વિકાસ વિરુદ્ધ વીકાસ…
જબરી ચાલી છે, જોડણીનું પણ પ્રમાણભાન નથી રેહતું, એટલા જોરશોરથી પ્રજા સામસામે લખે છે..પેહલા જો બકા,વચ્ચે લીજેન્ડ અને પછી કવિ,અને હવે વારો કાઢ્યો છે વિકાસનો..
એક વાતમાં તો દાદ આપવી રહી ગુજરાતી પ્રજાની કે લાગ આવ્યે અચ્છા અચ્છા ચમરબંધીની “ખેંચી” પાડે છે..!
એક વિકાસ દાવો કરે છે કે ભાજપ નિષ્ફળ છે અને બીજો વીકાસ દાવો કરે છે કોંગ્રેસ નિષ્ફળ છે..મજાની વાત તો એ છે કે બંને ખોટા છે..વિકાસે એ પણ કરવાના કામ નથી કર્યા અને વીકાસ પણ કરવાના કામ નથી કરતો..!
અત્યારે તો સાચો કોણ કે ખોટો કોણ એ લગભગ પ્રજાને ખબર નથી,પણ પ્રજા મજા ચોક્કસ લઇ રહી છે..કોઈક “જ્ઞાની” છેક આઝાદી પેહલા ના હવાલા નાખે છે અને કોઈક “વિ-જ્ઞાની” (અહિયા વિજ્ઞાની નો અર્થ વિશેષ જ્ઞાની કરવો) હાલની સરકાર વિપક્ષમાં હતી અને ત્યારે જે બયાનબાજી થઇ હતી એના હવાલા નાખે છે..!
પણ હકીકતે તો વિકાસ અને વીકાસ બંનેની વચ્ચે પ્રજાનો તો ખો નીકળતો જ રહ્યો છે..રોડ રસ્તા ત્યારે પણ બિસ્માર હતા અને અત્યારે પણ બિસ્માર છે..
વિકાસ કે વીકાસ બંને જણાએ થશે એટલું કરીશું બાકી કકળાટ તો ચાલ્યા કરે એની સામે નહિ જોવાનું એવી નીતિ રાખી છે..
વિકાસ સત્તા પર આવે ત્યારે વીકાસ ને કનડે અને વીકાસ નો વારો આવે તો વિકાસને કનડે,અને જ્યાં વધારે હેરાનગતિ થાય થાય ત્યાં તેરી ભી ચુપ મેરી ભી ચુપ..
પણ ગમે તે કહો ગુજરાતી સોશિયલ મીડિયા પર અત્યારે તો “વિકાસ” નો ઘોડો જોર વિનમાં છે..!!
ગુજરાતને માથે ચુંટણી ઝળુંબી રહી છે,મીડિયા મેનેજરો ની જોડે જોડે સોશિઅલ મીડિયાની પેઈડ ટીમો પણ કામે લાગી છે, અને વિકાસ વિરુદ્ધ વીકાસમાં દરેક માણસ પોતાનો રૂપિયો શોધી રહ્યા છે,બનાવી રહ્યા છે,અને પ્રજા કિનારે બેઠી બેઠી મજા લઇ રહી છે..!
પટેલમાં રહેલો એક નાનકડો વર્ગ અને એનું ટેણીયુ એમ બોલે કે ભાજપ ને મત ના આપાય અને ઠાકોર ના નાનકડા વર્ગનો છોકરડો બોલે કોંગ્રેસ ને ભગાવો, એટલે ચૂંટણી લઢાવવામાં એક્સપર્ટ લોકોના પેટમાં તેલ રેડાઈ જાય..
થવા શું બેઠું છે..?!
કોંગ્રેસ આવે છે કે જાય છે ? કે પછી અબ કી બાર …?
પ્રેક્ટીકલી પ્રવાહી પરિસ્થિતિ થઇ ગઈ છે, ક્યારેક તો એવું લાગે કે સાહેબને દિલ્લી મોકલી ને બાવાના બેય બગડ્યા છે,ગુજરાતના સફળ મુખ્યમંત્રી ભારતના નિષ્ફળ પ્રધાનમંત્રી તો સાબિત નહિ થાય ને..?
છેલ્લા ત્રણ વર્ષમાં ગતિશીલ ગુજરાત થી ગર્જે ગુજરાત સુધીની સફર ગુજરાતે જોઈ લીધી, પણ “ગતિ” કે “ગર્જના” કશું જ દેખાયું નહી..એવું લાગે છે કે ગુજરાતના મુખ્યમંત્રી દિલ્લી બેઠા બેઠા વધારે સારું કામ કરી રહ્યા છે જેનું સીધું ઉદાહરણ નર્મદા ડેમના દરવાજા છે..!
એવું કેહવાય છે કે દિલ્લીથી બે કલાક પેહલા હુકમ આવ્યો કે દરવાજા બંધ કરો અને ડેમ સાઈટ પર જાવ,પૂજા અર્ચના કરી આવો..!
અને આવા જ કારણોસર અત્યારે તો કોઈક મશ્કરા દુ:ખતી નસ દબાવી દીધી એ સબ કા સાથ સબ કા વિકાસમાંથી “વિકાસ” ને ઉપાડી લીધો અને પેહલા વિકાસને આઘો મોકલ્યો પછી ગાંડો કર્યો અને પછી તો જનતા જોડાઈ ને જનતાએ ખેંચમતાણી ચાલુ કરી દીધી, પછી પ્રો અને એન્ટી સામસામે આવી ગયા..!
ખરેખર તો કોણે કેટલું કામ પેહલા કર્યું અને પછી કેટલું કામ કર્યું એના કરતા અત્યારે જરૂર છે કે ટાર્ગેટ શું છે અને એ ટાર્ગેટથી કેટલા દુર છીએ એની વાત કરવી જોઈએ..અને વિકાસ અને વીકાસ બંને અત્યારે તો ગુજરાતના જ સંદર્ભમાં જોવા પડે, પણ એમ થવાની બદલે ગુજરાત બિલકુલ નધણીયાતુ દેખાય છે.. ધણીએ દિલ્લીથી આવી ને ધામા નાખવા જ પડશે ,શબ્દકોશમાં શબ્દોની કમી નથી એટલે ધણી કોઈક ને કોઈક બીજા “નારા” લેતા આવશે..!
આમ તો બીજુ કોઈ કારણ નથી પણ બાવીસ વર્ષની એન્ટીઇન્કમ્બ્કસિવ પીક પર છે ,વફાદાર મતદાર વફાદારી બદલે નહિ પણ મત આપવા બહાર ના નીકળે તો કઠણાઈ થઇ જાય..
વિકાસ અને વીકાસ આ બંને શબ્દોની સામસામે ચાલેલી જુગલબંધી એ અત્યારે તો “વિકાસ” નામના એક મોટ્ટા “હથીયાર”ની હવા કાઢી નાખી છે,
૨૦૧૭ની ચુંટણી ટ્રેડીશનલ મીડિયાને બાજુ પર રાખીને ચોક્કસ સોશિઅલ મીડિયા ના મંચ પર જ લડાવાની છે, અને આવા સમયે સૌથી મોટ્ટા હથિયાર વિકાસ ની આવી ખતરનાક “કીરકીરી” જબરજસ્ત ભારે પડે તેમ છે..
વિકાસને બાદ કરી નાખીએ તો પછી મુદ્દો ભ્રષ્ટાચાર એકલો જ બાકી રહે છે ,કોઈ મોટો ભ્રષ્ટાચાર સામે નથી આવ્યો એ એક બહુ મોટી સિદ્ધિ છે, પણ એનો ઉપયોગ ૨૦૧૭ ડીસેમ્બરમાં કેવી રીતે કરવો એ માટે હજી મીડિયા મેનેજરો માથા ખંજવાળે છે, કેમકે જે ભ્રષ્ટાચારનો આધાર લઈને દિલ્લી સુધી પોહ્ચ્યા એમાંના એકપણ ને આજ સુધી મુક્કમલ સજા અપાવી શક્યા નથી..એટલે ભ્રષ્ટાચાર વિકાસ જેટલો અકસીર નથી..!
અને “વિકાસ”ને પોતાની પાસે સાચવી રાખવામાં મીડિયા મેનેજરો મોડા પડ્યા..
“વિકાસ” જે દિવસે “ગાંડો” થયો કે “વિકાસ” થી “આઘા” રેહવાનું આવ્યું ત્યારથી જ “વિકાસ”ને “પકડવા”ની જરૂર હતી હવે તો વિકાસ હાથથી જતો રહ્યો, અને હવે તો ગમે તે મોઢેથી ગમે તેટલું સીરીયસલી “વિકાસ” ને બોલાવો એની મશ્કરી જ થવાની..
મશ્કરી એ કર્યું કારવ્યું ધૂળમાં રોળાય એવી હાલત કરી નાખી..!
અમૃત ઘાયલ ની એક સરસ રચના અને તેની સાથે આવેલો સંદેશો વોટ્સ એપ પર આવી છે શેર કરું છું
મેલું ઘેલું મકાન તો આપો !
ઘૂળ જેવુંય ધાન તો આપો.
સાવ જૂઠું શું કામ બોલો છો,
કોક સાચી જબાન તો આપો.
થોડો ઝાઝો હિસાબ તો આપો !
ખોટો સાચો જવાબ તો આપો !
બાગમાં ભાગ છે અમારો પણ,
એક વાસી ગુલાબ તો આપો.
સુખના બેચાર શ્વાસ તો આપો !
જિંદગાની ભાસ તો આપો !
મુક્ત વાતાવરણના સ્વામીઓ,
કૈં હવા કૈં ઉજાસ તો આપો !
મુક્તિનું એને સાજ તો આપો !
આદમીનો અવાજ તો આપો !
માઈના પૂત માનવીને પ્રથમ,
માનવીનો મિજાજ તો આપો !
અમૃત ઘાયલ
એમ કહેવાય છે કે કવિ શ્રી અમૃત ઘાયલે ઉપરની ગઝલ રાજકોટમાં વડાપ્રધાન શ્રી જવાહર લાલ નહેરુને રૂબરૂમાં સંભળાવી તેથી ત્યારે તે બેઠકમાં સોપો પડી ગયો હતો. આજે પણ આ વાત એટલી જ પ્રસ્તુત છે. .નહેરૂ થી મોદી સુધી આપણે સફર કરી પણ સામાન્ય માનવી ની સ્થિતી એની એ જ રહી….
ઉપરનો આખો વોટ્સ એપ મેસેજ ઘણું બધું કહી જાય છે ,જોઈએ હજી કેટલા દિવસ વિકાસ વિરુદ્ધ વીકાસ ના યુદ્ધ ચાલે છે..!
શુભ રાત્રી
શૈશવ વોરા