કાલનો દિવસ કૈક ખાસ રહ્યો, સવાર પડ્યે જીમ પતાવીને ફટાફટ ગાંધીનગર દોડ્યા..ગાંધીનગર વિધાનસભામાં જવું હતું..! વ્યવસ્થા પાકી ગોઠવાઈ હતી..!
લાલ બત્તીવાળી ઈનોવામાં અમે એક અલગ દરવાજેથી વિધાનસભામાં પ્રવેશ્યા, મારી ગાડીમાં કમાન્ડો બેસી ગયા હતા,જનરલી અઠવાડિયામાં બે દિવસ મારી જોડે ગાંધીનગર આવતો મારો ડ્રાઈવર બાપડો આટલી સ્પીડમાં ગાડી ક્યારેય નથી ચલાવતો..પણ આજે તો ચમચો બરાબર દબાવીને રમરમાટ દોડાવતો હતો, શું કરે ? લાલ બત્તીને ફોલો કરવાની હતી એને બિચારાને,અને “પેલા” એની જોડે હતા..!
એન્ટ્રી તો બહુ ઇઝી હતી,પણ નજર ફરી વિધાનસભાના બિલ્ડીંગ ઉપર..બાપ રે બાપ, શું “ખસતા” હાલત છે આખા બિલ્ડીંગની,ભયંકર દયાજનક હાલત છે વિધાનસભાના બિલ્ડીંગની,તાત્કાલિક અસરથી જબરજસ્ત રીનોવેશન માંગે છે, અંદરના પીલ્લરસ(કોલમ્સ)મને ક્યાંક વાંકા લાગ્યા અને કન્ફર્મ કરવા બીજા જોડે જે ભાઈ હતા એમને પૂછયુ કે આ લગભગ પચાસ ફૂટ ઉંચો પિલ્લર મને કેમ ઉપરથી વાંકો લાગે છે..?મારી આંખ વાંકી છે કે ખરેખર વાંકા છે? એ ભાઈ સદભાગ્યે એન્જીનીયર હતા મને કહે તમારી આંખ બરાબર છે,ચારેક ઇંચ આઉટ છે..!
એક જમાનામાં એક્સ્પોઝિંગ કરેલું હશે (સિમેન્ટ જેવું જ ફીનીશ દેખાય અને એ થોડું મોંઘુ પડે) અને એની ઉપર એકાદી સરકારે ચૂનો ફેરવી દીધો હશે..એટલે એક્સ્પોઝિંગના રૂપિયા ગયા પાણીમાં..!અને એક્સ્પોઝિંગ કર્યું હોય એટલે પ્લાસ્ટરમાં ફીનીશીંગના હોય એટલે વિધાનસભાની દિવાલો પરનો લગાડેલો ચૂનો જે જોરદાર આંખમાં વાગે..!! અને એમાં પણ ચારે બાજુ જામેલા “બાવાજાળા”..!
મારા મમ્મી પપ્પા પેરીસ ફરવા ગયા હતા,અને મેં પૂછ્યું કેવું લાગ્યું? ત્યારે મમ્મીનો જવાબ હતો આખા એફિલ ટાવરમાં “બાવાજાળા’ બાઝેલા છે, રૂપિયા બહુ જ લે છે,પણ મેન્ટેનન્સના નામે ઝીરો છે અને હું અકળાઈ ગયો હતો મોમ પર તમે પણ શું ત્યાં એફિલ ટાવરના બાવાજાળા જોવા ગયા હતા..!
પણ યારો આજે મારી હાલત પણ એવી જ થઇ, જુનું અને જર્જરિત થઇ ગયેલું વિધાનસભાનું બિલ્ડીંગ જોઈ ને જીવ બળી ગયો,ચારેબાજુ બાવાજાળા બાઝેલા હતા,મનમાં એક સરસ મજાની કલ્પના લઈને ગયો હતો, એવું ચોક્કસ હતું કે સેવન સ્ટાર તો નહિ હોય,પણ ફાઈવ સ્ટાર લેવલનું તો બધું હશે,પણ આ તો નીકળી ધર્મશાળા,અને એ પણ અંબાજીની રેવાપ્રભુ સદન આના કરતા ઘણી વધારે સારી..!
ચારેબાજુ એકદમ જાણીતા ચેહરા ફરતા હતા,સત્તાના ગલીયારાની મારી પેહલી મુલકાત હતી,જે લોકોના છાપામાં ટીવીમાં અને હોર્ડિંગ પર રોજ ચેહરા જોતા હોઈએ એ બધા સામે હતા ક્યાં તો આજુબાજુમાંથી પસાર થતા હતા..!
હું તો બધાને ઓળખતો પણ મને..જવા દો ને.. બહુ ઓછા લોકો..! પણ હા એલિયન ફીલિંગ ચોક્કસના આવે..!
આજે ગુજરાતનું બજેટ વિધાનસભામાં મુકાવાનું હતુ,અને ભાજપના અમદાવાદ શેહરના બધા જ કોર્પોરેટર પ્રેક્ષક દીર્ઘામાં હાજર હતા..જબરજસ્ત વીવીઆઈપી ફીલિંગ આવતી હતી..! નીતિનભાઈ પટેલે એમનું બજેટ ઉદબોધન ચાલુ કર્યું અને બંધ કરાવતા કોંગ્રેસ થાકી ગઈ..! ત્રણ કલાક ખેંચ્યુ વિસ્તારપૂર્વક જ્ઞાનને પ્રદર્શિત કર્યું..!
વિધાનસભાના સફેદ બગલાની પાંખ જેવા કપડા પેહરેલા માર્શલને જોઈને લાગ્યું યાર સ્માર્ટ છે બધા,પણ પેલો મેસેજ યાદ આવ્યો..મોઢું ખુલે પછી ખબર પડે કોલસાની ખાણ છે કે હીરાની..! કોલસાની નીકળી, હેંડો લ્યા હેંડો આગર હેંડો..!
વિધાનસભાનો સ્ટાફ એવું લાગ્યું કે હજી ૧૯૬૦માં જ જીવી રહ્યો છે રગશિયા ગાડા ચાલે છે..ચાલ અને કપડામાં ક્યાય સોફેસ્ટીકેશન નથી..!
ઘણા બધા માનનીય ધારાસભ્યો પણ જોયા પણ..સાથે આવેલા મિત્ર જોડે ચર્ચા કરી કે કેમ આવું..? ભાઈ ધારાસભામાં જવા માટે ચુંટણીમાં જીતવુ એ જ પેહલી લાયકાત છે..બાકી બધ્ધું પછી..!
સાચી વાત છે, લોકતંત્રની ખૂબી કે ખામી,બડબોલા કામ ના કરે અને કામ કરે એ જીતી ના શકે..જીતીને આવેલા ને ટ્રેનીગ આપો તો દરેક ધંધો જેમ હજાર દિવસ માંગે એમ હજાર દિવસ ટ્રેઈન થતા થાય,અને પછી રહ્યા હોય બે વર્ષ ત્યાં તો પાછા અસલી રંગમાં આવવું જ પડે..!
ચૂંટાયેલા જનપ્રતિનિધિને ક્યા કામમાં માસ્ટરી છે કે એનો એરિયા ઓફ ઇન્ટરેસ્ટ શું છે આ બધી બાબતો ગૌણ હોય છે..હવે એમ ના બોલતા કે બધા ને ટ્રાન્સફરો માં જ રસ હોય છે અને કેટલો માલ મળે એમ છે..!
આપડી જિંદગીને ડાયરેક્ટ અસર કરતી જગ્યા છે આ વિધાનસભા..અને ગૃહની બહાર ગૃહની કાર્યવાહી જોવા આવેલી પબ્લિક જોઇને એમ થાય કે હું વિધાનસભામાં છું કે કોઈ ગામડાના મેળામાં..! કોઈ ગામની સ્કુલના ટેણીયા અને એમના માસ્તરો..
હા એક વાત હતી કે આઈએએસ ઓફિસરોને ઢીલા પેહલી વાર જોયા બાકી તો એમનો કડપ જબરજસ્ત,પણ વિધાનસભા બિલ્ડીંગમાં બધુ જ માપમાં આવી જાય..!
એકંદરે કહું તો સાઈટસીનની જગ્યા બિલકુલ નહિ, વહીવટી જગ્યા પણ ચારેબાજુ ગામ ગામથી આવેલા લોકોના ટોળે ટોળા ફરતા હોય,જમીન પર બેઠેલા ગમે ગામથી આવેલા લોકો અને દરેકને કોઈને કોઈ વાતની ઉતાવળ દેખાય..!
બીજીવાર જવાનું થાય તો.. રીનોવેશનનું બજેટ ફાળવ્યું છે ને તો એ કામ થઇ જવા દો પછી જઈશું, અને ત્યાં સુધીમાં તો ધારાસભ્યો પણ “રીનોવેટ” થઇ ગયા હશે..! ઘણા ડોસા ડગરા ઓછા થઇ ગયા હશે..
એ હા બીજી એક વાત ગૃહની અંદર બેઠા બેઠા એક વિચાર આવ્યો, બેચાર ખુરશી ખાલી હતી એ..એટલે પેલી વાત યાદ આવી કે ગુજરાત વિધાનસભા હમેશા ખંડિત જ હોય છે ક્યારેય ૧૮૨ પૂરે પૂરે હોતા નથી,અને જો ૧૮૨ પુરા હોય તો એકાદા ધારાસભ્યને ભગવાન બોલાવી લે છે..!
માનો કે ના માનો પણ ગૃહમાં બેઠા પછી થોડી ભૂતિયા જગ્યા હોય ને એવી ફીલિંગ આવતી હતી ઉચાટ હતો મનમાં..!
કદાચ સમસ્યાથી ઘેરાયેલા વિધાનસભ્યોના “ઓરા” માંથી ઉચાટ બહાર આવીને ગૃહમાં ફરતો હતો..પેલી નો રીપીટની થીયરી આવે તો પછી હવે તો ઘણા બધાની ચાર દિનની ચાંદની પૂરી થવામાં આવી..પત્યું લાલ બત્તી ગઈ માથેથી, ટ્રાફિકમાં ભરાવાનો વારો આવે..
બે ચાર કલાકનુ ગ્લેમર ભોગવ્યુ પણ અણહાગરો લાગે..અને જે લોકો પાંચ પાંચ વર્ષના ગ્લેમર અને પાવર ભોગવીને નીકળે છે એમની શું હાલત થતી હશે..?
ડીપ્રેશન..
જળકમળવત રેહવાની વાતો અશક્ય છે,લળી લળીને થતી વાતો અને એકદમ જોરથી પગ પછાડીને મળતી સલામો..છોડવુ અઘરું છે..!
પણ નિયતિ “અટલ” છે..! અને
“અટલ” પણ ગુમનામીની જિંદગીમાં છે, કે પછી
“અટલ”ની જિંદગીમાં પણ ગુમનામી છે,
તો બિચારા સામાન્ય ધારાસભ્યનું તો શું..?
ચલો આપણે તો બહાર આવી ગયા અને લાગી પડ્યા ધંધે..
શુભ રાત્રી
શૈશવ વોરા
www.shaishavvora.com