ગોચર અગોચર ભાસે ત્યારે એવા વિચાર આવે કે આવું કેમ ..?
કયો ગ્રહ એવો છે કે જીવન દોહ્યલા થાય છે ..?
કઈ ભૂલ થઇ ? કેમ થઇ ?
થોડાક દિવસથી કેલીડોસ્કોપમાં દેખાતી જિંદગી એના ચિત્ર વિચિત્ર આકારો દેખાડી રહી છે, પેહલા પણ લખી ચુક્યો છું..
મને જીવન હંમેશા કેલિડોસ્કોપ જેવું લાગે છે ..
એની એ જ તૂટેલી બંગડી અને એના એ જ કાચના ટુકડા , છતાં પણ દર વખતે જુદી ડીઝાઈન લઈને જિંદગી સામે આવે, અને આપણને એમ થાય કે વળી પાછું નવું શું ?
ભગવદ ગીતા યાદ કરવી પડે તારી જોડે થયું છે તે બીજા જોડે થયું જ હશે , શોધી કાઢ પેલો કેમનો બહાર નીકળ્યો હતો તું પણ એમ નીકળી જઈશ..!
પરિસ્થિતિઓ જીવનમાં બદલાતી જ રેહતી હોય છે અને મારા જેવા પારકી પીડે પીડ વોહરી લેનારા રોજ દુઃખી થાય..!!
બે દિવસ પેહલા એક મિત્રનો ફોન આવ્યો અમારી પચ્ચીસમી એનીવર્સરી છે ..ચોક્કસ આવવાનું છે..!
અમારા ઘેર પત્નીજી સજીધજીને બેઠા અને પારકી પીડા આવી ..જો કે સુખ પણ પારકું હતું અને દુખ પણ પારકું હતું, નક્કી મારે કરવાનું હતું કે સુખ લેવા જવું કે દુઃખ ..!
દુઃખ ને પ્રાયોરીટી આપવી પડી ..!
એક દામ્પત્ય જીવન પચ્ચ્સીમી ઉજવતું હતું અને એક ભંગાણ ને આરે હતું ..!!
ભંગાણનું કારણ તો શું હોય હવે…એ જ ..!!
આજ ના ભંગાણના કારણ બહુ જાણીતા છે, વોટ્સ એપ ,ફેસબુક ,સ્પા ,બેંગકોક ,કે પછી કોઈ રશિયન દેશની વિઝીટ .. બહુ લાંબુ વિચારવાની જરૂર જ ના પડે..!!
મારી સાંજ બગાડનારા ટોપાના મોબાઈલમાં એની ઘરવાળી “ટીંડર” જોઈ ગઈ ..!!
અને પેલીએ `ઝક` ઝાલી લીધી લગન થયા પછી “ટીંડર” મોબાઈલમાંથી અનઇન્સ્ટોલ કેમ ના થયું..?
સાલું ક્યારેક તો એવી એવી દલીલો આવે કે આપણને એમ થાય કે યાર આપણે તો “ટીંડર” ઇન્સ્ટોલ નથી કરી નાખ્યું ને ..!!
ત્રણ ચાર વાર મેં મારો મોબાઈલ ચેક કરી લીધો..! અને મારે તો હું ના કરું તો મારા જીમના વાંદરા કરી નાખે ..ચાલો કાકાની લઈએ.. જોડે ફરવાના લકુંબા અને ધકુંબા બધુય આવે..!
બારમાં માળના ફ્લેટમાંથી તેરમે માળે જવાની અને ત્યાંથી વગર નિસરણી એ નીચે ઉતરવાની ધમકીઓ આવે ..!! “ટીંડર” ની ઘરવાળીની ..
મને ચાલુ ઝઘડે વિચાર આવે કે આ પણ થોડી અક્કલની ઓછી તો પાક્કી છે ,બારમા માળેથી તેરમે માળ જવાની જરૂર ક્યાં છે ? બારમો માળ તો ઇનફ છે, નક્કામી “જતા જતા” એક દાદરો ચડે છે..!
પણ મારું જ મન જવાબ આપે અક્કલની એ ઓછી નથી, વધારે છે.., તું ઓછો છે કે અહિયાં આવ્યો .. બારમેથી તેરમે રાડો પાડતું પાડતું જાય, એટલે રસ્તામાં અડોશી પાડોશી અને ઘરના રોકે..
આજકાલના પિકચરો અને વેબ સીરીઝો એ નવી જનરેશનના પતિ-પત્નીઓને ખુબ સહનશીલ કરી મુક્યા છે ,એટલે અમારા જેવા લાહ્યબંબા ને લાહ્ય ઠારવામાં સરળતા રહે છે..
ભાઈનો વાંક હોય કે બેન નો વાંક હોય, બંને બાજુ થી “આવું” એકાદું જ થયું હોય કે પેહલું જ હોય તો થોડીક મમત થાય, પણ માફ કરી દેવાની કે ભૂલી જવાની તૈયારી ઘણીખરી હોય છે..
મને યાદ છે પપ્પાને જયારે આવી રીતે `લાહ્યબંબો` બનવું પડતું ત્યારે એકાદ બે મીટીંગમાં વાત પૂરી નોહતી થતી .. મહિનાઓ સુધી ચાલે ..!!
ભાઈ મુકેશના ગીતો ગાય અને બેહન પેલું મૈ તુલસી તેરે આંગન કી અને બીજા કૈક કૈક ગીતો સાંભળે..!
બદલાતા સમયની તાસીર છે ,
ક્યાંક કોઈ સંબંધોને ઝીણી વીસી એ કાંતવા જાય છે અને દરેક વાત અને ઘટનાના અર્થ કાઢી અને અનર્થ સર્જે છે યુથ ,અને ક્યાંક જોડે રહી ને દિવસો પુરા કરવાની જદ્દોજેહાદ થતી દેખાય છે..!
જૂની પેઢીનું `જડત્વ` વિદાઈ થઇ રહ્યું છે અને નવી પેઢીની નરમાશ અને નરમાશ ની વચ્ચેથી `ગેપ` કાઢીને રમાતી રમતો વધતી જાય છે..!
આજકાલ ફેસબુક પોતે હવે શીખવાડી રહ્યું છે કે તમને ગમતા કે ના ગમતા લોકો ને તમારે તમારી પોસ્ટ બતાડવી હોય તો શું કરવાનું અને ના બતાડવી હોય તો શું કરવાનું..!
સમસ્યાનું મૂળ, એટલા બધા ના ગમતા લોકો ને ફ્રેન્ડ લીસ્ટમાં રાખવા જ કેમ..?
મોબાઈલ અને મોબાઈલમાં રહેલી નતનવી એપ તમારા અને મારામાં સહનશીલતા ને ઓછી કરી રહી છે ,
જાણીતો કે જાણીતી ગમતી નથી અને અજણ્યામાં ગુણ દેખાય છે ..!
અને એ અજાણ્યો કે અજાણ્યી જેવી જાણીતીમાં ફેરવાય કે તરત જ એના અવગુણ સામે આવી ને ઉભા રહી જાય છે , અને ફરી પાછું બધું અજાણ્યા ને શોધવાની દોટમાં લાગી જાય છે જિંદગીઓ..!!
ક્યારેક તો એવું લાગે કે ઓલ્ડ ઈઝ ગોલ્ડ ..
ચલો એકબાર ફિર સે અજનબી બન જાય હમદોનો..!
આવું કરવાની કોઈ ની તૈયારી છે જ નહિ..!!
શરીરથી જ જિંદગી મપાઈ રહી છે ,છૂટવું છે ..
પણ શરીર છૂટવાનું છે એ પરમ સત્ય ને બિલકુલ ભૂલી ને બધા ખેલ ચાલે છે, લગ્ન નામની સંસ્થા ,પરંપરા સાથે ઘરડા થવાની વાત વિસરાઈ રહી છે..!
આજ ને માણી લેવી છે, વાપરી લેવી છે અને એના માટે આવતીકાલનું જે થવું હોય તે થાય..!
એક “વિદ્વાન બાળક” મને કહે ભાઈ પ્રશ્ન કુંડળી મુકાય ..?
મેં કીધું શેની ? ક્યા દ:ખ આવ્યા ?
તો કહે આજે `ટીંડર` માં `પાસ` આવશે..? આ સ્વાઇપ મારી મારીને થાક્યો..!!
મેં કીધું પ્રોફાઈલ બતાડ તારી..
હવે પ્રોફાઈલ પિક્ચરમાં ભાઈ એ સુટ પેહરીને ફોટો પડાયો હતો એવો મુક્યો હતો , કઈ `ટીંડર` વાળી એને પાસ આપે ..!
મેં કીધું અલ્યા આમાં પ્રશ્નકુંડળી ના મુકાય પ્રોફાઈલ પીક બદલવું પડે , સીધો તાલુકા મથકેથી સે`ર માં આવ્યો હોય એવા પ્રોફાઈલ પીક માં પાસ નાં આવે..!!
હજી `ટીંડર` ગુજરાતને ગામડે ગામડે નથી પોહાચ્યું ,પોહચશે પછી તારા તાલુકા મથકને પાસ મળશે..!!
કોણ જાણે આ મોબાઈલ કેવા સમાજનું નિર્માણ કરશે આવનારા પચ્ચીસ વર્ષમાં ..!!
ભાઈ તારી પચ્ચીસમીમાં તો નથી આવ્યો પણ પચાસમીમાં ચોક્કસ આવીશ ..!!
જેને બારમેથી તેરમે જવું હોય તે જાય .. બસ પાક્કું ..!
અહિયાં `ટીંડર` એ “લફરાં” ઉર્ફે “પ્રેમ” નું પ્રતિક સમજવું ..!
આપનો દિન શુભ રહે
શૈશવ વોરા