આંકડામાં ગુંચાયેલી જિંદગીઓ ..!!
બહુ દિવસે આજે લેપટોપ હાથમાં પકડયું ..! જિંદગી થોડી ઝડપથી જઈ રહી છે એક પછી એક ડેડલાઈનો માથે ઝળુંબે અને તમારે પોહચે જ છૂટકો..!!
સરકાર રોજ મેસેજીસ કરે કે ઇન્કમટેક્ષના રીટર્ન ભરી દો છેલ્લી મિનીટ સુધી રાહ ના જોવો, જીએસટીના રીટર્ન ભરી દો ,પણ સાંભળે એ બીજા..!!
“ઈઝ ઓફ બીઝનેસ”ની બદલે “બીઝનેસ ઓફ રીટર્નસ” થઇ ગયું છે, બજાર નવરી બેસવી જ ના જોઈએ ,અને એમાં પાછું કૈક નવું પેહલી જાન્યુઆરીથી આવે છે હલાડું જીએસટીમાં, ઇન્કમટેક્ષમાં પેલી પર્સનલ ઇન્ફોર્મેશનના ફોર્મ ઘાલ્યા ..!!
આવવા જ દો તમતમારે જે ટેક્ષ ભરે અને રીટર્ન ભરે એને કનડવામાં કઈ બાકી જ નહિ રાખવાનું ..!!
ધંધાથી વધારે ધ્યાન રીટર્ન ભરવામાં રાખવાનું કેમ કે જો એમાં અંટાઈ ગયા ને તો પછી જય હો ..!! બાર મહિનાનો નફો તાણી જાય..!!
જેની પાસે પાન નંબર છે અને જીએસટી નમ્બર છે એના આંત : વસ્ત્રોની સાઈઝ જ હવે સરકારે અંદર મેન્શન કરવાની લગભગ બાકી રાખી છે..!!
ધીમે ધીમે કરીને બધોય ડેટા સરકારો એ ભેગો કર્યો છે ,પેહલા પાન કાર્ડ પછી આધાર કાર્ડ પછી બાકી હતું તો વેક્સીન અને આપણે પણ એવા હરખપદુડા કે હન્ગ્યું પાદયુ બધુય સોશિઅલ મીડિયા ઉપર નાખ્યું એટલે માણસની પર્સનલ ફાઇનાન્શીઅલ લાઈફ જેવું કશું રહ્યું જ નહિ ..!!
ગોવા ફરવા જાય તો પણ મુઓ ચેક ઇન નાખે અને દારૂ કઈ જાત નો પીધો એ પણ લખે..!! ટ્રેઈનમાં ગયો બસમાં ગયો કે હવાઈ જહાજમાં એ પણ માટીડો લખે..!!
જિંદગીમાં કોઈ ભેદભરમ રહ્યા જ નહિ તમારી આખ્ખી કુંડલી સરકાર જાણે..!!
હશે ત્યારે જાણવા દો બીજું શું ..! અહિયાં તો લાખ કમાયા નથી ને લખેશ્રી થયા નથી તે વળી ચિંતા શેની..! પર્સનલ રીટર્નમાં પેલી ઇન્ફોર્મેશનમાં અઢી હજાર રૂપરડી કાઢી કે જે મેન્શન નોહતી.. કાઢી લો પિત્તળ ત્યારે શું ?
સિત્તેર સિત્તેર વર્ષથી માહિતીઓ ભેગી કરી રહી છે સરકારો પ્રજાની અને છત્તા પણ કરોડો રૂપિયા આજે પણ દિવાલો ઓકે છે ઉલટીઓ કરે છે રૂપિયાની, ક્યા પ્રકારના કારભારા થઇ રહ્યા છે એની જ સમજણ નથી પડતી મારા તમારા જેવાને તો..!!
વૈશ્વિક ફુગાવો માઝા મૂકી રહ્યો છે, દુનિયામાં ચારેયબાજુ અનહદ ફુગાવો વધી રહ્યો છે અને આપણે તો સિત્તેર સિત્તેર વર્ષથી ફુગાવામાં ફુગાઇ ફુગાઇ ને ફાટી ગયા છીએ , થાગડ થીગડ જ ચાલે છે દેશ આખામાં..!!
મને પર્સનલી આંકડા જોડે રમી ખાતી જાતિ પ્રજાતિઓ ઉપર બહુ ખાર , ન કામ કી ન કાજ કી ઢાઈ મણ અનાજ કી ..!! ક્યારેક એવું લાગે કે બજાવવા સિવાય બીજું કશું કરતા જ નથી કે શું આ લોકો ..??
આ આંકડાની રમતોમાં સૌથી ઉપર આવે તો જંત્રી..!!!
કદાચ દુનિયાભરમાં ભારત દેશ એકમાત્ર એવો દેશ હશે કે જ્યાં જંત્રી નામની વસ્તુ છે..!!
આજે તમે સિંધુ ભવન રોડ ઉપરની જમીનની કિંમત પૂછો તો બોલશે ત્રણ લાખ રૂપિયા વારે અને જંત્રી કેટલી ?
જ્યાં સુધી આ જંત્રી નામની ચીજ નાબુદ નહિ થાય ત્યાં સુધી કાળા નાણા બંધ નાં થાય..!
બીજી આવી કેટલીય જગ્યાઓ છે કે જ્યાં સરકાર પોતે જ કાળા નાણા ઠેકાણે પાડી આપવાની સગવડ કરી આપે છે..!!
ફુગાવો સખ્ખત લોહી પી રહ્યો છે વેપારી આલમ નો, અને સરકાર ગમ્મે તેટલી સ્કીમો આપે પણ કો લેટરલ અને બાય લેટરલ વગેરે વગેરે વિના બેંકો લોનો આપવાની ધરારના નાં પાડે છે, ને એમાં પીસાય પેલો એમએસએમઈ સેક્ટર વાળો ..!!
અત્યારે હાલત એવી છે નગરી અમદાવાદની કે આખો પૂર્વ વિસ્તાર એટલે કે પીરાણાના કચરા ડુંગરથી લઈને છેક નાના ચિલોડા સુધીનો રોડ અને એની ડાબી બાજુ બે કિલોમીટર અને જમણી બાજુ ત્રણ કિલોમીટરના પટ્ટામાં અનહદ નાના નાના કારખાના આવેલા છે અને જેની બજાર કિંમત પચીસ પચાસ લાખથી ઓછી નાં થાય ..!!
જ્ન્ત્રો નહી જોવાનો , બજાર કિંમતની વાત કરું છું , હવે એ જે નાના નાના ઉદ્યોગકારો છે એ જાતમેહનતે ઉપર આવ્યા છે કોઈ જ બેંકો એ એમને ક્યારેય ચપ્પણીયુ પરખાવયું નથી ..!! પૂછો કયું ???????????????
તો કહે બધું વીસ રૂપિયાના સ્ટેમ્પ પેપર ઉપર છે અને એનું લીગલ સ્ટેટ્સ કઈ નહિ તો બેંકવાળો સગો થતો હોય તો પણ ધરાર ચાર આની નાં પરખાવે લોન સ્વરૂપે..!!
છત્તે રૂપિયે ભિખારી..!! તમારી મિલકતના ધણી તમે ખરા પણ ગીરવે મુકવી હોય તો બેંક લ્યે નહિ બોલો હવે શું રસ્તો ???
કઈ નહિ .. મૂંગી મનમાં જાણે ..!!
લીક્વીડીટીની ખેંચ ભારે વર્તાય છે ચારેબાજુ પણ જ્યાં છે ત્યાં છ્લ્લ્મછલ્લા છે દિવાલોમાં દાટવા પડે છે ( યુપી ની પેલી રેડ ના ફોટા જોયા અને હું તો ધન્ય ધન્ય થઇ ગયો )
એમીક્રોનના ભણકારા વાગે છે અને નાના માણસોના પેટમાં તેલ રેડાય છે , રૂપિયે બે રૂપિયે કિલો અપાઈ રહેલા સરકારી ધાન લેવા એ જઈ નથી શકવાનો અને તમાચો મારી ને ગાલ લાલ રાખતા રાખતા હવે ગાલ કાળો થઇ ગયો છે..!!!
ખર્ચો ઓછો થતો નથી અને નાની નાની કંપનીઓના નફા દબાયેલા આવે છે મોટાઓ એ ક્યાંક લાભ લઇ લીધો અને એવું કેહવાય છે કે કોવીડમાં દાક્તરો ભરપુર કમાયા છે તે હવે જમીનો છેક બાવલું સુધી લેવા પોહચી ગયા છે..!!
રાત પડ્યે જો બાવલું ગામે જવાનું થાય તો મારું હહારું પોહચતા સુધીમાં હાંજા ગગડી જાય, પણ હવે ક્યાં નાં ક્યા ફાર્મ હાઉસ લઇ લઇ ને પડ્યા છે લોકો, અને દાક્તરો કોવીડના કમાયેલા રૂપિયા ત્યાં છેક સેટ કરી રહ્યા છે..!!! આવું લોકો મોઢે બોલાઈ રહ્યું છે હો ..!! હા વાગે કરે લોહીનું ટીપું ..! આપણે તો ઘરમાં જ ચારેય બાજુ દાક્તરો ,બધાય તૂટી પડે કોણે લીધી એમ બોલ તો ..!! પછી કેહવું પડે કે તમારા જેવા ડફોળ મુર્ખ દાક્તરો એ નહિ એ તો પેલા જે બહુ હોશિયાર છે ને જે કોવીડ પેશન્ટ ના સગા જોડે રોજના લાખ લાખ રૂપિયા ભરવાતા હતા ને એવા ..તમારે તો વર્ષે માંડ લાખનું કલેક્શન આવે, જવા દો ને..!! તમારા કામ નહિ, ગરીબ ..!! એથીકલ પ્રેક્ટીસ કર્યા કરો તમે..!
દાક્તરો અને દવાવાળાઓ અલ્યા કોવીડમાં કમાયા કે નહિ ? રહી ગયા ? ત્રોજો વેવ આવે એવું લાગે જ છે રાખ્ખ્સો ,બાકી જ ના રાખતા હો .. બાવલું છોડો કચ્છ ની એ અફાટ જગ્યાઓ પડી છે તમને ત્યાં જ દાટશે હો ..!! કોવીડ પ્રોટોકોલ સાથે બે ચુનાની અને મીઠા બોરી ઉપર નાખશે ઝટ ઓગળે તો બીજો અવતાર મળે ને..!!
કેટલા રાખ્ખ્સો ને ઓળખો ?
પણ તમે તો વૈષ્ણવજન ને પાછા નિંદા ના કરે કેની રે …!!
કરવી, નિંદા કરવી ,તો ક્યાંક કોક ને અટકવાની નિંદા ના ભયે ઈચ્છા થાય..!
બાકી તો આ માણસની જાત છે..!!
દેવ બનવાના અભરખા રાખે અને વાણી વર્તન દાનવ જેવા..!!
હશે ત્યારે ..!!
સહુ નું થશે તે વહુ થશે ..!!
શુભ રાત્રી
શૈશવ વોરા
(ચેતવણી :- આ બ્લોગને પોતાના નામે કે પછી મૂળ લેખકના નામ વગર કે તેમાં કોઈપણ જાત ના ચેડા કરીને મુકવો તે સંપૂર્ણપણે ગેરકાયદેસર છે , જે કોઈ વ્યક્તિ તેવું કરશે તો કોપીરાઈટ એકટ નો ભંગ ગણાશે અને તે પ્રમાણે કરનાર સામે કાયદેસર કાર્યવાહી ચોક્કસ કરવામાં આવશે..)