સમલૈંગિક
સ્ત્રી સ્ત્રી છે ..? પુરુષ પુરુષ છે ? સ્ત્રીમાં પુરુષ સમાયેલો છે ? કે પુરુષમાં સ્ત્રી ? શારીરિક રીતે પુરુષ છે તેમાં સ્ત્રી સમાયેલી છે કે શારીરિક પુરુષમાં સ્ત્રી સમાયેલી છે ?
આજકાલ સુપ્રીમ કોર્ટમાં આ બધી ડીબેટ ચાલી રહી છે નક્કી કરવાનું છે કે ભારત દેશે સમલૈંગિક લગ્નો થવા જોઈએ કે નહિ ?
ચર્ચાના થોડાક અંશ જોયા અને પછી જે લમણાંકૂટ ચાલી રહી છે એમાં થોડુક અજુગતું એવું લાગ્યું કે સમલૈંગિક હોવું એ ગુન્હો છે કે નહિ એની પેહલા વાત થવી જોઈએ અને બીજું તરત જ પછી લગ્નની વ્યાખ્યા કરોને ભાઈઓ અને બેહનો..
વાતમાં મોણ ઘાલ્યા વિના કહી દઉં .. મારી અક્કલ અને સમજણ પ્રમાણે બે વ્યક્તિ સાથે રેહતા હોય શારીરિક સબંધ બનાવ્યા વિના કે શારીરિક સબંધ બનાવીને પણ સાથે રેહતા હોય તો એને લગ્ન ના કેહવાય ..! ભલે કોઇપણ ધાર્મિક વિધિથી લગ્ન કર્યા હોય ..!
લગ્ન ત્યારે જ કેહવાય કે જયારે બે શરીરનું મિલન થાય અને ત્રીજા શરીરનો જન્મ થાય ..!!
ફળ મળે તો જ ફૂલની કિંમત બાકી જે કંઈ છે એ શોભા અને મોજમજા..
હા અહિયાં માણસાઈ એટલી રાખીએ કે કોઈ શારીરિક ખોડને લીધે કે બીજા કોઈપણ સંજોગોને કારણે સંતાનનો જન્મ ના થાય જે દંપતીને એને પણ લગ્ન ગણવા જોઈએ ..
બાકી જે કાંઈ એકબીજાની સહમતીથી બે શરીરની વચ્ચે થાય એ મોજ મજા , રોજીંદો વ્યહવાર ચલાવવા માટેના અને સહજીવન ગુજારવા માટેના એક પ્રકારના સમજોતા ને સમજણપૂર્વક ગોઠવાયેલી વ્યવસ્થા ..!
આજના ઓનલાઈન ડેટિંગ એપના જમાનામાં કોર્ટો આવા બધા ટોપિક ઉપર ડીટેઈલમાં ચર્ચા કરતી જોઈએ ત્યારે એમ થાય કે આ કામ પણ કોર્ટે જ કરવાનું ? ડોક્ટર્સ અને ધર્માચાર્યો શું કરશે ?
મેડીકલ સાયન્સને કોર્ટો પૂછશે ? પાર્ટી બનાવશે ખરી અને જે ધર્મના અને સમાજના “ઠેકેદારો” છે એ લોકોને પણ પાર્ટી બનાવશે ખરી ?
કાયદાના પાયામાં જ હું તો કુઠારાઘાત કરું છે ..
“ પેહલા તો હું કરું છું અને કરતો આવ્યો છું તે જ તારે કરવાનું છે, અને હું કહું છું તે જ વાત અને વિચાર સાચ્ચો છે , એની ઉપર જો તું ના ચાલે તો તું અધર્મી છે પાપી છે, માટે હું તને કોઇપણ સજા ફરમાવી શકું છું , એ સજા મૃત્યુદંડ પણ હોઈ શકે છે..”
ઉપર વર્ણવેલી માનસિકતાનો આવનારા સમયમાં ભારતીયો સંપૂર્ણપણે ત્યાગ કરવો પડશે કારણકે આ માનસિકતા એટલે તાલેબાની માનસિકતા જેનો ભારત દેશ વિરોધ કરતો આવ્યો છે..
ભારતીય સમાજે લગ્ન નામની જે સંસ્થા છે તેની ઉપર ઘણા બધા પ્રયોગ કરેલા છે છેલ્લા પાંચ સાત હજાર વર્ષમાં .. આ દિવાળીએ ખજુરાહો ગયો હતો ત્યાં એક સ્ત્રીનું શિલ્પ છે.. જે કેડે કાચી કેરીની લૂમ બાંધી અને હાથમાં પોપટ લઇને ગણિકાવૃત્તિ કરવા નગરમાં સાંજ પડ્યે નીકળતી ..!!
હવે અત્યારના સમય સાથે તેની સરખામણી કરું ..અત્યારે ગણિકાવૃત્તિ કરવા માટે ઢગલો ઓનલાઈન એપ આવી ગઈ , નથી હાથમાં પોપટ રાખવાની જરૂર કે નથી કાચી કેરીની લૂમ..!!
મને પ્રશ્ન એ હતો કે ભરબજારે ગણિકાવૃત્તિ કરવા જે સ્ત્રી નીકળતી એ બાઈ એની “સર્વિસ” ક્યાં “પ્રોવાઈડ” કરતી હશે ? તો જવાબ એવો હતો કે ચાલતી ચાલતી નીકળતી અને જે પુરુષનું પુરુષત્વ જાગે તે પુરુષ પોતાના ઘરમાં જ તેને લઇ જતો ..
હવે આપડી તો જીભડી બાહર આવી ગઈ …લે હાય હાય બીજા બધા છોડો એની બાયડી નાં હોય ઘરમાં ? તો કહે એક બાયડી થોડી હોય એને ? બાયડી પણ ત્રણ ચાર હતી એ જમાનામાં અને બાયડી છોકરા બધુય હોય પણ બધુય સામાજિક રીતે સ્વીકૃત હતું ..
હવે અત્યારે શું ? તો કહે ડેટિંગ એપ ઉપરથી સેટિંગ પાડવાનું અને પછી સર્વિસ ક્યાં લેવાની તો કહે ઓયો રૂમ્સ .. કોઇપણ હોટેલ પ્રોવાઈડ કરતી સાઈટ ઉપર કપલ ફ્રેન્ડલીનું ઓપ્શન આવે જ છે અને નહિ તો પછી બિલાડી ના ટોપની જેમ ફૂટી નીકળેલા ગમ્મે તે સ્પા સેન્ટરમાં ઘુસી જાવ ..
હવે કોઈ કહે સરકાર શું કરે છે ? તો ભાઈ રૂમનું બારણું બંધ થાય પછી બારણું ખુલે નહિ ત્યાં સુધી સરકાર થોડી એ બે શરીરની વચ્ચે બેઠી રહે ? સરકારની વાંક બધે ના કઢાય ..
આવા બીજા ઘણા પ્રયોગ થયા છે સમાજજીવનમાં .. એક રામ અને એક સીતા આવો કન્સેપ્ટ લઈને અત્યારે આપણે ચાલી રહ્યા છીએ સમાજજીવન માટે પણ એમાં બીજા ધર્મવાળા કહે અમારે આ કન્સેપ્ટ નથી જોઈતો .. એટલે એમને સગવડ આપવા પર્સનલ લો બનાવ્યા.. અને એમના બહુપત્નીત્વનો સ્વીકાર કર્યો..!
હવે આજનું સમાજજીવન શું માંગે છે ?
તો કહે ચીન દેશને મ્હાત આપી અને આપણે આગળ નીકળી ગયા એટલા ફૂલ ફળ્યા અને ફળ ભારત દેશની ધરતી ઉપર અવતરી ચુક્યા છે અને જમાનો ઈન્ટરનેટનો છે આભ ફાટ્યું છે ત્યાં થીગડે મેળ નહિ પડે ગમ્મે તેવો કાયદો બનાવશો તો તોડ થશે ..
જેને જેની ભેગું રેહવું હોય તે રહે .. લગ્ન ત્યારે જ મુક્કમલ થયેલા ગણવા જ્યારે સંતાન આવે અથવા પેલી શારીરિક ખોડ કે તકલીફ હોય ત્યારે ..!
બાકી આજકાલ લોકો પોતાના પાળેલા કૂતરા-કૂતરીને પણ “પરણાવે” છે એવી રીતે પરણવું હોય તો ભલે પરણતા એમાં શું ફેર પડે છે ? ઈકોનોમીને બુસ્ટ મળશે ..!
ભલે પુરુષ-પુરુષ પરણે અને સ્ત્રી-સ્ત્રી પરણે .. બે સ્ત્રી એક પુરુષને કે બે પુરુષ એક સ્ત્રીને અરે આગળ વધો સજ્જનો બે પુરુષ ત્રણ સ્ત્રીને પરણો કે ત્રણ પુરુષો બે સ્ત્રીને પરણો..!!
આંધી ચાલી છે , ફક્ત તમે તમારી જાત માટે જ જવાબદાર રહી શકો તેવી પરિસ્થતિ છે.. અને તે પણ જવાબદાર રેહવું હોય તો બાકી દંભ કરવો હોય તો પણ “હિડન ફોલ્ડરો” રાખવાની સગવડો ઘણી છે.!!
સંતાન થાય પછી કાયદાએ લગ્ન મુક્કમલ ગણવા , બાકી ધાર્મિક રીતે જે કરવું હોય તે જે તે ધર્મના ઠેકેદારો નક્કી કરે .. ભલે થોડા નાસ્તિક પણ પેદા થતા ..! ધર્મ ના ઠેકેદારોને કામ મળશે એમની સામે લડવાનું અને સમાજજીવનમાં એમની દાખલ ઘટશે..!
અને રહી વાત પરણવાની તો કૂતરાને બિલાડા જોડે પરણવું હોય કે બિલાડીને કૂતરા જોડે એમાં વચ્ચે આવનારા આપણે કોણ ?
અપને આપ કો સંભાલો અને ના સચવાય તો “હિડન ફોલ્ડર”…
થોપશો તો સામા થશે .. થાકશે તો પાછા વળશે ..!!!
સંતાનની કિલકારી હજી જગતને વ્હાલી છે ..!!
આપનો દિન શુભ રહે
શૈશવ વોરા
*(ચેતવણી :- આ બ્લોગને તમે ફોરવર્ડ ચોક્કસ કરી શકો છો, પરંતુ પોતાના નામે કે પછી મૂળ લેખકના નામ વગર કે તેમાં કોઈપણ જાત ના ચેડા કરીને મુકવો તે સંપૂર્ણપણે ગેરકાયદેસર છે, જે કોઈ વ્યક્તિ તેવું કરશે તો કોપીરાઈટ એકટ નો ભંગ ગણાશે અને તે પ્રમાણે કરનાર સામે કાયદેસર કાર્યવાહી ચોક્કસ કરવામાં આવશે..)*