લગ્ન કરવાની સાચી ઉંમર કઈ ?
એકેય નહિ ..
સોળે સાન અને વીસે વાન આવી તો આવી નહિ તો ગઈ કુતરાને કાન..
સંસાર માંડવો કોને કેહવાય એવી સમજણ આવે અને તાવડીના તેર વાના પૂરવાની ઔકાત આવી જાય પછી ગમ્મે તે ઉંમરે લગ્ન કરી શકાય..
મોટાભાગના લગ્નો મેં હઈસો ભઈ હઈસોમાં થતા જોયા છે અને પછીથી જે ખેલ મંડાય છે .. બાપરે ..!
જો કે અત્યંત સુદીર્ઘ લગ્નજીવનો પણ જોયા છે મેં , બંને જણા નેવુ પાર કરી ગયા હોય અને વીસીમાં હોય ત્યારે પરણ્યા હોય એટલે લગભગ સિત્તેર વર્ષ ઉપરનું દાંપત્યજીવન થઇ ચુક્યુ હોય , ખાટીમીઠી ,તડકી છાંયડી કશુંય બાકી ના રહ્યું હોય ,પણ બંને જણા કડેધડે હોય અને આગળ વધતા હોય આવા લગ્નજીવનો પણ જોયા છે અને એમાં પણ અમુક સખ્ખત ઝઘડતા હોય અને અમુક હજી એમ લાગે કે ગઈકાલે જ પરણ્યા છે એમ એકબીજાનું ધ્યાન રાખતા હોય , આવા કેસ સ્ટડી તરીકે લેવાની મને મઝા આવે..
એક આવું સુદીર્ઘ દાંપત્યજીવન ..
મારા એક મિત્રના દાદાજી અને બા .. બંને નેવું ઉપર , એનું ફેમીલી બહારગામ જાય ત્યારે મારે જવાબદારી આવે રોજ એક આંટો બંગલે મારવો પડે ,નોકર-ચાકર બધ્ધી ફુલ્લ સીસ્ટમ , બા દાદા બે જ જણ આખા બંગલામાં ,અને નોકરો છ-સાત ઘરમાં ,અને બધા જુના અને જાણીતા, પણ આગ્રહ ખરો કે શૈશવ એક નજર મારી આવે રોજ..
ઉંમરને કારણે કાનની બેહરાશ ,ચાલ ધીમી થઇ જવી અને બીજા જે પ્રોબ્લેમ્સ હોય તે બંનેને , છતાંય એક નિયમ દાદાજીને જમાડ્યા વિના બા જમે જ નહિ..
એક દિવસ હું બપોરે ચારેક વાગ્યે ગયો અને હજી પગ મુક્યો ત્યાં રસોઈવાળા કમળાબેન દોડતા આવ્યા ભ`ઈ દાદાજી ટીવી રૂમમાં બેઠા બેઠા ઊંઘે છે, બા એમને ઉઠાડવા દેતા નથી અને બા ડાઈનીંગ રૂમમાં એમની રાહ જોતા બેઠા છે એ પણ નથી જમતા..
હું દોડતો ટીવી રૂમમાં ગયો પાર્ટી આરામ ખુરશીમાં ટીવી જોતી નસકોરા બોલાવે અને બાજુમાં ચોળાફળી ખાધાના નિશાન , મને સમજણમાં આવી ગયું કે જમવાના સમયે ચોળાફળી ઠોકી લીધી હશે એટલે હવે નિરાંતે ઊંઘે છે ..
એટલે હું બા પાસે ગયો મેં કીધું તમે જમી લ્યો બા ,એમણે તો ચોળાફળીનો ડબ્બો પૂરો કર્યો લાગે છે એટલે નિરાંતે ઊંઘે છે..
બા ભડક્યા .. એ ડબ્બો તો ગઈકાલે રાત્રે મુક્યો હતો , પાછો નથી લીધો ?
મેં કીધું આખ્ખો ડબ્બો ખાલી છે ..
“ઉઠાડ તો હવે એમને એમના વાંકે હું ભૂખી બેઠી છું અને એ ચોળાફળી પૂરી કરી ગયા ?”
રૌદ્ર સ્વરૂપ ધારણ કરી લીધું હતું , મેં પાછા ટીવી રૂમમાં જઈને દાદાજીને જગાડ્યા અને કીધું જમવા ચાલો પેલા ભૂખ્યા બેઠા છે..
તો દાદાજી કહે મારે ..આટલું વેહલું નથી જમવું હજી તો સાડા ચાર થાય છે..
મેં કીધું ..એ દાદા બપોરના જમવાની વાત કરું છું ,બા ભૂખ્યા બેઠા છે અને તમે ચોળાફળીનો ડબ્બો ઝાપટી ગયા છો ..
દાદાજી ઓઝપાઈ ગયા અને ડર સાથે બોલ્યા .. તેં એને કહી દીધું કે મેં ચોળાફળીનો ડબ્બો પૂરો કર્યો છે ?
મેં કીધું હા ..
ફટાક કરતા દાદાજી ઉભા અને કહે.. હવે તો જે બોલે એ સાંભળવું પડશે ,એક કામ કર એક એસીડીટીની ગોળી લેતો આવ પેલા રૂમમાંથી એનું ભૂખનું માર્યું માથું દુ:ખતું હશે ..
એટલું બોલી ને દાદાજી ડાઈનીંગ રૂમ તરફ દોડ્યા ..
ડાઈનીંગ રૂમમાં બા નું મોઢું જબરજસ્ત ભારમાં .. મેં કીધું કમળાબેન થાળીઓ પીરસો ..
બા ગુસ્સામાં કહે.. રેહવા દો હવે ચા મુકો સાડા ચાર વાગ્યે રોટલી ગળે ના ઉતરે ..
દાદાજી કહે પણ તું કૈક તો ખાઈ લે એસીડીટી થશે ..
બા એ છણકો કર્યો .. દવા લઇ ને જ આયા હશો ને તો તમે ..
દાદાજીએ કશું બોલ્યા વિના ઉભા થઈને મારી પાસેથી દવા લઇ અને પાણીનો ગ્લાસ ધર્યો ,પેહલા દવા લઈલે અને કમળાબેન આઈસ્ક્રીમ કાઢો ને બાબાને પણ આપજો ..
કમળાબેને ફ્રીઝ ખોલ્યું ત્યાં દાદાજી એક મોટ્ટો કાચનો બાઉલ લઈને પોહચી ગયા .. આખ્ખો બાઉલ ભરજો સવારની ભૂખી બેઠી છે એટલું દૂધ પેટમાં જાય..
અને પાછળથી તીર છૂટ્યું ..આટલું બધું ધ્યાન રાખવું છે તો ટાઈમસર જમી લેતા હો તો મારે આમ ભૂખ્યા ના રેહવું પડે ને..
હવે ભૂલ થઇ ગઈ , કાલથી નહિ હવે આજ રાતથી બિલકુલ ટાઈમ ઉપર જમીશ અને બીજું કશું નહિ ખાઉં…
દાદાજીએ આઈસ્ક્રીમનો બાઉલ ધર્યો અને બા એ ચુપચાપ ખાઈ લીધો ..
ઝઘડો પૂરો…!!
મેં કીધું બા હવે તમે આવી જીદ છોડોને દાદાજી જમે પછી જમવાની ..
બા કહે ..જીદ નથી બાબા આદત છે ,મારા બાપના ઘરે અઢારની થઇ અને ઓગણીસમુ બેઠું અને મને પરણાવી દીધી ,એ પછી એક વર્ષ કેડે અમે અમદાવાદ આવ્યા, પોળમાં રૂમ રસોડાનું મકાન ,બાજુમાં જ દુકાન ,ટેલીફોનની સગવડ નહિ.. એ દુકાનેથી ઘેર જમવા આવે અને કોઈ વેપારીને લઈને આવે તો મેં જમી લીધું હોય તો ખૂટે ,અને ખૂટે તો એમની આબરૂ જાય ,એટલે હું છેલ્લે જમતી ક્યારેક શાક ના હોય ક્યારેક દાળ ના વધી હોય તો મારે તો અથાણું ને રોટલી ચાલે અને એ પણ ના હોય તો બે ખાખરા અને અથાણું મારે ચાલી જાય ..
દાદાજી આંખો બંધ કરીને સાંભળે .. બા અટકયા એટલે એ બોલ્યા પણ હવે તો આ ફ્રીઝના ફીઝ ભર્યા છે અને કશું ખૂટે એમ નથી..
બા બોલ્યા ભલે ના ખૂટે એમ હોય પણ હું હવે આ જનમમાં તો તમારા પછી જ જમીશ .. આવતે જન્મે વિચારીશ..
દાદાજી હસતા હસતા બોલ્યા .. એટલે હજી આવતે જન્મે પીછો નહિ છોડે ?
બા કહે .. બીજી મળી હોત ને કોઈ તમારા રોટલા ઘડવા જોડે અહિયાં ના આવી હોત વીશી અને હોટેલોના ખાતા કરી દીધા હોત .. આ તો હું હતી તો તમારી સાથે ને સાથે રહી..
દાદાજી બોલે બહુ ત્રાસ છે આનો .. દિવસમાં એક વાર બોલે જ કે આ તો હું હતી ને તો તમારી સાથે રહી..
બોલો કોને આવો ત્રાસ છે જીવનમાં ???????
“આ તો હું હતી તો તમારી સાથે રહી..”
જેને જેને આ ત્રાસ છે એ જાણજો કે સાચા સમયે સાચી વ્યક્તિ મળી છે ..તમને પણ એસીડીટીની ગોળી અને આઈસ્ક્રીમ આખ્ખો બાઉલ જમાડશે અને ચોળાફળી ઝાપટી તો પછી….
શુભ રાત્રી
શૈશવ વોરા
*(ચેતવણી :- આ બ્લોગને તમે ફોરવર્ડ ચોક્કસ કરી શકો છો, પરંતુ પોતાના નામે કે પછી મૂળ લેખકના નામ વગર કે તેમાં કોઈપણ જાત ના ચેડા કરીને મુકવો તે સંપૂર્ણપણે ગેરકાયદેસર છે, જે કોઈ વ્યક્તિ તેવું કરશે તો કોપીરાઈટ એકટ નો ભંગ ગણાશે અને તે પ્રમાણે કરનાર સામે કાયદેસર કાર્યવાહી ચોક્કસ કરવામાં આવશે..)*