આજે સવાર સવારમાં છાપું ખોલ્યું અને એમાં આવ્યું કે જીએસટીનું રેકોર્ડ કલેક્શન , અર્થતંત્રની ગાડી પાટા ઉપર ..!!
હાથમાં રહેલી કોફી નો સ્વાદ સેહજ બગડી ગયો અને પેહ્લો જ વિચાર આવ્યો કે આ લોકો ને ફુગાવો અને વિકાસ નો મતલબ નહિ ખબર પડતી હોય ? ભેદ નહિ સમજાતો હોય ?
અત્યાર સુધીમાં નહિ નહિ તો પચ્ચીસ ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ ને મળ્યો હોઈશ અને બધા ને એક જ સવાલ કરું કે તમારા ક્લાયન્ટ ની બેલેન્સશીટના શું હાલ હવાલ છે ? એક જ વાત બોલે ટર્નઓવર વધ્યા છે અને નફા દબાયા છે, હવે શું સમજવું ?
મને તો એટલી ખબર પડે કે ધંધો એટલે નફો, અને નફોનાં થાય કે ઓછો થાય તો ધંધો ફેણવા નો કોઈ મતલબ નહિ, ટર્નઓવર વધારે કરો એટલે જીએસટી વધે અને સરકારી તિજોરીમાં નાણા વધારે જાય ,બીજી કોઈ વાત નહિ ..!
હવે સરકારી તિજોરીમાં ગયેલા નાણા ક્યાં વપરાયા ? તો બહુ મોટો ભાગ જાય લશ્કર ને સાચવવા અને દારૂગોળા ખરીદવા , પછી બીજા નંબરે આવે પગારો અને પેન્શન ..!!
લશ્કર ને સાચવવા રૂપિયા જાય તો અફસોસ નથી પણ સરકારી પગારોમાં રૂપિયા ખર્ચતા દેખાય એટલે વેપારી માણસ ની આંખ ફરે ..!
કઈ ગણતરીથી સરકારો જઈ રહી છે અને ભાવ વધારા ને કાબુમાં કેમ નથી લઇ શકતી એ હજી સમજાતું નથી , ફુગાવો અને બેહિસાબ ભાવ વધારો એ કોઇપણ સરકારના માથે લાગેલું ગજ્જબ મોટું કલંક છે ને ઈતિહાસમાં એવા શાસકો ના નામ બહુ સારી રીતે નથી લેવાતા..!
મોરારજી દેસાઈ સરકાર ના ઘણા વાંક લોકો કાઢે પણ આજે પણ એવા લોકો મળશે કે બોલશે મોંઘવારી ને જબરજસ્ત રીતે કાબુમાં રાખી હતી અને ઇન્દિરા ગાંધી ની સરકાર ને મોંઘવારીની જનક કેહશે..!
ચીન દેશ બહુ બધી તકલીફોમાંથી પસાર થઇ રહ્યો છે, એક બહુ મોટી તક સર્જાઈ છે ભારત દેશ માટે અત્યારે ,
એવા સપના જોઈએ કે બધા યુરોપવાળા અને જાપાનવાળા કે અમેરિકાવાળાઓ ત્યાં જે કારખાના નાખ્યા છે એ કાઢી કાઢી ને અહિયાં લઇ આવશે તો ખોટી વાત છે , કારખાનામાં મશીન ચાલતું હોય ત્યાં સુધી જ એ મશીન , એકવાર એ જગ્યા ઉપરથી ઉખડ્યું એટલે ભંગાર જ થઇ જાય ને એવા ભંગાર આપણે અહી તાણી લાવવાની લગીરે જરૂર નથી, પણ જે નવા સંશોધનો થાય છે અને નવી ટેકનોલોજી આવે એ ભારત દેશે આવે તો ઘણું છે વીસ પચ્ચીસ વર્ષમાં કૈક સારું થાય એવી આશા રાખી શકીએ,
ઉદાહરણ રૂપે વેક્સીન મૂકી શકાય ..!
નવી એકદમ તાજી તાજી શોધાયેલી વેક્સીન નું ઉત્પાદન વિક્રમજનક રીતે કર્યું એવી રીતે આરબો ની ક્રુડ ઓઈલ ની દાદાગીરી તોડવા ઈલેક્ટ્રીકલ વેહિકલ માટે પશ્ચિમ તનતોડ મેહનત કરી રહ્યું છે અને એ આખો સેગમેન્ટ ભારતમાં ખેંચાઈ આવે તો કૈક વાત બને..!
જો કે અહિયાં બધું ખેંચી લાવવા માટે ઈન્ફ્રાસ્ટ્રક્ચર જોઈએ અને રાજકારણીઓ હજી પક્ષાપક્ષીના રાજકારણમાંથી ઊંચા નથી આવતા, બુલેટ ટ્રેઈનના પ્રોજેક્ટ ને રાજકારણ રમી ને પાછો પાડી દીધો એમ બીજા ઘણા પ્રોજેક્ટોમાં પણ રાજકારણ ભરપુર રમાય છે એટલે આશા અમર છે ને નિરાશા નક્કી છે…!!
તમને અને મને દેશભક્તિના પાઠ શીખવાડવામાંથી ઊંચા નથી આવતા આપણા રાજકારણીઓ પણ પોતે સિંહાસન ઉપર બેસી ને એકબીજાની સાથે ના હિસાબો ની પતાવટ કરવામાં દેશહિત ને ક્યાંય જઈ ને મૂકી ને આવે છે..!
ઓવર ઓલ જોઈએ તો ભવિષ્યનું જેવું ફૂલગુલાબી ચિત્ર દેખાડવામાં આવી રહ્યું છે એવું કશું થવાનું નથી ને બીજી તરફથી જે બિહામણું ચિત્ર દેખાડવામાં આવે છે એવું પણ નથી થવાનું ..!
દુનિયાના રાજકારણમાં એક વાત નક્કી છે કે પશ્ચિમ જગત આખે આખું અંદરખાને એક જ છે , એમાં રાણીના કન્ટ્રોલવાળા અને વિનાના બધાય દેશ આવી ગયા ..! હજુ પણ મહારાણીના શાસનમાં સૂર્ય ક્યારેય અસ્ત થતો નથી, સામ્રાજ્યવાદ ને તિલાંજલિ આપી ને આર્થિક સામ્રાજ્યવાદ ઉભો કર્યો, ક્યાંક વાચ્યું હતું કે છેલ્લા દોઢ બે વર્ષમાં બાઈડન સરકારે વધારાની અનેક ડોલરની નોટો છાપી ને બજારમાં નાખી દીધી એને લીધે આખી દુનિયામાં ફુગાવો ફાટી નીકળ્યો છે..!
બોલો હવે કોણ એવું છે આ જગતમાં કે જગત જમાદાર થઇ બેઠેલા આ બિલાડા ને ગળે ઘંટ બાંધે ?
ચીન દેશે એમની સામે આંખો કાઢી હતી પણ હવે એને પતાવી ને એનું ચક્ષુદાન લેવાની ભરપુર તૈયારીઓ ચાલી રહી છે..!! અહિયાં બીજો પણ ભયસ્થાન રહેલો છે જો રશિયાની જેમ ભવિષ્યમાં ચીન દેશના ટુકડા થયા તો અખંડ ભારત તો ભૂલી જવાનું પણ આપણા પણ ટુકડા કરાવી નાખે પશ્ચિમ ..!
જબરજસ્ત કપરો કાળ ચાલી રહ્યો છે, સ્થિર બુદ્ધિ રાખી ને જે રાષ્ટ્ર ના નેતાઓ અને પ્રજા કામ કરશે એ બચશે બાકી નું બધું આ રીતે ચાલ્યું તો બે દસકામાં નવરું..!
આંતરરાષ્ટ્રીય બજારોમાં લોજીસ્ટીકના જરાય ઠેકાણા પડતા નથી ,એક જમાનો એવો હતો કે શીપીંગ લાઈનરો અને ફોરવર્ડરો ના છોકરાઓ અમદાવાદની જીઆઇડીસી તો છોડો નાની નાની એસ્ટેટોમાં આંટા મારતા અને કામ માટે વલખાં મારતા ,આજે પરસ્થિતિ બિલકુલ ઉંધી છે , એક્સ્પોર્ટર અને ઈમ્પોર્ટર ને એમને ત્યાં સામેથી જવું પડે એવા હાલ છે , જે ડબા (કન્ટેનર ) ૩૦૦૦ ડોલરમાં આવતા કે જતા એના બાર-બાર હાજર ડોલર આપવા પડે છે, ડીસેમ્બરમાં જુના કોન્ટ્રકટ પુરા થાય એટલે જાન છૂટે એવું કેટલાય ના મોઢે સંભળાય છે..!!
ઓવર ઓલ નફાની નુકસાની કરી કરી ને ઘરાક સાચવ્યા છે મધ્યમ અને નાના ઉદ્યોગોએ..!
મોટા ની બહુ વાત થાય એમ નથી કેમ કે મોનોપોલીની આઈટમો હોય એટલે એડવાન્સ પેમેન્ટ અને ભાવમાં દાદાગીરીઓ કરી ખાધી એટલે એમના નફા શેરબજાર ને છાપરે ચડી ચડી ને પોકારે છે..!
અરે હા ક્રીપ્ટો નું તોફાન તો હજી ઉભું જ છે ,એણે જો જોર પકડયું તો પરંપરાગત આર્થિક જગત ને સાફ કરી નાખે તો નવાઈ નહિ કેમકે એને કોઈ સીમાડા નડતા નથી..!!
ટૂંકમાં કથાસાર કરીએ તો કોનું લશ્કર ક્યાં લડે છે એની કોઈ ને ખબર પડતી નથી ..!
આંધળી તેજી છે કે ફુગાવો ? કે પછી આવનારી ભયંકર મંદી પેહલાનું તોફાન ?
“દઈ જોણે” ..!!
આપનો દિન શુભ રહે
શૈશવ વોરા
*(ચેતવણી :- આ બ્લોગને પોતાના નામે કે પછી મૂળ લેખકના નામ વગર કે તેમાં કોઈપણ જાત ના ચેડા કરીને મુકવો તે સંપૂર્ણપણે ગેરકાયદેસર છે , જે કોઈ વ્યક્તિ તેવું કરશે તો કોપીરાઈટ એકટ નો ભંગ ગણાશે અને તે પ્રમાણે કરનાર સામે કાયદેસર કાર્યવાહી ચોક્કસ કરવામાં આવશે..)*