આજથી એક વર્ષે ફરી એક વાર સપ્તક ના સુર અને તાલ ના મહાઉત્સવ માં જવાનું ચાલુ કર્યું, લગભગ સતત બાવીસમું વર્ષ મારું આ સા રે ગ મ પ ધ ની …સાતે સુર ની મારી ઓળખાણ થયે
માતાતુલ્ય ગુરુ પૂજ્ય સરોજબેન ગુંદાણી એ સાત સુરો સાથે ઓળખાણ કરાવી, અત્યારે શ્રીમતી મંજુ બેન સિતાર પર છે …. અને ભૂતકાળ યાદ આવે છે
મારો સપ્તક નો પેહલો દિવસ બહુજ ખતરનાક એ દિવસ હતો …. પૂજ્ય સરોજબેને મને કીધું બેટા મારી સાથે સપ્તકના પ્રોગ્રામમાં આવવા નું છે .. ગુરુ ને ના કેમની પડાય ..? સારું હું રાત્રે નવ વાગે તમને લેવા આવીશ , મારી મમ્મી સાથે સરોજબેને ફોન પર વાત કરી લીધી … ભાભી શૈશવ મારી સાથે સપ્તક માં આવશે અને રાત્રે આવતા બે વાગશે ચિંતા ના કરતા , મમ્મી એ કહ્યું સરોજબેન તમેં જોડે છો તો મારે ક્યાં કઈ ચિંતા નું કારણ છે .. તમારો જ દીકરો છે ને …….
લગભગ સાડા નવ વાગે મેં એન્ટ્રી મારી કાશીરામ અગ્રવાલ હોલ માં ,ગુરુ સરોજબેન સાથે અને બેઠો હોલ માં, પેહલા તો ભારતીય બેઠક એટલે કે નીચી જમીન પર બેસવાનું ગાદલા પાથરેલા હોય … સાલું કઈ હજમ ના થાય, શાસ્ત્રીય સંગીત માં કોઈ પ્રોગ્રામ માં જીવન માં પેહલી વાર આવ્યો હતો …. અડધો કલાક થયો અને મેં સતપત ચાલુ કરી ,કઈ જ ના સમજણ પડે સખત બોર થાઉં ,પણ ઉભા કેમનું થવું ..? કોઈ જ ઉભું ના થાય …બધા ચારસો પાંચસો માણસો રસ પૂર્વક સિતાર વાદન સંભાળતા હતા … અને હું અભણ ,તદ્દન, અજ્ઞાની ,ભોટવો આજુબાજુ ડાફોળિયાં મારું કોણ શું કરે છે કોણે શું પેહર્યું છે અને બીજું બધું ઉમર પ્રમાણે જે કરવાનું હોય તે કરતો …..
સરોજબેન સમજી ગયા કે એમનો શૈશવ્યો કંટાળ્યો છે ….સિતાર પર આલાપ જોડ ઝાલા પત્યા, તબલા ચાલુ થયા મધ્ય લય હતી … તીન તાલ હતો મને સરોજબેનએ સમ પકડાવ્યો સોળ માંત્ર્રા ગણ અને સમ પર આવ , એક દો તીન ચાર …સોળ અને સમ ….મજા પડી ગઈ મને ચાર પાંચ આવર્તન પછી કલાકારો ની સાથે સમ પર આવવા નું અને તાળીઓ પાડવાની , પછી તો ધીમે ધીમે રાગ ની ઓળખ થઇ , વારો આવ્યો હરકત ,મુરકી . મીંડ ,ઘસીટ ,તાન , સીધી ,સપાટ આડી , લડંત ,ખરજ ,તાર સાતે સુર બસ મારામાં ક્યાં સમાંતા ગયા એનું ભાન જ ના રહ્યું, અને વર્ષો ના વર્ષો સરોજબેને સપ્તક ના ચાલુ પ્રોગ્રામે મારા કાન માં સાતે સુર અને બાવીસ શ્રુતિઓ મારા કાન માં રેડયા ,રાગ રાગીણી ના ફરક દેખાડ્યા અને દિવસો અને વર્ષો જતા ગયા સપ્તક માં મારા ….
આજે હવે સાચા સુર કાન માં નાખવા અને મારા આત્મા ને ખોરાક આપવા સપ્તક માં આવું છું , તાનસેન ના થયા નો અફસોસ….પણ કાનસેન થઇ ને જે પામ્યો એ કદાચ તાનસેન થયો હોત તો પણ ના મળતે…..મહાદેવજી અને ગુરુ ની પરમકૃપા થી આજે રાગ ભૂપાલી થી શરુ કરેલું આ સંગીતનું દર્શન મને અફાટ રાગ રાગની ના સાગર માં ડૂબકા મારવા મળે છે …..
સંગીત એટલે મારે માટે આખે આખો સામવેદ…. જેના દર્શન થી મોક્ષ મળે અને મને તો આ સામવેદ ભણવા નો સમજવાનો અને હવે માણવા નો મોકો મળે છે …
જયારે આપણે આકાશવાણી પર સાંભળીયે કે મુકેશ કા ગાયા હુઆ ઔર શંકર જયકિશન કા સ્વરબધ્ધ કિયા હુઆ યે ગાના સુનીયે ….. જુના ફિફ્ટીસ ના કે સિક્સટીસ ના ગીતો સાંભળી ને કેવો તમને આનંદ આવે ..!!! અને તમે એમ કહો કે જુના ગીતો એટલે જુનાગીતો …..
હવે આજ વસ્તુ હું જુદી રીતે મુકું , સાક્ષાત ભગવાન શંકરજી કા સ્વરબધ્ધ કિયા હુઆ ઔર પંડિત જસરાજ જી કા ગયા હુઆ રાગ શ્રી સુનિયે …. અને રહી વાત કેટલા વર્ષ જુનો રાગ તો કોઈ કહે છે પાંચ હજાર વર્ષ કોઈ કહે છે એનાથી પણ વધારે જુનો રાગ છે આ શ્રી રાગ ….. બોલો હવે કહો મન તરબતર થાય કે નહિ તમને સાક્ષાત મહાદેવજી નો કમ્પોઝ કરેલો રાગ સંભાળવા મળે અને એ પણ સંપૂર્ણ શુદ્ધ રૂપ માં અને સિદ્ધહસ્ત ગાયકો પાસે શું બાકી રહે બોસ ..? જીવન ધન્ય ધન્ય જ લાગે ….
બહુ વર્ષોના મારા દુખ અને સુખ ને આ મારા શાસ્ત્રીય સંગીતે મને સાચવી ને કાઢી આપ્યા , કદાચ બધા વ્યાસનો થી દુર રેહવા માટે નું આત્મબળ મને આ મારા સંગીતે પૂરું પડ્યું છે , જો હું આ ના શીખ્યો હોત તો આ દુનિયા સાથે બાથ ભીડવા ની મારી તાકાત અડધી થઇ ગઈ હોત ….
બાવીસ વર્ષ થી સપ્તક ના એ તેર દિવસ અને મારા મિત્રો ઘણી બધી યાદો છે મારી અહિયાં સપ્તક ના મંચ ની સાથે , હજી પણ એવું પ્રતીત થાય છે કે ઘણું બધું શીખવા નું અને સમજવા નું રહી ગયું છે આ એક જન્મારો તો ક્યાય જતો રહશે અડધી તો ચોક્કસ પૂરી થઇ …
પેલું નરસિહ મેહતા ના ભજન ની કડી યાદ આવે છે …
કે હરી જન તો મુક્તિ ના માંગે … માંગે જન્મ જન્મ અવતાર ..રે
નિત સેવા નિત કીર્તન ઓછાવ નીરખવા નંદકુમાર રે …
ભૂતળ ભક્તિ પદારથ મોટું …..
મારે પણ નથી જોઈતી મુક્તિ બસ આ સંગીતને સંભાળવું છે,માણવું છે , શીખવું છે ,જાણવું છે વર્ષો વર્ષ અને જન્મો જનમ …..
બસ આ સાથે આટલું જ ..
પંડિત હરિપ્રસાદ ચોરસિયા મંચ પર આવે એની રાહ માં
શુભ રાત્રી
શૈશવ વોરા