નવો ધંધો કે લાઈન હોય તો બતાડો ને શૈશવભાઈ..? આવો સવાલ આવે ત્યારે મગજ હટી જતું .. પણ આજે છે , અને એ પણ બહુ મોટો ધંધો છે..!!
આ કપરા કાળમાં એક કેહવત સાચી પડી ગઈ કે “ધંધા માં દુકાળ ના હોય..”
ભલે આખે આખી બજારો બંધ હોય પણ કોઈક
નો ધંધો તો ચાલતો જ હોય..!!
હવે વાત માં મોણ ઘાલ્યા વિના જ કહી દઉં કે ધંધો કયો અને કેવો ?
કંઈ બહુ મોટી બુદ્ધિ વાપરવાનો ધંધો પણ નથી..
અત્યારે સરકારે લગભગ એપીએમસી એકટ કાઢી નાખ્યો છે ,ખેત પેદાશો સીધા બજારમાં વેચાવા આવી શકે છે..!!
એક સાદુ ઉદાહરણ આપું કે બટાકા ગઈકાલે મારા ઘર પાસે ૩૫ રૂપિયે કિલો હતા અને ખેડા જીલ્લાના કોલ્ડ સ્ટોરેજમાંથી બહાર કાઢી અને ત્યાં ખેડા જીલ્લામાં બેઠા ૯૦૦ રૂપિયે ૫૦ કિલો એટલે ૧૮ રૂપિયે કિલો..
બોલો.. હવે છે ને ધંધો જોરદાર..?
૧૮ નો માલ , એની ઉપર અમદાવાદ લાવવા ના ભાડા બે રૂપિયા ચડે તો પણ કિલો એ ૧૫ રૂપિયા નેટ છૂટે..!!
આ જ ધંધો મોટા પાયે કરવો હોય તો થોડાક સમય પેહલા બટાકાનું ઉદાહરણ લઈને લખેલો બ્લોગ કોપી પેસ્ટ કરું છે..
એ સમયે બટાકા નો ભાવ નવ રૂપિયે કિલો ખેડા ચકલાસી બેઠા હતો અને વેચાણ ભાવ અઢારથી વીસ રૂપિયે હતો..
ઘણા લોકો ને બકાલું વેચતા શરમ આવે એટલે બકાલા વેચવાને આપણે નવું “સ્ટાર્ટ અપ” એવું કઈ નામ આપી દઈએ..!!
હવે આગળ નો બ્લોગ જુના બ્લોગ ની કોપી પેસ્ટ છે..!!
સ્ટાર્ટ અપ
ઘણા પ્રકારના હોય એક કોઈ ફીઝીકલ પ્રોડક્ટ ઘર સુધી પોહચાડે અને બીજું કોઈ સર્વિસ આપે..
હવે મારે જો સ્ટાર્ટ અપ ચાલુ કરવું હોય તો હું એક ખતરનાક ઉદાહરણ આપું..
એક ઉદ્યોગકાર તરીકે હું તો ફીઝીકલ પ્રોડક્ટનું જ સ્ટાર્ટઅપ ખોલું ,
મારે જો ફીઝીકલ પ્રોડક્ટનું સ્ટાર્ટ અપ ચાલુ કરવું હોય તો શું કરવાનું..?
પેહલું કામ આઈડિયા હોવો જોઈએ અને એ આઈડિયા રોજીંદી જીંદગીમાંથી જ આવવો જોઈએ ,જેમ કે મારે બારે મહિના બટાકા ખાવા જોઈએ છે તો એક બટાકાનું સ્ટાર્ટ અપ ચાલુ કરું..
પેહલા તો મારે બટાકા ક્યાં ઉગે તો કહે ખેતરમાં અને ખેતરમાંથી જાય કોલ્ડ સ્ટોરેજમાં તો શું કરું ચાલો કોલ્ડ સ્ટોરેજવાળા આપણા ઓળખીતા એક કાકા એમને ચકલાસી ગામે ફોન લગાયા જાય ..
એ જે શ્રી ક્રષ્ણ કાકા .. બોલો બોલો શૈશવભાઈ બહુ દિવસે યાદ આવી અમારી.. હા કાકા મજામાં..? હા બોલો ..કેવી રહી સીઝન કાકા..?ઠીક રહ્યું આ વરહ ના નફો ના નુકસાન સરભરમાં નીકળ્યા..!
કાકા બટાકાનો હાલનો ભાવ શું ?૧૮૦ રૂપિયે મણ જાય સારી જાત હોય તો દસ રૂપિયા વધારે મળે,કેમ હવે તમારે બટાકા વેચવા છે ? ના કાકા ખાલી સર્વે કરું છું..
કરવો હોય તો તમે પણ એકાદવાર કરી લો બટાકાનો ધંધો એટલે શોખ પૂરો થાય..સીધો ફૂલટોસ આવે ..ના ના કાકા એવું નથી આ તો એક ભાઈબંધને જાણવું હતું ..સારું સારું ક્યારે આવો છો ચકલાસી..?આવતે મહીને..એ ભલે પધારો ચકલાસી અને ટીફીન ના લાવતા તમારા કાકી હજી સારું જમવાનું બનાવે છે .. હા કાકા ચોક્કસ જમીને જઈશ ..
હવે ધંધો એટલે સેલ્સ માઈનસ પરચેઝ ઘરવાળીને પૂછો બટાકા શું ભાવે લાવો..? અઢાર થી વીસ રૂપિયે કિલો ..
ઓત્તારી નવ રૂપિયાના બટાકા અઢાર રૂપિયે કિલો વેચાય છે દોઢસો ટકા નફો.. ખોલો સ્ટાર્ટ અપ..
કોલ્ડ સ્ટોરેજમાંથી કાકાને કહી દો રોજની પચીસ ગાડી બટાકા જોઇશે પણ તમારે મને પેકિંગ પાંચ કિલોનું કરી આપવું પડશે અને એ પેકિંગ ના જે રૂપિયા થાય તે જુદા લઇ લેજો ..
પછી પોહચી જાવ તમારા એરિયાના નાકે જ્યાં ટેમ્પા પાર્ક થયા હોય , બધા ટેમ્પા ડ્રાઈવરોને પકડો ચકલાસીથી અમદાવાદનું ભાડું નક્કી કરો અને એમને કહો કે બટાકા તમારે જ વેચવાના,
એટલે ટેમ્પા ડ્રાઈવર નામે ધનરાજસિંહ ઊછળશે ..ના સાહેબ એ ધંધો અમને ના ફાવે તરત જ ધનરાજસિંહને કિલોએ બે રૂપિયા બાંધી આપો એટલે ટેમ્પો ડ્રાઈવર ધનરાજસિંહને રોજના પાંચ ટન બટાકા વેચાય તો ભાડા સિવાય ધનરાજસિંહ ને દસ હજાર રૂપિયા મળે..!
પત્યું ધનરાજસિંહ ,ધનરાજબકરા,ધનરાજઘેંટા ,ધનરાજગધેડા એવા બધા ડ્રાઈવરોની ગાડી સાથે તમારે ત્યાં લાઈન લાગે..ફાયદો મારા સ્ટાર્ટઅપને એ કે ઇન્વેન્ટરી રાખાવની નહિ ,કોઈ ગોડાઉન નહિ જે ગણો એ બધું ધનરાજની ગાડી..
હવે પકડો એકાદા વીસ વર્ષના સોફ્ટવેરવાળા પોપટને,
પોપટને કહો કે તું મને એપ બનાવી આપ,જેમાં દરેક ટેમ્પાવાળો ધનરાજ ક્યાં રખડે છે એની મને ખબર પડે અને એક મશીન લાવ જે સીધું કનેકટેડ હોય મારા સર્વર રૂમ જોડે જે ધનરાજની ગાડીમાં લાગે..અને ધનરાજ જેટલો માલ વેચે અને બીલ ફાડે એટલે મને તરત જ ખબર પડે ..!
સોફ્ટવેર અને એપના પોપટને બે ત્રણ લાખ પકડાવો અને એ પોપટ ને જ સર્વર મેનેટેન્સ પકડાવો..!
હવે ચકલાસીથી ધનરાજ બટાકા ભરે એટલે કાકાને ત્યાંથી એક આઉટવર્ડ એન્ટ્રી થાય એ પણ સીધી મારા સર્વર પર આવવી જોઈએ ,અને પછી ચકલાસીથી સીધો ધનરાજસિંહ જાય સેટેલાઈટ માનસી ચાર રસ્તા ,ધનરાજબકરા જાય સીધો નિકોલ ,ધનરાજઘેંટા જાય રાણીપ ..
આવી રીતે પચાસ ધનરાજ પોતાની ગાડીઓમાં પાંચ ટન બટાકા ભરીને અમદવાદના ખૂણે ખૂણે વેહ્ચાઈ જાય..નવ રૂપિયાના કિલો બટાકા પંદર રૂપિયે કિલો ધનરાજ વેચતો જાય, બજાર કરતા ત્રણ ચાર રૂપિયા સસ્તા પડે એટલે માલ ચપોચપ વેચાઈ જાય,અને રાત પડે ધનરાજ મારી ઓફિસે એના કમીશન અને ભાડાના રૂપિયા કાપી અને બાકીના રૂપિયા જમા કરાવતો જાય..બીજે દિવસે સવારે પાછો ધનરાજ ચકલાસી પોહચી જાય ..!
બસ આવી રીતે ગુજરાતના ખૂણે ખૂણે પચાસ એ પચાસ ધનરાજને ફેરવ્યા કરો અને રૂપિયા કમાવ..હા ધનરાજ પાસેથી એડવાન્સ પચાસ હજાર રૂપિયા લેવાનું ભૂલતા નહિ .. નહીતર બટાકા અને ધનરાજ પેહલા દિવસે લઈને ગયા એ ગયા ફરી પાછો એકે ધનરાજ કે બટાકું કશું દેખાશે નહિ ..!!
હવે આમાં મેં શું કર્યું તો કહે બધું મેનેજ કર્યું અને એક આઈડિયા જો બદલ દે આપકી દુનિયા..! મેં જે કર્યું એનું નામ સ્ટાર્ટ અપ..!
પછી આગળ વધવાનું રીંગણ ટામેટા જે વેચવું હોય તે વેચો અને પછી સ્ટાર્ટઅપ ની ખાલી પાંચ ટકા મૂડી વેચવા કાઢો અને બે કરોડ કમાવ પછી ફરી પાછા આગળ વધો અને બીજા પાંચ ટકા વેચો અને પાંચ કરોડ કમાવ અને છેલ્લે પબ્લિક ઇસ્યુ લાવો અને સીધો બસ્સો કરોડનો ઝાટકો મારો ..!
કર લો દુનિયા મુઠ્ઠીમેં,
પાંચ વર્ષમાં તો ઘેર સોનાના નળિયા ..! આંગણ ઝૂલે ઓડી ને બેન્ઝ..!શૈશ્વ્યામાંથી શૈશવ ..શૈશવભાઈ..શૈશવભાઈ શેઠ..!
કોપી પેસ્ટ પૂરું નવું લખાણ ચાલુ..!!
કેવો લાગ્યો ધંધો ? દરેક ખેત પેદાશમાં અત્યારે નવા ધંધાની જગ્યા છે કેરીઓની પેટીઓ અને બોક લઈને પણ લોકો ઠેર ઠેર બેસી ગયા છે જુનાગઢમાં ત્રણસો સાડા ત્રણસોનું બોક્સ અમદાવાદ બારસો સુધી વેચાયા છે..
ભલે કપરો કાળ છે એટલે મોં માંગ્યા ભાવ મળી રહ્યા છે પણ પછી ના સમયમાં પણ જથ્થાબંધ ખરીદી ને રીટેઈલ વેચાણના ભાવ ફરક અને માર્જીન તો રેહવા ના જ છે..!!
બટાકા ઉદાહરણ રૂપે મુક્યા છે બાકી તો ,ગવાર ,ટામેટા થી લઈને કોબીના દટ્ટા…બધામાં એક જ હાલત છે..!!
ધંધો ચાલુ કરવા હૈયે હામ અને પગ માં જોર બે જ વસ્તુ જોઈએ, ચોઘડિયા પણ ના જોવા ના હોય..!
ચાલો કોઈને વિચાર આવે તો કરો કંકુ ના..!!
આપનો દિન શુભ રહે
શૈશવ વોરા
(ચેતવણી :- આ બ્લોગને પોતાના નામે કે પછી મૂળ લેખકના નામ વગર કે તેમાં કોઈપણ જાત ના ચેડા કરીને મુકવો તે સંપૂર્ણપણે ગેરકાયદેસર છે , જે કોઈ વ્યક્તિ તેવું કરશે તો કોપીરાઈટ એકટ નો ભંગ ગણાશે અને તે પ્રમાણે કરનાર સામે કાયદેસર કાર્યવાહી ચોક્કસ કરવામાં આવશે..)