એરપોર્ટ પરદેશ
ભાઈ પેલા લોકો પરદેશ જાય છે મળવા નથી જવાનું ..?? તમે મળી ને આવ્યા ..? એરપોર્ટ મુકવા જવાના ..? મને કોઈ આવો સવાલ કરે એટલે મારા તરફથી એક જ જવાબ આવે પરદેશ જાય છે મંગળ પર નહિ … પરદેશ જવું એ કોઈ હવે બહુ મોટી વાત નથી ,હા ઈમિગ્રેશન આવ્યું હોય અને કાયમ માટે જતા હોય તો કૈક જુદી વાત છે , એમાં પણ જેને અઠવાડિયે એક વાર મળતા હોઈએ ,અરે ચાલો મહીને બે મહીને એકાદવાર મળતા હોઈએ અને એને હવે બે ત્રણ વર્ષે મળાશે તો મળવા જઈ આવીએ … બાકી શું જવાનું ..?? જુનો જમાનો જુદો હતો કે આગબોટમાં પરદેશ પોહચતા જ બે મહિના થાય અને કાગળ આવતા બીજા બે મહિના ..
હવે તો અમેરિકા જતો હોય તો પેહલા અમદાવાદ એરપોર્ટ પરથી ફેસબુક પર સ્ટેટસ અપડેટ કરે ,બોમ્બે થી કરે .. જેટ એરવેઝ હોય તો બ્રસેલ્સ થી કરે અને પાછો જેએફકેથી કરે .. મિનીટ મિનીટની ખબર પડે …લાઈક કરી દો એટલે પતે ….!!! પણ રીવાજો .. ના હવે જવું પડે ..સારું તો તું જઈ આવ બકા .. મને બીજી એક સીસ્ટમ નથી ગમતી આપડા લોકોની ,પરદેશથી આવેલા ને બધા જમાડે … યાર એ કોઈ મંગળ પરથી નથી આવ્યો … હું તો અહીનો અહિયાં જ છું મને જમાડો ને …પણ ના , બસ એ પરદેશથી આવ્યા છે …
હવે એમાં પણ પાછો પેહલી વાર જઈને પાછો આવે એટલે એનું એ એ એ ચાલુ થાય …ત્યાં ગંદકી તો નામે નહિ સીસ્ટમ ઓહો જોરદાર ,સો વર્ષ પાછળ છીએ .. ત્યાં તો આમ અને તેમ ..બસ જ્ઞાન જ જ્ઞાન .. એચ-૧વાળો થોડી બુદ્ધિગમ્ય વાત કરે , અને એફ-૪વાળો ગંદકી અને સિસ્ટમની વાત કરે , એચ-૧વાળાને પરણવાની ઉતાવળ , અને એફ-૪વાળાને એનું અમેરિકન ડ્રીમ પૂરું કરવાની …
એરપોર્ટ પર મુકવા જવાની વાત કરું તો શા માટે મુકવા આવું ..?? યાર મારી રાત શું કામ બગાડો છો ..?? એક ગાડીમાં એનો સગો ભાઈ તો જાય જ છે ને એને મુકવા .. બીજી ગાડી જોઈતી હોય તો બોલો , પણ ના આખું ટોળું મુકવા જાય ,અલ્યા લગનમાં તો બધા જાનમાં ગયા હતા હવે શું છે ..??
એક બહુ મજેદાર કિસ્સો થયો હતો , એક ભાઈ મારી સલાહ લેવા આવ્યા એમને પરદેશ જઈને ખોવાઈ જવું હતું , મેં કીધું અલ્યા ના જવાય એવી રીતે, નરી મજુરી છે ત્યાં , તારી પાસે કોઈ ડીગ્રી હોય અને તું ત્યાં જઈને ભણી ગણીને સેટ થવાનો હોય તો જુદી વાત છે, આમ મજૂરીએ ના જવાય …પણ ના માન્યો ,અને એ ભાઈને એમના બદનસીબે ” વિજા “ મળી ગયા …એક તો ભાઈને માંડ માંડ “ વિજા ” મળ્યા ,અને ત્યાં ખોવાઈ જ જવું હતું … મને અતિ દુરાગ્રહ થયો એરપોર્ટ મુકવા જવા માટેનો, મહાપરાણે જખ મારીને હું ગયો એરપોર્ટ …અને એરપોર્ટ પર તો સાલું ટોળે ટોળા ઉમટ્યા હતા , એ ભાઈનું આખું ગામ એને મુકવા આવ્યું હતું ….હું તો બઘવાઈ ગયો , ભીડ જોઇને ….!!! વાજતે ગાજતે એ હીરો ઘોઘે પોહચ્યો ,અને બે દિવસમાં ફોન આવ્યો ત્યાંથી , હું તો પાછો આવું છું અહિયાં તો બહુ મજુરી છે , “મને તો અહોયાં નો ફોવે …” ઓ તારી ભલી થાય….!!! એના ભાઈનો ફોન મારી પર આવ્યો કે આ હીરો તો પાછો આવે છે ડેલે હાથ દઈને ….!!!! મેં કીધું આવવા દે ભઈલા પાછો ભલે આવતો.. મને કહે ના આવવા દેવાય મેં કીધું કેમ ..?? તો કહે અરે આખા ગામમાં અમારું નાક કપાય .. તે જોયું નહિ કેટલું માણસ એરપોર્ટ મુકવા આવ્યું હતું ..?? એ બધા ને શું જવાબ આપવાનો..?? મેં કીધું અલ્યા તારો ભાઈ છે ..કોઈ દુશ્મન નથી ..બચારો તૂટી મરશે … કોઈ ડીગ્રી નથી એની પાસે , અંગ્રેજી ના વાંધા છે , મેં તો તને પેહલા જ ના પાડી હતી .. પાછું વિઝાનું સ્ટેટસ કલીયર નથી ..વિઝીટર વિઝા પર છે , એટલે તમારા અને તમારા સમાજના લોકો ત્યાં એને ચૂસશે … બીજાને કલાકના બાર ડોલર આપશે અને એને આઠ ડોલર આપશે .. મને કહે જે થાય તે , એણે તો હવે ત્યાજ રેહવું પડશે …. પંદર વર્ષ થયા છે એ વાત ને ,બિચારો હજી ત્યાં જ છે …એક વખત ઈમિગ્રેશનની રેડ પડી અને એમાં પકડાયો અને ત્યાની જેલમાં સુધ્ધા જઈ આવ્યો … આખો ચૌદ વરસનો વનવાસ પત્યો …શનિ મહારાજની બબ્બે પનોતી પૂરી થઇ આખી, પણ આખું ગામ મુકવા આવ્યું હતું એ હજી એને હેરાન કરે છે ….
આજે અત્યારે AI 144 માં બેઠો છું , થાકેલા ચેહરા છે ચારે બાજુ , ઘણા બધાના ચેહરા પર થાક છે કોઈને મુસાફરીનો ,કોઈ ને બીજો કોઈ ,પણ થાકની સાથે કંટાળો ચીખ્ખો મોઢા પર દેખાય છે દરેક ચેહરા પર ..
જતા તો જતા રેહવાય છે પરદેશ , ટકી પણ જવાય છે ..પણ ક્યાંક કઈક ખૂટે છે , દરેકને..!! અને એ જીવનભર પુરાતુ નથી …
ત્યાં વધુ વખત રહેલા લોકોને ધીમે ધીમે બધું અહિયાનું છૂટતું જાય છે ,અને અહી વાળાને એમના વિનાની જીંદગી જીવવાની ટેવ પડતી જાય છે ..નવું નવું એકાદ બે વર્ષમાં બધું ચાલે , લાગણીઓના ઉભરા આવે પણ પછી જીંદગી બહુ ખરાબ વસ્તુ છે તમને ટેવ પાડી દે અને માયા છૂટી જાય …
માયા તો આમ પણ રાહુના અધિપત્યમાં આવે કે જે ગ્રહનું ખરેખર ફીઝીકલ અસ્તિત્વ છે જ નહિ …જ્યાં સૂર્ય અને પૃથ્વીની ભ્રમણ કક્ષા છેદાય ત્યાં એક ગ્રહ જેટલું પ્રબળ મેગ્નેટિક ફિલ્ડ ક્રિયેટ થાય છે … અને એ બે જગ્યા એટલે રાહુ અને કેતુ ….
આ જ નિયમે માયા ફાટફાટ મુકાઈ જાય , અને પછી મારા જેવો વધારે પડતો પ્રેક્ટીકલ માણસ આવા બોલ્ડ સ્ટેટમેન્ટ પાસ કરે .. ઘણીવાર પરદેશથી આવેલાને દુખ થાય કે કેમ આવું કરે છે …? આ ભાઈ .. પણ શું કરું ..! બીજો થોડાક નાના પ્રોબ્લેમ હોય છે પરદેશથી આવેલા સાથે .. એ લોકો ને આખું અમદાવાદ ખરીદવું હોય છે , અને વીસ કિલોની બેગમાં મવડાવવું હોય છે , અને એક મહિનામાં મળે એટલું લઇ લેવું હોય છે ..પણ નેથી શક્ય થતું એ , ક્યારેય ..!!!
થોડો કંટ્રોલ રાખી અને ઇન્ડિયા ટ્રીપનો વ્યવસ્થિત પ્લાન પેહલેથી કરાય, તો ઇન્ડિયા ની ટ્રીપ ખરેખર સરસ થાય અને એ એક ટ્રીપએ લોકો માટે બીજા બે વર્ષના ઓક્સીજનનું કામ કરે… પારકા પરદેશમાં આખા ગુજરાતી સમાજની વચ્ચે રેહતા , છતાં પણ એકલા…!! સોમથી શુક્ર તૂટાતા …
દોસ્તો એટલું કેહવું છે કે અહિયાં આ દેશમાં પણ જીંદગી બદથી બદતર થતી જાય છે .. અને અહિયાં સોમથી શની તૂટાવાનું જ છે …તમારી પાસે કદાચ થોડી ઘણી શાંતિ છે , જો માનીએ તો …
બાકી ડુંગરા બધા દુરથી જ રળિયામણા એ તમ્મે અને અમે બધા જાણીએ છીએ …..ઇન્ડિયા આવી અને ધડાધડ આને ત્યાં , અને પેલાને ત્યાં અને ત્યાંથી ફલાણા અને ત્યાંથી ઢીકણા ને ત્યાં તો જવું જ પડે .. એના કરતા બે ત્રણ મહીને સમય કાઢી અને આને , પેલાને ,ફલાણાને ,ઢીંકણાને ફોન કરતા રહો અને સતત સંપર્ક માં રહો વધુ એકલવાયું નહિ લાગે …. વોટ્સ એપ ના ગ્રુપ માં રહો .. ફેસબુક પર લાઈક મારતા રહો થાય તો કોમેન્ટ …પછી હું તમને એરપોર્ટ મુકવા નહિ આવું ને તો ચાલશે …
મારી દ્રષ્ટિએ એરપોટએ બહુ ખતરનાક જગ્યા છે … મને તો એરપોર્ટ અને એરક્રાફ્ટ જોઉંને એટલે સખત ઊંઘ આવે છે … આંખો ઘેરાઈ છે …બહુ થયું હવે વધુ નહિ લખાય .. નસકોરા બોલાવવા જ પડશે … આજુબાજુવાળા નું જે થવું હોય તે થાય …
શુભ રાત્રી
શૈશવ વોરા