ગઈકાલે એક ફ્રેઈટ ફોરવર્ડીંગ કંપનીમાં મેં એક શીપમેન્ટ માટે ફોન કર્યો,
એ કંપનીમાં મેનેજર એક મહિલા છે,કાલ્પનિક નામ આપું છું “મનીષા”
મારે મનીષા સાથે સારી એવી દોસ્તી છે..
મનીષા મારું શીપમેન્ટ ક્યાં રખડે છે ?
કયું શૈશવભાઈ એર કે સી ?
બંને..
એર તો નું ETA એમિરેટ્સમાં આ ફ્રાઈડે છે, પણ “ડબો” હેમ્બર્ગ ભરાયો છે, (કન્ટેનરને અમદાવાદના દરેક ફ્રેઇટ ફોર્વડર અને રેગ્યુલર એક્સ્પોર્ટર/ઇમ્પોર્ટર “ડબો” કહીને જ બોલાવે છે)
મારું મગજ છટક્યું..તે શું માંડ્યું છે મનીષા કોઈ ફોલોઅપ જેવી વાત જ નથી..? શું કરે છે તારા આ બધા XXX (સ્ટાફ) ?
ભાઈ હેઝ કાર્ગો છે, પણ હું હમણા +૪૯ કરું છું ,(જર્મનીનો ફોન કોડ +૪૯ છે)
મેં ફોનમાં બુમ મારી +૪૯ , કર કે +૪૪(UK) કર કે પછી +૯૨(પાકિસ્તાન) કર પણ મારે મારો “ડબો” એપ્રિલ ફર્સ્ટ વીકમાં JNPT જોઈએ..ઓકે બાય
સામે સવાલ આવ્યો હેપી વુમન્સ ડે નહિ કહો..?
મેં જવાબ વાળ્યો હેપી વુમન્સ ડે અને મનીષા તને..? ભૂલથી પણ નહિ કહુ..
સામે જવાબ આવ્યો શૈશવભાઈ આવુ ના બોલો..ગુસ્સો પૂરો કરો હવે હું જાતે ફોલોઅપ લઉં છું ..
મેં કીધું જો મનીષા બકા દસ પુરુષમાંથી તું એક બની છે, તને હેપી વુમન્સ ડે કેહવાનો મતલબ જ નથી..!
લગભગ નવ-દસેક વર્ષથી હું મનીષાને ઓળખું છું આજે મનીષા લગભગ સાડત્રીસ વર્ષની છે,મારાથી દસેક વર્ષ નાની છે હું એને હમેશા “તું” કારે જ બોલવુ છું,અને એ મને ઘણીવાર ખાલી કોઈ જ કારણ વિના વાત કરવા માટે પણ “ભાઈ” કરીને ફોન કરે છે,મને એ છોકરી માટે હંમેશા એક ગર્વની લાગણી રહી છે..
મનીષા મલ્ટીનેશનલ કંપનીમાં મેનેજર છે, અને જોવાની ખૂબી એ છે કે મનીષાના હાથ નીચે એનાથી મોટા-નાના એમ મળીને વીસેક પુરુષો અને છોકરા કામ કરે છે, અને મનીષા એમની બ્રાંચ મેનેજર છે..સીજી રોડની દસમાં માળેની વૈભવી ઓફિસમાં બેઠી બેઠી અડધું અમદાવાદ જોતી જોતી મનીષા આખી બ્રાંચમાં એકલી જ સ્ત્રી છે, અને છતાં પણ વીસથી વધારે પુરુષોને સફળતાપૂર્વક હેન્ડલ કરે છે.. જોડે જોડે દિવસના બે ત્રણ એરલાઈન્સના મેનેજર્સ કે શીપીંગ લાઈનના મેનેજરથી લઈને મારા જેવા કસ્ટમર ક્લાયન્ટ એ બધા વધારાના.!
મનીષાને ફક્ત એક સ્ત્રી તરીકે જોઈ અને મારે મનીષાનું કોઈપણ ભોગે અપમાન નથી કરવુ..! મને લાગે છે કે વુમન્સ ડે એ તો બાપડી બિચારી થઇ ગયેલી સ્ત્રીઓ માટે છે, જેનામાં તાકાત છે પત્થર ફોડીને પાણી કાઢવાની એવી સ્ત્રી હોય કે પુરુષ એના માટે તો ૩૬૫ “ડે” એના જ હોય છે..! ખાલી ખોટા હેપી વુમન્સ ડે ના ધખારા ના કરવા જોઈએ, આવા બધા “ડે” તો દુર્બળ લોકોના હોય મજબૂત માણસોના તો વર્ષો અને દસકા હોય..!
જીવનમાં મક્કમ ઈરાદા અને શું કરવું છે એ નક્કી હોય અને જોડે જોડે શું નહિ કરું એ પણ નક્કી હોય તો પછી મુસીબતો ઘણી આવે પણ રસ્તા મળી રેહતા હોય છે અને સફળતા પણ રાહ જોતી સામે બેઠી હોય છે..
સ્ત્રી જ્યાં સુધી “સ્ત્રી” તરીકે રેહવાનું પસંદ કરતી હોય છે ત્યાં જ સુધી એને સ્ત્રીને લગતા પ્રોબ્લેમ આવે છે, જયારે સ્ત્રી પોતાનું “સ્ત્રી” હોવાનું કોચલું તોડીને બહાર નીકળે બસ પછી તો આકાશ ઘણું મોટું છે..
અત્યારના જમાનામાં ચારેબાજુ બંને જેન્ડર એકસાથે એક ઓફીસ કે એક છત નીચે રહીને કામ કરી રહી છે, શારીરક મજુરી તો સ્ત્રી ખેતરથી લઈને લારી ખેંચવા સુધીની વર્ષોથી કરી રહી છે, પણ જેને માનસિક શ્રમ કહીએ એ પણ સ્ત્રીઓ આરામથી કરી રહી છે..
હા સ્ત્રીની ક્યાંક શારીરિક મર્યાદા ચોક્કસ આવે છે, જેમ કે ઓર્થોપેડિક ડોક્ટર હજી સુધી કોઈ સ્ત્રી નથી થઇ, કેમકે મેડીસીનમાં એમબીબીએસ થયા પછી હજી પણ ઓર્થો બ્રાંચમાં છોકરીઓને એડમીશન નથી અપાતુ, અને એનું કારણ છે કે ઓર્થોપેડિક ઓપરેશન્સમાં ઘણીવાર જબરજસ્ત તાકાત કરીને હાડકા ખેંચી અને જોડવા પડતા હોય છે અને ફક્ત અને ફક્ત પુરુષ જ કરી શકે એટલે આવા ફિલ્ડમાં સ્ત્રીઓ નથી અને એના વિષે વિવાદ કરવો યોગ્ય પણ નથી..
અને ઈશ્વરે સ્ત્રીને જ્યાં શારીરિક મર્યાદા આપી છે ત્યાં જ એક બીજી ખૂબી પણ આપી છે અને એ છે મલ્ટીટાસ્કીંગ, સ્ત્રી એક જ સમયે એક સાથે ઘણા બધા કામ કઈ શકે છે જયારે પુરુષની એ તાકાત અને સમજણ બહારની વાત થઇ જાય છે..
સિવિલ એરક્રાફ્ટના પાઈલોટ થવુ એ તો હવે બહુ સામાન્ય વાત છે પણ ફાઈટર જેટ પણ ઉડાવે છે અને સ્પેસમાં જાય છે તો પછી હવે જેમ પુરુષોના “ડે” ના હોય એમ સ્ત્રીઓના “ડે” પણ ના હોય બધું જ સરખુ ..!
મનીષાને પણ મેં થોડુ આવું ભાષણ ઠોક્યુ એટલે પછી થોડા “લાડ” કરતા અવાજે બોલી આટલુ બધુ જ્ઞાન આપ્યું એના કરતા મને હેપી વુમન્સ ડે કહી દીધું હોત તો..?
હવે પ્રોબ્લેમ અહિયાં આવે, જયારે સ્ત્રી લાડ કરે ત્યારે પુરુષના હથિયાર હેઠા..! દીકરી,પત્ની ,બેહન ,મમ્મી કે પછી મિત્ર જયારે લાડ કરે ત્યારે પછી જે માંગે એ આપવુ પડે..! (મને ખબર હતી કે “પ્રેમિકા” શબ્દ તમે શોધો છો ભઈલા પણ એમાં તો બધું લુટાવી જ દેવા નું હોય દિવસ બોલે તો દિવસ અને રાત બોલે તો..!)
ના છૂટકે હેપી વુમન્સ ડે બોલવુ પડે અને બોલ્યા..!
ઈન્ટરનેટની જોડે જોડાઈ ગયેલી જિંદગી જેમ ચલવે તેમ ચાલવુ પડે એવું થઇ ગયું છે, અને હજી વધારે ને વધારે ડીજીટલ થતા જઈએ છીએ, સાચા કે ખોટા જ્ઞાનના ભંડાર ખુલી ગયા છે, ફક્ત અને ફક્ત વિવેકબુદ્ધિથી જ કામ લેવુ પડે એવી પરિસ્થિતિ છે શું સ્ત્રી કે શું પુરુષ ..!
આટલી મોટી નોટબંધી આવી ઐતિહાસિક લાઈનો લાગી પણ ક્યાય સ્ત્રી પુરુષની અલગ લાઈન જોવા ના મળી..!
જેન્ડર ડીફરન્સ ભૂંસાતો જાય છે, નવી પેઢી ઉછળતી કુદતી ધસમસતી આગળ આવી રહી છે અને નવું નવું આવી રહ્યું છે અને જુનું જઈ રહ્યું છે..!
લેડીઝ ફર્સ્ટ એવું બધું જતું જાય છે, સારું છે વધારે પડતા અને પરાણે અપાતા સન્માન પણ ઘૃણા અને નફરતનું કારણ બને છે ક્યારેક એના કરતા સૌ એક સમાન..
એકલા રેહતા આજકાલના ચકા-ચકીમાં ચકો જરાક પણ શરમ રાખ્યા વિના સીંકના વાસણ ઘસી નાખે છે, અને ચકીની રાહ જોયા વિના ડાયપર પણ બદલી નાખે છે,
મજાની દુનિયા છે એકમેકના થઈને પૂરક બનીને ખોવાઈને જીવવાની..
શુભ રાત્રી
શૈશવ વોરા