આજે દસમી માર્ચ ..
મમ્મીને પંચોતેર પુરા થયા અને છોંતેરમુ બેઠું..!
મમ્મી..
કેવો છે નહિ, આ એક જ શબ્દ ..!!
આપણી ઉંમર ગમે તેટલી થઇ હોય , દુનિયાના ગમે તે ખૂણે ભટકી અને `મોજ` ના દરિયા ખેડીને આવ્યા હોય ..
પણ ઘેર આવીએ અને `મમ્મી` એમ એક બુમ મારીએ, અને મમ્મી એમ બોલે..આવી ગયો બેટા..
આહા હા..મનનો બધોય થાક ઉતરી જાય, એક જ વાત મોઢામાંથી બોલાય..મમ્મી ભૂખ લાગી છે જલ્દી થાળી પીરસ ..!!
હાથ મોઢું ધોયા વિના મંડી પડીએ ,ગરમ ગરમ રોટલી ભચડવા..એમ પૂછવાની દરકાર પણ ના કરીએ કે તું કેમ છે મમ્મી ..!! ,
અને જમ્યા પછી ઉપરથી એમ કહીએ મમ્મી સખ્ખત થાક્યો છું ઊંઘવા દેજે..અને માં બાપડી કલાકે કલાકે આવી અને ચોરસો ઓઢાડી જાય અને આપણે દુનિયાની ઉત્તમ નિંદ્રા માણીએ..!!
મારા અને મારા મમ્મી માટે , મારી બેહન હમેશા એક જ વાત કહે કે.. ભ`ઈ તારો એમ્બીયકલ કોર્ડ છે ને હજી કપાયો જ નથી..તું શૈશવ નો શૈશવ જ રહ્યો ..
એ રહી મારા માંબાપની જેમ દાકતર એટલે એમની ભાષા જ બોલે..
જો કે એની વાત પણ સો ટકા સાચી છે ,મને પણ ક્યારેક એમ લાગે છે કે મારો એમ્બીયકલ કોર્ડ(ગર્ભનાળ) હજી કપાયો જ નથી , હું હજી પણ મમ્મી સાથે એટલો જ કનેક્ટેડ છું..જેટલો એના પેટમાં હતો એટલો જ …અને તો પણ મમ્મી હંમેશા એમ જ કહે મને તો નાનો વધારે વાહલો પછી તમે બે..!!
લો પત્યું..
જો કે મોટેભાગે એવું જોવા મળે છે કે માતાપિતા પેહલા સંતાન જોડે વધારે કનેક્ટ હોય પણ એમની લાગણીઓ નાના તરફ વેહતી હોય..
મારા કેસમાં નાના ભાઈ બેહન દોઢ પોણા બે દસકાથી પરદેસ જતા રહ્યા છે એટલે મમ્મી પપ્પાની જોડે રહીને એમના વ્હાલના દરિયા મારે ભાગે આવ્યા છે..!!
મમ્મી માટે શું લખવું એની મને આજ સુધી ખબર નથી પડી,
પણ મને એટલી ખબર છે કે મારી મમ્મી જયારે ખાનપુરમાં અમે રેહતા ત્યારે ઘરે કામવાળા નાં આવ્યા હોય તો ગાંસડો એક કપડા અને વાસણ લઈને મમ્મી ચોકડીમાં ધોવા બેસતી ,ત્યારે સોસાયટીમાંથી પસાર થતા કોઈ ને કોઈ આડોશ પડોશમાંથી કાકી માસી આવતા અને મમ્મી ને હાથ ઝાલી ને ઉભા કરતા…ના ભાભી તમે ડોક્ટર છો ,તમારાથી આવા કામ ના થાય,લાવો અમે કરી નાખીએ છીએ ,
પણ મમ્મી ધરાર માને નહિ અને સામે દલીલ કરે..ડોક્ટર થયા તે શું થયું આપણા ઘરના કામ આપણે નહિ કરીએ તો બીજું કોણ કરશે ..? છેવટે પેલા પાડોશી મમ્મીની જોડે ચોકડીમાં બેસી અને કપડા વાસણ કરાવે ..
હવે એ ઘટના આજે યાદ કરું છું ત્યારે આજે મને ચન્દ્રકાન બક્ષી યાદ આવે ..તેઓ કેહતા કે સ્ત્રી ની કમાણીના સો રૂપિયા એ બસ્સો રૂપિયા બરાબર છે , કેમકે સ્ત્રી `ઘર` અને `બહાર` બધું સાચવે છે..!!
પણ હું તો કહીશ કે મારી મમ્મીની કમાણીના સો રૂપિયા કદાચ પાંચસો રૂપિયા બરાબર છે..
એક સાથે મમ્મી એ કેટલા કામ કર્યા ..
એક પણ રસોઈવાળી રાખી નહિ, ના આયા કે બાઈ, અમને જાતે મોટા કર્યા ,રોજ અમને ભણાવે, દવાખાને પપ્પા ની સાથે જાય ,અને પપ્પાને આસિસ્ટ પણ કરે ,અને ઈમરજન્સી વખતે પપ્પાની બોસ પણ થઇ જાય..ફાઈનાન્સ ને ક્યારેય અડ્યા નહિ પણ છેલ્લા ચાર વર્ષથી પાપા ને સ્ટ્રોક આવ્યો અને ફાઈનાન્સ પણ શીખી લીધું અને પકડી લીધું ..
મને ખરેખર નવાઈ લાગે છે ક્યારેક કે મારી માં અષ્ટભુજા ધારી તો નથીને..
વચ્ચે એક સમય અમારા પરિવારનો એવો આવ્યો હતો કે પપ્પાએ લગભગ સેવાનો ભેખ ધરી લીધો હતો , પપ્પા એ પોતી જાતને ચક્ષુદાન પ્રવૃત્તિને સમર્પિત કરી મૂકી હતી..
લગભગ એક દિવસની એક પેર આંખો પપ્પા લેવા જાય,અને પછી ૧૯૮૫ના તોફાનો પછી ખાનપુર મુક્યું અને એલીસબ્રીજ રેહવા આવ્યા એટલે ત્યાંથી વીએસ નજીક પડે, અને પછી તો ક્યારેક તો પપ્પા એક રાતમાં ત્રણ ત્રણ વાર મૃતદેહમાંથી આંખો લેવા વીએસ હોસ્પિટલ જાય..વત્તા દવાખાને પણ પપ્પા ઘણી ચેરીટી કરતા..
એ વખતે મને પપ્પાની આ સેવાકીય પ્રવૃત્તિ ઘણી બધી રીતે કઠતી,પણ જીવનના સોળમાં સત્તરમાં વર્ષે બીજો કોઈ પણ રીતે વિરોધ કરવાની કોઈ તાકાત કે ઔકાત મારી નોહતી એટલે હું પ્રેક્ટીકલી અસહકાર કરતો, જો કે મમ્મી એ એવા સમયે બરાબર પપ્પા ને સાથ આપ્યો અને ધીમે ધીમે પપ્પાને કન્વીન્સ કર્યા કે આ ચક્ષુદાનની પ્રવૃત્તિનું ફલક વધારવું હોય તો વધુ ને વધુ ડોક્ટર્સ ને જોડવા રહ્યા અને એ લાઈન ઉપર પાપા પણ ચાલ્યા ,અને એ સેવાકાર્યનો વ્યાપ પણ વધ્યો ને પપ્પા ના ઉપર નો લોડ પણ ઘટ્યો..
અને તો પણ આજે કદાચ પાંચ હજજાર પેર કરતા વધારે પેર આંખો મૃતદેહમાંથી પપ્પાએ ઇનોક્યુલેટ કરી છે ..અને એ તમામ આંખો લેવા જયારે જયારે પપ્પા ગયા છે ત્યારે મમ્મી એમની પથારીમાં પપ્પાની રાહ જોઈને જાગતી પડી રેહતી..!! મોબાઈલ નોહતા એ જમાનામાં ..!
આટલા વર્ષમાં એક દિવસ એવો નથી ઉગ્યો કે મમ્મી સવારે છ વાગ્યે બેઠા ના થઇ ગયા હોય, અને ગોળાના ગળ્યા હોય ,કે કુકરની સીટી ના વાગી હોય..!
આજે આખું ખાનપુર અને બીજા પેશન્ટો પપ્પાના ગુણગાન ગાય છે, કેટલાય પેશન્ટ એમ કહે કે અમારા સાહેબ તો દેવ જેવા ,ત્યારે હું મારા મનમાં હમેશા એમ જ કહું કે દેવ ને દેવ જેવા રાખવા વાળી ને તો જુવો..
પડદાની પાછળ રહી અને છતી ડીગ્રીએ મારી મમ્મીએ પચાસ-પચાસ વર્ષ કાઢી નાખ્યા..પપ્પાની અને અમારા ત્રણ ભાઈ બેહનોની પાછળ જાત ઘસી નાખી..અને આજે પણ હજી મમ્મી પપ્પાને પેરાલીસીસ હોવા છતાં રોજ દવાખાને એમને એમની ગાદીએ બેસાડી અને રોજના પચાસ થી સો પેશન્ટ ની ઓપીડી જોઈ અને પપ્પાના સેવા યજ્ઞ ને મમ્મી આગળ ધપાવી રહ્યા છે,
પ્રિસ્ક્રીપ્શન લખવાના રૂપિયા નહિ લેવાના ,સલાહ સંપૂર્ણ મફત..એક રૂપિયો કમીશન નો ક્યારેય નહિ `જ` લેવાનો, ગરીબ દેખાય તો દવાના રૂપિયા તો નહિ લેવાના ,ઉપરથી બીજા રૂપિયા આપવાના કે લે આ રૂપિયા અને સરખું ખા`જે પી`જે..
બહુ અઘરું છે મારા જેવા ધંધાદારી માટે આ લોજીક સમજવું ,
ધંધે બેઠા પછી પણ ધંધામાં ચેરીટી કરવાની ,અને દરેક રૂપિયા ને જોઈ વિચારી સમજી ને ઘરમાં લાવવાનો કે ક્યાંક ભૂલથી પણ અનીતિ તો નથી આચરાઈ ને ..!!
પપ્પાને તો ચોક્કસ મમ્મીની ખુબ જ કદર છે, જીવનભર રહી છે ..અને ખરેખર અત્યારે તો પપ્પા ને એક સેકન્ડ મમ્મી વિના નથી ચાલતું પણ તો ય હું તો એટલું જ કહું ..
દયા ના સાગર થઇ ને કૃપા રે નિધાન થઇ ને ..
છો ને ભગવાન કેહવડાવો..
પણ રામ તમે સીતાજીની તોલે ન આવો ..
મારા રામ તમે સીતાજીની તોલે ન આવો..
ઈશ્વરને પ્રાર્થના કે આ જન્મ તો આ માંબાપ ને પેટે તે અમને અવતર્યા છે,પણ હવે એટલી મેહરબાની કરજે કે બીજા આવનારા જેટલા જન્મ બાકી છે એ બધાયમાં એમના જ પેટે અવતરીયે એવું કરજે વ્હાલા..!!
સોળે શણગાર સજી મંદિરને દ્વાર તમે..
ફૂલ ને ચંદનથી છો પૂજાઓ..
પણ રામ તમે સીતાજીની તોલે ન આવો..
મારા રામ તમે..સીતાજીની તોલે ન આવો..
શૈશવ વોરા