે પ્રજાના અહંકાર ટકરાય ત્યારે જ થાય..મને આ રેફરેન્ડમમાં જૂની બ્રિટીશ પ્રજાનો અહંકાર આળસ મરડીને બેઠો થતો દેખાય છે,અત્યારના સંજોગોમાં યુદ્ધ કે સામ્રાજ્યવાદને ફરી પોષવો શક્ય નથી, પણ “આર્થિક સામ્રાજ્યવાદ” જે સીધી નજરે દેખાતો નથી પણ ઇન્ફ્રારેડ કેમેરાથી ઈમેજ કેપ્ચર કરી અને પ્રિન્ટ કાઢીએ તો હવાના રુખ દેખાય એમ થોડું પાર રક્ત કિરણોની હાજરીમાં નજર માંડીએ તો ..મેઈડ ઇન ઇંગ્લેન્ડ એવુ લખેલી એકપણ ચીજ બજારમાં જોવા મળતી નથી..જે ઇન્ડસ્ટ્રીના જોરે આટલું મોટું બ્રિટીશ એમ્પાયર ઉભું થયું એ ઇન્ડસ્ટ્રીઝ બ્રિટનમાં નામની જ રહી ગઈ છે,લંડન ફક્ત અને ફક્ત આર્થિક લેવડદેવડનું કેન્દ્ર બની રહ્યુ છે..!
આ એક બહુ જ ખતરનાક પરિસ્થિતિ છે બ્રિટન માટે કારણકે માર્ગારેટ થેચરના સમયથી બ્રિટનની પોતાની કેપિટલ બ્રિટનની બહાર ઇન્વેસ્ટ થયેલી છે..અને જે પ્રજાએ બસ્સો વર્ષ સુધી દુનિયાભરમાં રાજ કર્યું છે એ પ્રજાને એટલી તો ચોક્કસ ખબર પડે કે આપડા રૂપિયા આપડા ઘેર શોભે..!
પણ પાઉન્ડને ઘેર લાવી અને નાખવા ક્યાં ?અને એકવાર પાછા લાવીએ અને EUમાં રહેલા ગ્રીસ જેવા ઘણા નાદાર દેશો આપણી મૂડી ચાવી જાય તો..?
EUમાંથી છુટા પડવું એ પેહલું પગલું છે..બ્રિટન ફરી એકવાર ઇન્ડસ્ટ્રીને આગળ વધારે તો નવાઈ નહિ, ભારત માટે તો યુરોપની બિલાડીઓ લઢી છે વાંદરો થઇ જઈએ તો આખી રોટલી ખાવા મળે..!
બ્રિટનની હાલત જાપાન જેવી છે, મૂડી છે પણ ઉદ્યોગો ક્યાં નાખવા..? દેશમાં જગ્યા ઓછી પડે છે..તાણી લાવો FDI ભારતમાં..NSGમાં પડેલા લાફાને જો અવસરમાં ફેરવવો હોય તો સારો મોકો છે..દાણા નાખવા જેવા ખરા..
બીજી એક વાત યાદ રાખવા જેવી છે..અમેરિકન ઝંડામાં હજી પણ યુનિયન જેકના રંગો છે અને મહારાણી એલીઝાબેથ બ્રિટન સહીત બીજા ૧૨ દેશોના મહારાણી છે અને ૫૪ દેશોના બંધારણીય પ્રમુખ છે..!
બ્રિટન હજી બીજી ઘણી બધી રીતે યુરોપ સાથે જોડાયેલું છે અને અત્યારે “નાટો”ની સેના સામે બીજી કોઈ જ સેના નથી..!
આ રેફરેન્ડમ એક શરૂઆત ચોક્કસ છે…જૂની અને જેને આપણે કન્ઝર્વેટીવ લોકો કહીએ છીએ એમની જીત છે..
વિશ્વમાં કદાચ એક નવા સમીકરણો ગોઠવાશે હવે દુનિયાની નજર અમેરિકન ઈલેક્શન પર જવાની છે અર્ણવ ગોસ્વામી આ રેફરેન્ડમ ને ડોનાલ્ડ જે ટ્રમ્પની થીયરી સાથે જોડે છે..
સરસ..! એવું થાય તો દુનિયાભરના “રેડીકલ” ઉપર કંટ્રોલ લેવામાં આસાની રેહશે પણ જો એવું થાય “તો” તોંતેર મણનો તો વચ્ચે છે..!
જે થયું તે આ રેફરેન્ડમમાં આપણે આપણો સ્વાર્થ પેહલા શોધવો પડશે અને પછી આપણો ઉલ્લુ સીધો કરવો પડશે..!
બ્રિટીશ બંધારણ આપણે અનુસર્યું છે પણ આપણા દેશમાં “રેફરેન્ડમ” જેવી ઘો ઘાલવા જેવી નથી, આપણી અભણ પ્રજા પાસે લાંબુ વિચારવાની તાકાત નથી..!
આપણા દેશમાં હજી બીજી અને ત્રીજી પેઢી ગ્રેજ્યુએશનમાં જઈ રહી છે જયારે યુરોપમાં પાંચમી પેઢી ગ્રેજ્યુએશનમાં છે..બ્રિટીશ માસ(ટોળુ)ની અક્કલ અને ભારતના માસ(ટોળા)ની અક્કલમાં આસમાન જમીનનો ફેર છે..!
આપણા માસ(ટોળા) ની અક્કલ ખુલતા હજી બીજા પચાસ વર્ષ જશે,આપણી અભણ પ્રજા પાસે જો રેફરેન્ડમ કરાવવામાં આવે તો એ EVMમાં પંજો અને કમળ કજ શોધશે અને છેલ્લે સાયકલનું બટન દબાવીને બહાર આવે..!
બહુ જ ખતરનાક નીવડે ભારત માટે આ “રેફરેન્ડમ” નામની પ્રવૃત્તિ..
ભારતની પ્રજા બહુ જ ઓછા હક્ક લઇ અને વધારે પડતી ફરજો બજાવીને જીવવા ટેવાયેલી છે..વધારાનો અપાયેલો કોઈપણ હક્કને પચાવવા પાચન શક્તિ વધારવી પડે અને એ ફક્ત ભણતરથી જ આવે..!
વાર છે હજી આ દેશ ને રેફરેન્ડમ નામનો હક્ક આપવા ને ..!
પેહલા કહી ગયો છું એમ ઈતિહાસ જયારે રચાઈ રહ્યો હોય છે ત્યારે એ સમયની પ્રજાને ભાન જ નથી હોતું કે એ લોકો એક બહુ મોટા ઈતિહાસના ભાગ છે કે ઈતિહાસ રચી રહ્યા છે..!
સમય જ કેહશે કે આ રેફરેન્ડ અને એના રીઝલ્ટના પડઘા દુનિયાનો કયો ખૂણો આપે છે..!
શુભ રાત્રી
શૈશવ વોરા