આજે વસંતપંચમી..ઋતુરાજ વસંતના વધામણા કરવનો દિવસ અને મારા જેવા માટે રાગ વસંત(બસંત) સાંભળવાનો અને જોડે ગઈ લેવાની તક..
પૂર્વી થાટનો રાગ બસંત તાર સપ્તકમાં ગવાય અને વગાડાય, બડા ખ્યાલ મોટેભાગે કોઈ બસંતમાં ગાતું નથી, કેમકે તાર ષડજને સતત ચમકતો રાખવો પડે અને પાછું બસંત રાગનું ચલન પણ તાર સપ્તકમાં છે એટલે મધ્ય નિષાદ અને તાર રિષભ વારે વારે લેવા પડે..
બસંતમાં નાની નાની ચીજો તરાના, ચતરંગ, હોરી,અને ટપ્પા ખુબ ગવાય , જો બડા ખ્યાલ મારા જેવો કોઈ ઉપાડે એટલે ગળાની વાટ લાગી જાય અને છાતીમાં જોર જોઈએ..!
પેહલા બે ચાર સ્વર મંદ્ર અને મધ્ય સપ્તકના લઈને સીધા તાર ષડજ પર દોડી જવાનું..
પણ મારો ઘણો ગમતો રાગ, મજા આવે એક સફેદનો સૂર લઈને તાનપુરો પકડીને ગાવાની..
આઈ બસંત બહાર રંગીલી..
પાત પાત ઔર ડાલ ડાલ પર
વૃક્ષ વૃક્ષ હર ફૂલ પર
છાઈ અજબ હરિયાલી ઝુકેલી ..
ગમધનીસાં..નીધપમ ..મગરેસા .. સા મમમગ મગમ
ધ ની સાં ની ર્રે ની ધ પ મગ મ
ગ રે સા ..ગ મ`ધ ની સાં ..
બસ જ્યાં આ ..સા મમમ ગ. આવે એટલે બસંત રાગ પૂર્વી થાટના બધા રાગથી છુટો અને જુદો પડી જાય, ગંધાર અને મધ્યમ તીવ્રથી ઉપાડેલો રાગ તાર ષડજ થી પાછો આવીને ષડજ મધ્યમની સંગતી દેખાડે એટલે મન ખુશ ખુશ થઇ જાય,
જાણે જોરદાર વાતા વાસંતી વાયરાની વચ્ચે આવતી નાનકડી એવી એક રાતરાણીની સુગંધી પવનની લેહરખી..આ આખા રાગની વચ્ચે આ ષડજ મધ્યમની સંગતી..મનડુ તરબતર થઇ જાય
ફિલ્મી દુનિયામાં તો બસંત અને બહાર રાગના કોમ્બીનેશન અઢળક વપરાયા છે,
મને બસંત રાગ ,રાગ બહાર કરતા થોડો વધારે ગમે છે, કારણ એવું કે બસંત રાગ ગાતી વખતે એકદમ મર્દાના ફીલિંગ આપે છે અને રાગ બહાર થોડી ફેમીનાઈન ફીલિંગ આપે..
બહાર રાગમાં મુજરા બહુ થયા છે અને થોડી નજાકત વાળો રાગ છે જયારે બસંત એકદમ ખડો મર્દ ,પણ પ્રેમિકાને ગમે એવો થોડો સ્ત્રૈણ અને નાજુક..
બસંતમાં હોરી ખુબ ગવાય અને રંગ રાગના રસિયાઓ માટે તો આજથી જ ફાગણ અને હોળી..
ભર પિચકારી તક તક મારી
ભીંજ ગઈ મોરી ચીર..
સાંવરો ખેલ રહ્યો હૈ હોરી ..
તટ જમુના કે તીર..
કેવી મજા જ મજા..! ભર પિચકારી તક તક મારી ..અને એ પણ જમુનાને તીર..મારો કાળીયો નાલાયક ..કેસુડા,ગેંદા,મોગરા..અને કેતકી ,ગુલાબ, ચમેલીના ફૂલ અને રાધા.. જય હો રાધા રાણી .. જય હો ગિરિધારી ..
અબીલ ગુલાલ કેસર
પિચકારી અનેક રંગ બહેગો
ધૂમ મચાઈ મોહન બ્રીજ મેં.. રી..
પખાવજની થાપ અને દ્રુવપદ અને ધમાર ..
કડ ધે.. ટ… ધે …ટ ધા …ગે તે..ટ… તે..ટ .. તા ..
જોડે વાગે નાલ અને એની થપાટ એવી આવે કે જીવારી જાય નાભી ની સોંસરવી..! નાદબ્રહમ ગુંજે ચારે તરફ..!
દૂર છેક કૈલાસે બેઠેલા જટાધારીને એકવાર એમ થઇ જાય કે આ અંગે ચોળેલી ભસ્મને જમનામાં ડુબાડી અને એના કિનારે રંગ રાગમાં સતીની જોડે ખોવાઈ જાઉં..!
લાલ ગોપાલ ગુલાલ ..હમારે આંખીન મેં જીન ..પંકજ લોચન ..
બસ આ છે મારી રંગ રાગ અને રસની ભરેલી છલકતી દુનિયા..!
માં સરસ્વતીને પ્રણામ,વંદન અને તારું ઋણ સ્વીકાર માં..
મારા ઘરમાં સૂર્ય ચંદ્ર તપે ત્યાં સુધી રેહ્જે..!!!
મારી મમ્મીના શબ્દોમાં કહું તો.. મારા ઘરમાંથી લક્ષ્મી જશે તો કોઈ વાંધો નથી પણ માં સરસ્વતી તો કોઈપણ સંજોગમાં ના જ જવી જોઈએ..!
હંસ વાહિની હે ..હંસ વાહની હે..
સા ધ ધ પધની પ પ પ ગ રે સા .. રાગ ભટીયાર..
અમે તો કેવળ બિંદુ ..
તુજ અંગુલી સ્પર્શ કરે ત્યાં સૂરના છલકે સિંધુ..
હંસ વાહિની હે..
પૂર્વ દિશાની તું અરુણાઈ..
કિરણે કિરણે તું રહે છાઈ..
તવ દ્યુતિ રહે ગગને છાઈ વિદ્યા દાઈની હે..
હંસ વાહિની હે..
આરધના તારી અને પૂજા લક્ષ્મીનારાયણની ..!
તારી કૃપાએ સાત સૂરને ઓળખ્યા અને આવર્ત કોષ્ટકના રસાયણોને જાણ્યા..!
સર્ગ થી નિસર્ગ સુધી પોહચેલી આ રત્નગર્ભાના યૌવનના વધામણાના આ દિવસે..
प्रथमं भारती नाम, द्वितीयं च सरस्वती ।
तृतीयं शारदा देवी, चतुर्थं हंसवाहिनी ॥
पञ्चमं जगती ख्याता, षष्ठं वागीश्वरी तथा ।
सप्तमं कौमुदी प्रोक्ता, अष्टमं ब्रहचारिणी ॥
नवमं बुद्धिदात्री च, दशमं वरदायिनी ।
एकादशं चन्द्रकान्तिः, द्वादशं भुवनेश्वरी ॥
द्वादशैतानि नामानि त्रिसन्ध्यं यः पठेन्नरः ।
जिह्वाग्रे वसते नित्यं ब्रह्म रूपा सरस्वती ॥
સૌ ને વસંતપંચમીની શુભકામના..!!
શૈશવ વોરા