ગઈકાલે જીમનું એક હમણાં હમણાં જ બાળકમાંથી એકદમ તાજું તાજું જુવાન થયેલું ટેણીયું મને કહે ભાઈ આ ચૌદમી તારીખનું બધ્ધું ફુલ્લ થઇ ગયું છે,એકેય હોટેલમાં ઓનલાઈન બુકિંગ અવેલેબલ નથી..!!
ક્યારેક તો એમ થઇ જાય હો..અરે રે ભગવાનીયા આ હળાહળ કળજગ માં જન્મ આપવો તો તારે શૈશવને તો પછી છેક છેલ્લે જ જન્મ આપવો હતો ને યાર..
આ તો બધું એવું ને કે અમારે બધું જોયા જ કરવાનું, અને દુઃખી થવાનું .. બળ્યું ,
ના આ ઉંમરે `ટીંડર` મોબાઈલમાં ઇન્સ્ટોલ કરાય કે ના પેલી લગ્નોની સાઈટ ઉપર જઈ ને ફેક આઈડી ખોલીને કઈ થાય..!
( હવે કોઈને એમ ખબરના હોય કે ટીંડર એ ડેટિંગની સાઈટ છે તો પછી એમણે કપડા કાઢી અને તાત્કાલિક બસ્તરના જંગલોમાં જઈને ઝાડ પાન ના વસ્ત્રો ધારણ કરી લેવા જોઈએ )
અરે રે..અભાગિયા તો કેવા અમારી જેવા પાંત્રીસથી પંચાવનવાળા, પેલું વોટ્સ એપ એ બાયોમેટ્રિક આઇડેન્ટિટી ચાલુ કરી, પણ હવે પરણેલા માટે શું કામનું હે ..?
પાસવર્ડ ની પેટર્ન પણ `આપી` રાખવી પડતી હોય ત્યાં વધારાની સિક્યુરીટી રાખીને કરવાનું શું ..?
કેવા કેવા ત્રાસ ભગવાન આપે છે નહિ જીવનમાં ..!!
પણ સાલું કેહવું પડે હો આ હાજાં ગગડાવી નાખે એવી ઠંડી બિલકુલ ચાર મહિનાથી ચાલી આવે છે અને એમાં આ ચાર ચાર મહિનાની પાક્કી ઠંડીમાં પ્રેમની મોસમ પુરબહારમાં ખીલી છે..
૨૦૧૯નો ઓગસ્ટ ,સપ્ટેમ્બર થી લઈને છેક ૨૦૨૦ ફેબ્રુઆરી સુધી ગાયનેકોલોજિસ્ટ ને ફુલ્લ સીઝન મળવાની..!!
વાયરા વા`ય છે,પણ વાસંતી વાયરાની બદલે શિશિરના વાયરા વા`ય છે હજી …!
શિશિર`ભાઈ` આ વર્ષે જવાના મૂડમાં જ નથી લાગતા..!!
ઋતુરાજ વસંત નો ખીલવા નો વારો આવશે કે પછી સીધી ગ્રીષ્મ આવશે એ સમજાતું નથી..!!
આજે આમ તો વસંત પંચમી છે પણ ઠંડક જબરી જોરદારની જામેલી છે એટલે આજથી ઋતુરાજ વસંત નો ફોર્મલી પ્રારંભ થયેલો ગણવો, બાકી શાસન તો શિશિરકુમારનું જ છે અને હજી થોડા દિવસ રેહશે એવું લાગે છે..!!
આ વખતે વસંતઋતુમાં પ્રેમ કરવાનો દિવસ આપણો `દેશી` અને `વિદેશી` પ્રેમ કરવાનો દિવસ નજીક નજીક છે , ચાર દિવસનો જ ફર્ક છે..જો કે ધોતિયા મૂકીને પેન્ટ પેહરતી થયેલી પ્રજાને વસંતપંચમી એટલે પ્રેમ કરવાનો દિવસ એવી પણ ખબર નથી રહી ..અને ઉપરથી સળંગડાહ્યા સંસ્કારી લોકો એ વસંતપંચમી ને ફક્ત સરસ્વતી પૂજન નો દિવસ એવું ઠેરવી દીધું છે..!!
પ્રેમ એટલે શું ? નાકના ટીચકા ચડે પ્રેમ ના નામ સાંભળીને એ બધા ના..
વસંતપંચમી એટલે કેસુડાંના ફૂલના પાણીએ પ્રીતમ અને પ્રિયતમાના સહસ્નાનની શરૂઆત કરવાનો દિવસ..!!
કૃષ્ણ એમ કહે કે ઋતુઓમાં હું વસંત છું ,પણ મહાકવિ કાલિદાસ એમ કહે કે ઋતુરાજ વસંત એ કામદેવનો પુત્ર છે..!!
વસંતપંચમી એટલે રતિ અને કામદેવની પૂજા કરવાનો “પણ” દિવસ..!!
મને ઘણીવાર થાય કે આજકાલના ફૂટી નીકળેલા વેલેન્ટાઈનીયા પ્રેમના નામે હોટલમાં રૂમ બુક કરાઈ ને બે ત્રણ કલાકે બાહર નીકળતી વખતે મોઢા સંતાડતા ટણપાઓ ને ખરેખર તો કેહવું જોઈએ અલ્યા મોઢા છપ્પા આમ ભાગ નહિ, તારી સાસુ ના સસરા વેલેન્ટાઈન કરતા આપણા રતિ`બા`અને કામદેવ `દાદા` ઘણા આગળ હતા,
તારા અને આખી દુનિયાના અસ્તિત્વ માટે પણ એ જ જવાદાર છે બકા ..
ના ભાગે આમ..મોઢા સંતાડતો..સંતાડતો ..!!
હશે..ટોપા .. પ્રેમ કર્યો તો કર્યો,
પેલા મધુ “માસી” કહીને ગયા છે..જબ પ્યાર કિયા તો ડરના ક્યા, પ્યાર કિયા કોઈ ચોરી નહિ કી છુપ છુપ કે આહે ભરના ક્યા..
અજીબ દુનિયા જઈ રહી છે..જાહેર કાર્યક્રમમાં યુવતીઓ બિન્દાસ્ત પૂછી રહી છે મોટીવેશનલ સ્પીકર કે કોઈ ગુરુઓ ને કે શારીરિક સંબંધ લગ્ન પેહલા બાંધવો જોઈએ કે નહિ ..?
કેરિયર ની લાહ્યમાં છોકરા છોકરી પરણવાની ઉંમર ચુકી જાય છે અને પછી બધા કોંઠાકબાડા ઉભા થાય છે..!
મારી આગળ પણ આવા સવાલ આવી ને ઉભા રહી જાય છે,
શું કરું શૈશવભાઈ..?
ત્યારે શૈશવનો સામો સવાલ હોય છે, મારા રોકાયે તું રોકાવાની કે રોકાવાનો છે ? તો પછી મારી શું કામ મે`થી મારે છે યાર..તમતમારે જાવ અને આઈડી કાર્ડ ઉપર એન્ટ્રી આપતી હોય એવી હોટલ માં ઓફિશિયલી રૂમ બુક કરી ને `મજા` લ્યો..!!
સવાલ પુછવાવાળા ને બસ્સો ટકા શારીરિક સબંધ બાંધવો જ હોય છે, પણ `બીલ` આપડા નામનું ફાડવું હોય કે જો શૈશવભાઈ એ પણ હા પાડી દીધી છે ..એની માં ને..
એકેય સીધી `ગાય` આજ સુધી પુછવા નથી આવી, કેમકે જેને આ બધા કોઠાકબાડામાં પડવું જ નથી એ તો પોતાની જાત ને બહુ સરસ રીતે બીજી પ્રવૃત્તિમાં વાળી લેતી હોય છે..!!
એમના માટે વેલેન્ટાઇન હોય કે વસંતપંચમી કે પછી હોળી બધું સરખું જ હોય ..!!
જે ગામ જવું નહિ એનો રસ્તો કેમ પૂછવો ..!!
ઋતુરાજ વસંતના આગમન વિષે મહાકવિ કાલિદાસ એમ કહે છે સમસ્ત સૃષ્ટિ વસંતપંચમીથી લઈને ચૈત્ર મહિનાની પૂર્ણિમા સુધી કામમય થાય છે ,એમાં ફૂલઝાડ ,કીટક થી લઈને મનુષ્ય તમામ જીવમાત્ર કામમય થાય છે અને સૃષ્ટિનો શણગાર સોળેય કળાએ ખીલી ઉઠે છે ..
ઋતુઓ ઉપર મહાકવિએ એમના જીવનનું સૌથી પેહલું મહાકાવ્ય ઋતુસંહાર રચ્યું છે અને એમાં ગ્રીષ્મથી લઈને વસંત સુધી તમામ ઋતુઓ ને આવરી લેવાઈ છે..
જોકે મહાકવિની રચનાઓ ના બેઠા અનુવાદ કરવા જઈએ તો ખરેખર ફેસબુક અને વોટ્સએપ બંને આપણને બ્લોક કરી દે..અને બીજી વાત એ કે આપણું ગજુ પણ નથી..એટલે કોઈકના અનુવાદ કરેલા ભાવાર્થ વાંચી ને આનંદ લઈએ છીએ ..
બાકી તો સંગીતમાં જોઈએ તો આખો રાગ બસંત છે ..
રાગ માહતી આપું તો પૂર્વી થાટ નો રાગ, બંને મધ્યમ લાગે રિષભ અને ધૈવત કોમળ લાગે આરોહમાં રિષભ અને ધૈવત વર્જ્ય અને અવરોહમાં બધા જ સ્વર લાગે..એટલે રાગની જાતિ ઓડવ-સંપૂર્ણ થાય છે અને રાગનું ચલન તાર સપ્તકમાં છે..!
રાગ બસંત ગાવા વગાડવા નો સમય રાત્રીનો અંતિમ પ્રહર છે ,પણ વસંત ઋતુમાં કોઈપણ સમયે ગાઈ વગાડી શકાય છે .
રાગ બસંતના ઘણા બધા રાગ સાથેના કોમ્બીનેશન પ્રચલિત છે બસંત બહાર ,બસંતબુખારી અને બીજા ઘણા રાગ છે જેની સાથેના રાગ બસંત ના સંયોજનો મધુર ભાસે છે.
સંગીત કલાધરમાં જણાવ્યા પ્રમાણે પ્રાચીન વેદકાલીન સમયમાં જઈને જોઈએ તો હનુમત મત પ્રમાણે છ મુખ્ય રાગ અને પછી એમની રાગીણીઓ છે એ જ રીતે ભરત મત અનુસાર પણ છ મુખ્ય રાગ અને રાગીણી એમની ભાર્યાઓ છે, અને આ બંને મત અનુસાર વસંત રાગ એ શ્રી રાગ ની ચોથી ભાર્યા છે, અને વસંત રાગીણી નું વર્ણન આવું કૈક છે..
શરીર નો રંગ શ્યામ છે ,અંગે શ્વેત અથવા લાલ વસ્ત્રો પેહર્યા છે , શરીરે કેસર નો લેપ કરેલ છે , માથે મોરપિચ્છ નો મુકુટ છે ,એક હાથમાં આંબાના મોહર ના ગુચ્છ છે અને બીજા હાથમાં નાગરવેલના પાનનું બીડું છે ..!! એની ચારે તરફ ભ્રમર ગુંજારવ કરે છે અને પોતના પતિ શ્રી રાગને મોહ ઉપજાવે એવી વસંત રાગીણી બાગના એક ખૂણા માં સખીઓ સાથે ગઈ બજાવી ને નૃત્ય કરી રહી છે..
કોઈ એમ પણ કહે છે કે શ્રી કૃષ્ણ સાથે વસંત રાગીણી વસંત ખેલી રહી છે..!!
જય હો… જય હો … ગિરિધારી..
શૈશવને ગમતી ચીજ ..
સ્થાયી
આઈ બસંત બહાર રંગીલી
હરખ હરખ જિયરા નવેલી
પિયા કે મિલન કી આસ લગેલી
અંતરો
પાત પાત ઔર ડાર ડાર પર
વૃક્ષ વૃક્ષ હર ફૂલ ફૂલ પર
છાઈ અજબ હરિયાલી ઝુકેલી
આઈ બસંત બાહર રંગીલી..!!
આપ સહુ પણ આ વસંતમાં ખુબ વસંત ખેલો,મનભરી ને વસંત માણો, એવી કામના સાથે બધાને ઋતુરાજ વસંતના વધામણા.!!
આપનો
શૈશવ વોરા