ભારતીય છોકરો ટ્વીટર નો સીઈઓ બન્યો..!
વોટ્સ એપ યુનીવર્સીટી અને ફેસબુક યુનિવર્સીટીમાં રમઝટ બોલી ગઈ..!
ચર્ચાઓ ચાલુ થઇ ગઈ કે બ્રેઈન ડ્રેઈન અટકાવવું જોઈએ અને બીજી બાજુ એમ બોલાય કે બેસ્ટ એક્સપોર્ટ ઈઝ હ્યુમન એક્સપોર્ટ ..!!
બોલો હવે ?
પેહલો વિચાર એમ આવે કે ભણેલા ગણેલા છોકરા કેમ ભાગી છૂટે છે ?
કિસી પઢે લિખે બચ્ચે કો પૂછા જાય ..!! જો કી યહાં સે “ભાગી છૂટના” ચાહતા હૈ..!!
“પૂછા” તો શું થયું ?
ઘુરકીયું થયું …અને સામે પૂછે …
અહી રહી ને શું કરવાનું ? મનરેગાના તગારા ઊંચકીએ ? કેટલા રૂપિયા આપશો ? પછી આગળ કેટલા વધવા દેશો ? તમારી પાસે ગુગલ છે ? તમારી પાસે કોકાકોલા છે ? તમારી પાસે ફેસબુક છે ? તમારી પાસે શું છે ? અને મારે ક્યાં બેસવાનું ? મારો વર્ક પ્રોફાઈલ શું રેહશે ? મારી જિંદગીમાં તમે કેટલા ડોકાચીયા કરશો ? પાંચ વર્ષ ઉંધો પડીને સોળ કલાક કામ કરું પછી મને એક હાઉસ એક ગાડી તમે આપી શકશો ? તમારી સો કોલ્ડ યુનિવર્સીટીઓમાં એડમીશન લઈને પછી કઈ દિશામાં આગળ વધવા નું એ તો જરા કહો ? તમારા જુના બેગેજ નો ભાર ક્યાં સુધી અમારે વેંઢરવા નો ? તમારી પાસે લાર્સન એન્ડ ટુબ્રો જેવી પ્રોફેશનલી રન કંપનીઓ કેટલી ? તમારી “લાલા પેઢીઓ” માં “લાલો” બેઠો બેઠો મોટો થયા કરે, ના દેશ ને કઈ આપે ,અને નાં એમ્પ્લોઇ ને કઈ આપે.. કેટલા એમ્પ્લોયર એ એમનો પ્રોફિટ એમ્પ્લોઇમાં વેહચ્યો ? કેટલા એમ્પ્લોયર એ વર્ક કલ્ચર ડેવલપ કરી અને કલ્ટીવેટ કર્યું ? તમારી પાસે કઈ સીસ્ટમ છે કે જેમાં હું તમારા બધા કાયદાનું પાલન કરવા છતાં હું ગુન્હેગાર નાં ઠરું ? તમારો કયો પોલીસવાળો છે કે જે લાંચ ના લેતો હોય ? તમારો કયો સરકારી અધિકારી છે કે જે ભ્રષ્ટ ના હોય ? તમારો કયો રાજકારણી છે કે જે ભ્રષ્ટ અને દંભીના હોય ?
પણ બકા તું ત્યાં સેકન્ડરી સીટીઝન કેહ્વાઈશ આ દેશ તારો પોત્તાનો તારા બાપદાદા નો છે ..!
શું આપ્યું મારા બાપ ને અને દાદા ને ? ઢસરડા સિવાય ? ઈમાનદારીનું સર્ટીફીકેટ પોતાની જાતે ગળામાં ભેરવી ને ફર્યા કર્યું ..!
બકા તું અને તારા જેવા હોશિયાર છોકરાઓ ત્યાં જતા રેહશે તો અહી નું શું થશે ? આ દેશ ક્યારે આગળ આવશે ?
મારા માથે પાઘડી ના પેહરાવો એટલો જ દેશપ્રેમ હોય ને તો લઇ આવો પાછા પેલા ઋષિ સૌનક ને અને પ્રીતિ પટેલ ને , અને બનાવી દો તમારા નાણામંત્રી અને ગૃહમંત્રી..!! તમને જ તમારા દેશની અંદર પડેલી ટેલેન્ટ ની કદર નથી અને બાહરવાળા કદર કરે પછી જ તમે જાગો છો ત્યાં સુધી તો તમે કોણ જાણે ક્યા સપનામાં રાચો છો..! નોબેલ પ્રાઈઝ મળે પછી પણ તમે ભારતરત્ન નથી આપી શકતા..!!
બકા ધીમે ધીમે અહિયાં બધું બદલાઈ રહ્યું છે તું તારા જીવનમાં જ અહિયાંના બદલવા જોઈ શકીશ અને માણી શકીશ..!
શું ખોટા આશ્વાસન આપો છો હે તમે મને ? ઢેખારા બદલાવ ? આ તમે સીજી રોડ ને બદલ્યો અને અક્કરમી ની જેમ પાર્કિંગ ની જગ્યા હતી ત્યાં થાંભલા મૂકી ને જગ્યા ખુલ્લી મૂકી તો ત્યાં હવે લારી ગલ્લાવાળા ઉભા રહે છે , બાવા ના બેઉ બગડ્યા પાર્કિંગ ના રૂપિયા મળતા હતા સરકાર ને એ ગયા અને પેલા ખુમચાવાળા આજે નહિ ને કાલે જગ્યા પડાવી લેશે, અરે બે નહિ ત્રણ બગડ્યા ..પાર્કિંગ નથી એટલે લોકો દુકાનોમાં ખરીદીએ પણ નથી આવતા, આવા તો તમારા કારભારા..!!
અરે બેટા જો મેટ્રો આવશે અને બીઆરટીએસ તો છે જ ..
શું તમારી જાત ને મૂરખ બનાવો છો હે ? બીઆરટીએસ નું ફૂલ ફોર્મ ખબર છે ? એમાં રેપીડ શબ્દ આવે છે ,અને અહિયાં તો સેહજ રેપીડ થાય ત્યાં તો બે ચાર બાઈકવાળા સિગ્નલ બંધ હોય તો પણ ઘૂસ મારે અને એકસીડન્ટમાં ગુજરી જાય , તમારા છાપાવાળા બીજે દિવસે બુમો પાડે માતેલા સાંઢ જેવી બસોએ ભોગ લીધો ભોગ લીધો..! થઇ રહ્યું પછી તો ..!
અરે પણ મેટ્રોના પાટા તો ઉપર છે ..
જાવ કોઈક દિવસ દિલ્લી ની મેટ્રો જોવા શું હાલ કર્યા છે વસ્તીએ ..ખોટી ખોટી વાતો કરો છો ..!!
અરે બેટા તું ત્યાં જઈશ તો પછી તારા માબાપ શું કરશે ? પેલા શૈશવભાઈ મેહણા મારશે તારા માબાપ ને છત્તે છોકરે વાંઝીયા કહી કહી ને ..!
નસીબ એમના ,ત્રણ ચાર વર્ષ ભલે રેહતા છત્તે છોકરે વાંઝીયા પછી હું બોલાવી લઈશ પણ હવે વધારે અહિયાં નહિ .. તમને ખબર છે મને શું મળે છે અહિયાં ? ત્રીસ હજાર રૂપરડી માંડ અને ત્યાં બે વર્ષ ભણીશ ને ત્રણ વર્ષ ની નોકરી પછી તો સીધો લાખ ડોલરે પોહચીશ , મારી સાત પેઢીએ વર્ષે સિત્તેર લાખ રૂપિયા ભાળ્યા નથી શૈશવકાકા ,ખોટી લવારી મુકો, ભીંત જોડે માથા ના પછાડશો ,તમે વોટ્સ એપ વોટ્સ એપ રમી ખાવ..!!
બેટા મોહનદાસ કરમચંદ એ આવું વિચાર્યું હોત તો ..?
એ કાકા એમને પેલા ધોળિયા એ ધક્કો માર્યો પછી એમને `ખઇ ગઈ` અને એ પછી તો એ લોકો પણ સમજી ગયા છે ,પાછળથી જે બોલતા હોય તે , ફરી કોઈને ધક્કા મારી ને નથી ઉતારતા ,આપણા દેશી ને હોશિયાર જોઈ ને કારભારા સોપી દે છે..! અને બહુ લમણાં લો છો ને તો બે વર્ષ ભણી ત્રણ વર્ષ નો અનુભવ લઈને પાછો આવીશ ,ચાલો મને જે પગાર મળતો હોય એના અડધા પણ પણ અપાવશો તો આવી જઈશ બસ .. ખોટ્ટી વાતો કરો છો , જેટલા છોકરા છોકરી જાય છે ને ત્યાં એના અડધા પણ પાછા આવે ને તો તમે એમને સાચવી શકો તેમ નથી , તમારી પાસે એવી કોઈ કંપનીઓ જ નથી કે જે અમને એબસોર્બ કરે , ખોટી ખોટી આશાઓ બંધાવો છો પણ તમારી તો તમે બગાડી હવે અમારી ના બગાડો..!!
બેટા સાવ એવું નથી ઈન્ફોસીસ ..
બસ કાકા ..મને હતું કે જ તમે ઈન્ફોસીસ ઉપર કેમ ના આવ્યા ??? એટલે જ છે ને મેં એમના જમાઈનું નામ લીધું સમજી ગયા ને ..! તમારી આ ખચ્ચરો જેવી પોલીટીકલ સીસ્ટમમાં એ સેટ થઇ શકે ? શૈશવકાકા જેને તમે તમારો દેશ ,મારો દેશ, આપણો દેશ કરી કરી ને આ બ્લોગ્સ ઘસડ્યા કરો છો ને એના આ કેટલા સરકારી માણસ, રાજકારણી, વેપારી , ગુમાસ્તો કે પછી કડિયો હોય કે કારીગર પોતાનો માને છે..? કદાચ બે પાંચ ટકા હશે એવા કે જેનાથી આ દેશ ટકી રહ્યો છે અને ચાલી રહ્યો છે..!! પેલું શું હતું સો મેં નબ્બે બેઈમાન ફિર ભી મેરા ભારત મહાન ..!! કઈ નહિ ઠીક છે , હું તો ઉપડ્યો કરિયર બનાવવા, હા એટલો ભરોસો રાખજો કે જે ગાળો તમારી સામે કાઢી છે એ ગાળો ત્યાં જઈને પારકાની સામે નહિ બોલું અને સમય આવ્યે ચોક્કસ તમારી પાછળ ઉભો રહીશ પણ અત્યારે મને જવાદો , મારા બાપા ના કાન ખોટા ખોટા ના ભરશો પ્લીઝ ..!!
દંભી તો હું પણ ખરો જ ને .. એક નંબર નો ,
ના ના બેટા જાવ તમ તમારે બેસ્ટ એક્સપોર્ટ ઈઝ હ્યુમન એક્સપોર્ટ .. તમે કમાઈ ને ડોલર અહી મોકલશો અને ઇન્વેસ્ટ કરશો તો અમને આગળ વધવામાં મદદરૂપ થશે ..
વારો હતો જ્ઞાન છાંટવા નો …
જાવ જાવ ખુબ સુખી થાય પણ જોડે બીજા ને પણ સુખી કરજો ..! બસ એટલું યાદ રાખજો કે એકલા સુખી થશો તો એકાદ બે ક્ષણ સુખ ની જીવનમાં પામશો ,પણ પોતે સુખી થઇ ને બીજા ને પણ સુખી કરશો તો એ સુખની અવધી લાંબી હશે..!!
ઘણા સવાલો થયા , જવાબ આપવાનું મન થતું હોય તો સવાલો ફરી વાંચી જજો અને તટસ્થ રીતે પોતાની જાત ને આંખ બંધ કરી ને ઈશ્વર માથે રાખી ને ફરી વાંચી ને જવાબ મેળવવા ની કોશિશ કરજો .. નહી રોકી શકો પરદેસ જતા છોકરા છોકરીઓને..!!
જય શ્રીકૃષ્ણ
શુભ રાત્રી
શૈશવ વોરા
*(ચેતવણી :- આ બ્લોગને પોતાના નામે કે પછી મૂળ લેખકના નામ વગર કે તેમાં કોઈપણ જાત ના ચેડા કરીને મુકવો તે સંપૂર્ણપણે ગેરકાયદેસર છે , જે કોઈ વ્યક્તિ તેવું કરશે તો કોપીરાઈટ એકટ નો ભંગ ગણાશે અને તે પ્રમાણે કરનાર સામે કાયદેસર કાર્યવાહી ચોક્કસ કરવામાં આવશે..)*