ઘમ્મર ઘમ ..ઘમ..ઘમ કરતો ભાજપનો વિજય રથ આગળ વધી રહ્યો છે , સેહજ પણ કાચું કપાય નહિ એની પુરેપુરી તકેદારી સાથે ભાજપ રણમેદાનમાં ઉતર્યું છે..
એકે એક વર્ગનો સાથ સહકાર મળી રહ્યો છે, પરિણામો માટે અદ્દભુત કરતા પણ બીજો કોઈ શબ્દ શોધી અને વાપરવો પડે એવી સ્થિતિ વર્તાય છે ..
૮ ડીસેમ્બર પછીની અપેક્ષા શું ?
ગુજરાતના વેપાર ધંધાને ટ્રેક ઉપર લાવવાના..
જીએસટીના કલેકશન વધે છે પણ સરકારમાં બેઠેલા બેચાર બુદ્ધિવાળા લોકો પણ સમજે છે કે આ મેન્યુફ્રેકચરીંગના આંકડા નથી, જ્યાં સુધી ઉત્પાદન નહિ વધે ત્યાં સુધી બધું નક્કામું છે અને ઉત્પાદન વધારવા માટે અનહદ એમઓયુ કરી કરીને દુનિયાભરમાંથી મોટી મોટી કંપનીઓ ગુજરાત ખેંચી લાવ્યા છે તો પણ રોજગાર અને સમૃદ્ધિની છોળો તો ત્યારે જ ઉડે કે જ્યારે એમએસએમઈ એટલે કે નાનો ઉદ્યોગકાર-વેપારી આગળ વધે ..!!!
ગુજરાતના નાના ઉદ્યોગકારને આજે નવી જમીન ખરીદીને ઉદ્યોગ નાખવો એ કોઈપણ રીતે વાયેબલ નથી થઇ રહ્યો, મશીનો નવા લઈને ઉત્પાદન કરવાનું છે, મશીન ખરીદવામાં ભાવ યુરોપના ચુકવવાના છે અને માલ વેચાતી વખતે ભાવ ચીન દેશના મળે છે ..!!
બે બાજુ થી ઠોકાઈ રહ્યો છે એમએસએમઈ વાળો..!!
નાની રાહતની આશા જાગી હતી એમએસએમઈને કે સરકાર કૈક સોલારમાં સબસીડી ઉદ્યોગ માટે આપે તો આપણે પણ કારખાનાના છાપરે સોલાર નાખીને ચારપાંચ વર્ષે બે પાંદડે થઇએ કે ના થઇએ પણ સેહજ સુકી ડાળીમાં પ્રાણસંચાર થાય..!!
પણ હાય રે કિસ્મત … દયાહીન થયો છે નૃપ ..રસહીન થઇ છે ધરા ..!!
એમએસએમઈને વીજળી અને પાણી આ બે બીલમાં રાહત મળે, ફાયર સેફટીના સાધનો વસાવવામાં મદદ મળે, પ્રદૂષણ નિયંત્રણના સાધનો લાવવામાં સહાય મળે, સીસી અને ટર્મ લોનના જરાક વ્યાજમાં રાહત (આખે આખી લોન માફ કરવાનું ઉદ્યોગકાર કે ખરો વેપારી માણસ ક્યારેય ના કહે હોં ..)
આવું થોડું ઘણું થાય તો કમળ ખીલે એની જોડે જોડે આખા બગીચામાં બહાર આવે..!!
એક નગ્ન સત્ય છે ભારત દેશમાં “નાનો વેપારી અને ઉદ્યોગકાર એ પોતાના રૂપિયે જ ઉભો થયો છે અને ટક્યો છે..”
જો કે આ સત્યનો સ્વીકાર કરતા બહુ જોર આવે છે બધાને પણ જે સાચું છે એ છે જ ..!!
મોટા મોટા ઉદ્યોગ અને એમના એસોસિએશન હંમેશા એમ કહે છે કે નાના ઉદ્યોગ અને વેપારીઓએ ગરીબી પેદા કરી છે અને ગરીબને ગરીબ જ રાખ્યો છે જયારે હું સ્પષ્ટ માનું છું કે નાના નાના વેપારી અને ઉદ્યોગોએ દેશને ટકાવી રાખ્યો છે ,બચાવી રાખ્યો છે ..!
એક દલીલ એવી આવે છે કે “નાના વેપારી કે કારખાનેદાર ક્યારેય લાખ રૂપિયાના પગારદાર પેદા નહિ કરી શકે એની સામે મારો જવાબ છે કે લાખ રૂપિયાના પગારદાર ભલે પેદા ના કરી શકે પણ લાખ માણસોને રોજી એ લોકો જ આપી શકે છે ..!!”
થોડાક સમય પેહલા એક વોટ્સ એપ કલીપ આવી હતી તેમાં જાપાનના એમએસએમઈ ઉદ્યોગોની ઝલક બતાડવામાં આવી હતી,
જેને તમે અને હું રોકેટ સાયન્સ કહીએ છીએ તે તો સાવ નાના કારખાનામાં વપરાઈ રહ્યું હતું , રોકેટના ભાગો સાવ નાનકડા કારખાનામાં બનતા હતા ..!!
અપગ્રેડેશન …
એક બહુ જૂની કેહવત .. “નાનેથી મોટા થવાશે ..મોટેથી મોટા ના થવાય..!!”
લીવર બ્રધર્સને કોમ્પિટ કરવા હોય તો કરસનભાઈ પટેલ જોઈએ નિરમા ઉભી થાય..!!
રિલાયન્સનો પાયો નરોડા જીઆઇડીસીમાં છે હજી પણ ..!!
વેપલાની ધરતી છે આ ગુજરાત ..!
કાંડાના કૌવતને મગજની મારામારી કરીને એન્ટરપ્રાઈઝ ઉભા થયા છે..!!
એક `એબ` પણ છે અત્યારના ગુજરાતી નાના ઉદ્યોગકારોમાં અને વેપારીઓમાં..એને રૂપિયો-વળતર અત્યારે જમીનો અને શેરબજારમાં વધારે દેખાય છે એટલે ઉદ્યોગમાંથી કે વેપારમાંથી કમાયેલો રૂપિયો બે-પાંચ વીઘા કે બસ્સો પાંચસો એકર જમીનમાં “ઇન્વેસ્ટ” થઇ જાય છે, સરવાળે ઉદ્યોગ કે વેપાર માર ખાય છે અને માલ ખાઈ જાય છે જમીનો ને બિલ્ડર ..!!
માન્યું કે ઘરના ઘર બધાને આપવાના છે એટલે ગરજ ઘણી બિલ્ડર લોબીની, બીજી ગરજ રોકડા, ચૂંટણી લડવાના પણ આપી જાણે રાજકીય પક્ષોને એટલે પણ ગરજ ખરી ,પણ ગાય દોહવાય છે અને કૂતરી પીવે છે..!!
ક્યાંક સર્વે વાંચ્યો હતો કે અમદાવાદ નગરીમાં લાખ્ખો ફ્લેટ ખાલી પડ્યા છે..!!!
બોલો…. એક બાજુ રસ્તે રખડે છે વસ્તી અને બીજી તરફ ફ્લેટો ખાલી પડ્યા છે..!
શું કરશો ?
યાદ છે…“ખેડે તેની જમીન ..!”
ઉગામો દંડો ,કરો ખાલસા ..નવરી પડી રહેલી જમીનો અને ખાલી પડી રહેલા ઘરો ..!!!
બીજો કોઈ નવીન રસ્તો હોય તો એ કરી જુવો પણ ખાલી દુકાનો, જીઆઇડીસીમાં ખાલી પડેલી જમીનો અને ખાલી ફ્લેટ્સ ,મકાન આ બધું રાષ્ટ્રીય સંપદા અને સંસાધનોનો દુર્વ્યય છે..!!
દાબેલી ,સેન્ડવીચ ,મેગીની લારીઓ અને રેસ્ટોરન્ટ ઉપર જીએસટી નાખીને અને ખાલીને ખાલી જે હજી પણ રોકડાના ટ્રાન્ઝેકશન છે એને ડીજીટલમાં ફેરવી નાખીએ એટલે પાંચ ટ્રિલિયનની નજીક પોહચી જવાય પણ એનો અર્થ નહિ સરે જ્યાં સુધી મેન્યુફેક્ચરિંગ ક્ષેત્ર મજબૂત ના હોય..!!
વેપાર ધંધાનો રૂપિયો વેપાર ધંધામાં ફેરવો તો જ વેપાર ધંધો આગળ વધે , એના માટે નાના વેપારી ઉદ્યોગકારને પણ જમીનોના ,ફ્લેટોના અને સરબજારના લોભ-મોહથી જરાક દૂર જવાય એ પણ એટલું જ જરૂરી છે..!!
કોઇપણ સરકાર આવે ,પણ એણે વર્તવાનું ટ્રસ્ટીની જેમ ..
આજે જે રાહત માંગી રહ્યા છે એ લોકો એમના ટેક્ષ ના રૂપિયામાં રાહત માંગી રહ્યા છે, અરે એવી કૈક ગોઠવાયા કે જેટલો જીએસટી ભર્યો હોય એના અમુક ટકા રાહત પેટે મળે પણ કૈક થાય અને રૂપિયો ફરે તો કામ થાય..!!!
એકબીજાની જેલસી કરીને કે ટાંટિયા ખેંચીને આગળ નહિ વધાય એ નક્કી..!
રાજકારણીએ લુચ્ચાઈ દોન્ગાઈ છોડવી રહી ,અધિકારીએ ભ્રષ્ટતા છોડવી રહી અને વેપારી ચોરી ..!!!
શુભ રાત્રી
શૈશવ વોરા
*(ચેતવણી :- આ બ્લોગને તમે ફોરવર્ડ ચોક્કસ કરી શકો છો, પરંતુ પોતાના નામે કે પછી મૂળ લેખકના નામ વગર કે તેમાં કોઈપણ જાત ના ચેડા કરીને મુકવો તે સંપૂર્ણપણે ગેરકાયદેસર છે, જે કોઈ વ્યક્તિ તેવું કરશે તો કોપીરાઈટ એકટ નો ભંગ ગણાશે અને તે પ્રમાણે કરનાર સામે કાયદેસર કાર્યવાહી ચોક્કસ કરવામાં આવશે..)*