ધીખતી ધરતીને માથે ભીનો ભીનો વીંઝણલો વાયો ..!!
કે હે આવ્યો મેહુલીયો ..!
કાનમાં પવન કહીને ચાલ્યો..!!
દૂર દૂર દખ્ખણ ઢોલ વાગ્યા… મસ્ત મેહુલીયો આયો રે ..!!
ખરેખર આજે તો આવું જ થયું છે..!!
સવાર પડ્યે રાબેતા મુજબ આઈઆઈએમની કીટલીએ સત્સંગ
ગોઠવાયો હતો અને એમાં કુબુદ્ધિ
સુઝી તે ગાડી ઘેર મૂકી અને આપણો હજાર સીસીનો જાતવાન ઇટાલિયન ઘોડો પલાણ્યો..!
અરરર .. ઉપરથી સૂરજ દેવતા આગ ઓકે અને નીચેથી મારો ઇટાલિયન ઘોડો ગરમી ફેંકે..
અને એમાં પાછો ભેજ, બાપ રે ..!!
બપોરે એક વાગ્યા ત્યાં તો નાક એ જવાબ આપી દીધો હતો ..જોરદાર ગળતર ચાલુ, જોડે જોડે છીંકો, કાનમાં લબકારા ..આપણને ભેજની સખ્ખત એલર્જી ,જેવો ભેજ વાતાવરણમાં વધે એ ભેગું નાક ગળવા લાગે અને છીંકો ચાલુ થઇ જાય .. પત્નીજીની ફરમાઈશ હતી કે ક્યાંક બપોર પડ્યે પિક્ચર જોવા જઈએ, પણ અમારી હાલત જોઇને માંડવાલી કરી નાખી..!!
એવી હાલતમાં પણ મસ્ત રસ રોટલી ઝાપટી અને એક શરદીની ગોળી લઈને શૈશવ પાર્ટી એ રાગ નસકોરા
છેડ્યા અને ઉઠ્યા એ મીનીટે ધબધબાટી ચાલતી હતી…!!
અનરાધાર ,મુશળધાર , સાંબેલાધાર ..ધીમી ધાર .. બધુંય એક સાથે ચાલી રહ્યું હતું ..!!
ધાબે જઈને ઉભા રહી ગયા .. મોજ પડી ગઈ..!!
મૌસમનો પેહલો વરસાદ ..!! રેમપની સાં , મપનીધ ની ની સાં ..ની પ મપ ગમરેસા ..!
મીંયા મલ્હાર ચાલુ થઇ ગયો હતો બંને નિષાદ જોડે આવી ગયા હતા..!!
સ્ટોરી ફેસબુક પર નાખી એ ભેગો ફેસબુક થકી મિત્ર બનેલા સુરત નિવાસી અર્પિતભાઈનો મેસેજ આવ્યો, બહુ દૂરથી મળવા આવ્યો છે છત્રી વિના મળજો..!!
મળી લીધું ,પલળી લીધું ..
ભીંજાઈ જવાના દિવસો કદાચ હવે નથી, પલળવાના જ દિવસો જ છે..!!
જુનો ચિઠ્ઠો..
એક જમાનો હતો વરસાદ પડે એ ભેગા દોડીને ઘરની બાહર ,પછી સાયકલ લઈને અને પછી બાઈક લઈને ..!!
ગજ્જબ બાઈકો લઇ લઈને લપસ્યાને પડ્યા છીએ.. ગોઠણ છોલાયેલા જ હોય..!!
કિલોના ભાવમાં ગાળો ખાધી છે લોકોની ..
એ તારે મરવું હોય તો મર પણ મારી ગાડી નીચે આવીને ના મરતો..!!
ક્યાંય કોઈ ગલીમાં પાણી ભરાય એટલે બાઈક પાછળ બેઠેલો પેહલા રેકી કરવા જાય.. પ્લગ સુધી પાણી પોહચે એમ છે ? તો પ્લાસ્ટિક બાંધી દેવાનું પ્લગને અને પછી પાણીમાં નાખવાની બાઈક …
હેઈ મજાના પેહલા-બીજા ગીયરમાં બાઈક ખેંચવાનું અને આખી પાણી ભરેલી ગલીમાં પાણી ઉડાડવાનું ,અને લોકોની ગાળો ખાવાની, કોરા હોય એને પલાળવાના ..!!
આસુરી આનંદ હતો, પણ લેતા હતા..!!
હજી એક નીકળ્યોના હોય ત્યાં બીજો પાછળ પાણી ઉડાડતો આવે ..
પાછા આમારા ગુરુ ઘંટાલ એ એવું જ્ઞાન આપ્યું હતું કે પાણી ભરાયું હોય તો રોડની એકદમ વચ્ચોવચ જ બાઈક ચલાવવાનું ..
કેમ ? તો કહે વચ્ચે ગટર ના હોય અને ગટર હોય તો ખુલ્લીના હોય એટલે ખાબકશો નહિ..!!
નકરા તોફાન ..!
અમદાવાદનો વરસાદ..
આમ તો જવલ્લે જ બનતી ઘટના જેવી વાત છે, પણ આવે છે વરસાદ, ક્યારેક અને ક્યારેક ખાબકે પણ ખરો આજની જેમ..!!
એટલે વાહલો પણ લાગે..!
વાત હવે વરસાદ અને પ્રેમની ..
આપણને ના થાય હોં એમ પ્રેમ-બેમ .. કુંડલીમાં રાહુ મંગળ જોડે પ્રતિયુતિમાં છે, એટલે મોસ્ટ પ્રેક્ટીકલ માણસ, વેવલા વેડા લાગે પ્રેમ કરતા લોકોને જોઈએ એટલે..
પિક્ચરમાં પણ લવ સ્ટોરી હોય તો વચ્ચેથી ઉભા થઇ ને નીકળીને બહર પોપકોર્ન લેવા જઈએ ..!
ત્યારે શું વળી,
આ પ્રેમલા પ્રેમલી..પરણી જા બકા એટલે વાત પતે .. એકબીજાને પરણવા મળે તો ઠીક છે, નહિ તો બીજે-ત્રીજે પણ પૂરું કર લ્યા..!!
પણ કેટલાક અખંડ પ્રેમી હોય ,પરણી ગયા પછી પણ પ્રેમ ચાલતા હોય ,પત્ની બાજુમાં હોય તો પણ ..!!
એક આવો ખંડ ખંડમાં વેહચાયેલો અખંડ પ્રેમી અમદાવાદથી રાજકોટ જાય તો ચેક ઇન નાખે ,મુંબઈ જાય તો પણ ,અને વડોદરે જાય તો પણ ..!
મેં કીધું ..અલ્યા આ અખંડ કરે છે શું ? આવા ચેક ઇન કેમ નાખે છે ..
અલ્યા ડફોળ શૈશાવ્યા તને એટલી ના હમજ
પડી ? અખંડ ના ખંડ ઠેર ઠેર પથરાયેલા હોય એના માટે હોય છે ..!
શુક્ર ..શુક્ર… એકદમ પાવરફુલ ..!!
ભીંજાય આવા લોકો ..આપણે તો પલળવાનું જ હોય..!!
પત્નીજીની બૂમ આવે હવે અંદર આવો,હજી બપોરે તો છીંકો ખાતા હતા અને તાવ ચડશે ને તો તારી છોકરી ત્રણ ચાર કોવીડની ટેસ્ટીંગ કીટ બગાડી નાખશે..!!
એ પણ બહુ મોટું દ:ખ થઇને ઉભું છે ,સેહજ ઘરમાં કોઈને શરીરે તપત લાગે એ ભેગા આખા ઘરના કોવીડના ટેસ્ટ થાય..!!
દાક્તરના ઘરને ..એટલે ચાર ગરણે ગળીને પાણી પીવે અને પીવા દે..!!
બાકી જાંબુ ખાધા કે નહિ ? જોરદાર આવ્યા છે ..
ફાલસા જતા રહ્યા પણ બહુ મોંઘા ભ`ઈસાબ .. માણેકચોકમાં પણ સો રૂપિયાના અઢીસો ફાલસા .. બહુ કસ્યો તો બસ્સો રૂપિયાના છસ્સો ગ્રામ આપ્યા પણ એથી નીચે નહિ..!!
વરસાદ આવ્યો એટલે હવે કેરી જતી રેહશે .. બહુ દુઃખ થાય નહિ ..!!!
ચણીબોર ખાવાનું મન થયું છે ..!!
આજકાલ ખબર નહી પણ લારીઓ ઉપર મળતા ફ્રુટ લઇ લઈને ખાવાનું મન થાય છે અને લઇ પણ લઉં છું ..!!
પેલી લાલ પીળી ખારેક બહુ મળે છે આજકાલ ,તાડફળીવાળા પણ ઉભા હોય છે ,ચેરી આવી છે, પ્લમ આવ્યા છે..
પણ સ્કુલમાં હતા ત્યારે વીસ પૈસાના પચ્ચીસ પૈસાના કાકડી ટામેટા ,આંબલી ..ખાટી ખાટી .. ચૂરણ .. આયહાય ..પેલી ગોરસઆંબલી, કાતરા, કોંઠા ..આંબોળિયા ખાટ્ટા ,તીખ્ખા ,ખારા ..પીપર ,ગોળી …!!
કેવી મજા આવતી ખાવાની ..અત્યારે તો જે માંગો એ ગમ્મે ત્યારે મળે એ પણ હેંતકનું ..!
પેલું તો ચૂરણ હોય તો કાગળિયું પણ ચાટી જવાનું ..!!
ઓછાની મજા અને વેહચીને ખાવાની મજા .. પચ્ચીસ પૈસાની પાંચ પીપર અને એ લઈને ઘેર જવાનું ,ત્રણેય ભાઈબેનની એક એક અને પછી દસ્તા વડે બાકીની બે ના નાના નાના ટુકડા કરીને ત્ર એક સરખી કરીને ઢગલી કરવાની અને પછી ત્રણેય એ એક એક ઢગલી લઈને ખાઈ જવાની..!!
આખી સાંજ મોઢામાં સ્વાદ ટકતો..!!
ચાલો ત્યારે શુભ રાત્રી
કોઈક ભીંજાયા હો તો એ યાદ કરજો , પલળેલા પલાળેલાને યાદ કરજો અને અમારા જેવાને દુનિયાભરનું યાદ આવે એ શાંતિથી ઊંઘી જજો .. રાત્રી જગાનો મતલબ નથી એવા લોકો માટે ..!!
હજી કોઈને ટપ્પો ના પડ્યો હોય પલળવા અને ભીંજાવા વચ્ચે તો કહી દઉં કે જેઠોલાલ દયાભાભી જોડે પલળે અને બબીતાજી જોડે ભીંજાય..!!
શૈશવ વોરા
(ચેતવણી :- આ બ્લોગને પોતાના નામે કે પછી મૂળ લેખકના નામ વગર કે તેમાં કોઈપણ જાત ના ચેડા કરીને મુકવો તે સંપૂર્ણપણે ગેરકાયદેસર છે , જે કોઈ વ્યક્તિ તેવું કરશે તો કોપીરાઈટ એકટ નો ભંગ ગણાશે અને તે પ્રમાણે કરનાર સામે કાયદેસર કાર્યવાહી ચોક્કસ કરવામાં આવશે..)