આજનો દિવસ વિપક્ષ પર ભારે રહ્યો …
મનમોહનસિંહ ને કોલસા ની દલાલી માટે સુપ્રીમ કોર્ટે સમન્સ મોકલ્યો …હાજર થાવ ,હિન્દુસ્તાન નો પેહલો ભૂતપૂર્વ વડાપ્રધાન હશે જે એક આરોપી તરીકે કોર્ટ માં હાજર થશે , અને બીજી ઘટના અરવિંદ કેજરીવાલ ની એક ટેપ … કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી બને ભરાયા છે ….
અરવિંદ કેજરીવાલ ની ટેપ……….. જબરજસ્ત ભરાઈ છે આમ આદમી પાર્ટી , અને એક પણ પ્રવક્તા અત્યારે આમ આદમી પાર્ટી નો જવાબ આપવાની પોઝીશન માં નથી , દરેક ચેનલ પર અત્યારે કુમાર વિશ્વાસ આવી રહ્યા છે …કુમાર વિશ્વાસ પોતે એક મોટો કલાકાર છે , માં સરસ્વતી એની જીભ પર બેઠેલી છે ,પણ દરેક કલાકાર ની એક ખામી હોય છે , જયારે એનું હૃદય જાણતું હોય કે એ હળાહળ જુઠ્ઠું બોલી રહ્યો છે ત્યારે એ કલાકાર નું મન અને હૃદય વચ્ચે નુ એલાઇનમેન્ટ તૂટી જાય છે અને કલાકાર ની આંખો ચાડી ખાઈ જાય છે , એ હળાહળ જુઠ્ઠું બોલી રહ્યો છે ..
અને અત્યારે ટાઈમ્સ નાઉ પર આમ આદમી પાર્ટી ના આશુતોષ ઉપર અર્ણવ ગોસ્વામી જોરદાર રીતે ચડી ને દાવ લે છે , એકદમ ઘોડો કર્યો છે અર્ણવ ગોસ્વામી એ આશુતોષ પર … ભયાનક રીતે આશુતોષ ને ઉતારી પાડી અને હલકા પાડી દીધા અર્ણવ ગોસ્વામીએ …. નેશનલ ટીવી પર એક પત્રકારે બીજા ભૂતપૂર્વ પત્રકાર ને બહુ જ ગંદી રીતે ઉતારી પાડયા , જે પાર્ટી એવું કેહતી હતી કે અમે રાજકારણ ને ચોખ્ખું કરવા આવ્યા છીએ નહિ કે એની ગંદકી નો ભાગ બનવા માટે , અને આજે એ જ પાર્ટી માં આટલો બધો કકળાટ અને ગંદકી , બિચારા અંજલી દમણીયા રડી પડયા … એકલા અંજલી દમણીયા નહિ આજે કદાચ આમ આદમી ની સાથે જોડાયેલા ઘણા બધા લોકો નો જીવ બળતો હશે અને રડતા હશે ,ફરી એક વાર મોહનદાસ તમારી ટોપી બદનામ થઇ એકદમ ખોટા માણસે આ ટોપી પેહરી અને લોકો ને ઠગ્યા , હું ખરેખર બહુ જ આહત છું અરવિંદ કેજરીવાલ ની આ ટેપ થી …!!!!
હું પોતે મન ,વચન અને હૃદય થી ઈચ્છતો હતો કે અરવિંદ કેજરીવાલ જીતે …. એનું મોટું કારણ હું પેહલા પણ લખી ગયો છું કે અરવિંદ કેજરીવાલ નું પતન હિન્દુસ્તાન માં લોકઆંદોલન કે જનઆંદોલન નું મોત નોતરશે ….આ દેશ માં કોઈ બીજી મોટી ક્રાંતિ બીજા વીસ વર્ષ સુધી નહિ થાય ….જે જનઆંદોલન આ દેશ ની આંતરિક તાકાત જેને બીજા શબ્દો માં લોકતંત્ર ના આત્માની તાકાત કહું …. જેને કોઈ કાળા માથા નો માણસ પછાડી ના શકે એવી આ જનઆંદોલન ની તાકાત શક્તિ ……આજે એ શક્તિ રસાતળ થઇ છે … મારું સપનું ચુરચુર થયું છે …
બે લગામ થયેલા નરેન્દ્ર મોદી ના અશ્વમેઘ ના ઘોડા ની અરવિંદ કેજરીવાલ લગામ થાશે અને… નરેન્દ્ર મોદી જ્યાં ખોટા હશે ત્યાં અરવિંદ કેજરીવાલ એમને સાચા રસ્તે લાવશે એક જવાબદાર અને ઈમાનદાર વિપક્ષ ની ભૂમિકા ભજવશે … અને મારું હિન્દુસ્તાન ફરી એક વાર સોના નો સુરજ ભાળશે…. અફસોસ ….આજે સોના નો સુરજ કાળા ડીબાંગ વાદળા ની પાછળ સંતાયો છે…
અરવિંદ તમે આ શું કર્યું ..??? હોર્સ ટ્રેડીંગ , જોડતોડ ની રાજનીતિ , જેને છેક ઇન્દિરા ગાંધી ના જમાના થી આ દેશ નો ભણેલો ગણેલો વર્ગ નફરત કરે છે …અને ચોરી ઉપર સીનાજોરી કે ટેપ ખોટી છે પ્રૂફ લાવો સાબિત કરો , અરે ભાઈ ભૂલ થઇ ગઈ હતી મારી ખાલી એટલું બોલી ને હાથ જોડી ને ચાંદની ચોક માં ઉભા રહી જાવ આ દેશ પાસે બહુ જ ઓછા ઓપ્શન છે બિચારો સામાન્ય હિન્દુસ્તાની તો પોતાની તકદીર ને કોસશે અને તમને માફ કરશે … એની પાસે પાવર તો ફક્ત પાંચ વર્ષે એક જ વાર આવે છે , મતાધિકાર નો … બાકી તો ભારત વર્ષ ના રાજકારણીઓ રોજ નવો ખેલ કરે અને એ સામાન્ય હિન્દુસ્તાની ને જોવાનો હોય છે અને સહન કરવા નો હોય છે …. હું તો હવે આમ આદમી શબ્દ ની જગ્યા એ સામાન્ય માણસ શબ્દ વાપરું છું …. બીક લાગે છે આમ આદમી શબ્દ વાપરતા …..
દિલ્લી વાળાઓ ને હવે ચોક્કસ થતું હશે કે આ અજાણ્યા ભૂત કરતા જાણીતું પલીત શું ખોટું હતું ..??
કોલસા ની દલાલી ..માં હાથ કાળા ..????
જે કોલસા ની દલાલી ની વાત કરીએ તો હમણા મોદી સરકારે કૈક આઠ દસ બ્લોક વેચ્યા અને રૂપિયા મળ્યા લગભગ ૬૬૦ કરોડ ….!!!!!! અને મનમોહનસિંહ ની સરકારે લગભગ એકસો અઠ્યાવીસ કોલસાના બ્લોક આટલી જ કિંમત માં વેચી ખાધા હતા …!
હે માં માતાજી …. માતાજી તમે સાક્ષાત છો …!!! અહિયાં હાજરાહજૂર ….!!!! સુપ્રીમ કોર્ટે બધા જ કોલ બ્લોક ની ફાળવણી કેન્સલ કરી અને ફરી હરાજી કરાવી … નહિ તો ભારત દેશ બહુ પ્રેમ થી ઠંડા પાણીએ નાહ્યો હોત … લગભગ સાહીઠ હજાર કરોડ રૂપિયા માં ….મીંડા ગણાતા ના આવડે બોસ આપણને ….!!
વાત એમ છે કે કોણ ગુન્હો કોને કર્યો અને કેમ કર્યો ..?? કોના કેહવા થી થયો ..?? સવાલો ઘણા છે .. પણ સુપ્રીમ કોર્ટ માં કેસ છે એટલે બીજી કોઈ ટીકા ટિપ્પણ ની જગ્યા નથી…
કોંગ્રેસી શાસન માં પેલું ગીત બહુ ચાલ્યું …ઈમાનદારી કી હૈ બીમારી …સાલું ઈમાનદારી ને બીમારી ગણવા માં આવતી ….. સવાલો ઘણા છે કુમાર મંગલમ બિરલા ની હિન્દાલ્કો ને મનમોહનસિંહ એ પર્સનલ ફેવર કરી હતી ..??? ટુ જી કાંડ … ભૂલ્યા ભૂલાય એમ નથી … અત્યારે એ ટુ જી કાંડ ને કોર્ટે કેન્સલ કર્યા અને ફરી હરાજી થઇ અને પરિણામ શું આવ્યું બધી ટેલીકોમ કંપની ના શેરો ની બજાર માં વાટ લાગી ગઈ …એકદમ ધરાશાયી થયા ટેલીકોમ કંપની ના શેરો ….. ફાયદો જે થવો જોઈએ કંપની ને તે હવે દેશ ને થઇ રહ્યો છે …અને કંપનીઓ ના શેરો જમીન ની નીચે ધસી રહ્યા છે અને એ પણ સાલું ૩૦૦૦૦ ના ઇન્ડેક્ષ માં….
એક જમાના માં એવું કેહવાતું કે ફોર્ડ ઇઝ અમેરિકા , પછી કોક ઈઝ અમેરિકા , ત્યાંથી અત્યારે એપલ ઇઝ અમેરિકા …. દરેક દેશ ને મોટા મોટા કોર્પોરેટ એમની પોલીસી નક્કી કરવા માં ક્યાંક ક્યાંક મોટા કોર્પોરેટ ઘરાના પર પ્રભાવિત કરતા હોય છે … તાતા ,બિરલા એ બહુ વર્ષો નેહરુ ને પ્રભાવિત કર્યા , રાજીવ ગાંધી ના જમાના માં રિલાયન્સ ઈઝ ઇન્ડીયા થયું જે કદાચ હજી સુધી ચાલુ છે …..
પ્રભાવિત કરવા અને પોલીસી ને ફક્ત અને ફક્ત પોતાની ફેવર માં લઇ જવી અને મફત ના ભાવ માં રાષ્ટ્ર ની સંપત્તિ ને પડાવી લેવી એ બંને માં બહુ ફેર છે ….
ઈન્ફોસીસ ના નારાયણ મૂર્તિ કર્ણાટક ના મુખ્યમંત્રી અને બેંગલોર ના મેયર ને મળી અને ખખડાવે અને કહે કે બેંગ્લોર ના રોડ રસ્તાના ખાડા પૂરો અને ટ્રાફિક ને સુધારો .. નહિ તો હું મારી ઈન્ફોસીસ ને હું બહાર લઇ જઈશ … અને કર્ણાટક સરકાર જખ મારીને ઈન્ફોસીસ સુધી ના રસ્તા સુધારે અને ઈલેક્ટ્રોનિક સીટી સુધી નો ફ્લાય ઓવર બનાવે … આને પોલીસી ને પ્રભાવિત કરી કેહવાય …..
પણ કોલસા ના બ્લોક ની ફાળવણી …. બોસ લુંટી લીધો દેશ ને …અને મનમોહનસિંહ ને હજી પણ હું ભારત ના દસ કરોડ ના મધ્યમ વર્ગ ને વિસ્તારી અને આજે લગભગ સાહીઠ કરોડ નો મધ્યમ વર્ગ નો જનક માનું છું …. મનમોહનસિંહ એક એવી વ્યક્તિ છે જેની આર્થિક નીતિ ને લીધે આ દેશ નો બહુ મોટો ગરીબ કે લોઅર ક્લાસ મધ્યમ વર્ગ માં આવ્યો ….આજે પણ હું માનું છું કે ટુ જી કાંડ અને કોલગેટ (કોલસા કાંડ ) આ બને માં મનમોહનસિંહ નું મૌન એ ધ્રુતરાષ્ટ્ર નું મૌન છે ….. અને ધૃતરાષ્ટ્ર નું મૌન સર્વનાશ નોતરે છે …. છેલ્લે જંગલ ના દાવાનળ માં શરીર ને બાળવું પડે … અને કોર્ટ માં એ જ થશે ….
બીક મોટી એ જ છે કે જે દિવસે કોર્ટ માં હાજર થશે અને પારેખ સાહેબ ના બયાનો ને જો ધ્યાન માં લીધા કોર્ટે તો મનમોહનસિંહ ને ઘરે પાછા જવા નહિ મળે …. જેલ જવું પડે સીધું …અને એ દિવસ ભારત ના ઈતિહાસ નો બીજો કાળો દિવસ હશે … પેહલો કાળો દિવસ નગરવાલા ખૂન કેસ માં ઇન્દિરા ગાંધી પર ની આંગળી ..થઇ એ હતો ….
હે મોહનદાસ તમારી ટોપી કેજરીવાલે લજાવી , ઇન્દિરા ગાંધીએ ઈમરજન્સી નાખી ને તમારી કોંગ્રેસ ને ઈતિહાસ માં લજવી , અને હવે આ મનમોહનસિંહ દસ દસ વર્ષ સુધી હિન્દુસ્તાન નો પ્રધાનમંત્રી રહેલો માણસ એક આરોપી ની હેસિયત થી કોર્ટ ના કઠેડા માં ઉભો રેહશે …..
ના જાણ્યું જાનકી નાથે ……
શુભ રાત્રી
શૈશવ વોરા