Ustad Asad Ali Khan: Rudra Veena recital: Raga Asavari: https://youtu.be/mGAGzK1srS4
મારું મન જયારે ઉદાસ હોય ત્યારે હું મારા સંગીત ને શરણે જાઉં છું …ઈશ્વરે મને આપેલા ઘણા બધા વરદાનો માં નું એક અમુલ્ય વરદાન એ મારું સંગીત છે ….
ઉસ્તાદ અસદ અલીખાન સાહેબ નું રુદ્ર વીણા વાદન શેર કરું છું …અદ્વિતીય વાદ્ય છે રુદ્રવીણા … સક્ષાત શિવાજીએ પાર્વતી ના પ્રેમ માં પાગલ બની અને આ વાદ્ય નું નિર્માણ કર્યું …કોઈ કોઈ લોકો એને પાર્વતી વીણા પણ કહે છે … રુદ્રવીણા અને અસદઅલી ખાન સાહેબ .. એકબીજા ના પર્યાય … મારા સદનસીબે મને ફક્ત ત્રણ ફૂટ ની દુરી થી ઉસ્તાદ અસદઅલીખાન સાહેબ પાસેથી રુદ્રવીણા વાદન સંભાળવાનો અવસર પ્રાપ્ત થયો હતો …એ કોન્સર્ટ માં તાનપુરા પર બેસવા નો અવસર મને પ્રાપ્ત થયો હતો …ઉસ્તાદજી એ રુદ્રવીણા ના ખરજ ના સ્વર માંથી ઓમકાર સંભળાવ્યા …
દોસ્તો હું માનું છું કે સૃષ્ટિ માં ઓમકાર બે જ પ્રાણી બોલી શકે છે કારણકે ઓમકાર એ નાભિગત સ્વર છે …પેહલું પ્રાણી એ મનુષ્ય અને બીજું સિહ, સાસણગીર નો ડાલમથ્થો … સાવજ એની ડણક માંથી … ઓમકાર નીકળે … શિવ ની અર્ધાન્ગની શક્તિ એમનેમ એ સિંહ ની માથે જઈને નથી બેઠા, એ સાવજની ડણક માં પણ ઓમકાર છે …!!!!!
ઉસ્તાદ અસદઅલી ખાન સાહેબે મને જીવન માં પેહલી વાર કોઈ નિરજીવ ચીજ માંથી ઓમકાર નો નાદ સંભળાવ્યો ….
આ કલીપ માં રાગ આશાવરી છે …મૂળે ભારત ના પ્રાચીન સંગીત માં ચાર મત પ્રચલિત છે , ૧) શિવ મત ૨) હનુમત મત ૩)કૃષણ મત અને ૪) ભરત મત …અત્યારે હનુમત મત જ મોટેભાગે પ્રચલિત છે એને હનુમત મત પ્રમાણે આશાવરી એ રાગ શ્રી ની બીજી પત્ની છે એનું વર્ણન કૈક આવું છે આશાવરી રાગીણી નું …
દેખાવે શ્યામળી ,શરીરે નાગીણી લપેટેલી ,શ્વેત વસ્ત્રો પેહરેલી ,કર્પૂર નો લેપ કર્યો છે શરીરે અને કપાળ માં મલયગીરી ચંદન નો લેપ કર્યો છે .. એક સુંદર બાગીચા માં આશાવરી રાગીણી બેઠી છે અને એની આજુબાજુ પ્રફુલ્લિત થયેલા પુષ્પો સુગંધ વેરી રહ્યા છે…
રાગ ની જાતી સંપૂર્ણ છે ,નવી થાટ પધ્ધતિ પ્રમાણે આસાવરી એક થાટ છે … વાદી ધૈવત અને સંવાદી ગંધાર છે …
ઘણા બધા રાગો સાથે આશાવરી નું મિશ્રણ કરી ને ગવાય છે .. અને ગાવા વગાડવા નો સમય સવારના ૯ થી ૧૨ નો છે ..
સુપ્રભાત
શૈશવ વોરા