પેહલી જાન્યુઆરીએ સપ્તક નો આગાઝ થયો, એક વાત નક્કી કરી હતી કે ધોળે ધર્મે પણ ઓફલાઈન નથી જવું , ઓનલાઈન જ માણવું છે એટલે ચુપચાપ ઓનલાઈન થઈને બેસી ગયા..! અને જેની અપેક્ષા નોહતી છતાંય અડધે પોહચાડી ને કાર્યકમ રદ્દ કરવો પડ્યો , જોડે જોડે વાઈબ્રન્ટ અને ફ્લાવર શો બધું ય બંધ અઠયું પણ હવે આ રાજકીય રેલીઓના તાયફા પણ બંધ થાય તો સારું..!
ફરી ફાટ્યું હોય એવા એધાણ વર્તાઈ રહ્યા છે, એક પછી એક નજીકના લોકો અને આડોશી પાડોશીમાં કેસ આવતા જાય છે, જરાક ગભરામણ થઇ રહી છે ..! શું થશે..?
બીજી લેહરમાં જે ભોગવ્યું છે એવું હરગીઝ જીવનમાં ફરી નથી જોઈતું, જોગાનુજોગ બીજી જાન્યુઆરીએ સસરાજીનો જન્મદિવસ ગયો..! હજી ગયા વર્ષે એમની સાથે એમની હયાતીમાં એમનો જન્મદિવસ ઉજવ્યો હતો અને આજે એ નથી..!
કોવીડ ભરખી ગયો એમને ..!! કપરા દિવસો યાદ નથી કરવા ,પણ અત્યારના સંજોગો જોતા પોતાની જાતને ઉડવાથી રોકવા માટે પણ એ દિવસો યાદ કરવા જરૂરી બની જાય છે..!!
બાહર આકર્ષણો ઘણા છે, ઘર હવે દરેક ને કરડી રહ્યું છે,સેહજ ખુલે એ ભેગું આપણે હડી કાઢીએ છીએ ,એક કંકોત્રી આવે એ ભેગા હરખપદુડા થઇ ને પોહચી જઈએ છીએ, થાય, મન થાય, ભેગા ભેગા જીવવા ટેવાયેલા મધ્યમ વર્ગના માણસો છીએ, એકલા તો મરવાનું જ ગમે બાકી જીવવું તો જોડે…! પણ શું થાય..??!!!!!
મુંબઈ દિલ્લીના આંકડા જોઇને એમ થાય કે શું થવા બેઠું છે ? અમદાવાદ કેટલું છેટું આ બધાથી ? છતાં પણ કંઈ કેટલાય લોકો છે કે જે હજી કોવીડ ને કાવતરું માની રહ્યા છે અને વેક્સીન નથી લેતા ને પાગલની જેમ રખડે છે..!!
એકલા ભારત દેશમાં નહિ પણ અમેરિકામાં પણ આવા પાગલો વસી રહ્યા છે અફસોસ એ વાતનો છે કે એ મુઆઓ એકદમ હટ્ટા કટ્ટા છે એટલે એવા લોકો એસીમ્પ્ટોમેટીક થઇ ને છૂટી જાય તો ખબર પણ ના પડે પણ બીજા ને ઘાલતા જાય..!!
ચર્ચાઓ ઘણી કરી એવા લોકો જોડે પણ પથ્થર ઉપર પાણી ..!
કોવીડ એ કદાચ માનવસર્જિત વાઈરસ હોઈ શકે છે અને કુદરતી પણ હોઈ શકે પણ એના અસ્તિત્વ ને નકારવું એ શું ? કેમ ?
બીજી લેહરમાં મારા જેવા કેટલાય લોકો ને કોવીડ થયો ને મારા સસરાજી જેવા કેટલા લોકો દુનિયા છોડી ગયા, પપ્પાજીના કેસમાં તો જેને કેહવાય ને કે પલ પલ કી ખબર ને રિપોર્ટો હોસ્પિટલમાંથી લીધા છે, અને એમની ઉપર લાગેલા તમામ મીટરો ના ફોટા પડાવી પડાવી ને સવાર સાંજ ,રાત ને દિવસ મંગાવતા હતા ,છતાંય હાથમાંથી હાથ છૂટ્યો ,સાથ છૂટ્યો..!!
ઘણો પ્રયત્ન કર્યો આ ગાંડીયાઓ ના મગજનું એનાલીસીસ કરવાનો કે આવા જંગલી જેવા કેમ છે ? સમજતા કેમ નથી ? કોવીડના અસ્તિત્વને સ્વીકારતા કેમ નથી ?
જક્કી લોકો છે એ બધા, જીવનમાં હંમેશા જીદ પકડી કૈક મેળવવા,પેહલા માર ખાધો અને પછી માલ ખાધો , જિંદગીમાં ઝુક્યા પણ ફરી બેઠા થયા અને કૈક મેળવ્યું એટલે બેક ઓફ માઈન્ડમાં એવું નક્કી થઇ ગયું કે હું જે કરું તે બરાબર છે , હું જે વિચારું તે સાચું અને મારી લાઈન ઓફ એક્શન જ બરાબર..!!
જીવનના નશામાં ચૂરચૂર, મને શું થાય ? હું તો હટ્ટો કટ્ટો છું , બહુ તકલીફ પડી જાય જયારે આવી વ્યક્તિઓ કોવીડના અસ્તિત્વ ને ના સ્વીકારે ત્યારે..!!
શરુ શરુમાં મને પણ થતું ઘણું તકલીફ થતી, પણ પછી ધીમે ધીમે સ્વીકાર કર્યો ..!
આજે એવી હાલત છે કે પેલું ગીત યાદ આવે છે દિલ હુમ હુમ કરે ગભરાયે .. કોરોના ઘમ ઘમ કરે ગર્જાયે..!! બિલકુલ એવો ઘાટ જ છે, છાપા, મીડિયા અને સોશિઅલ મીડિયા ગભરાવવામાં કંઈ બાકી નથી રાખતા અને સામે પક્ષે પબ્લિક નો એક વર્ગ એવો છે કે જે નિંભર થતો જાય છે ..!
લગભગ સ્વચ્છંદ થઇ ગયેલી પ્રજા ને કોઈ બંધન ગમતા નથી સિવાય કે કોઈ ધાર્મિક કારણ હોય કે પછી એકદમ કડક કાયદો હોય..!
આમ જુવો તો છેલ્લા સાત આઠ દાયકાથી મૃત્યુના ભય ને તો પાછળ રાખી ને માનવ જાતિ ઘણી આગળ નીકળી ગઈ હતી, એન્ટી બેક્ટેરીયલ દવાઓ અને ઘણી બધી વેક્સીન્સ એ જિંદગી ને બહુ સેઈફ કરી મૂકી હતી, પણ હવે પરિસ્થતિ એવી સર્જાઈ છે કે ક્યારે શું થશે એની કોઈને ખબર નથી પડતી એટલે છાપાઓમાં તમારા દરેક બેંક ખાતામાં અને બીજી બધી જગ્યાએ નોમીનેશન નાખો જો તમે એકબીજા ને પ્રેમ કરો છો અને જીવનસાથી છો તો ..!આવા પ્રકારની જાહેરતો ચાલુ થઇ ગઈ છે..!
આ પણ નવું છે કૈક ..!
થોડીક હટકે પેલા કોવીડના અસ્તિત્વમાં બિલકુલ નાં માનતા ગાંડિયાઓની જેમ વાત કરું તો ગૂંચવાડા ભરેલી સિસ્ટમોમાં એક સામાન્ય માણસ કેટલું ધ્યાન રાખે એની ક્યારેક એને સમજણ નથી પડતી, જન્મે એટલે જીવવા ની જદ્દોજેહદ ને જરાક મોટો થાય એટલે મૃત્યુ પછી ની દુનિયા દેખાડી ને સત્કર્મ કરો એવી વાર્તા ચાલુ થઇ જાય ને પછી એમાં સલવાય …!
આપણા દિમાગ જેવી ખાંચા ખૂંચી અખરોટમાં હોય છે, હવે તમે જ વિચારો કે કોઈ કલાકાર ને મન થાય અને એમ નક્કી કરે કે મારે અખરોટમાં કારીગરી કરાવી છે, અખરોટના ખાંચા ને મારે વધારે ધારદાર બનાવવો છે, લીસો બનાવવો છે તો શું થશે ?
બસ અત્યારે દિમાગની એ જ હાલત છે, ચારેબાજુથી અખરોટની અંદર કારીગરી થઇ રહી છે..!! એક બીજો વેપલો પણ બહુ સરસ ચાલ્યો છે, જો કે સદીઓથી ચાલી રહ્યો છે અને એ છે ભયનો પેહલા ધર્મ સત્તાઓ એનો ઉપયોગ સારી રીતે કરતી હતી હવે રાજ્ય સત્તાઓ એનો ઉપયોગ સુપેરે કરી રહી છે , તું મરી જઈશ કે પછી તને કોઈ મારી નાખશે..!
ગઈકાલે કંઈ એવું હતું છાપામાં કે વેક્સીન બનાવનારી કંપનીઓ એ ઘણા બધા કરોડોનો નફો કર્યો, શેનો વેપલો થયો ? ભય નો બીજો શું ?
હવે વિચારો કે આવા ભયના વેપલા કેટલા ? પેહલો જ વેપલો ધર્મ ને નામે દેખાશે પછી રાજકારણીઓ ..!! મરવું નથી અને મરવા દેવા નથી ઝનુન છે એક અને પછી એનો વેપલો..!!
કઠે છે ક્યારેક આવી કંપનીઓના જાડા નફા , ત્યારે એમ થાય કે થોડાક ડાબેરી ઝોક પણ હોવા જોઈએ..!! એકલી જમણેરી નીતિઓ બેફામ થઇ જાય ..!!
ફાર્મા કંપનીઓના નફા જો માનવજાત ને જિંદગી વધારે સારી બનાવવામાં વપરાશે તો એ સારી ઘટના લેખાશે પણ મોટેભાગે એવું થતું હોય છે કે કોઈક એક ક્ષેત્રમાં અત્યંત રૂપિયા કમાયા પછી એ રૂપિયા બીજા ક્ષેત્રમાં નાખવામાં આવે છે જેને ડાઈવર્સીફીકેશન નું રૂપાળું નામ અપાય છે ને એના ઓઠા હેઠળ શરુ થાય છે ઐયાશીઓ ..!
બે બાજુ ક્યારેક મન અટવાય છે ,
સસરાજી અને એમના જેવા કોવીડમાં મૃત્યુ પામ્યા એ સાચું અને મારા જેવાઓ ને કોવીડ પછી આવેલો ડાયાબીટીસ હજી પણ કેડો મુકતો નથી એ વાત પણ સાચી , સામે પક્ષે વેક્સીન અને દવાઓ નો જોરદાર વેપલો ચાલ્યો , ક્રુડ ઓઈલ બેઇઝ ઈકોનોમી ની કમ્મર લગભગ દુનિયાભરમાં લોકડાઉન લગાડી ને તોડી નાખી, અમેરિકા એ અધધધ ડોલરની નોટો છાપી ને વૈશ્વિક ફુગાવા ને આગ ચાંપી દીધી એ પણ સાચું , દુનિયા ને એક વાયરસ નામના એક જૈવિક હથિયાર ને વાપરવાની શું ફાયદો, શું ગેર ફાયદો એ પણ જોવાઈ ગયું એ પણ સાચું ,આજનો દુનિયાભરનો રાજકારણી કોઇપણ પરિસ્થિતિમાં પોતાનો જ ઉલ્લુ સીધો કરવાના તમામ પ્રયત્નો કરી રહ્યો છે એ પણ સાચું અને આવી બીજી ઘણી બધી સત્ય હકીકતોની વચ્ચે મારે અને તમારે જીવવાનું છે ..!!
ગાંડિયા સાચા કે ડાહ્યા સાચા ? દોઢ ડાહ્યા સાચા કે સળંગ ડાહ્યા સાચા ?
બધું જાય ભાડમાં..જીવવાનું છે એટલે જીવવાનું જ છે કોઇપણ સંજોગોમાં બસ, માસ્ક પેહરો સ્વસ્થ રહો અને જે પરિસ્થતિ આવશે એની સામે લડી લઈશું ,એક બે ને હા`ડા તઈણ ..!!
શુભ રાત્રી
શૈશવ વોરા
(ચેતવણી :- આ બ્લોગને પોતાના નામે કે પછી મૂળ લેખકના નામ વગર કે તેમાં કોઈપણ જાત ના ચેડા કરીને મુકવો તે સંપૂર્ણપણે ગેરકાયદેસર છે , જે કોઈ વ્યક્તિ તેવું કરશે તો કોપીરાઈટ એકટ નો ભંગ ગણાશે અને તે પ્રમાણે કરનાર સામે કાયદેસર કાર્યવાહી ચોક્કસ કરવામાં આવશે..)