ગ્રીસ …એરીસ્ટૉટલ, સોક્રેટીસ, સિકંદર એ આઝમ … અને લોકશાહી … આ બધુ ગ્રીસનું, હજી પણ કઈક બાકી રહ્યું …ઓલોમ્પિક…!!! સાલ ૧૮૯૬માં પેહલી ઓલોમ્પિક રમાઈ ગ્રીસના એથેન્સમાં અને પછી ફરીવાર રમાઈ ૨૦૦૪ની સાલમાં .. બસ ત્યાંથી પનોતી બેઠી …ગ્રીસની , ૨૦૦૯-૨૦૧૦ આખા યુરોપે ભેગા થઇને ગ્રીસને દેવામાંથી બહાર કાઢવા માટે મદદ કરી , પછી આઈએમએફ એ કરી ,પણ છેવટે અત્યારે બધાએ હાથ અધ્ધર કર્યા બધાએ ભેગા થઇ ને , આઈએમએફ સુધ્ધાએ …અને તકાદો કર્યો કે ભાઈ અમને અમારા રૂપિયા પાછા આપો ….!!
ગ્રીસ અને યુરોપની હાલત જોઈને મને અત્યારે આપણા કાઠીયાવાડના મજીયારાની યાદ આવે છે , નવા છોકરાઓ માટે કહું તો , બહુ મોટું જોઈન્ટ ફેમીલી હોય અને એમાં બહુ બધી મિલકતો અને આવકો ચાલતી હોય , એને “મજીયારું” કેહવાય ,અને મજિયારું જયારે છુટું પડે, કે મજીયારાનો એકાદો કાકા બાપાનો ભાઈ પોતાની આવક કરતા વધારે ખર્ચા કરે અને પછી ઉઠી જાય, જેને આપણે સારી ભાષામાં કહીએ તો ,નાદારી નોધાવે…. ,ત્યારે ત્યારે મોટા ઘરમાં જે કોઈ કાંડ, કકળાટ થાય એ બધા કાંડ અત્યારે ગ્રીસમાં ચાલે છે …!!
હમણા હમણા વોટ્સ એપ પર એક જોક ચાલ્યો છે .. એક ભાઈએ ગીરીસ ભાઈને ફોન કર્યો ગીરીશ નહિ હો “ ગીરીસ ” ભાઈ .. એ ગીરીસભાઈ તમે દેવાળું કાઢ્યું ..? પેલા બિચારા ગિરીશભાઇ ઉર્ફે “ગીરીસભાઈ” કહે કે મેં નહિ ભાઈ ગ્રીસ નામના દેશે દેવાળું કાઢ્યું છે ….
હવે અત્યારે યુરોપિયન યુનિયનને આવી જ કઈક ફીલિંગ થઇ રહી છે .. મજીયારા જેવી … કે એમના કાકાના દીકરા ગ્રીસએ મજીયારનો દુરુપયોગ કર્યો , અને પોતાના ભાગે આવેલા અને અમારી આપેલી લોનો વત્તા અમે આઈએમએફ પાસેથી અમે અપાવેલી લોનો , આ બધું આ ગ્રીસ ચટણી કરી ગયું અને પાછો ઉપરથી અમને ધમકાવે છે …!!!
આપણા લોકોમાં જયારે મોટા કુટુંબના મજીયારામાં કાકાનો દીકરો ઉઠી જાય ત્યારે એની બાઈડી હમેશા સૌથી વધુ ધમાલ કરે ..!! અમે આખી જિંદગી કુટુંબ માટે આટલું બધું કર્યું ,આખી જીંદગી તમારા ભાઈએ કુટુંબ માટે જાત ઘસી નાખી ,પણ આજે અમારે મુસીબત આવી તો અમને કોઈ મદદે આવવા તૈયાર નથી ,પછી વડીલોની મીટીંગ થાય એમાં હો હો થાય , અને છેલ્લે ગીરીસ બોલે એ અમને અમારો ભાગ આપીને છુટ્ટા કરો , હવે આમાં વડીલો બિચારા અટવાય કે ભાઈ ગીરીસ અમે તને ૨૦૦૯ અને ૨૦૧૦ કેટલી બધી મદદ કરી , ફરી પાછા આપણા કૌટુંબિક મિત્ર આઈએમએફ કાકા પાસેથી સૌથી સસ્તા ભાવની લોન અપાવી , વખતો વખત અમે તને સમજાવ્યો ગીરીસ કે તું અને તારી બાઈડી આ બધા ખર્ચા ઓછા કર, થોડી કમાણી વધાર અને પાછો ઉભો થઇ જા .. પણ તું તો અમને ગાંઠતો જ નથી .. અને ઉપરથી આંખો કાઢે છે ,..તમે મને રૂપિયા નહિ આપો તો પેલા ચીનવાળા શીંગ ઝિંગકાકા અને રશિયાવાળા આન્દ્રે સરકોવાકાકા પાસેથી હું તો લોન લઈશ … હજી સમજ ગીરીસ એ બધા તને કઈ મફત લોન નહિ આપે … એવું વ્યાજ માંગશે કે તારા ઘરબાર વેચાઈ જશે .. હવે તારી પાસે રહ્યુ છે શું ગીરીસ ..???
પણ હવે ગીરીસ(ગ્રીસના રાજકારણી) અને એની બાઈડી (ગ્રીસની પ્રજા) બંને જણા ધમાલે ચડ્યા છે, બસ હવે તો અમે આમ કરશું અને તેમ કરશું …
હવે યુરોપિયન યુનિયન કે વડીલોને તકલીફ એ છે કે આ ગીરીસ છૂટો થાય અને એમના યુરો નામના ચલણમાંથી, ગ્રીસ નીકળી જાય , તો એની સાથે પાછા બીજા બે ચાર પણ નીકળે , અને આખી યુરો નામની કરન્સી તૂટી પડે , હવે એક તો યુરોને જયારે પેલા અમેરિકાવાળા સેમ કાકાની સામે થઇ ને આપણે ઉભો કર્યો , અને એમાં પાછું પેલા પાઉન્ડવાળા મોટા ભાભુ (સૌથી મોટા કાકીને ભાભુ કેહવાય) એ તો જોડાયા નહિ …!! અને હવે ગીરીસ જોડે બીજો કોઈ જતો રહે તો બાકી શું બચે …?? યુરોને તો ટોઇલેટ પેપરમાં વાપરવા પડે ..!!! એ લોકો સંડાસ જઈને પાણી ના વાપરે , કાગળિયાં થી લુછી નાખે ..!!!
ઓન સીરીયસ નોટ….. કે આ બધી તકલીફ છે કેમ અને ગ્રીસ છે શું ..??
તો પેહલી વાત ગ્રીસ પાસે મૂડી ગણો કે ધંધો… તો મોટામાં મોટો ધંધો ગણો તો દુનિયાના ૧૫% મર્ચન્ટ નેવી , દરિયાઈ જહાજોની માલિકી ગ્રીસની છે … જે બહુ જ મોટી વાત કેહવાય , ભારત બે ટકામાં પણ નથી …અને બીજું બહુ મોટો આવકનો સ્ત્રોત ગ્રીસમાં પર્યટનનો છે .. લગભગ દર વર્ષે ૧.૩ કરોડ લોકો ગ્રીસ ફરવા જાય છે… અને બીજી થોડી ઘણી આવકો ખરી ,પણ મોટા ભાગની આવક આ બે જ જગ્યાએથી આવે , હવે સવા કરોડની વસ્તી ધરાવતા દેશ માટે આ બે જગ્યા એથી આવતી આવક ઘણી કેહવાય , ભારતના એકાદા મોટા શહેર જેટલી વસ્તી છે … આમ જોવા જઈએ તો ગ્રીસનું સંકટ મુંબઈની BMC ઉઠી જાય તેટલું છે …
પણ એના કારણોમાં એવું છે કે ૧૯૯૯માં ગ્રીસ માં એક બહુ વિનાશકારી ભૂકંપ આવ્યો , પચાસ હજાર ઘરો પડી ગયા , અને ત્યારે જ પછી ગ્રીસ યુરોપિયન યુનિયનમાં જોડાયું , જાણકારો એવું કહે છે કે ગ્રીસ ના જોડાયું હોત તો આ હાલત ના થાત , પણ પછી પાછળને પાછળ ૨૦૦૪માં એથેન્સ ઓલોમ્પિક રમાડી ..ખર્ચો કર્યો લગભગ ૧૨ અબજ ડોલરનો , બસ ત્યાં જ પનોતી બેઠી … યુરોપિયન યુનિયને ૨૦૧૦માં ૧૦ અબજ યુરોની સહાયતા આપી ,પછી આઈએમ એફ અને યુરોઝોનએ ભેગા થઇ ને ૨૦૧૪માં ૧૩૦ અબજ યુરોની લીન આપી , પણ ત્યાના રાજકારણીઓ એ હંમેશા આંકડાની હેરાફેરી કરી ક્યારેય સાચી વાત બહાર ના આવે એ માટે બધાજ આંકડા ફેરવી નાખ્યા , અને વ્યાજ નો દર પોહચ્યો ૩૦ % ,જે યુરોપ માટે અસહ્ય છે … ત્યાં વાર્ષિક વ્યાજ ૨% માંડ મળે …!!!
આર્થિક સુધારા થોડા જોર પર હતા અને ઈકોનોમી થોડી સુધરી , પણ છેલ્લી ચુંટણીમાં ડાબેરી વિચારસરણીવાળા લોકો સત્તા પર આવ્યા અને આર્થિક સુધારા ઘાંચમાં પડ્યા અને એમાં પણ પાછું બેઇલ આઉટની જે શરતો હતી એ એમને રાષ્ટ્રીય સ્વાભિમાનને ઠેસ પોહચાડતી લાગી અને ૨૦૧૫ની સાલ આવી ગઈ …
છાપા ભરેલા છે .. ભારત ને કઈ બહુ ફેર નહિ પડે ગ્રીસ ના માર્કેટ માં રેહવાથી કે ઉઠી જવાથી , પણ એક મસ્ટ વોચ જેવી પરિસ્થિતિ ખરી ,અને સમજવા જેવું અને શીખવા જેવું ખરું આપણે .. જો આવા ને આવા નાટકો અને ખોટા આંકડામાં જ ફરતા રહીશું તો આપણો વારો પણ પડી જાય …કયારેક
..!!!
શુભ સંધ્યા
શૈશવ વોરા