૧૭મી એ દેશભરના ડોક્ટર્સ હડતાલ ઉપર જશે..
બંગાળની બબાલ દેશ આખામાં ફેલાઈ છે,
એક ઇન્ટર્ન ડોક્ટરને જોરદાર માર માર્યો પેશન્ટના સગાએ ..!!
એ પણ પંચ્યાશી વર્ષના પેશન્ટના ગુજરી જવાથી ડોક્ટરને જવાબદાર ગણી ને ..
અને ઉપરથી બળતામાં ઘી નાખ્યું `દીદી` એ ..
“પોલીસ એની કામગીરી કરતા મરી જાય છે તેમ ડોક્ટર પણ મરી જાય..!!”
શું સરખામણી છે…?!!!!!
ક્યારેક આપણા દેશના રાજકારણીઓની બુદ્ધિમત્તા વિષે શંકા ઉપજે છે, કઈ સરખામણી કરી મૂકી છે..?!!
ડોકટર અને પોલીસ ..
આજે દેશભરના ડોક્ટર્સની એક જ માંગણી છે કે અમને પુરુતુ પ્રોટેક્શન આપો..એની બદલે આવી આડીઅવળી વાતો કરે છે સત્તા ઉપર બેઠેલા રાજકારણીઓ..!
આમ જોવા જાવ તો આ કોઈ પેહલી વારનો મામલો નથી ,દેશની ઘણી બધી સરકારી હોસ્પિટલોમાં પેશન્ટ ના સગા ડોક્ટર્સને માર મારતા આવ્યા છે, અને દરેક વખતે હોબાળો થતો જ આવ્યો છે ,પણ આ વખત નો મામલો વધારે ગંભીર છે , બંગાળની સરકાર ડોક્ટર્સની પાછળ ઉભા રેહવાની બદલે ધડમાથા વિના ના બયાનો આપી રહી છે ..!!
એટલે બંગાળની ઝાળ આખા દેશને દઝાડી રહી છે..
દીદી એમ કેહતા હોય કે ફરજ નિભાવતા મૃત્યુ પણ થાય..
અરે દીદી થાય જ છે ..!!
આપણા અમદાવાદમાં કોંગો વાઈરસના પેશન્ટ ને ટ્રીટ કરતા કોન્ગો વાઈરસથી એક રેસીડન્ટ “શહીદ” થઇ ચુક્યો છે અને હમણાં જ એક સરકારી હોસ્પિટલના થોડાક રેસીડેન્ટ ને ટીબી પોઝીટીવ આવ્યો છે..!!
આ બધા રોગ એ લોકો ને કઈ એમના ઘેરથી નથી મળ્યા..
અને આ બધા રોગ સિવાય સ્વાઈન ફ્લ્યુ, ને બધા રોગ નો બાપ એચઆઈવી જેવા કેટલાય રોગ ના ખતરા લઇ ને ઇન્ટર્ન અને રેસીડેન્ટ પેશન્ટને ટ્રીટ કરતા હોય છે..!!
ક્યારેક એ અઠવાડિયું એક ઇન્ટર્ન કે આર-વન કે આર-ટુ ની જિંદગી જીવી જોજો ..!!
બાર કલાક તો નોર્મલ, અને ચૌદ કલાક ,ક્યારેક અઢાર કલાક અને ક્યારેક તો સળંગ ચોવીસ કે છત્રીસ કલાક વૈતરાં કુટતા હોય છે..અને ત્યાં સુધી પોહચતા પેહલા ભણવાનું …???
ખાલી ગ્રે ની એનેટોમીની ચોપડી હાથમાં તો પકડજો .. પૂરી પાંચ કિલો વજનની ગ્રે ની એનેટોમીની ચોપડી છે , અને પછી ફાર્મેક ,પેથો ,માઈક્રો બાયોલોજી…વગેરે વગેરેના વારા આવે..અને હા એકવાર ભણ્યા પછી કાયમ ની શાંતિ એવું પણ નથી ..
આજે પંચોતેર વર્ષે પણ મારી માં ઓનલાઈન જઈને નવી નવી દવાઓ વિષે જાત્તે ભણી લ્યે છે, અને જરૂર પડ્યે બીજા ડોક્ટર્સ જોડે ડિસ્કસ કરી લે છે..!! અને દિવસના આઠ કલાક કામ કરે છે, એક જાય ને બીજું પેશન્ટ ત્યારે આવે , અપડેટેડ રહો તો તમારે ત્યાં પેશન્ટ લાઈનમાં બેસે બાકી તો હરી હરી ..!
કેવી વિડંબના છે આ દેશ ની …!!
એક તરફ ડોક્ટર ભગવાનની જેમ પૂજાય છે અને બીજી તરફ પ્રજા પોતે પેહલા જજ બને અને પછી જલ્લાદ બની ને ડોક્ટર ને ઢોર માર મારે..!!
આજે “બિચારા” ડોક્ટર્સ ફક્ત પેલી જંગલી જલ્લાદ જેવી પ્રજાને ટ્રીટ કરવાની તો ના નથી જ પાડતા, પણ એમની જલ્લાદગીરી સામે પ્રોટેક્શન માંગી રહ્યા છે ..
શું ખોટી માંગણી છે ?
આપણે ત્યાં ઈમરજન્સીમાં આવેલા મોટાભાગના પેશન્ટમાં રોગના હુમલાનો કે એક્સિડન્ટની પછી નો સમય જેને `ગોલ્ડન અવર` કેહવાય છે એ સમયને બરબાદ કરીને જ મોટાભાગની પ્રજા હોસ્પિટલ આવતી હોય છે ,
અને એમાં પણ કાર્ડિયાક પ્રોબ્લેમમાં તો ખાસ … ગેસ ,ગેસ કરીને હરડે ને હિંગ કૈક કૈક કરી ને આવે અને પછી કેસ ફેઈલ જાય એટલે મારે ડોકટરને માથે..!!
એથીક્લ ડોક્ટર ભગવાન પછી ચોક્કસ આવે છે, પણ ભગવાન નથી …
એ વાત ને ભૂલી અને પછી થાય ડોકટરની માનસિક મરમ્મત અને પબ્લિક હોસ્પિટલમાં શારીરિક પણ ..!!
કેટલી બધીવાર હોસ્પિટલોમાં એવા પેશન્ટ આવે છે કે જે ડીઝીસ ની જોડે પોતાનું ડાયગ્નોસીસ પણ જોડે લઈને આવ્યા હોય, અને એ કહે તેમ જ ડોક્ટર ટ્રીટમેન્ટ કરે એવો દુરાગ્રહ રાખતા હોય છે ..
અરે યાર ડોક્ટરનું કામ જ ડાયગ્નોસીસ કરવાથી શરુ થાય ,પણ અમુક “હોશિયાર” તો બધું પોતે નક્કી કરીને આવે , અને જોડે જોડે લાઈન ઓફ ટ્રીટમેન્ટ પણ લઈને જ આવ્યો હોય , અલ્યા તો પછી તું ડોક્ટર પાસે આવે છે શું કરવા ?
જન્મ્યો ત્યારથી ડોક્ટર્સની વચ્ચે ઉછર્યો છું , કેટલી ગંદી લાઈફ છે “આ લોકોની” …,!!
મમ્મી પાપાની લાઈફ જોઈએ ને ગાંઠ વાળી હતી કે હું ડોક્ટર ધોળે ધર્મે નહિ થાઉં .. બેહનને પણ ના પાડી હતી ,રેહવા દે અને દીકરીને પણ ઘણું સમજાવી અરે મુક મેડીસીનના વૈતરાં કઈ નથી કરવા, પણ કોઈ મારું માન્યું નહિ..!
એક એથીકલ ડોક્ટર જેટલી મજુરી કરે છે એટલી જ મજુરી અને બુદ્ધિ જો એ બીજા કોઇપણ ફિલ્ડમાં વાપરે તો સો ટકા વધારે રૂપિયા કમાય અને વધારે સારી ફેમીલી લાઈફ જીવી શકે..!!
*દુનિયાના મોટાભાગના ડોક્ટર પોતે કમાયેલા અને ભેગા કરેલા રૂપિયા ક્યારેય વાપરી કે ભોગવી શકતો નથી..!!*
અમારા જેવી નસીબ લઈને જન્મેલી એમની નોન મેડીકો પ્રજા જ એમની મેહનત ને માણતી હોય છે..!!
પોતાના બાંધેલા બંગલામાં જાગ્રત અવસ્થામાં એક ડોક્ટર બે ચાર કલાકથી વધારે રહી શકતો નથી , પોતાના બાળકની સ્કુલના એન્યુઅલ ફન્કશનમાં એક ડોક્ટર ક્યારેય હાજર રહી શકતો નથી..!!
હા વર્ષના બે અફલાતુન વેકેશન લઇ શકે ,પણ શૈશવ જેવી ભરાડી `ઓલાદ` હોય એ થોડાક વર્ષ પછી કંટાળે અને પછી આલ્પ્સ હોય કે હિમાલય એમ જ બોલે કે બાહર જાવ ત્યાં પહાડ ,પાણી ,પથરા ને પાંદડા સિવાય હોય છે શું ..??
*ઓવરઓલ એક ડોક્ટરના સંતાન હંમેશા એના માબાપ માટે તરસતા જ રહે છે..!! અને ડોકટર સંતાન માટે..*
માઈન્ડ વેલ આ પર્સનલ બ્લોગ છે ,અને ડોકટર દંપતીનું સંતાન હોવાને લીધે આ વાત શૈશવ જ કહી શકું..!!
ઘાયલ ની ગત છે આ…!!
એક વખત અમદાવાદના બહુ જ ખ્યાતનામ સર્જન જોડે ડોક્ટર અને પેશન્ટ ના સબંધ હું ચર્ચા કરતો હતો..મારી અંદરનો માણસ અને માણસાઈ નો કીડો જાગેલો હતો ત્યારે તેઓ મને સ્પષ્ટ શબ્દોમાં કીધું હતું “દીકરા શૈશવ માણસ માંદો હોય ને ત્યારે હંમેશા ઢીલો હોય અને દયામણો હોય પણ જેવો સાજો થાયને એવો તરત જ પોતાના અસલી રૂપ માં આવી જતો હોય છે એટલે તું જે દયા માયાની વાત કરે છે ને એ અમે તો ચોક્કસ પેશન્ટ પ્રત્યે રાખી છીએ પણ પેશન્ટ જયારે પેશન્ટ નથી હોતો ને ત્યારે એ અમારી સાથે જુદું જ વર્તન કરતો હોય છે..”
સનાતન સત્ય …
*“ચેરીટીની અપેક્ષા ડોકટર પાસે રખાય છે પણ ડોક્ટર જયારે હાથમાં આવે છે ત્યારે એને કોઈ છોડતું નથી ..!!”*
અને આજે પરિસ્થિતિ હવે છેક મારામારી સુધી પોહચી છે તો ડોક્ટર્સની વાત બસ્સો ટકા સાચી છે સરકારો એ પ્રોટેક્શન તો આપવું જ રહ્યું ..!!
અને હા ક્યાંક એવું સાંભળ્યું હતું કે બંગાળને ગુજરાત નહિ બનવા દઈએ..
નહિ બને, બેન નહિ બને ..
વર્ષો લાગી જશે અને તો પણ નહિ બને..!!!
અહિયાં આટલી બધી રાજકીય હત્યાઓ નથી, અહિયાં માં કાર્ડ લઈને ગરીબમાં ગરીબ બાયપાસ કરાવે છે અને આવું તો બીજું ઘણું છે..
ગુજરાતીના પેંગડામાં પગ ઘાલવા ગયા હતા , પણ હવે તો બંગાળી પણ તમારી સામે પડ્યા છે…!!
થોડા માં ઝાઝું ..
શુભ રાત્રી
શૈશવ વોરા