પકડો કલમ ને કોઈ પળે એમ પણ બને કે હાથ આખે આખો બળે.. એમ પણ બને..!!!
ઘણા દિવસથી લખી લખી ને “ફાડી” નાખું છું ,
બધું બરાબર છે અને તો પણ નથી ..
ફેસબુક પર રમી રમી ને થાક લાગે છે, નવા શબ્દો શોધવા છે પણ નથી શબ્દ મળતો કે નથી વિચાર ,અને ક્યાંક ભૂલથી વિચાર મળી આવે તો એટલો ટૂંકો વિચાર હોય કે એનો વિસ્તાર સંભવ નથી હોતો..!!
ડુંગર ભમવા છે ભોમિયા વિના ને દરિયા તરવા છે નાવડી વિના ..
પણ કોણ જાણે આ વેકેશન વિનાની જિંદગી ની નિશાળ છુટ્ટી નથી આપતી..!!
એક નાનકડી છોકરી લખે છે કે ફેસબુક હવે બોરિંગ થતું જાય છે મને ઇન્સ્તાગ્રામ ઉપર ફોલો કરો..
અરે બો`ન મારી ,
માન્યું કે એક ફોટો હજાર શબ્દો નું કામ કરે અને ક્યારેક લાખ્ખો શબ્દોના કહી શકે એ એક ફોટો કહી દે પણ ઇન્સ્ટા ના ફોટામાં પણ એવા ક્યાં ભલીવાર છે..?
બીજે ક્યાંક એવું વાંચ્યું કે હાથ ને પગ હવે લોકોના થાકી ગયા છે અને થોડાક સમયમાં આંખો અને આંગળી પણ થાકશે…
સત્યવચન ભાઈ ,
થાકી છે આંગળી અને આંખો પણ ..
છતાય મન ભરાતા નથી એનું શું ?
ક્યાંક કૈક દરેક જિંદગીમાં ખૂટે છે અને જે ખૂટે છે એ મારી પાસે નથી તો બીજા કોઈ આપી શકે તેમ છે ? અથવા તો બીજા પાસે છે ? અને પેહલી વાત તો એ કે શું ખૂટે છે એની પણ ખબર છે ખરી ?
રૂપિયા ખૂટે એમ કહી ને ઉભા રહી જઈએ ..!
શું ખૂટે છે એ પણ નથી સમજાતું ..
અંધારે અંધારે અટવાતી દુનિયા છે લગભગ દરેકની..
ખીલે બંધાયેલાની કે ખુલ્લા રખડતાની..!!
ખીલે બંધાયેલો અંધારાથી ભાગે છે અને ખુલ્લો રખડતો અંધારા શોધે છે ..!
ગઈકાલે પંદર સિગારેટો પીધી ,
સવાર સવારમાં જહાજમાંથી બહાર નીકળ્યા ને દિલ્લીના ઇન્દિરા ગાંધી વિમાન પતન સ્થળ ઉપર પગ મુક્યો એ ભેગા બે પાંચ સિગારેટો ફેફસામાં જતી રહી..!
એકવાર તો એમ થઇ ગયું કે ટેક્ષી ઉભી રાખી ને અસ્થાલીન નો પમ્પ ખરીદીને જોડે રાખું પણ પછી મન મક્કમ કર્યું કે એવા ખોટા ખોટા પમ્પ જોડે રાખીશું તો બે ચાર પફ મારવાની ઈચ્છા થઇ જશે એના કરતા મગજ ને બીજે વાળો..!!
અને તમે તો કૈક ધુમાડાની વચ્ચે જીવો છો શૈશવકુમાર..!!
બાપ જિંદગીમાં ખેતી તો કરી નથી બધી જીઆઇડીસી માં રખડી ભટકી ને તો જન્મારો કાઢ્યો છે ..તો પછી પોલ્યુશનથી બીવાનું શું ?
મગજને બીજે પોરવો મગજથી થાકશો એટલે બધું બરાબર આવી રેહશે..!
એક કામથી થાકી ને કે કંટાળી ને બીજે કામે વળવું એ શ્રેષ્ટ રસ્તો છે , એટલે ટેક્ષીમાં બેઠા બેઠા ઘણાં દિવસે પછી ભૈરવ થી લઈને ભૈરવી સુધીની નાની નાની ક્લિપ્સ ડાઉનલોડ કરી દીધી અને સૂર દેવતા ને શરણે જતા રહ્યા ..!!
કલીપ ડાઉનલોડ કરતા કરતા વચ્ચે એક પેલું ગીત આવી ગયું .. ગુઝરા ઝમાના બચપન કા .. આયા હૈ મુઝે ફિર યાદ વો ઝાલીમ..
ત્રાસ થઇ જાય નહિ ? બાળપણમાં જતા રહીએ એટલે ??…!!
મન દુઃખ દુઃખથી ભરાઈ જાય..!
પાછા વર્તમાનમાં આવીએ એટલે…
લખોટી , ભમરડા ,છાપ ,ફિલ્મ ,પતંગ ,લટપાટિયા ,ખોચમણી ,આઈસપાઈ ,થપ્પો , ગીલ્લી ડંડા , ફટાકડા , અ ર ર ર .. કેટલી રમતો ..
અધધ રમતો હતી પણ અત્યારે તો અહ્વે એકની એક રમતો માંડી ને બેઠા છીએ ,
ત્યારે તો રમત ના રમવી હોય તો ના રમવાની પણ છૂટ હતી પણ આજે તો રમવી જ પડે.. ફરજીયાત થઇ ગયું છે..!!
પેહલા ફર્ક એટલો હતો કે ત્યારે રમતના રમવી હોય તો ભાઈબંધ પરાણે પકડી ને રમાડતો અને આજે કોણ પરાણે પકડી ને રમાડી રહ્યું છે એની જ સમજણ નથી પડતી..!
ત્યારે તો દાવ ચાલતો હોય જીતી ગયા હો કે હારી ગયા હો વચ્ચેથી નીકળવાની છુટ્ટી હતી આજે વચ્ચેથી નીકળવાની જરાક પણ છુટ્ટી નથી ..
હવે રમત રમવી જ પડે ફરજીયાત..!!
જો કે નસીબ નો પાધરો તો હું ખરો … જિંદગી ની રમત હોય કે ધંધાની પણ મિત્રો આજે પણ મળી જાય છે અને રમત રમાડે છે અને ત્યારે એવું થતું કે શૈશવ પેહલા બોલે આઉટ થઇ જાય તો એને બે દાવ આપવાના અને આજે ધંધામાં પણ એવા જ હિસાબ ચાલે છે..!
દાવ મુકવા નથી દેતા મિત્રો ..!!
ગઈકાલે દિલ્લીમાં જમનાજી ને પાર કરીને `માયા`નગરી થી આગળ નોઇડામાં અમે ઘ`રી ગ્યા તા ..
ધંધાકીય કામ પણ મિત્ર ..ક્યાંક વાંચ્યું હતું કે મિત્રોમાંથી ધંધો કરવો કે ઉભો કરવો એના કરતા ધંધામાંથી મિત્રો કરવા સારા , અને મને તો એ આગળ પડી રહેલું દેખાય છે..
ધંધાકીય મિત્ર ની જોડેની એક મીટીંગ મારો દિમાગી અસ્થમા દૂર કરી ગયો..!!
આજે બાળદિવસ ઉપર ઘણું ઘણું ચાલી રહ્યું છે જોડે જોડે ડાયાબીટીસ ડે પણ છે..!!
એક જ દિવસે બે દિવસો..
અર્થ કાઢવો હોય તો એવો કાઢી શકાય કે અંદરનો બાળક મોટો થઇ જાય એટલે ડાયાબીટીસ આવી ગયો સમજો..!!
સામાજિક રીતરીવાજો અને દુનિયાભરના ટેન્શનથી ઘેરાયેલો મધ્યમવર્ગનો ભારતીય હવે તો ૩૫ નો થાય એ ભેગો ડાયાબિટીસમાં જઈ ચડે છે .!!
અને પપ્પા એક વાત બધા પેશન્ટ ને કહે ,માં બાપ રૂપિયા પૈસા વારસામાં આપે કે રોગ તો આપી ને જ જાય..!!
ડાયાબીટીસ તો કોઈ ને છોડતો નથી ,દૂર રાખી શકાય ,પણ આવે તો પછી જાય નહિ..!!
અમે તો જન્મ્યા ત્યારથી એલોપેથી પકડી છે એટલે બીજી પેથી ફાવતી નથી અને અજણ્યા ભૂત કરતા જાણીતું પલીત સારું એટલે ડાયાબીટીસ વાળા ને એટલું ચોક્કસ કહું કે બધી પેથી અપનાવજે પણ દવાઓ બંધ ના કરતો ..સાલો પાછળથી બહુ હેરાન કરે છે..
જીમ ના છૂટવાનું કારણ જ એ છે મારું ..પેથોલોજીનું બધું જ બોર્ડર ઉપર પંદર વર્ષ પેહલા આવ્યું હતું કોલેસ્ટ્રોલ,બ્લડ પ્રેશર ,ડાયાબીટીસ ..
અને આજે પણ કસરતો કરી કરી ને બોર્ડર ઉપર પકડી રાખ્યું છે..
ફર્ક પડે છે ..
ચોક્કસ પડે છે એટલે જો પેથોલોજી ની બોર્ડર ઉપર હો તો મચી પડો લડી લો અને પોહચી ગયા હો પાકિસ્તાન તો પછી ગોળી ખાવ ..
આજે અહિયાં અટકું
શુભ રાત્રીશૈશવ વોરા