આત્મનિર્ભર..!
જોરદાર મીમ્સ
અને સારકો મેસેજીસ
ઉડ્યા વોટ્સ એપ ના બજારમાં..!!
અમુક લોકો એ સીધ્ધું જોડી લીધું ચીન દેશ જોડે,
કેટલાકે બહિષ્કાર કરો વિદેશી વસ્તુઓ નો એમ કરી ને ૧૯૪૨માં પોહચી ગયા..!!
કમબખ્તી છે આ દેશની કે ભૂતકાળમાંથી બહાર જ નથી આવવું..!!
જો કે આપણે ત્યાં જ આવું છે એવું નથી અમેરિકામાં પણ આવું છે ,
કેટલાય લોકો એ મોટી મોટી ડંફાસો ઠોકી ,એમાં ટ્રમ્પકાકા પણ આવી જાય..
પણ “ભૂતપૂર્વ” થવા તરફ આગળ વધી રહેલી મહાસત્તા ની હવા તો ટોઇલેટ પેપરમાં જ નીકળી ગઈ, આપણા દેશી અમેરિકનના છોકરા એમના માંબાપ કેહતા થઇ ગયા કે બાપા તમને તો પુંછડું ધોતા આવડે છે, પ્લીઝ તમે ડબલું વાપરો ને મારા માટે ટોઇલેટ પેપર બચાવી ને રાખો ને..!!
છેક ચીન દેશથી જહાજ આવ્યું ટોઇલેટ પેપર લઇ પછી પેલા અમેરિકન બચુડીયાને શાંતિ થઇ ..હાશ બાપલીયા હવે નિરાંતે હંગવા બેસાશે..!
બીજી બાજુ નો સીન પાછો એવો કે ટ્રમ્પકાકા એ જ ચીન દેશની સામે પોતાનો મહાસત્તા હોવાનો દબદબો જાળવી રાખવા ચીન ની સામે ખાંડા ખખડાવે છે..!!
પેહલા બધું ઉભું થવા દીધું ,પોતાના ને ઉદ્યોગો ને મારી કાઢ્યા હવે રંડાપો માથે ઓઢવાનો વારો આવ્યો ત્યારે ડહાપણ આવ્યું..!!
બુંદ થી જતી રહી..!!
આપણે નસીબવાળા છીએ હજી કે હાથથી પુછ્ડા ધોતા આવડે છે અને ચીન દેશ ઉપર એટલી બધી ડીપેન્ડીબીલીટી ઉભી નથી કરી મૂકી ,નહિ તો અહિયાં પણ એ જ વારા આવતે..!!
ભારતનું નસીબ જોર કરી ગયું કે અહીની ફાર્મા કંપનીઓ એ પાછલા બે દસકામાં ઝીંક ઝીલી અને છાતી કાઢી ને ઉભા રહી ગયા ,
બાકી આપણે પણ અમેરિકા જેવું જ કર્યું હતું, નેવું ના દાયકાના પાછલા સમયમાં સબસીડીઓ આપી આપી ને ઢગલો એક ફાર્મા કંપનીઓ ઉભી કરી અને પછી ગ્લોબલાઇઝેશન ના વાયરામાં અડધો અડધ ને મારી નાખી ૨૦૧૦ આવતા આવતા તો બધી એપીઆઈ
ને લગભગ રામશરણ કરી મૂકી હતી..!
પણ ફોર્મ્યુલેશનના જોરે ટકી ગયા..!!
એમાં પણ ફાર્મા સેક્ટરના ધરાગુર્જરીના પનોતા પુત્રો એ કાઠું કાઢ્યું અને આજે દેશ ને લગભગ બચાવી લીધો છે..!!
અમેરિકા જેવા દેશે એચસીકયુ
માંગવી પડી..!!
આજે દુનિયાનું ૨૮ ટકા પ્રોડક્શન ચીન દેશ કરી રહ્યું છે આપણે તો ઘણા દૂર છીએ..!!
મને ઘણા લોકો એમ પૂછે કે આપણે ચીનથી આગળ જવું હોય તો શું કરવું જોઈએ ?
હું એમ કહું છું નથી જવું ,
ભારત ને પોતાનો રસ્તો પોતાની જાત્તે જ કંડારવાનો છે..આપણે ચીન દેશથી આગળ જવું જ નથી..! એક સત્ય એવું છે કે ભારતે એકપણ સૈનિક મોકલ્યા વિના ચીન દેશ ઉપર લગભગ સોળસો વર્ષ શાસન કર્યું છે..!!
વિચિત્ર લાગે છે નહિ આ સ્ટેટમેન્ટ ,પણ હકીકત છે, ભારતે પોતાની સંસ્કૃતિ ચીન દેશમાં એક્સપોર્ટ કરી હતી ..!!
આજે પણ ચીન દેશની ઘણી બધી સામાજિક પરિસ્થતિઓ ભારત વર્ષ જેવી જ છે..!!
માસીના દીકરાના લગ્ન હોય તો ચીના ને મારી નાખો તો પણ નોકરીએ નાં જ આવે..!
એક જ સંતાન ફરજીયાત હોવા છતાં પણ ફેમીલી સીસ્ટમ હજી પણ બિલકુલ ભારતની જેવી જ છે..!!
મારો અનુભવ એવું કહે છે કે કાકા ,મામા ,માસી ,ફોઈ ..એ પણ બીજી ત્રીજી પેઢી સુધીના સબંધો જળવાયેલા છે ત્યાં..! જૂની ચીની ડોશી ને ચીની સંસ્કૃતિ જાળવી રાખવાનો બહુ ચહડકો છે..!!
ભારતની જેમ ત્યાં અધધધ રીત રીવાજ હતા અને અનેકો અનેક ભાષાઓ..!!
એ જુનો સમય એવો હતો કે એમને ભારત જેવું થવું હતું ,ભારતથી આગળ નીકળવું હતું..!!
હવે આજ ની બદલાતી પરિસ્થિતિઓમાં આપણે આપણી સામાજિક રાજકીય વ્યવસ્થાઓ ને લઈને ફરી એક એવા સ્થાન ઉપર પોહચવાનું છે કે જેની ચીનાઓ ને કોપી કરાવી પડે..!
મેઈનલેન્ડમાં સામાન્ય ચીનો આજે પણ ભારત ને ભારતીય ને સન્માનની નજરે જોવે છે, પણ આપણો વાંધો ચીનની સામ્રાજ્યવાદી નીતિ જોડે છે..!!
સંસ્થાનવાદ અને સલ્તનતે બ્રતાનીયાના પતન પછી ચીન દેશે લગભગ એના તમામ પાડોશી દેશ સાથે સરહદી કકળાટ ઉભો કર્યો છે, લાગ આવ્યે પડોશમાં ઘુસી અને જમીનો ખાલસા કરી છે..!!
પણ હવે અત્યારના સંજોગ જબરજસ્ત બદલાઈ ચુક્યા છે ,નવી રીતે દુનિયા જોવી પડે તેમ છે નવા સમીકરણો ગોઠવાઈ રહ્યા છે..!
કોવિડ-૧૯ પેહલા દુનિયાની ઈકોનોમી આખી ક્રુડ ઓઈલ બેઇઝ હતી પણ છેલ્લા બે ત્રણ મહિનાના દુનિયાભરના લોક ડાઉન પછી ક્રુડ ઓઈલ બેઇઝ ઈકોનોમીની માંબેન એક થઇ ગઈ છે..!!
લોકડાઉન લાંબા ચાલે તો ક્રુડઓઈલના કુવા “બુરાઈ” જાય..સોનાના જાજરૂમાં હંગવા જનારા પાછા ઊંટ ઉપર ફરતા થઇ જાય..!
કોવિડ-૧૯ પેહલા દુનિયા આખી ને એવું લાગતું હતું કે એકાદું યુદ્ધ આવે તો ભારત દેશ એકાદ મહિનાથી વધારે ઝીંક ના લઇ શકે એની બદલે દેશ લગભગ પચાસ દિવસના લોકડાઉન પછી અડીખમ ઉભો છે, ૧૩૦ કરોડના દેશમાં પાંચ પચ્ચીસ લાખ લોકો અરે બે ચાર કરોડ લોકો તકલીફમાં હોય તો આવા અસાધારણ સંજોગોમાં બહુ મોટી વાત ના કેહવાય ..મોદી સરકાર ને સો માંથી સો માર્ક આપવા રહ્યા..!
કોવિડ-૧૯ ની ક્રાઈસીસ એ એટલું સાબિત કરી આપ્યું કે અત્યારે જો એકાદ બે વર્ષમાં ઉભા થઇ જઈએ તો કોઇપણ મોટું યુદ્ધ લડવા ભારત દેશ સક્ષમ છે..!!
આ જ ખરેખરો સમય છે આત્મનિર્ભરતા કેળવવાનો ભારત માટે ,
એનું બીજું કારણ એવું પણ ખરું કે આવનારા સમયમાં ઇલેક્ટ્રિક વેહિકલ ને લઈને જે રીતે દુનિયા એ ઉપાડો
લીધો છે એ જોતા ક્રુડ ઓઈલ બેઇઝ ઈકોનોમી નો ખાત્મો બોલી જશે..!
ભારતનું સૌથી વધુ હુંડીયામણ ક્રુડઓઈલ ના ઈમ્પોર્ટમાં ખર્ચાઈ જાય છે એટલે જો ઈવી ઉર્ફે ઇલેક્ટ્રિક વેહિકલ આવે અને પછી બીજી રીતે આત્મનિર્ભર થઇ જઈએ તો કોઈ ની સાડીબારી બહુ રહે નહિ..!!
બીજા નંબરે હુંડીયામણ સોનું ઈમ્પોર્ટ અને ત્રીજું ઇલેક્ટ્રોનીક્સ ખરીદવામાં ખર્ચાય છે, સોનાના ભૂખ ઓછી થતી નથી , પણ ઉંચો ભાવ એમનેમ ઈમ્પોર્ટના આંકડા નીચા લાવે છે ,એટલે રહી વાત ઇલેક્ટ્રોનીક્સની તો એ ફાંસ
કોઇપણ રીતે કાઢવી પડે..!!
અત્યારે તો વાત આ ઇલેક્ટ્રોનીક્સ નામની ફાંસ
કાઢવાની છે , પણ એ ફાંસ ઝીણી ચાઇનીઝ કે જર્મન સેમી કંડકટર સોય
વિના નીકળે નહિ..!
ઇલેક્ટ્રોનીક્સના પ્રોડક્શન નામની ફાંસ
કાઢવી હોય તો એ બનાવવાના મશીનો પણ જર્મન ,તાઈવાન કે ચીન દેશથી આણી લાવવા રહ્યા..!!
બધું સ્વદેશી તો કોઈ સંજોગોમાં થાય તેમ નથી, હજી ઘણી મજલ કાપવાની બાકી છે, વિઝન સારું છે, ચોખ્ખું છે, એટલે પ્રજાએ ફાંકા ફોજદારી મૂકી ને અક્ક્લ વાપરી ને કામે વળગવાની જરૂર છે..!!
પ્રોડક્શન જોઇશે જ બીજો કોઈ રસ્તો નથી..!!
આત્મનિર્ભર બનાવાનો એક માત્ર રસ્તો..!!
ભૂતકાળમાંથી બાહર આવવું પડશે, પુષ્પક વિમાન હતું કે નહિ એની ચર્ચા કર્યા વિના તેજસ ઉપર ધ્યાન આપવું રહ્યું , તેજસનું નવું વર્ઝન કયું આવશે એ આવનારી પેઢી ને બાળકો ને શીખવાડવું રહ્યું..
બ્રહ્માસ્ત્ર એટલે શું હતું એ વાર્તા શીખવાડો તો જોડે જોડે પોખરણ-૧ અને પોખરણ-૨ ની વાર્તા કહો બાળકો ને ,બ્રહ્મોસ મિસાઈલ રેંજ કેહવી રહી ઇન્ટર કોન્ટીનેન્ટલ બેલાસ્ટીક મિસાઈલ ની સમજણ આપવી રહી..!
ટેકનોલોજી તરફ વધવું રહ્યું..!
બહિષ્કાર, ફહિષ્કાર, ભૂલી જાવ ને જે પાણી એ ચડે એ પાણીએ મગ ચડાવી ને આગળ વધો , સર્જન કરો , આવિષ્કાર કરો, કોવિડ-૧૯ ની દવા શોધો..ઈવી
ની એવરેજ વધારો, એન્ટીવાઈરલ શોધી કાઢો..!!
કામે વળગો..!!
આજે આટલું જ..
શુભ રાત્રી
શૈશવ વોરા
(ચેતવણી :- આ બ્લોગને પોતાના નામે કે પછી મૂળ લેખકના નામ વગર કે તેમાં કોઈપણ જાત ના ચેડા કરીને મુકવો તે સંપૂર્ણપણે ગેરકાયદેસર છે , જે કોઈ વ્યક્તિ તેવું કરશે તો કોપીરાઈટ એકટ નો ભંગ ગણાશે અને તે પ્રમાણે કરનાર સામે કાયદેસર કાર્યવાહી ચોક્કસ કરવામાં આવશે..)