નોટબંધી “નિષ્ફળ”..સામાજિક બંધનો “સફળ”..!
૮મી નવેમ્બરે નોટબંધી થઇ ત્યારે અમે જીમમાં હતા,ઘેર આવ્યા બધું સમજ્યા અને મોદી સાહેબની વાણીના વેહણમાં અમે પણ તણાઈ ગયા, હૈયે હરખ હરખ થઇ ગયો હતો કે હવે તો બધા “રોકડા” વાળા ખતમ,
મને થોડું ઘણું નોલેજ હતું કે ભારતની અડધી ઈકોનોમી “રોકડા” ચલાવે છે અને નોટબંધીના પગલાએ એને સમર્થન આપ્યું..!
પણ જેમ જેમ સમય ગયો તેમ તેમ ખબર પડતી ગઈ કે બધા “રોકડા” એ કાળાનાણા નથી..!!
મારી જોડે જોડે જેટલી સાહેબને પણ ખબર પડી ગઈ હા બધા રોકડા એ બ્લેક મની નથી..!
અને નોટબંધી એ જે “રોકડા” કાળા હતા એને ધોળા કરી આપ્યા..!
પૂછો કૈસે ..?
જે લોકો પાસે “રોકડા” હતા એ બધા પાસે મામા,માસી,કાકા, ફઇ,સાઢું,સાળો આવા અગણિત સબંધો પણ હતા..!
અને સબંધો “જીતી” ગયા સરકાર હારી ગઈ..
સમાજનું એક પણ ઘરડું કે જુવાન બેંક એકાઉન્ટ રૂપિયા ભરાવ્યા વિનાનું બાકી ના રહ્યું..!
જે મુંબઈમાં રમખાણ થાય છે, એ જ મુંબઈ પાણીમાં ગરકાવ થાય ત્યારે ઝુપડે ઝૂપડેથી લોક બહાર આવી અને ચાય અને બિસ્કીટ ખવડાવે છે..!
ભારતીય સમાજની ખૂબી છે જ્યાં સરકાર નિષ્ફળ જાય ત્યાં સમાજ “ભાર” ઉપાડી લ્યે છે..! દુનિયાની કોઈ પણ સરકારની તાકાત નથી કે મુંબઈ ના વરસાદે “રખડી” પડેલા લાખ્ખો લોકોને ચાય-બિસ્કીટ ખવડાવી શકે, મેનેજમેન્ટ જ ના થઇ શકે, આ કામ ફક્ત અને ફક્ત સમાજ જ કરી શકે અને સમાજે કરી બતાડ્યું..!
તમને થશે કે નોટબંધી અને મુંબઈના પાણીને ક્યાં સબંધ ..?
છે,
બહુ જ ઘનિષ્ઠ સબંધ છે,અને આ સબંધને સમજીને જે શાસન કરશે એ જ ટકશે ભારતમાં..!
નોટબંધી એ ભારતના લોકો એ વગર કીધે “રાષ્ટ્રીય આફત” ગણી લીધી અને આખે આખો ભારતીય સમાજ એકબીજાને “બચાવવા” કામે લાગી ગયો..જેમ મુંબઈનાં આકાશમાંથી વરસેલા પાણીને “આફત” ગણી લીધો તેમ..
દરેક જણના દરેક ઓળખીતા પાળખીતાએ પોતાના બેંક એકાઉન્ટ ખોલીને આપી દીધા, એકબીજાને સામેથી ફોન કરી કરીને કીધું બેટા મારા ખાતામાં રૂપિયા ભરવા હોય તો જગ્યા છે, કેટલાય લોકો એવા છે જેમણે પોતાના ઘરમાંથી સો સો રૂપિયાની સંઘરી રાખેલી નોટો બહાર કાઢીને આપી દીધી, કરીયાણાએ ઉધાર આપ્યા લાભ લેનારાએ લાભ પણ લીધા..
જાહેરમાં “પ્રવચન” આપનારા લોકો પણ બે ત્રણ મહિનામાં ખુલ્લા મંચ પરથી પૂછવા લાગ્યા બધાને બધું “સેટ” થઇ ગયું ..?
ભારતનું સામાજિક બંધારણ વધારે પડતી ઈન્ટેલીજન્સ વાપરીને જુવો તો ખુબ જ જટિલ છે અને સામાન્ય બુદ્ધિથી વિચારો તો એકદમ સરળ છે..!
એકે એક જણના ખિસ્સામાંથી રૂપિયા કઢાવી અને બેંકમાં ભરાવ્યા અને ભરાવ્યા પછી કટકે કટકે પાછા આપ્યા,
ભીત ભૂલ્યા સાહેબ.. કોઈને લાખ રૂપિયા ઉધાર આપ્યા હોય અને પચ્ચીસ પચ્ચીસના ચાર હપ્તા કરે તો પણ લોકો એને ફરી રૂપિયા ઉધાર નથી આપતા.. “સાલો રૂપિયાના ચાર-ચાર આના કરી ને પાછા આપે છે, વ્યહવારનું કોઈ ભાન છે જ નથી એને” આવા શબ્દો વપરાય છે આવા લોકો માટે,
આજે આંકડા આવ્યા છે જીડીપીના પેહલા ક્વાર્ટરના..બધું ધબાય નમઃ છે..!
લોકોને વધારે પડતું પ્રેશર અને જ્ઞાન આપવાની અસર છે, આ દેશનો સામાન્ય માણસ માંડ માંડ રૂપિયા વાપરતો થયો હતો અને લોન લઈને વસ્તુઓ વસાવવા ની હિંમત કરતો થયો હતો, પણ નોટબંધી એ હિંમત તોડી નાખી અને જીવન ક્ષણભંગુર છે,અનિશ્ચિતતા એ જીવનનો ભાગ છે અને ક્યારેય પણ કઈ પણ થઇ શકે છે આવી જૂની જૂની માન્યતા ને નોટબંધી એ બળ આપી દીધુ..
ભારત નો સમાજ કોઇપણ વસ્તુ વિના જીવી શકે છે,અને કોઈપણ પરિસ્થિતિને જીરવી પણ શકે છે, દુઃખ નું ઓસડ દા`ડા કરીને દિવસો કાઢી નાખે છે..
અને આજે આવેલા જીડીપીના આંકડા આપણે દા`ડા કાઢી રહ્યા છે એની સાબિતી પૂરે છે..!
નોટબંધી પછી વધારે પડતી લીક્વીડીટીને લીધે બેંકો ડીપોઝીટ ઉપર ધીમે ધીમે વ્યાજ ઘટાડી રહી છે, આંતરરાષ્ટ્રીય નિયમો પ્રમાણે બહુ જ સારી વાત છે પણ વ્યાજ ઉપર ખાનારા લોકોની હાલત બગડતી જાય છે કેટલાય વૃધ્ધો એવા છે કે જેમને એમ હતું કે મારી પાસે તો વીસ લાખ ની એફ.ડી. છે ઘડપણ વ્યાજમાં આરામથી નીકળશે.. આજે આઠ ટકા વ્યાજ માંડ છૂટે છે..
ફુગાવો અને વ્યાજનાં દર,આ બે ની આંકડાની રમત એ લોકો ક્યારેય સમજી જ શક્યા નહિ..!
એક આંકડો આવીરહ્યો છે કે ત્રણ લાખ કરોડની લીકવીડીટી બેંકો પાસે આવી છે, કદાચ દુનિયાના કોઈ જ દેશની ફેડરલ બેંક પોતે છાપેલી કરન્સીના આટલા મોટા પર્સન્ટેજ ની લીક્વીડીટી હેન્ડલ કરી શકવા સક્ષમ નથી..
હવે આ ત્રણ લાખ કરોડનું ધિરાણ ક્યાં કરવું અને ધિરાણ કરી ને પાછા કેવી રીતે લાવવા એ જબરદસ્ત મોટું ટાસ્ક છે, અને એમાં બે ચાર માલ્યા કે સહારા શ્રી મળ્યા તો પછી ગાયો દોહીને કુતરી પાવા જેવો ઘાટ થશે..!
MSME સેક્ટર જે આજે પણ લગભગ ૮૩% રોજગારી પૂરી પાડે છે ત્યાં ધિરાણ કરવા માટે ચોખ્ખા સિબિલ રીપોર્ટ નથી,
આગળ કુવો છે અને પાછળ ખાઈ, હાથે કરીને આવી અવસ્થામાં ભરાયા છે, બીજું ક્વાર્ટર થોડું અપ રેહશે કેમકે દિવાળી માથે છે , જો કે ત્રીજા અને ચોથાના કઈ ભરોસા નહિ, લીલો દુકાળ છે આખા દેશમાં એટલે ત્રીજું કવાર્ટર તો ગયું ચોથામાં જે થાય તે..!
અરે હા એમાં પણ જો છેલ્લું ગતકડું કરે કે ફાયનાન્શિયલ ઈયર જો પેહલી જાન્યુઆરીથી કરી નાખે તો પછી ફરી પાછું બધું તૂટી પડશે..!
અત્યારે તો બાર વર્ષે બોલેલો બાવો સાચો પડતો હોય એવું લાગે છે, નોટબંધી વખતે સરદાર મનમોહનસિંહ બોલ્યા હતા કે “નોટબંધી એ લાંબા ગાળા માટે સારું પગલું છે પણ લાંબા ગાળે આપણે બધા મરી ગયા હોઈશું..”
એક નાનકડો પ્રસંગ..
ગયા અઠવાડિયે મદ્રાસમાં થોડું ધંધાકીય કામ હતું એટલે મદ્રાસ ગયો હતો, બે ત્રણ પાર્ટીને મળવાનું હતું, બધું કામ પત્યું પછી પણ થોડી નવરાશ હતી,
ત્યાં એક ખુબ નાનો ઉદ્યોગકાર છે અને એકદમ નાના પાયે ઉત્પાદન કરે છે, થોડાક સમયથી એને ત્યાંથી ઓર્ડર નોહતો એટલે એમ થયું કે થોડોક સમય બચ્યો છે તો લાવ એને ત્યાં પણ એક આંટો મારતો આવું,આમ પણ ઘરાક એટલે ઘરાક નાનો હોય કે મોટો..મો.ક.ગાંધી એ તો એને ભગવાન ગણવાનું કીધું છે..!
હવે જે ઉદ્યોગકારને ત્યાં જવાનું હતું એ લોકો બે ભાગીદાર છે અને આપણે “છેક” ગુજરાતથી આવ્યા હોઈએ એટલે ખુબ પ્રેમથી આવ આવકારો હોય અને જમાડ્યા વિના તમને ના મુકે..
મને આગ્રહ અને માનપૂર્વક જમાડવા લઇ ગયો અમે હોટેલમાં બેઠા બેઠા ધંધા કેમ ધીમા પડી ગયા છે એની ચર્ચા પર ચડી ગયા હતા, અને એ લોકોમાંનો એક ભાગીદાર ખુબ જ સહજતાથી બોલી ગયો “યુ શુડ ટેલ મિસ્ટર મોડી
નોટ ટુ ટેઈક એની મોર હાર્ડ સ્ટેપ અધરવાઈસ બીઝનેસ વિલ બી ફીનીશ ઇન તામિલનાડ..”
મારી હાલત પેલા જોક જેવી થઇ “ મેં એકલાએ વોટ નોહતો આપ્યો..!”
મેં વાતાવરણ સેહજ હળવું કરવા કીધું “ઇવન યુ કેન ડાઈરેકટલી ટેલ હિમ ઓન હીઝ એપ” પેલા ભાઈ તરત જ બોલ્યા “નો સર વી નેવર વોટેડ ફોર હિમ..યુ ગુજરાથ પીપલ ઓન્લી માર્કેટેડ હિમ..”
આખો ઓળીયોઘોળીયો માથે આવ્યો..!
હવે મારે જવાબ શું અપાવો એ સમજણ નોહતી પડતી..નોટબંધી અને જીએસટી. આ બે મુખ્ય સમસ્યા એ બે તમિલ મિત્રો એ એમના ધંધાની મંદી માટે જવાબદાર ગણાવી..!
મને એક સાથે ઘણા વિચારો આવી ગયા પણ હવે એની સામે ક્યાં કઈ બોલવું એટલે ધીમેકથી ટોપિક બદલી નાખ્યો..અમ્મા`ઝ ડેથ વોઝ નેચરલ ..? એમ કરીને વાત ફેરવી નાખી..!
પણ કેવી હાલત થાય આપણી ? પાંચ સાત વર્ષ પેહલા એ જ બંને તમિલ મિત્રોને મળ્યો ત્યારે મોદી મોદી કરીને એટલા વખાણ કર્યા હતા એટલે આજે એ પાર્ટીએ બધું જ મારે માથે માર્યું..!
કેમ આવું થઇ રહ્યું છે ? શું ખરેખર કેન્દ્ર સરકાર ક્યાંય અટવાઈ ગઈ છે ? એક સાથે ધડાધડ નિર્ણયો લીધા અને ફસાઈ ગયા ?
અમારી વાતની શરૂઆત થઇ હતી બસ્સો રૂપિયાની નોટની જાહેરાત થઇ એનાથી, એ પેહલા નવી પચાસ રૂપિયાની નોટની જાહેરાત થઇ હતી..
નોટબંધી ની “ફડક” એટલી મોટી સમાજમાં પેસી ગઈ છે કે સરકાર હવે ક્યારે શું કરશે એની સતત જનતામાં બીક રહ્યા કરે છે..! અને એમાં પણ જે ધમકીઓ આવે છે કોઈને છોડીશું નહિ,આટલી કંપની ને તાળા માર્યા તેટલા લોકો નવા કરદાતા થયા..!
યાર કાન્ટ યુ શટ ફોર અ વ્હાઈલ ?
વાત એવી હતી કે ચોરો ને પકડી અને જેલમાં ઘાલીશું,રાજકારણીઓના રૂપિયા ઓકાવીશું પણ એની બદલે લગભગ ચાર વર્ષ થયા એકલા અને એકલા ટેક્ષ પેયરો ને ફીટ કરવામાં આવી રહ્યા છે..!
સમાજનો ઉપલો વર્ગ શાંતિથી બેઠો છે અને નીચલો વર્ગ કોઈ કારણ વિનાનો ફફડ્યા કરે છે..!
સમાજના બધા જ વર્ગને પકડી પકડીને મેઈન સ્ટ્રીમમાં લાવવાની વાત છે..પણ એકસાથે એટલા બધા મોરચે લડાઈ ખોલીને બેઠા છે કે એક સાંધતા તેર તૂટે છે..!
આજે પેહલી વાર જીંદગીમાં “ચીફ સ્ટેટેશિયન” ને જોયા,એમના કેહવા પ્રમાણે નોટબંધી આજના આવેલા આંકડા માટે જવાબદાર નથી, તમે કહો એ સાચું ભાઈ અમે તો તમને જોયા જ પેહલી વાર..!
ભગવાન હવે જેટલી સાહેબને બચાવે અને આપણને પણ..!
શુભ રાત્રી
શૈશવ વોરા