ગયા ચોમાસા ની શરૂઆત ની વાત છે …. ગાંધીનગર માં લગભગ એન્ટર થયો હતો અને ચારે બાજુ થી અચાનક અષાઢ ઉમટ્યો …અને તડતડા તડ વરસ્યો … પેહલો વરસાદ હતો … ગાડી ના કાચ ખોલી નાખ્યા… એકદમ મિયા મલ્હાર ના સુર કાને આવી ગયા .. બંને નિષાદ ભેગા થઇ ગયા…હું આનંદ લેતો હતો મોટા મોટા વરસાદના ફોરા નો …
ત્યાં મારી નજર થોડે દુર ઉભેલી એક બહુ જૂની મારુતિ ૮૦૦ પર પડી અને એક ત્રીસીમાં પ્રવેશેલો છોકરો એની બહાર ઉભો હતો … મારી ગાડી થોડી એની નજીક પોહચી મેં ડ્રાઈવર ને કીધું પેલી ફ્રન્ટી આગળ ઉભી રાખ …મારો ઓળખીતો મેનેજર હતો એ છોકરો …. મેં મારી ગાડીમાં બેઠા બેઠા જ પૂછ્યું શું થયું છે દોસ્ત … ગાડી અટકી છે ..?મને કહે ના સર … મેં કીધું તો આમ રસ્તા વચ્ચે કેમ ઉભો છે ..?? જવાબ આવ્યો અરે સર કેવો મસ્ત વરસાદ છે.. જુઓ ને… ખાલી પલળવા જ ઉભો છું … મારી ખટારી તો બરાબર છે …એમ કરી ને એણે સરસ સ્માઈલ આપી ….
એની વાત અને કુદરત ને માણવાની વૃત્તિ પર હું ફિદા થઇ ગયો …..બહુ જ મન કરી ગયું કે યાર હું પણ ઉતરી જાઉં ગાડીમાંથી અને પલળું…..એની સાથે અને ડ્રાઈવર ને કહી દુ કે જા જતો રહે ગાડી લઈને ….પણ સચિવાલયમાં જવાનું હતું ..ભીના ભીના નહિ જવાય ..અને બીજા હજાર વિચાર આવી ગયા …અને રોકાઈ ગયો પલળવા જતા …છેવટે એ જુવાનીયાની સામે સખત ઈર્ષ્યા થી જોતો હું આગળ વધી ગયો …….સાલો કેટલો બધો નસીબવાળો છે ……
પછી મગજ ફર્યું અને વિચારો ચાલુ થયા … કેમ આમ ..?? કામધંધા કે દુનિયાદારી આટલી બધી ઘુસી છે મારામાં ..?? હું કોઈ કુદરતી કે નાની નાની વાતનો આનંદ લઇ જ નથી શકતો ..?? એવું તો શું થયું છે મને..?પેલું જગજીતસિંહ નું ગીત યાદ આવ્યું .. વો કાગજ કી કશ્તી વો બારીશ કા પાની …બોસ કાગળિયાં તો મારી પાસે પણ છે , અને બારીશ નું પાણી એ ઢગલો છે … તો તકલીફ ક્યાં છે ..? બાળપણ નથી …? ના એ પણ છે ઘરમાં …તો વાંધો શું છે ..?? જાવ અને છોકરાઓ સાથે તરાવો …. વાંધો ત્યાં છે કે હું મોટો થઇ ગયો છું … મારે આવી રીતે ના ઉભા રેહવાય … મારાથી કાગળ ની હોડીઓ બનાવી ને ના તરાવાય…..
મને જાવા+ માં બેસવાની મજા આવે છે હવે ત્રિપાઠી ની કીટલીની ચા નથી ગમતી ….મને મલ્ટી કુઝીન જોઈએ છે ….. લો ગાર્ડનના ચણાપૂરી નથી ગમતા … મને સપ્તકમાં બેસી ને એકદમ ચોક્કસ લાગેલા સુર જ સંભાળવા ગમે છે …. લોકગીતો બેસુરા લાગે છે …. સહેજ પણ તબલું સુરમાંથી ઉતરે તો મારા કાન ને વાગે છે …. હું તો ઉચ્ચ કોટી નું સંગીત જ સંભાળું … બ્રાન્ડેડ કપડા અને જૂતા જોઈએ …. યુનિવર્સીટી ની ફૂટપાથ પર મળતું બેટમેન નું ટીશર્ટ નથી લઇ શકતો .. યુંનીસેક્સ સલુન માં જ વાળ કપાવું ….
યાર કેટલી બધી રાઈ ભરાઈ ગઈ હતી મગજ માં ….અને કેટલો દુર થઇ ગયો હતો બધાથી ….દિલ્લી જવું છે ..?? કઈ એરલાઈન લઈશું ..? કેમ ભારતીય રેલ્વે બંધ થઇ ગઈ ..? અરે એમાં કોણ જાય ગંધાવા… બોલો ….ભૂલી ગયો બધું ..??દોઢ મહિનો ટ્રેન અને પ્લેટફોર્મ પર પડી રહ્યો હતો ….. એક એક સ્ટેશન ના નળે થી સીધું ખોબો ભરી ને પાણી પીતો હતો …!! મિનરલ વોટરના બાટલા ..સાલા એસી વિના તો મરી જવાય છે … ઊંઘ જ ના આવે … ઉતરાણનાં દિવસ સિવાય ઘરનું ધાબુ કોઈ દા`ડો કેમ નથી જોતો… સરસ મજાનું ઠંડા પાણી થી નાહી લે ….સુતા પેહલા …. ત્રાસ છે બધો .. એક સ્વીચ ચાલુ કરને ભાઈ .. લમણા લીધા વિનાનો….
કદાચ મારા જેવી હાલત લગભગ ઘણા બધાની છે…. કુદરત અને એની મજા , નાની નાની વાતો અને મફતમાં મળતું મનોરંજન ..દિલ થી ગવાતું કે વગાડતું સંગીત ,ફૂટપાથ ના લીધેલા કપડા ની મજા ..બધું જ ક્યાંક ખોવાઈ ગયું છે ….ઘણી કોશિશ કરું છું , એ બધું પાછું મેળવવાની પણ ક્યાંક તો કઈ ક હાથમાંથી છૂટી જાય છે, અને ફરી એને પકડવાની બેકાર કોશિશો થાય છે ….
આપણી જાત સિવાય કોઈ ને દોષ અપાય એમાં જ નથી બધું આપણે પોતે જ ઉભું કરેલું છે … અને જે બિચારો કે બિચારી નથી કરતો અને સાદગીમાં જીવે છે અને આનંદ લે છે એને ડોબો ,બોચિયો ,પછાત , ઈડિયટ ,મુરખો … એવા કેટલા વિશેષણ એક જ મિનીટ માં આપણે પકડાવી દઈએ ……
બસ આગળ વધવાની તમન્ના ,અને પચાસ બાટલી ચવનપ્રાશની ખાઈ ગયો હોય ને એમ ભૂખ ઉઘડી છે , બધું જ ખાઈ જવાની ….દુનિયાની તમામ એમીનીટી મારે જોઈએ જ બસ ….અટકવું નથી …
હવામાં મનભરીને ઉડ્યો ….. તો હવે હવા છોડી ને બહાર શૂન્યાવકાશમાં ફરવું છે સ્પેસ વોક કરવું છે …. ધરતી ને ફરતે ફેરા માર્યા તો હવે મંગલ અને ચંદ્ર વારો …. સ્કાય ઈઝ ધ લીમીટ …. ખોટી વાત લીમીટ જ નથી રહી સ્કાય ની તો ક્યાં વાત જ કરવી ..!!!!
બંગલો લીધો તો ફાર્મ હાઉસ અને ફાર્મ હાઉસ તો કેટલા એકરનું ..? બધું જ જોઈએ …
ફિલોસોફી ગમતી નથી …અને લવ સ્ટોરી ટાયલાવેડા લાગે …..
ઈશ્વર ને પકડવો છે કેમ તો કહે વરદાન આપ ભાઈ … એ વિના તું નકામો દોસ્ત … આંચળ વિના ની ગાય અને ફળ વિનાનું વૃક્ષ….
લઇ જ લો અને લુંટી લો રામ કી ચીડિયા રામ કા ખેત ……… પણ રામ કોણ …?? એ પણ હું હું હું હું હું ….અને હું જ બીજું કોઈ નહિ …..
શુભ સંધ્યા
શૈશવ વોરા