૩૧મી ડીસેમ્બર ગઈ ,બહુ બધા મેસેજ આવ્યા આ તો કઈ આપણો તેહવાર નથી, ફલાણું અને ઢીકણું,બહુ ત્રાસ ગુજાર્યો મેસેજ મોકલી મોકલીને લોકોએ ,
મને તો એવું લાગતું હતું કે હું અફઘાનિસ્તાનમાં છું અને તાલેબનોએ પોતાનો ધરમ બદલીને હિંદુ થઇ ગયા છે..!!
અને ખરેખર અફઘાનિસ્તાનના આવા ડરામણા માહોલમાં ઘરની બહાર જવાનું માંડીવાળી ને હું ઘેર શાંતિથી ઊંઘી ગયો..!!
કારણ એવું હતું કે બહુ હાકોટા અને પડકારા અને દેકારા પાડતા પાડતા અને બાઈકો લઇ લઈને “ક્ર્શ્ચિયન” ત્રાસવાદીઓ રાત્રે રોડ પર બહાર ફરતા હતા,મારા ઘરની બહાર..!
મને એક મિત્રનો ફોન આવ્યો આ બધું શું ચાલી રહ્યું છે આ તારા ઘરની બહાર ? મેં કીધું ભઈલા જનતા દારૂ શોધે છે અને પોલીસ દારૂડીયાને.. બસ આટલામાં ૩૧સ્ટ નો સાર આવી ગયો..
બંને બાજુની તકલીફ છે,અફઘાનો સમજતા નથી કે તેહવાર આનંદ કરવા માટે હોય છે એ પછી ગમે તેનો હોય,અને લુખ્ખાઓ આનંદનો અતિરેક કરી અને નિર્દોષ જનતાને કનડે છે..
એક લુખ્ખાની વાત
અમદાવાદની તમામ લુખ્ખી જનતા જેણે દુનિયાભરમાં હતા એટલા બધા ઝાડ હલાવી લીધા ૩૧સ્ટની પાર્ટીના મફતિયા પાસ માટેના, પણ છેવટે પાસના મળ્યા
એમા એમની સોસાયટીના બે ચાર ડાહ્યા વડીલોને થયું કે,
આ આપણા પનોતા રત્નો બહાર રોડ પર જઈને ધમાલ મસ્તી કરે, અને એમાં પણ પાછા એમણે છાંટોપાણી કર્યા હોય અને એકાદા ડિવાઈડર પર ગાડી ચડાવી દે અથવા કોઈ ઠોલાના હાથમાં ઝલાય અને પાંચ દસ હજારનો તોડ થાય એના કરતા સોસાયટીમાં જ ભૂંગળા ગોઠવો , અહિયાં બધા ભલે “ક્રિશ્ચન” થતા..
હવે એ જ સોસાયટીમાં એક બીજા ઘરમાં દારુનો સીન જોવા જેવો હતો, અમદાવાદમાં ઘણા ઘરોમાં બાપા જ પાર્ટી કરીને બેઠા હતા,
હવે અહિયાં અમદાવાદમાં અમુક જગ્યાએ પાર્ટીનો મતલબ
પેલા લુખ્ખાના બાપા લુખ્ખેશના ચાર ભાઈબંધો ,જેમાંનો એક થોડો સરખો રૂપિયાવાળો હોય એની પાસે હોન્ડા સીટી ગાડી હોય ,પણ એની બાયડી એને ઘરમાં પીવા ના દેતી હોય એટલે એ બાપાના ઘરમાં સોરી લુખ્ખાના બાપા લુખ્ખેશને ઘેર આવે પીવા માટે અને જોડે બાટલી પણ લેતો આવે અને વારે વારે બોલ્યા કરે..
એની માં ને પંદરસોની બાટલીના અઢી હજાર આપ્યા છેક કેમ્પથી માલ લાવ્યો છું,જબરજસ્ત શોર્ટેજ છે ,મીલીટરીનો એકદમ સ્ટ્રોંગ માલ છે ..
બાપા લુખ્ખેશનો બીજો ભાઈબંધ કાજુ અને બાઈટીંગ લાવે અને ત્રીજો કોમેડિયન હોય જે બધાને એન્ટરટેઈન કરે અને લુખ્ખેશ્રી ના પપ્પા અને લુખ્ખે પોતાના ઘર તરફથી સોડા બરફ અને ગ્લાસ પ્રોવાઈડ કરે..
લુખ્ખો બાપાની જોડે ને જોડે બેઠો રહે, અને લુખ્ખાના પિતાશ્રી શ્રી લુખ્ખેશ બોલે આપડા ઘરમાં તો બધું ફોરવર્ડ છે ..
લે બેટા લુખ્ખા તું પણ મારી જોડે લે અને લુખ્ખાશ્રી દારૂ પીવે એના બાપા લુખ્ખેશની જોડે બેસીને ..
સુ મોર્ડન જમાનો છે, આખુ લુખ્ખા ફેમીલી ફોરવર્ડ ઘર થઇ જાય બે કલાક માટે .. બે ત્રણ પેગ ઘટ્ઘટાવ્યા પછી તો લુખ્ખો એના મિત્રો જોડે પોહચી જાય સોસાયટીમાં અને ચાલુ થાય અઢી હજારનો માલ પીધો છે અને એ પણ બાપની જોડે બેસીને..!
લુખ્ખાના ભાઈબંધો બોલે બે યાર અમને પણ પિવડાવને ,યાર અમને પણ પીવાડાવને, છેવટે બધા ભેગા થઇ ને આઠસો હજાર રૂપિયાનો વહીવટ કરે અને પછી ચાલુ થાય ડીસ્કવરી ઓફ ઇન્ડિયા..જવાહરલાલ નેહરુવાળી નહિ હો..!
ભારત એક ખોજ ..કે ભારતની મહાન ખોજ.. બુટલેગરનો નંબર શોધો..?લગાડો અને પેલો ના પાડે.. બહોત ટાઈટ હે ભાઈ આજ અભી કુછ નહિ હો સકતા ..
બહુ લમણા કૂટ્યા પછી એક બાટલી હાથમાં આવે અને લુખ્ખાશ્રી ના મિત્રોની પાર્ટી ચાલુ થાય ,દુનિયાથી છુપાઈને..સોસાયટીના ધાબે કે પાર્કિંગમાં ,અશોક પરથી ગ્લાસ સોડા કોક અને પેપ્સી બાઈટીંગ ..બધાને ભાગે ત્રણ ત્રણ પેગ આવે અને એક એક લુખ્ખો દસ લુખ્ખામાં કન્વર્ટ થાય બધા લુખ્ખાઓ થાય ઘૂઘરા ..
લુખ્ખો પછી નીકળે બાઈક લઈને એસ.જી, હાઈવે પર અને ત્યાં પોહચતા સુધીમાં તો લુખ્ખાશ્રી ભાઈબંધના બાઈક ઉપર પાછળ બેસીને સોરી ઉભા થઇ ને ચીસો પાડે અને હાકોટા કરતો જાય ..
જાણે અહમદશાહ બાદશાહનો હું તો ડાયરેક્ટ દીકરો ..!!
બસ ભૂલથી ક્યાંક ગાડીમાં બેઠેલી કોઈ દેખાય તો તો ..એ પેલી ગાડીમાં જાય છે જો માલ જાય ..બે ભગાવ અને લુખ્ખાશ્રીઓ ના બાઈક દોડે એ ગાડીની પાછળ અને પેલી જો ડોળા કાઢે તો જાય પૂછડી દબાવીને ઉંધા પાછા બીજી ને શોધવા..
રાતના બે વાગ્યા સુધી ચાલે આવો ખેલ, કોઈને વધારે પીવાયું હોય તો ઉલટી કરી લે ,છેવટે થાકી અને ટીમ લુખ્ખા પોહચે ઓનેસ્ટ અને ઇસ્કોન ગાંઠિયા પછી ત્રણ વાગે જાય ઘેર ત્યારે પિતાશ્રી લુખ્ખેશ નસકોરા બોલાવતા હોય અને સોસાયટીના ભૂંગળા ઉતરી ગયા હોય.
આખી સોસાયટી પછી હિંદુ થઇ ગઈ હોય અને સવારે વેહલા ગાર્ડનમાં જતા હિંદુ તાલેબાનને હાશ થાય કે હું પાછો મારા અફઘાનિસ્તાનમાં જ છું.. લાવ ઠોકું બે ચાર વોટ્સ એપ સુપ્રભાતના.. અને આપણી સંસ્કૃતિના..!
ગુડ મોર્નીગ તો વિદેશી છે અને પાછુ હજી ક્યાં રાણી એલીઝાબેથએ એમના મેહલમાં રાંદલ તેડ્યા છે..એટલે મારે તો સુપ્રભાતના મેસજ જ મોકલવા પડશે..ગુડ મોર્નીગ નહિ લખાય..
બસ આમ ને આમ અમદાવદની ૩૧સ્ટ પૂરી થાય..
પણ જેન્યુનલી ઘણી બધી પાર્ટી અમદાવાદમાં થ્રો થઇ, પાંચેક પાર્ટી તો લગભગ વીસ પચીસ લાખની ઇવેન્ટ હતી કદાચ પચાસ સુધીની હોય તો નવાઈ નહિ ..
ફાઈવ સ્ટાર હોટેલોએ તોડી નાખે એવા ભાવ લીધા અને ક્લબોમાં પણ સારી એવી રંગત જામી હતી ,લગભગ બધી કલબો પેક હતી..
દરેક એફ.એમ. રેડિયાવાળાઓ એ પણ સરસ પાર્ટીઓ કરી..બધા આર જે એ ધૂમ મચાવી..
ઉપર લખેલા લુખ્ખાઓને બાદ કરતા ઘણું જેન્યુન ક્રાઉડ પણ ક્યાંક ક્યાંક દેખાયું હતું એવા રીપોર્ટ છે..
બાકી બચેલી ઘણી બધી જનતા ટીવીને ચોંટી રહી…
હું માનું છું કે પાર્ટી કરવી એટલે દારૂ જ એવું ના હોવું જોઈએ ,સરસ કંપની હોય એક ધાબુ ,નાનકડી મ્યુઝીક સીસ્ટમ,મિત્રો અને ફેમીલી બધા જોડે નાચો ગાવ મજા કરો નાસ્તાપાણી કરીને છુટા પડો..દારૂ સિવાય ઘણું બધું છે..
પણ પેલા તાલેબાની ફરમાનો આવે ને તો પછી એકવાર થઇ જાય,ચાલો આજે તો જે થવું હોય તે થાય સમુદ્રમંથનમાંથી પેદા થયેલા ચૌદ રત્નોમાનું આ એક રત્ન સોમરસનું પાન કરી જ લઉં..અને અસુર થઇ જઉં
કંટ્રોલ કરવો હશે તો હું કરીશ મારી જાતને.. તમે કોણ કેહનારા ?નર્યું ફાલતુ નું જ્ઞાન ઠોક્યું ..
તુલસી અને ક્રિસમસ ટ્રે ની સરખામણી જ અસ્થાને છે..! નકામું નકામું ક્રિસમસ ટ્રે ને મોટું કરી નાખ્યું,,!
ઓવરઓલ જનતા જનાર્દનએ મોજ કરી અને મેં મસ્ત ઊંઘ ખેંચી ..
આજે પેહલી જાન્યુઆરી એટલે સપ્તકના સંગીત મહોત્સવનો આગાઝ..
મારા જેવા માટે કાન ચોખ્ખા કરવાનો સમય, તેર દિવસમાં એટલા કાન ચોખ્ખા થઇ જાય કે બાકીનું આખુ વર્ષ નીકળી જાય..
સૂર અને તાલનો મહોત્સવ સંપૂર્ણ શાસ્ત્રીય સંગીતનો જલસો..તેર તેર દિવસ સ્વર્ગીય પંડિત નંદન મેહતાએ શરુ કરેલી એક પરંપરા વટવૃક્ષ થઇને ઉભી છે આજે અમદાવાદમાં..
એકાદ દસકા પેહલા સપ્તકના સ્ટેજ પર વિખ્યાત સારંગીવાદક સ્વર્ગીય સુલતાન ખાન સાહેબ બિરાજમાન હતા અને એમણે માઈકને પોતાના મોઢા સુધી સેટ કર્યું તરત જ ઓડીયન્સમાં બેઠેલા તબલા સમ્રાટ સ્વર્ગીય પંડિત કિશન મહારાજજીએ એમને ટપાર્યા સુલતાન ગાના નહિ ..સારંગી બજાઓ ..અને ખાન સાહેબે બિલકુલ અદબપૂર્વક …જી મહારાજજી કહીને સારંગી બજાવી ..જબરજસ્ત દિલથી વાગી હતી ત્યારે સારંગી..
બસ આ લેવલ છે સપ્તકના સંગીતનું ..
ઉસ્તાદ અસદઅલીખાન સાહેબ રુદ્ર વીણા વગાડતા અને એમની રુદ્ર વીણામાંથી ઓમકાર નો સ્વર ગુંજે ત્યારે છેક નાભીની આરપાર નીકળી જાય એ ઓમકારનો નાદ અને ખરા અર્થમાં નાદ બ્રહમનો સાક્ષાત્કાર થાય..
બેગમ પરવીન સુલતાના જયારે ભવાની દયાની ચાલુ કરે અને પૂરું થાય ત્યારે ખરેખર માં અંબા ભવાની સામે ઉભી છે એવું લાગે..
સંગીત માર્તંડ પંડિત જસરાજજી નું આદિ શંકરાચાર્ય રચિત ગોવિન્દમ ગોકુલાનાદમ ગોપાલમ ગોપી વલ્લભમ ..ઓમ નમો ભાગવતે વાસુદેવાય અને બીજા અનેક કમ્પોઝીશન અદભુત .
સ્વર્ગીય પંડિત ભીમસેન જોશીજી નો રાગ દરબારી કાનડા..ધીર ગંભીર ગમક લઈને સ્વરો આવે જાણે શાંત સરોવર માં એક પછી એક વમળ ઉભા થાય અને સૂર નો દરિયો ઘૂઘવાટા મારે અને તાનો તો બસ જાણે ધુઆધારનો ધોધ વરસે સ્વરોની રમઝટ બોલે ..
ડાગર બંધુઓની અને ગુન્દેચા બંધુઓ ની ધ્રુપદ અને ધમાર .કડ ધે ટ ધે ટ ધા ગે તેટ કરીને પખાવજ ગરજે અને તાલમાં બંધાયેલો આલાપ કિનારા છોડીને પાછો આવે ..
સ્વર્ગીય પંડિત રવિશંકરજીની સિતાર .. એક એક સ્વર છુટા પડે અને એકબીજામાં સમાઈ જાય ..
પંડિત હરિપ્રસાદ ચોરસિયાજી નું બાંસુરી વાદન..કૃષણ નો આખે આખો સામવેદ અને હમેશા સાડા નવ માત્રા કે સાડા આઠ માત્રાનો તાલ લેવાનો ,પાશ્ચાત્ય સંગીતકારો તો સાત માત્રાનો તાલ રૂપક માં હજી અટવાય છે કે સાત માત્રાનો તાલ કેવી રીતે હોઈ શકે..?અને આપણા ગુણીજનો સાડા આઠ માત્રાના તાલ સાથે જાણે રમત કરતા હોય એમ વગાડે..
આજે રાત્રે સપ્તક , મારા કાન સાફ કરવાના દિવસો ,આજે પંડિત હરિપ્રસાદ ચોરાસીયાજી ને સાંભળીશું ..ઉજાગરા ચાલુ .
શુભ રાત્રી
શૈશવ વોરા