આજે વર્ષનો વચલો દિવસ ,
આમ જુઓ તો સપરમાના દિવસો જાય છે એમાં કંઈ આડુ અવળું ના બોલવું જોઈએ..
મોટાભાગના જ્યોતિષ એવું કહે છે કે તારી જીભ છે ને કાળી છે ,જે બોલીશ તે થઈ જશે ,શૈશવ તારે વાક સિદ્ધિયોગ છે , એટલે બોલતા જરાક ધ્યાન રાખજે.. તારે હંમેશા સારું સારું બોલવું..!
પણ મૂઓ જીવડો રહ્યો અંદરથી અદેખ્યો, એટલે જે દેખાય તે સાચ્ચું બોલી મરવાનું , પછી કોકનું સારું કે ખોટું બોલ્યા હોય તે થાય એટલે કાળી જીભનો થપ્પો વાગી જાય મારા જેવાના માથે…
પણ સાચ્ચું કહું દિવાળી અને દિવાળીનો ઉત્સાહ જે નાની પેઢીમાં જોવા નથી મળતો એ જોઈને જરાક બીક લાગી છે..
મારા બેટા બધા ગટુડીયા એવા મોબાઈલમાં રચ્યા પચ્યા રહે છે કે નથી ફટાકડાં ફોડવા, નથી મીઠાઈઓ ખાવી ,નથી અને કોઈ ને ઘેર આવવું જવું નથી..બીક લાગે .. તેહવાર મરશે તો સંસ્કૃતિ મરશે પણ બિલકુલ ઊંધો સીન જોવા મળે છે હવે પરદેશમાં ..
આ વર્ષે પત્તરફાડી નાખી એટલા ફટાકડા કેનેડામાં આપણા બચૂડીયાઓ ફોડ્યા અને ધૂમધામથી દિવાળી અને નવરાત્રી ઉજવી …
બ્રાવો , બ્રાવો છોકરાંવ, પણ હવે જરાક આ વર્ષની દિવાળીનું મહત્વ કેમ વધારે છે એ કહું …
ડોહો તો થયો હું .. ભલે બાય્સેપ ૧૬ ઇંચનો કેમ ના હોય…
તો સુણ લાલાસ્ એન્ડ લાલીસ્..
500-600 વર્ષ પછીની આ પહેલી દિવાળી છે કે જે દિવાળીએ રામલલ્લા સીધા એમના ભવનમાં જશે , મંદિરમાં જશે..
આ કોઈ જેવી તેવી વાત બિલકુલ નથી , દિવાળીની શરૂઆત રામચંદ્રજી અયોધ્યા પાછા આવ્યા ત્યારથી થઈ છે..બાકીનું બીજું જ્ઞાન બધું ગૂગલ કરી લેજો ..
પણ અહીંયા ભારત દેશે ક્યાંય કોઈ ઉત્સાહનો અણસારો દેખાતો નથી લોકોમાં રામ મંદિરને લઈને જે 1992 માં જુવાળ જોવા મળતો એમાંનું કશું જ અત્યારે દેખાતું નથી ,અંદરથી પબ્લિકમાં ઉત્સાહ ફીલ નથી થઈ રહ્યો ..
હકીકત તો એ છે કે સદીઓની લડાઈ લડી , લોહી રેડી રેડીને ભારત જીત્યું છે, એ પણ પોતાની જ ભૂમિ ઉપર ,
આને વિડંબણા પણ કહી શકાય,
જેમ ઈઝરાયલની અને મોસાદનો ફાંકો ઉતારી દીધો એમ જ આપણા જૂના રાજા રજવાડાના ફાંકા ઉતારી અને વસ્તી આ ભારતભૂમિ ઉપર હાવી થઈ ગઈ હતી ,
જે હોસ્ટેજ,બળાત્કાર અને બીજું જે કંઈ ત્યાં થઈ રહ્યું છે તે બધું જ ભારતભૂમિ ઉપર બારસો વર્ષથી થયું છે ..અમારા જેવા નવા નવા તૈયાર થયેલા ડોહલાઓ એ ઇતિહાસ યાદ કરાવવાની જરૂર છે ..
સમાચાર માધ્યમમાં સિવાય જન સાધારણમાં એવો કોઈ જ ઉત્સાહ દેખાતો નથી.. ચલો હું થોડુક યાદ કરવું..
મારા જેવા જેણે ભારતભરના કાશ્મીરથી કોલંબો અને દ્વારકાથી થીમ્પુ સુધીના એક એક પથ્થર સાથે સાથે વાત કરી છે અને પથ્થરમાં પડેલા ઘા માંથી નીતરતા ધગધગતા લોહીની ગરમી અનુભવી છે,
ચિત્તોડગઢની એ જૌહરની ચિતાની આગ આજે પણ મને દઝાડે છે , પણ સાતા આપી એ જ ચિત્તોડગઢમાં આવેલા મીરાબાઈના પુજીત મંદિરે..
જૌહર એટલે રાજપૂતાણી જીવતે જીવ ચિતામાં પ્રવેશી જાય કારણકે એમના પતિ ,પિતા,ભાઈ, પુત્રો રણભૂમિમાં વીરગતિ પામ્યા હોય અને હરામીઓ તેમના શરીરને સ્પર્શ સુદ્ધાં ના કરી શકે માટે શરીર ને અગ્નિને સમર્પિત કરી દેતી સતી માતાઓ..
સોમનાથ મંદિર અત્યારે લાખ્ખોની ભીડ , ધાડે ધાડા હાલી મળે છે , મારા જેવાને ત્યારે એ યાદ આવે જ્યારે કચ્છથી રાધનપુર વાળો રસ્તો પકડી એ ત્યારે.. કે અહીં થઈને એક જમાનામાં આતંકવાદીઓ ઘૂસ્યા હતા અને સોમનાથ મંદિર ઊજડ્યું, સોમનાથના લાઈટ એન્ડ સાઉન્ડ શો માં ભલે આતંકીના મહિમા મંડન ના કરીએ પણ એ ચીસો સંભળાવવી બિલકુલ જરૂરી છે કે જેના કરતા કંઇક વધારે ચીસો કાળની ગર્તામાં દટાઈ ગઈ ..
રિલીજીયસ ટુરિઝમ બરાબર પણ સાથે સાચ્ચો ઇતિહાસ લઈ ને ઘેર પાછો જવો જોઈએ “ગેલહાગરો” નહિ તો “ઘેલસપ્પો” થતા વાર નથી લાગતી .. અક્કરમી “સેક્યુલર” થઈ જાય …!
સાચી વાત અને ઇતિહાસ જાણે ને તો એનો માંહ્યલો કક્કળે.. કેટલા મૂઆ નખ્ખોદિયા શાંતિની જિંદગી જીવતા લોકોના જીવ લઈને ગયા .. એ પણ પોતાના ઘરમાં રહેતા શાંતિપ્રિય લોકો ને ..ઈઝરાયલની જેમ ઘરમાંથી કાઢી કાઢીને માર્યા ..
મારો બાપ વીર હમીરજી ગોહિલની ગાથા ચોવીસ કલાક ત્યાં ગુંજવી જોઈએ ..!!
જો ઇઝરાઇલ ઉપર થયેલો હુમલો આતંકવાદી કૃત્ય હતું તો પછી આપણા બાપદાદા ઓ ઉપર આવા અસંખ્ય હુમલા થઈ ચૂક્યા છે અને હજી પાકિસ્તાન જેવા “શાંતિપ્રિય” દેશોમાંથી આવ્યા કરીને મુંબઈ હુમલા જેવા હુમલા કર્યા કરશે ..
દિવાળી તો આવશે અને જશે પણ આવી દિવાળી ઇતિહાસમાં જવલ્લે જ આવશે , નાથદ્વારા કે બીજા મંદિરો સુધી સાંકડી ગલીઓ જોઈ ને કકળાટ કરતી વસ્તીને સમજણ આપવી જરૂરી કે પેલા ખવિસો મંદિરો ઉપર હુમલા કરે તો એને ખાળવા ગલીઓ સાંકડી રાખવામાં આવતી ..
આજે તો ભારત દેશની આણ્વિક સબમરીન અને બેલેસ્ટિક મિસાઈલના રખોપાં છે ,
ભારત દેશની ચતુરંગી સેના જલ, થલ,નભ અને અવકાશમાંથી રક્ષણ કરી રહી છે , સાહેબને કૂતરા નથી કરડયા કે સેમી કંડકટર બનાવવા પાછળ હાથ ધોઈને પડ્યા છે ..
ચિપ ઘરમાં બને તો અસ્ત્રો – શસ્ત્રો ઘેર બને બાકી તો પાછું વળીને જોવું પડે ..અને કોઈક રમાડે તેમ રમવું પડે , તમને મશીન બનાવીને આપી દે કે આ મશીનમાં દેખાય એનાથી વધારે માત્રામાં આંકડો દેખાય તો હવા પ્રદૂષિત એટલે તારે ફટાકડા નહિ ફોડવાના ..
જા જા ..ત્યાં પેલા પુતિન કાકા અને ઝેલેન્સ્કી ને આલ ને મૂઆ મારી જ પાછળ કેમ પડ્યો છે ? ગરીબ કી જોરૂ સબ કી ભાભી ..
તેહવાર ઉજવતા રહેજો, જો માનસ પૂજા ઉપર ચડ્યા ને તો મંદિરો ની બદલે હોસ્પિટલ બનાવો, સ્કૂલ બનાવો એવા જ્ઞાન આવશે ,
અરે બધુંય બનાવો અમને ક્યાં એનો વાંધો જ છે ?
આપણે તો જ્ઞાન, વિજ્ઞાન, દયા ,ધરમ ,…(દયા-જેઠો.. ધરમ -હેમા ) બધું જોડે લઈને ચાલવાવાળા ..
ચાલો વિક્રમ સવંત ૨૦૮૦ ના સૌને રામ રામ અને
??
ॐ सर्वे भवन्तु सुखिनः ।
सर्वे सन्तु निरामयाः ।
सर्वे भद्राणि पश्यन्तु ।
मा कश्चित् दुःख भाग्भवेत् ॥
શૈશવ વોરા
*(ચેતવણી :- આ બ્લોગને તમે ફોરવર્ડ ચોક્કસ કરી શકો છો, પરંતુ પોતાના નામે કે પછી મૂળ લેખકના નામ વગર કે તેમાં કોઈપણ જાત ના ચેડા કરીને મુકવો તે સંપૂર્ણપણે ગેરકાયદેસર છે, જે કોઈ વ્યક્તિ તેવું કરશે તો કોપીરાઈટ એકટ નો ભંગ ગણાશે અને તે પ્રમાણે કરનાર સામે કાયદેસર કાર્યવાહી ચોક્કસ કરવામાં આવશે..)*