બહુ દિવસથી કશું લખ્યું નથી પણ એક વાર્તા લખી છે ..રીવ્યુ આપો તો આગળ લખું …
ગામનો ઉતાર ..!!
પીસ્તાળીસ વર્ષે પોહચેલી મનીષા એ બહુ મનોમંથન કર્યું,
“સાલ્લા એ “ગામ ના ઉતાર” જોડે વાત કરું કે નહિ ..??”
પણ ક્યાંય કોઈ બીજો રસ્તો દેખાયો નહિ એટલે પથારીમાં પડ્યા પડ્યા કોલેજ ફ્રેન્ડસના વોટ્સ એપ ગ્રુપમાંથી નંબર શોધ્યો અને એક વોટ્સ એપ મેસેજ મનીષાએ કર્યો..!!
અમદાવાદના ડીસેમ્બર મહિનાની એક ઠંડીગાર મધરાત હતી, આખું અમદાવાદ રજાઈની ઠંડીમાં મીઠ્ઠી નિંદર માણી રહ્યું હતું ,
પણ આખા અમદાવાદમાં મનીષા એ એક જ ઓરત એવી હતી કે પડી પડી પડખા ઘસતી પોતાની પથારીમાં જાગતી પડી હતી..!!
મનીષા ને એમ હતું કે અત્યારે તો મનોજ ઉર્ફે મંજો તો દારુ-બારું પી ને ઘોરતો હશે, કાલે સવારે જવાબ આપશે પણ ત્યાં તો સામેથી એક જ સેકન્ડમાં મેસેજ આવ્યો “બોલ ..!!”
અડતાલીસ વર્ષે પોહચેલી બે બાળકોની માતા મનીષા ,જેના સંતાનો પણ હવે તો મતાધિકાર ભોગવતા થઇ ચુક્યા હતા, અને એનો પોતાનો નિવૃત્તિના પછીના સપના જોવાનો એનો સમય હતો ,પણ કુદરત એ એને સાથ નોહતો આપ્યો ,
એના જીવનની આવેલી અણધારી મુસીબત ..જે ના કેહવાય કે ના સેહવાય એટલે એ મુસીબત ને છાતીમાં ભરી ને રસ્તો કાઢવા એકલી એકલી મથી રહી હતી..!!
કોઈ જ રસ્તો એને દેખાઈ રહ્યો નોહતો બે છેડે થી બ્લોક થઇ ગયેલી એક અંધારી આંધળી ટનલમાં આવી પડી હતી મનીષા ,
એને એવું સતત લાગ્યા કરતુ હતું ,
છેલ્લા બે વર્ષથી મનીષા શું કરું ?શું કરું? ક્યાં જાઉં ? કોને કહું ? એવા વિચારો કરી ને રાતની રાત જાગતી પડી રેહતી અને શરદ બિન્દાસ્ત પડખું ફરી ને ઊંઘી જતો ..!!
છેવટે આજે ઘણા મનોમંથન પછી હારીથાકી ને મનીષાએ મનોજ ઉર્ફે મંજો ને મેસેજ કર્યો..!
`ગામ નો ઉતાર` એવા મંજા ને મેસેજ કરવા પાછળની એની ગણતરી એક જ હતી કે ક્યાં તો મંજો મને ખાઈ જશે , ક્યાં તો મને સાંગોપાંગ બાહર કાઢી આપશે..!!
મંજા નો મેસેજ જોયો એટલે મનીષા ફટાક દેતી એની પથારીમાંથી ઉભી થઇ ગઈ અને મોબાઈલ હાથમાં લઈને બાહર ડ્રોઈંગ રૂમમાં આવી ગઈ,
અજાણતા જ ટીક ટીક કરતી ઘડિયાળ ઉપર એની નજર ગઈ, જોયું તો દોઢ વાગી ગયો હતો એને પોતાને પણ અફસોસ થયો કે રાત્રે દોઢ વાગે એણે મંજા ને મેસેજ કર્યો અને પેલો પાછો સામેથી જવાબ પણ આપે છે ..!!
મનીષા હજી મૂંઝવણમાં હતી કે શું લખું એ પેહલા તો મંજા નો મેસેજ આવ્યો તું ફોન કરે છે કે હું કરું ?
જરાક પણ વિચાર્યા વિના મનીષાએ કોલના આઇકોન ઉપર અંગુઠો દબાવી દીધો ,અડધી રિંગે ફોન ઉપડ્યો અને સામેથી એ જ મસ્તીખોર એકદમ ભારે પુરુષત્વથી ભરેલો અવાજ આવ્યો…બોલો બોલો રૂપ કી રાની ,આજે અડધી રાત્રે કેમ આ ચોરોં કા રાજ્જા નું કામ કેમ પડ્યું તમને ?
મનીષા એક સેકન્ડ માટે ભૂલી ગઈ કે એ અને મનોજ બંને અડતાલીસ વર્ષના થઇ ગયા છે, એ એના ઓરીજીનલ ટોનમાં બોલવા જતી હતી ..એઈ લુખ્ખા ઓકાતમાં રે જે..પણ આજે તો ગરજ હતી મનીષા ને ..!!
મનીષાના કાનમાં એ અવાજ પડઘાતો હતો.. “૨૩૨૦ તો કોઇપણ સંજોગોમાં જોઇશે જ ..!!”
મનીષા બોલી ..એક પ્રોબ્લેમ છે ..
સામે થી ફરી એ જ મસ્તીખોર જવાબ.. તૈયાર છે સોલ્યુશન, દરેક `બોલ્ટ` નો એક `નટ` બન્યો હોય છે એમ જ દરેક પ્રોબ્લેમ નું સોલ્યુશન હોય જ છે , બોલો..બોલો.. રાની પ્રોબ્લેમ બોલો ..!!
મનીષા બોલી રૂબરૂમાં કેહવું પડશે ..!
મનોજ બોલ્યો.. ઓહો .. નસીબ અમારા ..આવી રીતે કાળી ભમ્મર અમાસની રાતે અને એ પણ મધરાતના દોઢ વાગે ખુલશે એની ખબર નોહતી મને હો રાણી સાહેબા..!!
મનોજની રાત્રે દોઢ વાગ્યે મળવા આવવાની તૈયારી જોઈ ને મનીષા ને થયું કે ભલે રાત તો રાત બોલાવી જ લઉં, દિવસે તો લપાતા છુપતા મળવું પડશે અને રાત્રે અત્યારે કોઈ નહિ હોય નિરાંતે વાત પણ થશે..!!
મનીષા બોલી ..અત્યારે આવીશ ?
સામેથી મનોજ બોલ્યો .. બીજીવાર આવો સવાલ ના પૂછતી , નહિ તો હું ગુજરી જઈશ ..!
મનીષા બોલી ..સીરીયસલી કહું છે લે આ લોકેશન નાખ્યું ,હું નીચે આવું છું તું મને પીક કરી લે ,ગાડી છે ને તારી પાસે ?
મનોજ બોલ્યો ..તમે અવાજ કરો કેટલી ગાડી લઈને આવું બોલો મહારાણી ? અને લોકેશનની જરૂર નથી મહારાણી સાહિબા..!
મનીષા બોલી કાળા કાચવાળી લાવજે એટલે પબ્લિકમાં કોઈ જોઈ ના જાય..!!
મનોજ સેહજ દાઢમાં બોલ્યો.. સેલીબ્રીટી તો તું ખરી હો ..કોલેજના જમાનાથી સ્ટારરર..!!!
મનીષા ઇગ્નોર કરીને બોલી હું નીચે મારા ફ્લેટ ના ઝાંપે આવી ગઈ છું..!!
મનોજ બોલ્યો ..અને મેં ગાડી ને સેલ માર્યો ,આ તારો ગુગલ મેપ ૯ મિનીટ બતાડે છે, પણ માં કસમ ૩ મિનીટમાં ના આવું તો મારી સવા કરોડ રૂપિયાની આ ગાડી અને મારી જાત ઉપર પેટ્રોલ નાખી તારી નજર સામે સળગી જઈશ જાનેમન..!
આટલું બોલી ને મનોજે ફોન કાપ્યો ને એની સાડા ત્રણ હજાર સીસીની એસયુવીને એક ગીયર ઉંચી ચડાવીને ફુલ્લ એકસીલરેશનમાં ટાયરના ચીચુડા બોલાવતો અમદાવાદના નેહરુનગર ચાર રસ્તાથી એસજી હાઈવે તરફ જતા વચ્ચે આવતા એક પછી એક ચાર રસ્તા વટાવતો ગયો ,બમ્પ કુદાવતો ગયો..સદ્દભાગ્યે એકપણ એનો પોલીસવાળો રસ્તો રોકવા ઉભો નોહતો..
નેહરુનગરથી એસ જી હાઈવે ઉપર આવેલા હોટેલ ગ્રાન્ડ ભગવતીની બાજુમાં આવેલા ફ્લેટ સુધી પોહચવામાં મનોજને ત્રણ નહિ પણ પૂરી પોણા ત્રણ મિનીટ જ લાગી હતી..!!
રમખાટ આવતી મનોજની સવા કરોડ રૂપિયા ની એસયુવીની સફેદ એલઈડી લાઈટ ના શેરડામાં મનીષાના ફ્લેટ ના રોડ ઉપર રેલાયા ..!!
ઝાંપાની બાહર ઠંડા સુસવાટા મારતા પવનમાં ખુલ્લા સ્ટેપ કટ લેહરતા વાળમાં, સાર્ટીનના કપડાના આચ્છા જાંબલી રંગના લો કટ નાઈટ ગાઉનમાં મનીષા ઉભેલી દેખાઈ..
અદ્દભુત લાગી રહી હતી..!! મનીષા ..!
મનોજ નું દિલ એક સામટા આઠ-દસ ધડકારા ચુકી ગયું..!! અમદાવાદની એસજી હાઈવેની નજીકની ચૌદ ડીગ્રી તાપમાનની ઠંડકમાં પરસેવે નીતરી ગયો મનોજ..!!
ટીવીમાં મનીષાને છેલ્લા પચ્ચીસ વર્ષથી લગભગ રોજ જોતો હતો અને હંમેશા મનોજને અફસોસ થતો કે મનીષા આખ્ખી પગ થી માથા સુધી જોવા મળતી નથી ,
અને જયારે બહુ ના રેહ્વાય ત્યારે મનીષાની ઘરની બાજુમાં આવેલા પાનના ગલ્લે ઉભો રહી ને કલાકો સિગારેટો ફૂંક્યા કરતો,
તો પણ આજ સુધી મનીષા ક્યારેય ચાલતી બાહર નીકળી જ નોહતી એટલે ગાડીમાંથી પોતાના ફ્લેટની બાહર જતી કે આવતી મનીષા મનોજને હંમેશા અડધી જ દેખાતી..!!
મનોજ એ જબજસ્ત શોર્ટ બ્રેક મારી, સુમસાન એક પણ માણસ વિનાનો આખો વિસ્તાર એની ગાડીના ટાયરના ચીચીયારા થી ગુંજી ઉઠ્યો, મનોજની નજર મનીષા ઉપરથી હટતી જ નોહતી..!
પગ થી માથા સુધી..પાતળી પટ્ટીના સ્લીપર ઘૂંટી સુધી ઉંચો ગાઉન, એ જ પાતળી કમ્મર ,ભરાવદાર સાથળ અને ઝીરો ફિગર જેવું પેટ ..
મનોજની નજર મનીષાના બદન ઉપર આગળ ચડે ત્યાં તો મનીષા મનોજની ગાડીનો દરવાજો ખોલી ને આગલી સીટમાં બેસી ગઈ ..!
લગભગ રાતના પોણા બે થયા હતા…પચ્ચીસ-ત્રીસ વર્ષે બંને મળ્યા હતા..!!!
મનોજની કલ્પના આજે સાકાર થઇ હતી ,આજ સુધી જેટલી ગાડીઓ મનોજે ખરીદી ત્યારે એનું એક જ સપનું ..
બાજુની સીટ ઉપર મનીષા બેસે તો રૂપિયા વસ્સ્સુલ..!
મનોજ એ એક મોટેથી ઉચ્છ્વાસ લઈને બાહર કાઢ્યો એની નજર મનીષાના વક્ષ ઉપર સ્થિર થઇ.. એક બે મિનીટ સુધી મનીષા પણ સ્થિર બેઠી રહી પછી ધીરેક થી મનીષાએ મનોજ ની હડપચી પોતાની જમણા હાથની બે આંગળીઓ વડે ઉંચી કરી અને બોલી ..બસ મનોજ ..!!
મનોજની આંખો મનીષાના ચેહરા ઉપર સ્થિર થઇ એ જ મારકણી આંખો, એકદમ ધારદાર નાક ગળા ઉપરનો તલ , જાડા હોઠ ,નાની ચિબુક અને ફરી પછી મનોજની નજર મનીષાના વક્ષ ઉપર આવી ને સ્થિર થઇ..!!
મનીષાના હળવા સ્પર્શ થી મનોજના આખા શરીરમાં ઝણઝણાટી વ્યાપી ગઈ હતી..!
મનીષા એ પોતાના ગાઉનનો ઉપલો હુક ખોલ્યો અને બોલી કેહતો હોય તો ઉતારી નાખું બોલ ? એક વાર ધરાઈ ને જોઈ લે ..!!
મનોજ ઉર્ફે મંજો અસલી રંગમાં આવ્યો ગયો.. તને એમ છે કે હું ના પડીશ..? ભૂલે છે હો હું ના નહિ પાડું ..!!! તારી મરજી ..!!
મનીષાએ ધારદાર નજરે મનોજ ની સામે જોયું એ જ કાળી ભમ્મર મોટી આંખો ,ઝીણી વધેલી દાઢી જાડા જાડા હોઠ અને એકદમ મસલ્સથી ગંઠાયેલું શરીર..!! ત્રણ બટન ખુલ્લા શર્ટ ના અને એમાંથી ડોકાતા સફેદ-કાળા મિક્સ વાળ..!!
મનીષા હારી ગઈ હોય એમ એસયુવીની સીટમાં પોતાની જાતને સંકોરતી બોલી જે કરવું હોય એ કરી લે પણ મને પ્રોબ્લેમમાંથી બાહર કાઢ..!! ચલ ગાડી વૈષ્ણવદેવી સર્કલ લઇ ..!!
અચાનક મનીષા એ છાશિયું કર્યું એટલે મનોજનો મૂડ મરી ગયો ..એની એસયુવી સડસડાટ દોડી એસ જી હાઈવે ઉપર ..!!
નવા બનતા ફ્લાય ઓવરને લીધે થોડા ઉબડ ખાબડ રસ્તામાં ઉછળતી મનીષા ચુપચાપ બેઠી રહી ..!
વૈષ્ણવદેવી સર્કલ ઉપર એક કોફી બારની બહાર થોડીક દૂર એક ખેતરાંમાં એસયુવી ઉતારી દીધી મનોજ એ અને ગાડીની લાઈટો બંધ કરી ને કાચ ખોલી નાખ્યા ..!! મદમસ્ત ઠંડો પવન લેહરાઈ રહ્યો હતો..!! રાત્રીના બે વાગ્યે ..!
મનીષા કશું જ બોલતી નોહતી.. મનોજ એ ડેશબોર્ડમાંથી સિગારેટનું ખોખું કાઢ્યું અને એક સિગારેટ સળગાવી..!! મનોજે પેહલો કશ મારી ને ધુમાડા બાહર કાઢવા મોઢું ગાડીની બાહર કાઢ્યું એટલે મનીષા બોલી ..મોટો પ્રોબ્લેમ છે ..
મનોજનું દિમાગ છટક્યું એ ગુસ્સામાં મોટ્ટેથી ગાળ બોલ્યો અને બોલ્યો… હવે પ્રોબ્લેમ બોલ નહિ તો અહિયાં જ તને નાખી ને હું જતો રહીશ..!!
મનીષાએ મનોજના હાથમાંથી જલતી સિગારેટ લઇ લીધી અને કશ મારવા માંડી..!! મનોજ ની આંખો ફાટી ગઈ ..!!
બોલો લખું આગળ ? રીવ્યુ આપો …!!
શૈશવ વોરા
*(ચેતવણી :- આ બ્લોગને તમે ફોરવર્ડ ચોક્કસ કરી શકો છો, પરંતુ પોતાના નામે કે પછી મૂળ લેખકના નામ વગર કે તેમાં કોઈપણ જાત ના ચેડા કરીને મુકવો તે સંપૂર્ણપણે ગેરકાયદેસર છે, જે કોઈ વ્યક્તિ તેવું કરશે તો કોપીરાઈટ એકટ નો ભંગ ગણાશે અને તે પ્રમાણે કરનાર સામે કાયદેસર કાર્યવાહી ચોક્કસ કરવામાં આવશે..)*