“આ આંખલડી રાતી ને ઉજગરા ક્યાં કીધો …!!”
સવાર પડ્યે આંખ ખુલતી જ નથી, પણ નવ વાગ્યે તો ઉઠવું તો પડે ને..
ગજ્જબ ગરબા ખીલ્યા છે નગરી અમદાવાદે …
અને હા પેલી ગરબા ગ્રાઉન્ડ ઉપરના એકાદ બે ગ્રુપ દ્વારા કબજો જમાવી દેવાની સમસ્યાને ખાલી ઉજાગર કરવાની જ જરૂર હતી,
આપણે એ “પાપ” કરી મુક્યું અને ઘણી બધી જગ્યાએથી એ સ્ટેજનો ગરબો હટાવાયો..શેરી ગરબા ખુલીને રમાયા..!
જે મોજ પડી છે બાકી..૧૬થી લઈને ૬૬ વર્ષ ..
ટાંટિયા જેના કામ કરે , અને હૈયામાં હામ હોય એ બધુંય બાહર નીકળી ગયું છે ..!
“હૈયે રાખી હોમ મારે ચીતરાવું છે નોમ મેળે જઈએ રે ..”
મેળા લાગ્યા છે ચારેકોર જુવાનીના,જોબનીયું હેલે ચડ્યું છે..
આ વખતે બાદશો થોડો મિજાસ ઓછો બતાડી રહ્યો છે,
કેમ નો લ્યા સીધો થઇ ગયો ? ઈલેક્શન આવ્યું નહિ ..!
રૈયતને રંજાડ ના હોય…
પણ રાજ કરવાનો બહુ સાદો અને સીધો નિયમ છે કે નાની નાની વાતોમાં રંજાડ ચાલુ રાખી અને પ્રજાને મોટા ભયમાં રાખો એટલે રાજ કરવામાં સરળતા રહે ..!
છેલ્લા પંદરસો સત્તરસો વર્ષથી બધાએ આ જ ધંધા કર્યા છે રંજાડ અને ભય..!
પણ વખતે હિંદુડે જાગી ગયે કે શું ?
બાદશા`ની પોલીસ હેરાનગતિ થોડી ઓછી કરી રહી છે ,રમવા દે છે..!!
અરે હા ..
કોગળિયું (કોરોના)આવ્યું પછી પેલા ટ્રેડમિલ ઉપર ઘણા બધા ગુજરી ગયા છેલ્લા બે વર્ષમાં.. પણ ક્યાંયથી એવા સમાચાર નથી આવ્યા કે ગરબા રમતા રમતા કોઈ ગુજરી ગયું…!!
એ મારી મા`ડી મે`ર કરે ને સૌને સો વરસના કરે ..!!
દર વર્ષની જેમ આપણો ટીએમટી (TMT) ઉર્ફે ટ્રેડમિલ ટેસ્ટ થઇ ગયો ..
સતત બે કલાક રોજ આઠ દિવસથી ગરબે ઘૂમી લીધું , દોઢીયા કરી લીધા અને મોજ કરી લીધી ..!
ચારેય બાજુ દોઢીયાની ધૂમ મચી છે..
મને વિચાર આવે કે પાંત્રીસ વર્ષ પેહલા જ્યારે અમે નાના બાળ હતા ત્યારે અમદાવાદની પેલી સ્થપતિઓની જાણીતી કોલેજમાં અમે દોઢીયા લેવા જતા, ત્યારે આમારી ઉપર આળ મુકવામાં આવતું કે `ઝાંખણીયો` થઇ ગયો છે ,ત્યાં “પેલી બધી છોડીઓ”ને જોવા જાય છે..
પણ ગઈકાલે રાત્રે હજ્જારોની સંખ્યામાં દોઢીયા લેતા જુવાનીયાઓ અને જુવાનઓડીને જોયા ત્યારે પરમ આનંદ આનંદ થઇ ગયો કે કેટલા બધા “અહેડ ઓફ ટાઈમ” હતા આપણે..!!
તે સમયે ડોબાઓ જે અમારી ઉડાવતા, અને આમતેમ રખડી ખાતા એ અત્યારે ડોહા ડોહી થઇ ને ઘરમાં ગુડાઈ રહ્યા છે, દવાઓની અને ચૂરણની ગોળીઓ ફાકી રહ્યા છે…!
કલા વિનાનો માણસ પશુ સમાન છે..!!!
બહુ મજાનું છે આ દોઢિયું ..!!
ચાલો થોડીક વાત આજે એની કરું ..
પેહલા તો ગરબા એટલે શું ? અને એની ગૂંથણી ક્યા તાલમાં થાય ?
તો મોટેભાગે પબ્લિકમાં વાગતા અને ગવાતા તમામ ગરબા તાલ છ માત્રા ના હીંચ કે ખેમટામાં વાગે,
ચાર માત્રાનો કેહરવો પણ વાગે,
ઘણા વિદ્વાનો એ દસ માત્રાના તાલ કે ચૌદ માત્રાના દીપચંદી કે પછી બીજા તાલનો ઉપયોગ કર્યો છે, પંજાબી અધ્ધાનો પણ ઉપયોગ કરી લેતા હોય છે વિદ્વાનો પણ બહુધા ખેમટો ,હીંચ અને કેહરવો આટલી ત્રણ જ ચીજ વપરાતી હોય છે..!
સામાન્ય ઢોલીડો દીપચંદી સુધી પોહચે તો પછી બહુ મેન્ટેન ના કરી જાય .. વગાડતા વગાડતા વચ્ચે સલવાઈ જાય એટલે બધું ધમ્મચકડ ધમ્મચકડ વાગ્યા કરે ..!
હવે દોઢીયા એટલે શું ?
તો છ માત્રાના કે ચાર માત્રાના તાલમાં દસ માત્રાનું સ્ટેપ લેવાનું અને દસ આવર્તને સમ ઉપર આવવાનું ..
સામાન્ય જન સાધારણ માટે `સમ ઉપર આવવું` ..એ શબ્દ સમૂહ નવો છે ..
સમ એટલે ચાર માત્રાનો તાલ કેહરાવો જેના બોલ છે..
“ધાગી ,ન ,તીન_ક ,ધીન” .. એની પેહલી માત્રા ધાગી એ `સમ`..!
તબલું પણ આ જ બોલે અને ઢોલીડાનો ઢોલ પણ આ બોલ જ બોલતા હોય ,
અહિયાં પેહલી માત્રાએ ઉપડેલા દસ માત્રાના દોઢીયા ચાલીસ માત્રા પૂરી થાય ત્યારે બંને ઢોલીડો અને ખેલૈયો બધા સાથે સમ ઉપર આવે ..!!
શાસ્ત્રીય સંગીતમાં અને કથ્થક નૃત્યમાં `સમ` ઉપર આવવું એ બહુ મહત્વ રાખતું હોય છે..!
હવે ગરબામાં અત્યારે જે રીતે ચાલી રહ્યું છે એમાં લગભગ મારા જેવાને એવું લાગે કે દરેક તાલની દરેક માત્રા ઉપર સમ આપી ને વગડાઇ રહ્યું છે,
એટલે થાય છે કેવું કે દોઢિયું કરનારી સામાન્ય જનતા તાલનો `સમ` જોયા વિના જ મચી પડે છે, પેહલું સ્ટેપ ગમ્મે ત્યાંથી ઉપાડી લ્યે છે અને પછી રમઝટ મચે છે ..!!
જો કે એમાં એમનો કોઈ વાંક નથી પણ મારું અતિજ્ઞાન મને હેરાન કરી રહ્યું છે ,
મજા કરવા આવ્યા હોય ત્યાં કોણ માત્રા ગણવા બેસે અને સમ શોધવા બેસે ..???
પણ શૈશવ તો `સમ` શોધીને જ દોઢિયું ઉપાડે હોં ..!
દોઢીયા માં પણ ઘણી બધી માત્રાઓના ઉર્ફે સ્ટેપ્સના લેવાય છે , ચાર ,છ ,આઠ ,દસ,બાર થઇ લઈને છત્રીસ માત્રા સુધીના સ્ટેપ્સ લેવાતા હોય છે ઘણા કલાકારો પંદર , અગિયાર સાત માત્રાના સ્ટેપ્સ કરી લેતા હોય છે ..
નમૂનાની કલીપ ફેસબુક ઉપર મુકું છું અને લીંક પણ આપું છું, માત્રા ગણી ગણી ને..!
હવે હવે ..
બાદશાહ સલામત તમારો ઇકબાલ બુલંદ રહે ..
કલા હંમેશા રાજ આશ્રયે રહી છે ,
અમદાવાદ નગરીમાં ઘણા એમ્ફીથીયેટર બનાવ્યા છે પણ એનો ઉપયોગ બહુ ઓછો થાય છે , તો અમે જે સ્ટેજના ગરબાને ગરબા ગ્રાઉન્ડ ઉપરથી કાઢ્યો છે એને ત્યાં પોહચાડો ..!
એ કલાકારો એવા છે કે જેને કેહરવો, દાદરો ,ખેમટો ,કે દીપચંદીનો ફર્ક ખબર છે ..!
પૂજ્ય સ્વર્ગીય અવિનાશભાઈ વ્યાસના ગયા પછી ઘણા પ્રયોગો થયા અને હજી ચાલુ છે ગરબામાં , પણ કોઈ એમની તોલે આવી શક્યું નથી..
નવા કમ્પોઝીશન અને શબ્દો બધું જ અટવાયેલું લાગે છે ..!
ડાકલા અને ડમ્મર ની બદલે ડમ્પર વાગે છે ..!!
ભૂવા ધૂણે છે ..
એમ્ફીથીયેટરના સ્ટેજ ઉપર ગરબાને લાવો, સરકાર રૂપિયા ખર્ચે …!
ઘણી બધી જગ્યાએ ગાયો દોહીને કુતરીઓ પીવડાવવામાં આવે છે તો પછી આ તો માં સરસ્વતીની સેવા છે ..!
ગુજરાતના દરેક નગરોમાં એક એક એમ્ફીથીયેટર હોવું જ જોઈએ અને ત્યાં દરેક પૂર્ણિમાની રાત્રે ગરબાના કાર્યક્રમનું આયોજન જે તે નગરપતિઓ કરે અને જાહેર જનતા જોવા જાય એવું કૈક ગોઠવો..!!
બાણાસુરની દીકરી અને કૃષ્ણ ભગવાનની પૌત્રવધૂ ઉષા , માતા પારવતી પાસેથી ગરબાની વિદ્યા શીખીને ગુર્જરભૂમિએ લાવી છે ..!
આ કલાનો આટલો જુનો ઈતિહાસ અને પરંપરા છે,
ઈજન આપો..!!
જય હો ..
જે હજી પણ આઠ આઠ નોરતા ગયા પછી પણ ખાટલે પડીને ઊંઘી રહ્યા હોય એ કમ સે કમ આજ ની રાત તો નીકળે ઘરની બાહર અને બે રાઉન્ડ રમી લ્યે ..
ઢોરમાંથી માણસ થાય ..!
કલા ..કલા .. વિનાનો પશુ ..!
ચાલો દુનિયાભરની કલાકારી અને શોખ ભેગા કરીને પાળવાવાળો .. કોણ ?
હું ..જ.. તો ..
ઢોરની જેમ મારો વૈતરે જવાનો સમય થઇ ગયો ,
પણ તમે ..તમે .. આજ ની રાત ..નીકળો ..!!
જેઠાલાલ .. ઓ જેઠાલાલ ..
કાલે ફાફડા જલેબી ..
જય હો
ઘોર અંધારી રે ….રાતલડીના ..
સાચી રે મારી સત રે માં ય અંબા ભવાનીમાં હું તો સેવા કરીશ ..
બોલ શ્રી અંબે માત કી …જે
શૈશવ વોરા
*(ચેતવણી :- આ બ્લોગને તમે ફોરવર્ડ ચોક્કસ કરી શકો છો, પરંતુ પોતાના નામે કે પછી મૂળ લેખકના નામ વગર કે તેમાં કોઈપણ જાત ના ચેડા કરીને મુકવો તે સંપૂર્ણપણે ગેરકાયદેસર છે, જે કોઈ વ્યક્તિ તેવું કરશે તો કોપીરાઈટ એકટ નો ભંગ ગણાશે અને તે પ્રમાણે કરનાર સામે કાયદેસર કાર્યવાહી ચોક્કસ કરવામાં આવશે..)*