આજે એક સવાલ કરૂ છું..તમને,
દિવસના કેટલા વોટ્સ એપ મેસેજ આવે છે..?
૧૦૦,૨૦૦,૩૦૦..કોઈ ચોક્કસ અંદાજ નહિ હોય,તો પણ એક વાઈલ્ડ ગેસ મારો..! અને ખરેખર આવતા મેસેજ નો આંકડો અને અંદાજીત આંકડો જો નજીક હશે તો તમેન ખુદને આશ્ચર્ય થશે કે આટલા બધા મેસેજીસ..?
મારી વાત કરું તો લગભગ એવરેજ એક મિનીટનો એક મેસેજ આવે છે,અને સવારના પાંચ વાગ્યાથી ગુડ મોર્નીગ ચાલુ થાય તો રાત્રે બે વાગ્યા સુધીના ગુડ નાઈટના મેસેજ..
લગભગ રોજના હજારથી બારસો મેસેજની એવરેજથી વોટ્સ એપ મેસેજનો મારો મારી ઉપર ચાલી રહ્યો છે..(કોઈ ગ્રુપમાં ચાલેલા ચેટીંગને મેસેજ તરીકે નહિ ગણવાના)
હવે આ બધા વોટ્સ એપ મેસેજ ને જો ડાઉનલોડ કરીને જોવા જાઉં તો મારો ઘર,ફેક્ટરી અને મારા મોબાઈલનો ૪-જી ત્રણે ડેટા પ્લાનની વાટ લાગી જાય, અને જીવનમાં કોઈ બીજું કામ જ ના થાય એ જુદું..
અરે ત્યાં સુધી મેસેજ જોવામાં બીઝી થઇ જવાય કે વોટ્સ એપ મેસેજીસમાંથી મળેલા “કિમતી” જ્ઞાનને પણ જીવનમાં ઉતારવાનો સમય ના રહે અને જીવન પૂરું થઇ જાય..!!
પણ બહુ મસ્ત “ધંધો” ચાલ્યો છે આ વોટ્સ એપ મેસેજનો, દરેક ગ્રુપમાં એવરેજ એક વ્યક્તિ પોતાનો એક મેસેજ તો રોજ નાખે જ, અને પોતાના આ ધરતી પરના અસ્તિત્વનો પુરાવો બાકીની દુનિયાને આપીએ દે છે..
કેટલાક લોકોને રીતસરની “નશા”ની જેમ “લત”લાગી જાય છે વોટ્સ એપની, બંધાણ થઇ જાય છે, અને એમાં અમુક તો એવા ગજબ “ગંજેરી” ફોરવર્ડીયા હોય છે કે જેવો પોતાની પાસે એક મેસેજ આવે એ ભેગો જ બધા ગ્રુપમાં જવા દે અને અમુક ફોરવર્ડીયા એવા હોય કે દિવસમાં એકાદ વાર જ મેસેજ મોકલે,પણ આખા દિવસમાં એમને જે કોઈ મેસેજ આવ્યા હોય એ બધા જ મેસેજ ને બધા જ ગ્રુપ અને બ્રોડકાસ્ટ લીસ્ટને ઠોકી દે,એકસામટા દસ- દસના “લોટ” માં મીનીમમ વીસેક મેસેજ ઠોકે, અને આવું થાય ત્યારે વાઈબ્રેટ મોડમા રહેલા મોબાઈલને બચારાને રાઈગર્સ આવતા(તાવ આવ્યો હોય અને ઠંડી ચડી કે ગ્લુકોઝનો બાટલો ચડતો હોય ત્યારે આવતી ધ્રુજારી) હોય એમ ધ્રુજે..
તો પણ મને તો ગમે છે આ બધા વોટ્સ એપ મેસેજિસ..ક્યારેક એનું પણ એનાલીસીસ કરી લઉં છું..મુકું મારું એનાલીસીસ..
તમારી પાસે આવતા ફોરવર્ડેડ વોટ્સ એપ મેસેજનું જો ઝીણવટપૂર્વક અવલોકન કરશોને તો મેસેજ મોકલનારના બુદ્ધિમતાનું માપ બહુ સરળતાથી કાઢી શકશો.. જેમકે પેલો “સમજાય તેને વંદન અને ના સમજાય તેને અભિનંદન” હવે આ વાક્ય ક્યાંક પોતાની જાતને બીજાથી મુઠ્ઠી ઊંચેરો સાબિત કરવાનો એક સભાન પ્રયત્ન છે..!
બીજા ઘણા મેસેજમાં કોઈ કારણ વિના ધાર્મિક પ્રવૃતિને કે દેશને વખોડવાનો થોડો કટાક્ષમાં પ્રયત્ન થતો હોય છે..સીસ્ટમથી ત્રાસેલો છે એમ સમજવુ..
પછી રાત્રે કોસ્મિક રે તૂટી પડવાના છે..આ મેસેજને દસ જગ્યાએ ફોરવર્ડ કરો તો તમને શુભ સમાચાર મળશે …આવા ડરાવનારા મેસેજ મોકલનાર અંદરથી ફટ્ટુ ટાઈપ હોય ..
ચમત્કારોના મેસેજ મોકલતી પ્રજા માટે માની જ લેવાનું કે ચમત્કારની રાહ જોઇને બેઠી છે પાર્ટી..બાકી કઈ કામધંધે બહુ ભલીવાર નથી..
ભક્તિભાવના સંદેશા મોકલતા “ભક્ત” ક્યાં તો ખરેખર ભગત છે અને ક્યા તો વાલીયો લુંટારો પોતાની મથરાવટી સુધારવાનો પ્રયત્ન કરે છે..
રિલાયન્સ ૪-જી રીચાર્જના મફત મેસેજ ને ફોર્વારડીયો ..લુખો છે એમ સમજી લેવુ..મફત નો માલ શોધો છે ભઈલો..
અને ઘણા એવા પણ હોય કે જે ગ્રુપમાં બિલકુલ મૂંગા હોય બસ બધા મેસેજને ટગર ટગર જોયા જ કરે,દિવાળીએ માંડ એક મેસેજ નાખે..સમજવું કે બિચારાની દયનીય હાલત છે, ઘરમાં બાયડી કે છોકરા, કોક બાપડા ઉપર “ચડી બેઠું” છે જીંદગીના દા
ડા કાપે છે બિચારો..!
એક્ચ્યુલી મને પણ આ બ્લોગ લખીને મોકલવાનો વિચાર આ વોટ્સ એપ ફોરવર્ડીયાઓ ને જોઈને જ આવ્યો હતો..વિચાર એવો હતો કે યાર લોકો તદ્દન ફાલતુ મેસેજ ઠોક ઠોક કરે છે, જેમાં એક પણ શબ્દ કે વિચાર પણ પોતાનો બનાવેલો નથી,તો એના કરતા આપણે તો કૈક આપણા મનના વિચારોને તો મુકીએ છીએ ને,અને હા એવો ડર પેહલેથી મનમાં નોહ્તો કે કોઈ શું કેહશે..અરે જખ મારે દુનિયા..!
આજ સુધી દુનિયામાં કોઈ કાકો કે મામો કોઈ કોઈને કઈ આપી ને ગયો નથી સિવાય કે સલાહ..! તો પછી લખને યાર શૈશવ અને મોકલ તું તારે ગામને..!
જો કે અત્યારે તો ઘણા બધા એવા અજાણ્યા લોકોના ગ્રુપમાં હું છું જ્યાંથી ક્યારેક પ્રશંસાના ફૂલ વેરાય છે,અને ક્યારેક કોઈ “કાકો” કે “મામો” સલાહ ઠોકારે કે તમારી ભાષા સુધારો..અને મારે કેહવુ પડે કે “કાકા” બ્લોગ એ મનની સાથે થતી વાત છે, અને મન સાથે કોઈ પણ માણસ ભદ્ર્મ ભદ્રા ભાષામાં વાત ના કરતુ હોય એટલે મારી ભાષા તો આ જ રેહશે,નહિ જ સુધરે..!
મેં એ વડીલની “કિમતી” અને “પવિત્ર” સલાહને ડસ્ટબીન કરી નાખી હતી..!
આમ તો સલાહ અને વડીલ એટલે એકબીજાના પર્યાય,લાગ આવે કોઈ છોડે નહિ, મેં પણ મારા એક ભત્રીજા જોડે આવું સલાહ આપવાનું “અભદ્ર” કામ કર્યું હતુ..સ્ટ્રીટ સ્માર્ટ (ચલતા પુર્જા) થવાની એક ચોપડીનું PDF વર્ઝન એને ફોરવર્ડ કર્યું હતું પણ તરત જ સામો જવાબ આવી ગયો કે પરીક્ષા ચાલે છે આડુંઅવળું વાંચવાનો સમય નથી..!
લે કાઢી લે પિત્તળ શૈશવ.. મોટે ઉપાડે “વડીલ” થવા ગયો હતો..!
જરૂર વિનાની સલાહ આપો તો શું થાય..? અને એવી જ રીતે પ્રશંસા પણ આવે તો..? ફસાઈ જવાય,અને એ પણ પોતાની જાત જોડે જ, એટલે ગમે તેવી પ્રશંસા આવે તો પણ જવાબમાં બે હાથ જોડેલુ ઈમોજી જ મોકલવાનુ બહુ વધારાના શબ્દો બ્લોગ લખી મુક્યા પછી લખવાના નહિ,અને આગળ પંચાતમાં પડવાનું નહિ..!
આમ તો વોટ્સ એપ મેસેજ ફોરવર્ડ કરતા લોકોની માનસિકતા વિષે લખવા જઈએ ને તો જેમ માણસના અંગઉપાંગોને જોઈને જેમ આખું સામુદ્રિક શાસ્ત્ર લખાયું એમ આખું નવું વોટ્સ એપ સામુદ્રિકશાસ્ત્ર લખાય એવી હાલત છે..અને એમાં જોડે ફેસબુકની પોસ્ટને પણ જોડે લઇ લ્યો તો એક ઓનલાઈન મીડિયા શાસ્ત્રની રચના થાય તેમ છે..! પેહલા વર્તમાન અને પછી ભવિષ્યના પ્રીડીકશન પણ કરી શકાય એવું કૈક થાય ખરું..!
પણ આ બધાની વચ્ચે એક સવાલ થાય કે આ ૯૦ ટકા ફોરવર્ડ થતા મેસેજ બને છે ક્યાં..? આઈટી ના હજારો ક્રિયેટીવ છોકરાઓની ફોજની ફોજ છે, જે ગુગલ પરથી ફૂલ,પત્તા,ઝાડ ,ધોધ ,દરિયા ,મેઘધનુષ જેવી ઈમેજ ડાઉનલોડ કરે અને ગુગલ પરથી જ કોઈક વિચારોને લઈને ઈમેજની ઉપર કન્ટ્રોલ સી કન્ટ્રોલ વી (કોપી-પેસ્ટ) કરે અને પછી મેસેજ મોકલે અને પછી મેસેજ થાય વાઈરલ..!
છોકરાઓના ટાર્ગેટ હોય છે, બને તેટલા વધારે મેસેજ વાયરલ કરવાના એટલે મોટેભાગે અંગ્રેજીમાં જ મેસેજ બનાવે અને ઠોકારે..
મને પણ મારી મારો બ્લોગ સાચવતી “નોલેજ પાવર”ની આઈટીની ટીમના તોફાની છોકરાઓ એ આઈડીયા આપ્યો હતો વાયરલ થવાનો.. શૈશવભાઈ કોઈ છોકરીના નામે દસ ફેસબુક એકાઉન્ટ ખોલવાના, થોડા “આછા” અને ઓછા કપડાવાળા છોકરીના ફોટા મુકવાના(ગુગલ પરથી લઈને)અને પાંચ હજાર ડફોળો ફ્રેન્ડ બનવવાના,એટલે દસ એકાઉન્ટના પચાસ હજાર તો ફ્રેન્ડ તો અઠવાડિયામાં થાય અને પછી ત્યાં પેલી છોકરી તમારા વખાણ કરે અને તમે થાવ પછી વાયરલ..!
પછી એક સસ્તો એન્ડ્રોઇડ મોબાઈલ અને વોટ્સ એપ નંબર તમારા ડ્રાઈવરને લઈને આપવાનો પચાસ વોટ્સ એપ ગ્રુપ બનાવો, તમે ફેક્ટરીમાં કામ કરતા હો ત્યારે તમારો ડ્રાઈવર તો નવરો જ હોય ને, ડ્રાઈવરને કહી દો નવરો બેઠો ફોરવર્ડ કરે એક દિવસમાં દસ લાખ લોકો સુધી તમે આરામથી પોહચી જશો..!
મેં કીધું એમ તો મારી ફેકટરીઓના ચોકીદારો પણ નવરા જ મુઆ હોય છે આખો દા`ડો મોબાઈલ પર જ લટકેલા હોય છે..!
પણ ખાટલે મોટી ખોડ કે દસ લાખ લોકો સુધી વાયરલ થઇને કાઢી શું લેવાનું..?
મળે શું આ બધું કરીને..?
કઈ જ નહિ..!
તો પછી મુકને પૂળો યાર ચાલે છે એમ ચાલવા દે ને યાર
કર મોજ અને કરવા દે..
ભલે લોકો મેસેજ ફોરવર્ડ કરતા..!
અરે હા હમણા મારો પેલો સેન્ટ્રલના બજેટ પેહલાનો બ્લોગ ફરતો ફરતો મારી પાસે પાછો આવ્યો અને એમાં નીચે નામ બદલાઈ ગયુ હતું..!
ગુગલ દેવતા બધું જ જોવે છે,મારી “નોલેજ પાવર”ની ટીમે બ્લોગ પર કોપીરાઇટ નાખેલો છે,
પણ કોણ એ બધામાં પડે..શું કેહવુ અને શું કરવુ..ચાલે બધું અને ચાલવા દેવુ..!
“કન્ટ્રોલ સી” “કન્ટ્રોલ વી” આજકાલ બધાને આવડે છે..! ભલે કરી લેતા..!
આ બધા રોજ આવતા જતા ૧૨૦૦ વોટ્સ એપ મેસેજમાં આપડા નામે એક રેકોર્ડ ચડે એમ છે, સૌથી લાંબા વોટસ એપ મેસેજનો..!
શુભ રાત્રી
શૈશવ વોરા
www.shaishavvora.com