ભંવરલાલની દીક્ષા … બહુ ગાજી અને બહુ વાગી ,બહુ બધાને …. લોહી પી ગયો એટલો ટ્રાફિક જામ કર્યો મને સવાલ પેહલો એ થયો ….કે આ દીક્ષાવાળા કાકા રેહતા હતા દિલ્લીમાં અને દીક્ષા લેવા કેમ અહિયાં અમદાવાદમાં કેમ આવ્યા ..?? અને વર વિનાનો ઘોડો ..વરઘોડો , સોરી મિસ્ટેક .. વર તો ભંવરલાલજી પોતે જ હતા , પણ ઘોડા વિનાનો વરઘોડો કાઢવો હતો ,તો પછી ત્યાં દિલ્લીમાં જ પતાવવું હતું ને બધું ,અહિયાં અમદાવાદમાં શું કામ પધાર્યા ..??
અમારા એક ભાઈએ એમના વરઘોડા અને દીક્ષામાં થયેલા ખર્ચાને કારણે ગુજરાત અમદાવાદને થયેલા ફાયદાની વાત લખી … અલ્યા લપોડ શંખ …તગારું તારા બાપનું ,એમ જો વરઘોડા કાઢે ઈકોનોમીને ફાયદો થતો હોત તો ગુજરાત આખું ક્યારનું અમેરિકા બની ગયું હોત … પૂછ પેલા દિલ્લીવાળાને એમણે ક્યાં ઓછા વરઘોડા કાઢ્યા હતા..!!! બાર વરહમાં ગુજરાતમાં … રોજનો એક મેળો અને એકાદો વરઘોડો રેહતો જ હતો , અને ગામે ગામ ફરી ફરીને વરઘોડા કાઢ્યા …. આની કરતા જો એમણે ઘર માંડ્યું હોત તો સારું થાત , કોઈક એમને કેહનાર કે રોકનાર તો હોત …!!!! હશે પણ હવે શું હે … જેને જ્યાં જવું હતું ત્યાં જવા મળી ગયું …
ભંવરલાલજીને સાધુ થવું હતું .. તે થઇ ગયા .. એક છાપાવાળો એમની પ્રોપર્ટી ૬૦૦ કરોડ લખે બીજો ૧૦૦૦ કરોડ લખે … મારા જેવો અટવાય આ રાતો રાત સાલા ૪૦૦ કરોડ વધે કે ઘટે કેમના …?? આ તે કઈ મુકેશ અંબાણી કે દિલીપ સંઘવી છે ..??? કે સન ફાર્મા ..?? ૩૬ હજાર કરોડનું માર્કેટ કેપમાં ધોવાણ ….મારું બેટુ કોઈ માપમાં જ નથી રેહતું ,જેને જે મન થાય એવા આંકડા છાપે રાખે છે … એક છાપાવાળો ટીકા કરે અને બીજો ઓહો ઓહો કરે ….શું ત્યાગ કર્યો …!!!!!
કાલે મને કોઈએ કીધું કે ભંવરલાલજી એ એમની ઓડી Q-૭ ની ચાવી ઉછાળી હતી , જેને મળે એની એ ઓડી Q-૭ … લો લુટી જ લો ,સોના ચાંદીના સિક્કા ઉછાળ્યા …વાહ વાહ …અલ્યા આવું રાજકારણી કે એકાદો ભ્રષ્ટ આઈએએસ ઓફિસર ક્યારે કરશે ….?? આ બધાને પકડી પકડીને વરઘોડા કાઢી અને દીક્ષા આપવો … જુવો ભારત દેશની આપણી ગરીબી ચપટીમાં ભાગે ….કોઈ મહારાજ સાહેબ કે મોટા સંપ્રદાયના સાધુ જો આ વાંચતા હોય તો ટાર્ગેટ કરો … આ બે પ્રજાતિને .. બહુ માલ છે એમની પાસે … બાકી મારા જેવા સામાન્ય માણસ તો તમારા વરઘોડાની ભીડમાં જ જોડાશે ,ક્યાંતો પેલી Q-૭ ની લાલચે જ આવશે અને ડોબો ટાઈમ બગડી અને ઘેર પાછો આવશે અને ભંવરલાલના વખાણ કરશે … બે દિવસમાં ભંવરલાલની પ્રોપર્ટી બીજા બસ્સો કરોડ વધારી મુકશે …
મજા આવે પણ હો આ બધી વાતો સાંભળવાની … એટલા બધો અહોભાવથી બોલતો હોય કે બોલો આટલા હજાર કરોડની પ્રોપર્ટી મૂકી ને ભંવરલાલજી બાવા બની ગયા …મહાન ત્યાગ કર્યો .. બહુ જ મોટી વાત કેહવાય…કેવી જાહોજલાલી મૂકી ને .. પ્લાસ્ટિક માર્કેટમાં કિંગ હતા .. દિલ્લીમાં ..
હા ભાઈ હા બાવા બનવા માટે પેહલા રાજા બનવું જ પડે ,બીજો કોઈ રસ્તો જ નથી ….ક્યાં તો ભિખારી થવું પડે કે પ્રેમમાં તૂટવું પડે પછી જ બાવા બનાય … રસ્તે ચાલતો માણસ બાવો ના બને ,,,
અને એમાં પણ કોઈ વ્યવસ્થિત બંધારણ ,ફોર્મેટ ધરાવતા સાધુ સમાજના બાવા બનવાની મજા જ કઈ ઓર જ હોય .. કેમકે આવા વ્યવસ્થિત બંધારણ ધરવતા સાધુ સમાજમાં પણ તમે કેટલા સંસારમાં રૂપિયા મૂકીને આવ્યા એના ઉપારથી તમારા ઉપર ભવિષ્યમાં તમારી આગળ ૧૦૮ ,૧૦૦૮ , કે ૧૦૦૦૮ .. આવા કેટલા મીંડા લાગશે એ નક્કી થતું હોય છે …
મજાની વાત એ છે કે સંસારમાં હોય ત્યારે ૧૦૦ , ૧૦૦૦, ૧૦૦૦૦, એમ પાછળ મીંડા વધે અહિયાં સાધુ જીવનમાં પણ મીંડા વધે પણ વચ્ચે ..આગળ પાછળ આંકડો એકજ જ રહે .. એકડો અને આઠડો …અને ફલાણા અધિપતિ, કે ઢીકણા ગાદીપતિ …. નું લટકું …પણ બાપુ મોક્ષ એટલે મોક્ષ … બસ
મને એક જણા એ કીધુ હતું જેને જે વસ્તુમાં ખબરના પડતી હોય ને એને એ વસ્તુ વેચવાની મજા આવે .. હવે મોક્ષ એ આ જ કેટેગરીમાં પડે … કોઈને ખબર નથી કે મોક્ષ એટલે શું ..?? પણ વેચનારા વેચે છે મોક્ષને પણ , અને ખરીદનારાય ઘણા પડ્યા છે ….
મારે અને તમારે તાજમહાલ વેચી મારવો જોઈએ ..જો મોક્ષ વેચાતો હોય તો તાજમહાલ કેમ નહિ ?? મોક્ષ તો દેખાતો પણ નથી ,જયારે તાજમહાલ તો દેખાય છે…વેચી ખાવ અલ્યા … એટલે પૂરું થાય …
મને હજી સમજાતું નથી કે સાધુજીવન જીવતા લોકો શા માટે સમાજજીવનની વચ્ચોવચ રહે છે..??? અને પાછા એક આઈલેન્ડ ,ટાપુ ઉભો કરે છે સમાજજીવનમાં …ચારે બાજુ પરણેલા અને એની વચ્ચે હું સાધુ છું … પણ તમારાથી હું જુદો અને સારો ….તમે બધા કીડા મકોડા ..અને હું કોણ..?? તો કહે મોક્ષે જનારો મુમુક્ષુ …!!!
અલ્યા મુમુક્ષુ જાવ ને ભાઈ જંગલમાં ,કરો ને તપ ત્યાં જઈને અહિયાં આખા અમદાવાદના પાપીઓની વચ્ચે શું લેવા પડી રહો છો ..એમના ઘરના અનાજ કે રૂપિયા ખાઈને કેમ જીવો છે ..?? અને ખાધું એનું જ ખોદવાનું કે તારું જીવન બરાબર નથી … વળી પાછા છાશવારે ઉત્સવો અને ઓછ્ચ્વો કરીને અમારી મેથી મારો છો …!!!! કોઈ બાકી નથી આમાં , દરેક એ દરેક ધર્મના સાધુ ને રેહવું છે તો સમાજની વચ્ચે … આપણા રૂપિયે અને મેહનતે એમને પોષવું છે , … પાછું આપણ ને જ એમ કહે કે સંસારમાં સાર નથી નકામો છે … તો ભાઈ બાવા, સાધુ ,ફકીર તું શું અહી શું કરે છે ..?? મારા અમદાવાદમાં જખ મારે છે …?? જા ને જંગલમાં અને પીપળો પકડ એકાદો …પીપળો ,વડ ,કે લીમડો ના મળે તો કઈ નહિ , એકાદો ગાંડો બાવળ પકડજો …પણ અમને અમે જ્યાં છીએ ત્યાં શાંતિથી રેહવા દો .. સંસારમાં સાર નથી એમ કહી ને અમારામાં રહેલા મુરખો ને ભ્રમિત કરીને સેવા ના કરવો .. કામ ધંધા છોડી ને Q-૭ લેવા ના દોડાવો .. કે પુણ્ય લેવા ના દોડાવો , એ દિવસ નો તો એ મૂરખનો પગાર ગયો ને …!!!!
દરેક જગ્યાએ ,ધાર્મિક કથા, વાર્તા, બધે જ્યાં જોવો ત્યાં ટોળે ટોળા હોય છે .. એક રીતસર ની સીસ્ટમ ઉભી થઇ છે … ધાર્મિક સંસ્થાઓની .. અને ટ્રસ્ટીઓ અને સાધુ સમાજ નું ક્યાંક નેક્સસ હોય છે … બસ બેંમાં એફડીઓ અને મિલકતો વધતી જ જાય .. અને વધતી જ રેહવી જોઈએ ..કઈ વિરોધમાં બોલો તો નાસ્તિક છે .. ક્યાં તો એમ કહે તમારા ભ્રષ્ટ અધિકારીઓ અને રાજકારણીઓ કરતા અમે સારા …અમે તો ભગવાન નું કામ કરીએ છીએ …..
અરે એ ભગવાનીયા યાર શું કરે છે યાર તું ..!!! એક વાર તો મોઢું બતાડી જા .. સાલા જુઠ્ઠા એક વાર બોલીને તું તો ભાગી ગયો .. યદા યદા હી ધર્મસ્ય .. શું કરવું … ક્યાં જવું ખબર નથી પડતી …!!!
બસ આવું થાય ત્યારે જવું મોક્ષ લેવા …!! અને ક્યાં મળે તો કહે ગુરુચરણમાં મોક્ષ છે..!! જા આળોટ અને પડ ઉંધો….!!!!
ઓડી Q-૭ ની ચાવી ક્યાં ગઈ .. ?? સાલી ખબર ના પડી… તમને પડે તો કેહજો હો ,પણ જો તમે મોક્ષ લેવા જવા ના હોય તો તમારી માલ મિલકત લેવાવાળો હું બેઠો છું.. હો બોસ … (બેંકમાં મોર્ગેજવાળી મિલકતના પકડાવતા , )
શુભ રાત્રી
શૈશવ વોરા