
ઉડતા પંજાબ…
ગાજ્યા મેહ વરસે નહિ..ખોટા ખોટા પેહલાજ નિહલાની બદનામ થયા..!
આનાથી વધારે ગાળો તો સાલ ૧૯૯૪માં રીલીઝ થયેલી “બેન્ડિટ ક્વીન”માં શેખર કપૂર એ સીમા બિસ્વાસના મોઢે બોલાવી ચુક્યા છે..!
સાલ ૧૯૯૪માં ડ્રાઈવઇનમાં ફ્રાઈ ડે ફર્સ્ટ શો માં શેખર કપૂરની “બેન્ડિટ ક્વીન” જોવા અમે બધા ચાર પાંચ ગાડીઓ લઈને વીસ પચ્ચીસ મિત્રોનુ ટોળુ ઘૂસ્યુ હતુ અને બધાની આંખો ચાર થઇ ગઈ હતી..!અને કાન એકદમ ઉભા..!!
“ઉડતા પંજાબ”માં તો ભાઈ સાલ ૨૦૧૬માં આવી અને ૨૦૧૬ના પ્રમાણમાં કાંઈ નથી..!!
ખોટા ખોટા પેહલાજ નિહલાની લઇ મંડ્યા હતા..!
અમે જોવા ગયા હતા શાહિદ કપૂરને અને કરીના કપૂરને, પણ આખે આખું મુવી ખેંચી ગયા દલજીતસિંહ અને આલિયા ભટ્ટ..!!
આ વર્ષનો બેસ્ટ એક્ટ્રેસનો એવોર્ડ તો આલિયા ભટ્ટના નામે પાક્કો,અને જો ના અપાય તો એવોર્ડ આપવામાં નક્કી સેટિંગ છે એમ માનવુ પડે..!
આલિયા ભટ્ટ, કેહવું પડે ભાઈ શું એક્ટિંગ છે..! ખુબ સરસ..!
દલજીતસિંગની સરપ્રાઈઝ એન્ટ્રી અને લીડ રોલ..!!
આગળ લખતા પેહલા કહી દઉં કે જે લોકો ને થોડા ગ્રે કે ડાર્ક મુવી જોવાની “આદત” નથી,સ્ક્રીન પર બોલાતી ગાળોના લીધે કાનમાંથી કીડા ખરે છે, એમને જો કાનમાં “કીડા” વધી ગયા હોય તો જ જોવા જજો..!
કાન એકદમ સાફ થઇ જશે..કાનમાં રહેલા બધા જ “કીડા” બહાર આવીને ખરી જશે અને મરી જશે, એટલી બધી “ઉડતા પંજાબ” માં ગાળો છે.
એટલે ક્યાંકથી લીક થયેલી ૨૫ રૂપિયાની પાયરેટેડ કોપી લઇને ઘેર જોવાની કોશિશ ના કરવી..નહિ તો જીવનું જોખમ થઇ જશે..!
ટોમીસિંગના પાત્રમાં શાહિદ નબળો પડે છે, કોશિશ ભરપુર છે પણ ક્યાંક સ્ક્રીન પર માર ખાય છે,યો યો હનીસિંગ ના ઉપરથી ટોમીસિંગનું પાત્ર ઉભું કરાયું છે પણ પેહલા લખ્યું હતું કે યોગ્ય માવજત થઇ હશે તો મજા આવશે..પણ અફસોસ નથી બરાબર ટોમીસિંગ..!
કરીના કપૂર પરફેક્ટ છે એની જગ્યાએ, પણ મારી વાર્તાઓની જેમ એકદમ બે હિરોઈનમાંથી એકની અણધારી વિદાયને પચાવવામાં થોડી અઘરી પડે..
અને છેલ્લે બધું “ફાસમફાસ” જતું હોય એવું લાગે અને છેવટે વીંટો વળી જાય..!
આમ પણ એક મુવીમાં ત્રણ ત્રણ સ્ટોરી પેરેલલ જાય અને પછી એકાદ બે સીનમાં ત્રણે સ્ટોરી ભેગી થાય એટલે કઠે..
ડ્રગ્સના વિષયને લઈને બનાવેલી “ઉડતા પંજાબ” એકવાર ચોક્કસ જોવાય…
મારો એક જમાનામાં આલ્કેલોઈડસ્ ફેવરીટ સબ્જેક્ટ રહી ચુક્યો છે..! અને એની ઉપર આ મુવી..!
જૂની અને જાણીતી મોડસ ઓપરેન્ડી બતાવી છે કઈ નવું ના મળ્યુ..પેહલા સીનમાં જ પાકિસ્તાનથી ડ્રગ્સનું પેકેટ પંજાબમાં ફેંકાય છે…! એટલે જમાવટ તો થઇ જ જાય..!
જેને જાણકારી નથી એમને કદાચ નવું લાગશે, એકાદ બે સીનમાં પાર્ટીમાં ક્રેડીટ કાર્ડથી નશીલા પાવડર (નામ નથી લખતો)ની લાઈનો પડે અને ડોલરની નોટથી એને સીધે સીધું નાકમાં વારાફરથી એક એક લાઈનો ખેંચાય..
ટોમીસિંગની પાર્ટી અને દબંગાઈ, આજુબાજુના ચમચા બધું ક્યાંક ક્યાંક જોયેલું લાગે છે..!
મુવીમાંથી બહાર નીકળીને દુઃખ થાય, ખરેખર આ હાલત થઇ છે પંજાબની..?
પક્ષા-પક્ષીને બાજુ પર મૂકી ને આ ડ્રગ્સના દૈત્યને નાથવો પડે,નહિ તો નખ્ખોદ વળી જશે અને ડ્રગ્સ તો ભયાનક ચેપી રોગ છે, આજુબાજુ ફેલાતા વાર નહિ લાગે પાકિસ્તાન વગર લડાઈ કર્યે જીતી જશે..!
જેમ ચંબલની ઘાટીઓમાં દસકો આખો એક ઝુંબેશ ઉપાડી અને ડકેત ને ખતમ કર્યા, એમ પંજાબમાં પણ ઝુંબેશ ઉપાડી અને ડ્રગ્સ માફિયાને ખતમ કરવા પડે..
દેખો ત્યાં ઠાર જ કરવા પડે આ ડ્રગ્સ માફિયાને, સ્પેશિઅલ ટાસ્ક ફોર્સ બનાવીને કામ લેવું પડે એમ છે , સરહદ છે એકદમ બાજુમાં..અને ઓપિયમની ખેતી હજી અફઘાનિસ્તાનમાં પુષ્કળ થાય છે,સેટેલાઈટ ઈમેજ સાક્ષી આપે છે..!
“ઉડતા પંજાબ” જો ડ્રગ્સ માફિયાને ખત્મ કરવાનું નિમિત્ત બને તો કોન્ટ્રોવર્સી લેખે લાગશે..!
ચીટ્ટા મુક્ત પંજાબ કરો
શુભ રાત્રી
શૈશવ વોરા