મારા જીવનની ગાડીનું સ્ટીયરીંગ તારા હાથમાં આજથી..અબઘડીથી..!!
જબરજસ્ત લગ્નો હતા પણ આ વખતે પણ એક શાંતિ હતી કે ઓવરલેપ એકપણ લગ્ન નોહતા થતા, એટલે એકે એક પ્રસંગ ને પ્રેમથી માણ્યા,લગભગ ૨૮મી તારીખથી “ફૂલેકે” ચડ્યા હતા અમે, તો છેક છેલ્લા દિવસ સુધી ચાલ્યું,વચ્ચે થોડાક દિવસ એવું પણ થયું કે ઘેર ભાખરી ને દૂધ ખાઈ લીધા અને પછી પ્રસંગોમાં ગયા ,પણ એટલું ચોક્કસ કે દરેકના દરેક પ્રસંગમાં હાજરી આપી અને પૂર્ણ ન્યાય આપ્યો ..!
અમને પણ સંતોષ અને પ્રસંગ લીધેલા ને પણ સંતોષ કે દરેક પ્રસંગમાં શૈશવભાઈ આવ્યા અને છેક સુધી રહ્યા..!!
નવું શું હતું આ વખતે ? તો નવામાં એવું હતું કે મોટા મોટા પાર્ટી પ્લોટોમાં પ્રસંગ હતા પણ માણસોમાં ક્યાય ત્રણસો ચારસો અને ક્યારેક ભૂલ ભૂલમાં વધી ને પાંચસો થાય પણ પેલા હજાર બે હજાર કે પાંચ પાંચ હજારના રસોડા ગાયબ હતા..!! એટલે મોકળાશ ઘણી હતી ..!!
એક પ્રસંગમાં અમદાવાદના ઘણા મોટા ગજાના કેટરર્સ મળી ગયા, મેં તો મારી રીતે સીધો જ બાઉન્સર ફેંક્યો .. અલ્યા તમારે તો આ ફે`ર જલો જલો છે બાકી, જે ત્રણ પ્રસંગ કરતુ હતું એ પાંચ-પાંચ કરી ને એના વેહ્વાર સાચવે છે એટલે તમારે અને ફરાસખાનાવાળાઓ ને તો મોજ પડી ગઈ બાકી..!
જવાબ સરસ આવ્યો..ના ભ`ઈ એવું નથી, અત્યારે તમે જે લોનમાં ઉભા છો ને એની કેપેસીટી સાડા ત્રણ હજાર માણસની છે અને જેમના ફંકશનમાં આવ્યા છો ને એમની કેપેસીટી પાંચ હજાર માણસ ને ઇન્વાઇટ કરવાની છે, ચાલો એમ માની લઉં કે પાંચ હજાર ના ઇન્વાઇટ કરે તો પણ નહિ નહિ તોય આ ફંકશનમાં નોર્મલ દિવસો હોત તો અઢી થી ત્રણ હજાર માણસો હોત અને અત્યારે સાડા ત્રણસો પ્લેટ ગઈ ખાલી ..!! હવે તમે જ બોલો અમને ફાયદો કે નુકસાન ? અમારે તો એક જ ફંકશન હોય પણ મોટ્ટું હોય તો જ બે પૈસા કમાવા મળે બાકી આ નાના પ્રસંગોમાં કશું હાથના લાગે , લેવાનું ગાજર અને રેહવાનું હાજર..!!
મારી જેમ કેહવત મારા મોઢે મારી એટલે આપણી બોલતી બંધ..!!!
વાત બસ્સો ટકા સાચી હતી , પાંચે પાંચ પ્રસંગમાં બિચારા એ કેટરર્સવાળા બાપ દીકરો ખડે પગે હતા ..!! ટૂંકમાં કેટરર્સ માટે એવું થયું કે પંડે રળ્યું ને પેટે ખાધું ..!! સબંધો સાચવવા નાના નાના રસોડા પણ કરી લીધા..!!
બીજી તરફ ડેકોરેશનમાં .. જેવા કુકા એવી વાત ભ`ઈ ..! અસલી ફૂલો તો ક્યાંક નકલી ફૂલો, અસલી નો ખર્ચો દોઢ બે લાખ અને એવા જ શણગાર નકલીના થાય પચીસ હજારના..! ક્યાંક પછી ગોલ્ડ પ્લેટેડ થાળી આવી અને ક્યાંક સાવ સાદી ડિસ્પોઝેબલ..!
ગોળ પડે એટલું ગળ્યું થાય એવી વાત છે..!!
નવી પેઢીના છોકરા છોકરીઓ ના પરણતી વખતે એમના રંગ અને ઢંગ..!!!
ગજ્જ્જ્બ …!!
શું કોન્ફિડન્સ ,આહ ..વાહ ..! અને દુલ્હન ઉર્ફે નવોઢા આફરીન …!! એકદમ હસતી રમતી કેમેરામાં પોઝ આપતી આપતી માહ્યરામાં આવે અને દુલ્હો ઉર્ફે વરરાજો ફુલ્લ ટુ એન્જોય કરતા કરતા જાન જોડી ને આવે..!!
એક દસકા પેહલા કોરિયોગ્રાફર રાખી ને ડાન્સ કરવાના અને એ બધા ખેલ ચાલુ થયા મોબાઈલના કેમેરા નવા નવા જન્મ્યા પણ લોકો ને પોઝીંગ ના આવડે અને કેમેરા સામે જોતા ડર લાગતો, નાચતી વખતે હું કેવો લાગીશ કે કેવી લાગીશ એવી જરાક બીક રેહતી પણ હવે આજ ની પેઢી ..!! આય..હાય ..! મસ્ત બિન્દાસ્ત..!! પોઝ આપે જોર જોર..!! મારા વ્હાલા જે નાચે કુદે અને જે મજા કરે છે ..!! મોજે મોજ ..!!
મારા જેવાને તો જોવાની અને જોડે નાચવાની જોર મજા આવી ગઈ ..!
થોડી ખણખોદ કરવાની ટેવ એટલે વિચાર્યું કે જેટ લગ્નમાં ગયા એ બધા લગ્નમાં જુવાનીયાઓ આટલા કોન્ફિડન્સથી કેમ નાચતા હતા ?
તો જવાબ આવ્યો આ બધ્ધે બધા ને સ્કુલમાં મુક્યા ત્યારથી એમના એન્યુઅલ ફંકશન હોય કે બીજા ફંકશન હોય એમ એમને પેહલા દિવસથી નાચતા કરવામાં આવ્યા હતા..! અને પછી લગભગ બધી માવરુઓ એકટીવા ઉપર લઇ લઇ ને ક્યાંક ને ક્યાંક ડાન્સ અને મ્યુસિકના ક્લાસમાં ક્યારેક તો લઇ જ ગઈ છે એટલે લગ્નો ના સામન્ય ડાન્સ આ બધી પ્રજા ને બહુ સરસ રીતે કરતા આવડી ગયા છે..!!!
હવે મેઈન પોઈન્ટ ઉપર ..!
બધા પ્રસંગમાં એક વરરાજા એ આપણું દિલ દિમાગ બધું ય જીતી લીધું ..!!
મારા બેટાએ બાહર બે કલાક જાન નચાવી, પોતે નાચ્યો અને આખી જાન ને નચાવી , કન્યા હાર પેહરાવવા આવી એ ભેગો ઠાઠથી ને વટ્ટની નીચે નમી ને ઘૂંટણીએ બેસી ગયો ..અને બોલ્યો..ચલ પેહરાવી દે હાર..તને તકલીફ ના પડવી જોઈએ ..!!
અણવર અને એન મિત્રોએ એને ઊંચકવાની ઘણી કોશિશ કરી પણ મારો બેટો એક નો બે ના થયો ,નહિ એટલે નહિ એને તકલીફ પડે એના ચણીયાચોળીનું “કેનકેન”(ચણિયો ફૂલેલો રહે એના માટે નાખવામાં આવતું એક પ્રકારનું અસ્તર) એને વાગે..!!
આખી વાત મારા કાને સાંભળી એટલે પેહલા તો માની લીધું કે લાલો ઘેલો થયો છે ,પૈણ ચડ્યું છે માથે ,પણ તમામ વિધિઓમાં સેહજ પણ સમય સચવાય નહિ તો પોતે જ ઈનીશીયેટીવ લઈને કહે ઝટ પૂરું કરો ચલો..ભયંકર કો-ઓપરેટીંવ વરરાજો..!
વિધિઓ પૂરી થઇ ફોટા પડાવવાના વારા આવ્યા અમે સ્ટેજ ઉપર ચડ્યા જે દીકરી ને હાથમાં રમાડીને મોટી કરી હોય એને ઘરચોળામાં જોઈ , ખરેખર સુંદર લાગતી હતી એ દીકરી, નાની હતી ત્યારે પરાણે વહાલી લાગતી ને વ્હાલ કરાવતી પણ આજે એમનેમ વ્હાલ આવ્યું એટલે દિકરી ને આશીર્વાદ આપ્યા અને વ્હાલી કરી ..તરત જ મારો બેટો વરરાજો મોઢું ફુલાવી ને ઉભો રહી ગયો તમારી દિકરી એ તમારી એમ ને ,હું તમારો કઈ નહિ એવું ને ? મને વ્હાલી નહિ કરવાની ..??!!!!!
એક સેકન્ડ માટે તો હું અટકી ગયો પણ એની આંખમાં પ્રેમ ને લાગણી દેખાઈ , ભેટી પડ્યો મને અને બોલ્યો હું તમારો છોકરો.. મેં કીધું હા બેટા તું પેહ્લો અને પછી આ બસ..!!
સ્ટેજ ઉપરથી ઉતર્યો લગભગ આખો પ્રસંગ પૂરો થવામાં આવ્યો હતો અને આખા પ્રસંગમાં જાનૈયાઓ ની શાલીનતા ઉડીને આંખે વળગતી હતી,અમે માંડવે બેઠેલા બધા અચંબિત હતા ,પણ પિક્ચર અભી બાકી હે દોસ્ત..!
વિદાય ની વસમી વેળા આવી કન્યા એના બાપ ને ભેટી અને સેહજ રડી પડી ,અમે ધીમે ધીમે આગળ વધી રહ્યા હતા ત્યાં એક નવી નક્કોર મહિન્દ્રા ની થાર બારણે આવી અને ઉભી , વરરાજા એ હુકમ કર્યો જા તું બેસી જા સ્ટીયરીંગ ઉપર ,મારા જીવનની ગાડીનું સ્ટીયરીંગ તારા હાથમાં આજથી ..અબઘડીથી..!!
એક મિનીટ માટે તો જાનૈયા અને કન્યાપક્ષમાં સોપો પડી ગયો.. પણ વરની મોટી બેહને કહી દીધું મારા ભાઈએ પેહલેથી નક્કી કર્યું છે કે માંડવેથી ગાડી એ જ ચલાવી ને ઘેર આવશે, હું એને લેવા નથી જતો એ મને મારે ઘેર લઈને આવશે..!!
વરરાજો બાજુની સીટ ઉપર બેસી ગયો ને માહ્યરામાંથી ઉતરેલી કન્યા કુદકો મારી ને સીધી બેઠી મહિંન્દ્રા થારની ડ્રાઈવીંગ સીટ ઉપર, ગોર બાપા એ શ્રીફળ મુક્યું જમણે ટાયરે ને કન્યાની માતાએ પાંચ ચાંલ્લા કર્યા , કન્યા ઠાઠથી હંકારી ગઈ …!!
રુકો રુકો ભાઈ હજી મેઈન વાત તો બાકી છે ..!!
વરરાજાના પિતાએ કન્યાના માતાપિતા ને કીધું વેવાઈ હવે તમે ક્યારેય એમ ના બોલશો કે દીકરી સાસરે ગઈ ને પિયર ગઈ..બંને ઘર એના છે..!!!
ચાલો રજા આપો જય શ્રી કૃષ્ણ..!!
પરિવારના સંસ્કાર ને સ્ત્રીદાક્ષિણ્ય ઝળક્યા..!
મન પ્રફુલ્લિત થઇ ગયું અને અમે હૈયે હામ લઈને ઘરભેગા થયા કે ચાલો મિત્ર ની દિકરી સુખી અને સંસ્કારી ઘરમાં ગઈ..!!!
કદાચ નવી પેઢી લગ્ન નામની સંસ્થા વિશે ઘણી વધારે ક્લીયર છે અને તે સારી વાત ..!!
ઈશ્વર સહુ દિકરીઓ ને આવા જ હામ,દામ,નામ ને સંસ્કારવાળા ઘર આપે ..!!
શુભ રાત્રી
શૈશવ વોરા
*(ચેતવણી :- આ બ્લોગને પોતાના નામે કે પછી મૂળ લેખકના નામ વગર કે તેમાં કોઈપણ જાત ના ચેડા કરીને મુકવો તે સંપૂર્ણપણે ગેરકાયદેસર છે , જે કોઈ વ્યક્તિ તેવું કરશે તો કોપીરાઈટ એકટ નો ભંગ ગણાશે અને તે પ્રમાણે કરનાર સામે કાયદેસર કાર્યવાહી ચોક્કસ કરવામાં આવશે..)*