આર્થિક ધર્મ..!!
દાન અને ટેક્ષ , જકાત અને ટેક્ષ ,ડોનેશન અને ટેક્ષ..!!!
મારે દાન કરવું છે પણ ટેક્ષ નથી આપવો , મારે ડોનેશન કરવું છે પણ ટેક્ષ નથી ભરવો , મારે જકાત ભરવી છે પણ ટેક્ષ નથી આપવો..!!
કેમ ?
એક બહુ સામાન્ય માન્યતા અને ચોરેચૌટે અપાતો એક સામાન્ય જવાબ..!
“દાન ,ડોનેશન કે જકાત હું ઈચ્છું છું તેને આપી રહ્યો છું , ટેક્ષના નાણા કોની પાસે જાય છે એની મને ખબર નથી,વત્તા ટેક્ષના રૂપિયા તો ગાય દોહી ને કુતરી પીવડાવા સમાન છે..!!”
“કુતરી” કઈ ?
નંબર એક .. સરકારી ભ્રષ્ટ કર્મચારી
નંબર બે .. ભ્રષ્ટ રાજકારણી
નંબર ત્રણ .. કોમન સિવિલ કોડ ના હોવાને કારણે મારી સાથે થઇ રહેલા જાતિગત અન્યાય..
નંબર ચાર .. વિધર્મી લોકો ને મળતી મારા ટેક્ષ ના રૂપિયામાંથી મળતી સવલતો
આટલી “કુતરી”ઓ અને હવે “ડાઘીયા” જેવા સવાલો..!!
નંબર પાંચ.. માંદગીમાં મારું કોણ ?
નંબર છ.. ઘડપણ માં મારું શું ?
નંબર સાત .. મને આ કોરોના ના કોગળિયા માં કઈ થઇ ગયું તો મારા બૈરી છોકરા માંબાપ નું કોણ ?
આટલી “કુતરીઓ” અને “ડાઘીયા” જેવા સવાલો નો જવાબ ભારત નો એકપણ કેહવાતો ઉપરથી સેક્યુલર અને અંદરથી હાડોહાડ કોમવાદી રાજકારણી માણસ સંતોષકારક રીતે આપી શકે તેમ નથી ..!
વિવિધતામાં એકતાના નામે વિસંગતિઓ ના પાર નહિ એટલા ગુચ્ચ્મડા ઉભા કરી ને મુક્યા છે કે હવે આખો છેડો કેમ નો ઉકેલવો એ જ ખબર પડે તેમ નથી..!!
પેટ્રોલ ના ભાવ સો રૂપિયા , ચારેબાજુ કાગારોળ થઇ અમે પણ સૂર પુરાવી દીધો ..!
હવે ?
કશું નહિ જેમ ચાલતું હતું તેમ ચાલી રહ્યું છે , ત્રણ દાયકાથી આવેલી સરકારો ને એક જગ્યા મળી છે કે જ્યાંથી એક એક માણસ જોડેથી ટેક્ષ વસુલ કરી શકાય અને એ છે પેટ્રોલ પમ્પ..!
પ્રત્યક્ષ કર માળખામાં કોઈ ને આવવું જ નથી આજે પણ ક્યાંક આંકડા એવું કહે છે કે ફક્ત સાત ટકા લોકો પ્રત્યક્ષ કર માળખામાં છે બાકી બધું લોલમ લોલ..!!
ફરી એકવાર “મારે દાન કરવું છે પણ ટેક્ષ નથી આપવો , મારે જકાત ભરવી છે પણ ટેક્ષ નથી આપવો..!!”
અચ્છા ,આમાં સાવ એવું પણ એકલું નથી કે ફક્ત ઉપરના લખેલી કુતરી કે ડાઘીયા જેવા વિચારો ને લીધે ટેક્ષ નથી ભરતા ,પણ છેલ્લા સાતસો વર્ષના લુંટારા અને વિદેશી શાસન હેઠળ જીવેલી પ્રજાના જીનેટીક્સમાં ઘુસી ગયું છે કે ટેક્ષ ના ભરાય અને રોકડા ,સોનું કે જમીન અડધી કાળી રાત્રે કામ લાગશે, માટે ભેગું કરો..!!
પરિણામ સ્વરૂપ આઝાદી પછી એક પણ નવા સેક્ટર ને લઈને જો ટેક્ષ નાખવાની હિલચાલ થાય તો આખું સેક્ટર એક થઈને સરકારો ઉપર તૂટી પડે છે ,
જાણે સરકાર હજી લંડનથી ચાલતી હોય ..!
જો કે એવું પણ ખરું કે આઝાદી પછી પ્રજા નો મોટો ભાગ જે જમાનામાં ઈમાનદાર હતો ત્યારે સરકારની મશીનરી ભ્રષ્ટ થઇ ગઈ અને એનો ઓપરેટર રાજકારણી એ માઝા મૂકી ,એટલે એનો સીધો અર્થ પ્રજા એ એવો કાઢયો કે ગાય દોહી ને કુતરી પીવડાવું એના કરતા મુઉ કાળું તો કાળું પણ આપણું નાણું આપણા ઘેર તો રેહશે..!!
આઝાદી પછી નો એ સમયગાળા નો એ એક મોકો ભારત દેશ ચુક્યો , વિન્સ્ટન ચર્ચિલ ને હરખાવા નો મોકો મળ્યો..!!
પુંજીપતિઓ એ પોતાની મોનોપોલી પકડી રાખવા લાયસન્સ રાજ ઉભા કર્યા ,
પરિણામ સ્વરૂપ આજે પણ એન્જીન ટેકનોલોજી માટે નજર પૂર્વ કે પશ્ચિમ તરફ દોડાવવી પડે છે સ્વદેશી સંપૂર્ણ કહી શકાય એવા એન્જીન ગાડીઓ ના તાતા એ અને મહિન્દ્રા બે એ કર્યા બાકી બજાજ રીક્ષાથી આગળ નથી વધ્યું..!!
ભારતમાં એક બહુ મોટોભાગ એવો છે કે જે વિચારે છે કે ઓટોમોબાઈલ ઇન્ડસ્ટ્રીઝ એ ઉદ્યોગ જગત નું બેરોમીટર નથી, પણ એ ખોટું છે ,પૈડા કેટલા, કેવી રીતે અને ક્યા રોડ રસ્તા ઉપર ફરે છે એની ઉપર જ એક વીસમી સદી નો આધાર છે..!
બધા દાન ,ડોનેશન અને જકાતના વિચારો ને સાવ બાજુ ઉપર ના મૂકી ને સાવ એકદમ રેશનાલીસ્ટ ના થઇ જઈએ તો પણ એક હકીકત તો છે જ કે કુદરત ની સામે પડી ને માણસ પોતે આગળ વધ્યો છે , માણસ ની કુદરત જોડે ની લડાઈ હજી પણ ચાલુ જ છે, જગત કલ્યાણની વાતો કરતા કોઈ જ ધાર્મિક કે અધ્યાત્મિક લોકો એમના આરાધ્ય નું અવતરણ કરાવી શક્યા નથી..!
ધર્મ ના નામે ચાલી રહેલી લડાઈમાં જો કોઈ એક સર્વ શક્તિમાન જ્યાં હોય ત્યાં થી હાજર થઇ જાય કે હું આ રહ્યો અને આવો મારી પાસે લ્યો ,તો બાકી બધા ની દુકાન બંધ અને ઝઘડા ખત્મ..!
પણ એવું થતું નથી એટલે વાદવિવાદ અને તર્ક-કુતર્ક ચાલ્યા કરે છે..!
આર્થિક જગતની વાત કરતા કરતા ધર્મો ને વચ્ચે ઘાલવા બહુ જ જરૂરી છે ,
કારણકે એક સંસ્કાર તો ભારત દેશ ની ઉપર આવી પડેલા અને ભારત દેશમાં જન્મેલા દરેક ધર્મોમાં છે કે ગરીબો નું ધ્યાન રાખવું અને બને તો એકબીજા ને મદદ કરવી..!!
મજાની વાત તો એ છે કે સરકાર નું પણ આ જ કામ છે,
રોડ રસ્તા ઉપર ભીખ માંગતા ભિખારી ને ભીખ આપી ને પુણ્ય કમાવવું એવું ઠસાવી દીધું છે ,પણ સરકાર ને ટેક્ષ આપી ને પુણ્ય નથી જ મળતું એ બહુ ફિક્સ વાત છે..!!
ટેક્ષ ના પર્યાયવાચી શબ્દ `જકાત`, `દાન` અને `ડોનેશન` પણ હોવા જોઈએ..!!
ઝીણવટથી જોઈએ તો લગભગ દરેક ધર્મ જીવન જીવવા ની એક શૈલી જ છે, અને ભૂતકાળમાં રાજા ,કિંગ કે બાદશાહ જે કોઈ હતા એ ધાર્મિક લોકો ને પોતાના રાજ દરબારમાં ધાર્મિક વ્યક્તિઓ ને ઊંચા સ્થાન આપી ને એમના થકી આદેશ કરાવી ને કર ઉઘરાવી લેતો..!
ભારત ના કે દુનિયાના ધર્મગ્રંથોમાં દાન , ડોનેશન અને જકાત નો મહિમા અઢળક ગવાયો છે ,પણ ક્યાંય “કર” નું મહિમામંડન થયું નથી ,
એક પણ ધર્મના ધાર્મિક પ્રવચનમાં કર ઉર્ફે ટેક્ષ વિશે પેહલી કે છેલ્લી પાંચ મિનીટ પણ બોલાયું છે ખરું ?
અરે ત્યાં સુધી કે દાન કે જકાત ની આવક ના `મૂળ` સુધી પણ જવાની દરકાર કરી છે ખરી..? કાળી કમાણી નું કે ધોળી કમાણી નું ?
અત્યારે ભારત ના ભવ્ય ભૂતકાળ નો રેફરન્સ લઈને ચાલતી સરકાર ને કર ઉર્ફે ટેક્ષ જોઈએ છે..! અને કોઇપણ જાતી ,ધર્મ, વર્ણ , ગરીબ ,તવંગર , ખેડૂત ,ડોક્ટર , વેપારી ,નોકરિયાત, મધ્યમ વર્ગ …
વિચારી શકો એટલા વર્ગો વિચારો અને આ બધાયની ભેગી થઇ ને ઉભી થયેલી ભારતભર ની બોરડી જેવી સમાજ રચના કે જેમાં કાંટા વધુ ને બોરા ઓછા એને એક લાકડી નો ફટકો મારો એટલે બોરડી ઉપર થી ટપોટપ બોર પડે એવી એકમાત્ર લાકડી એટલે પેટ્રોલ પંપ..!!!
આટલા ને આટલા ગૂંચવાડા ચાલુ રહ્યા તો આવનારા બીજા સો વર્ષ સુધી પેટ્રોલપંપ સિવાય બીજો કોઈ રસ્તો નહિ રહે કર ઉફ્રે ટેક્ષ ઉર્ફે જકાત ઉર્ફે દાન ઉર્ફે ડોનેશન ઉઘરાવવા નો ..!!
પેટ્રોલપંપ એ ખરા અર્થમાં સેક્યુલર થઇ ને ઉભો છે..!
મહાન ભારત ના સેક્યુલારિઝમ નું પ્રતિક છે આજે પેટ્રોલપંપ..!!
કરો તમતમારે ૩૦૦ રૂપિયે લીટર અને ખેતી ની જેમ બધુય ટેક્ષ ફ્રી ,
કોઈ જધમારી જ નહિ ,ચોપડા ,ચોપડી ને બીલ ની ને સીએ ની એકાઉન્ટ ની ત્યારે શું વળી..!!
અમુલ ની બહુ ખેંચી કે હવે બોલો ને .. પેહલા હું પણ બોલતો અને આડો ફાટતો આજે ચકરી પડ્યો છું ,એક ની એક વાતો ક્યાં સુધી સેહજ હટકે ચાલો ટેબલ ની સામે બાજુ પણ બેસી ને જોઈ લઈએ..!
નાના મોઢે મોટી વાત પણ એકવાર પેટ્રોલ પંપે સરકારે પાટિયા મારવા જોઈએ કે “સિર્ફ પેટ્રોલ કે હી પૈસે નહિ ,લેકિન ઉસકે ઉપર લગા કર કા ભુગતાન કરકે આપને જો રાષ્ટ્ર કી ઉન્નતી મેં યોગદાન દિયા હૈ ઇસ કે લિયે ધન્યવાદ..!!”
બનાવો ભાગીદાર એ બધા ને પણ રાષ્ટ્ર ની ઉન્નતીમાં એટલે ખબર પડે કે ખિસ્સું કેવું કતરાઈ રહ્યું છે , પાન નંબર નથી લેવા અને જોઈએ બધું..!!
ત્યારે શું વળી ..!
પ્રજા ને ટેક્ષ ધરાર ભરવો નથી અને સરકાર ને લેવો જ છે..!
કોમન સિવિલ કોડ , કોમન સિવિલ કોડ..
દિને ઇલાહી ..!! ( અકબર નો કોમન સિવિલ કોડ હતો )
રાજા ટોડરમલ ..!!
આર્થિક જગત ની વિષમતા પણ એ જ ભાંગશે..!!
પતંગ ચડાવવા નો અમદાવાદી નિયમ..
“ગુચ્ચ્મડું ઉકેલાય નહિ તો `હળગાવી મેલવું` પડે , નહિ તો ફીરકી આખી `ગૂંચાયે`, ગંઠોડા દોરીએ પતંગ લાંબો ના જાય, દાંતી એ થી તૂટે ,નહિ તો ભાર દોરીએ જાય,ઠમકા મારી ને હાથ દુ:ખાડવા જેવું થાય..!”
આપનો દિન શુભ રહે
શૈશવ વોરા
*(ચેતવણી :- આ બ્લોગને પોતાના નામે કે પછી મૂળ લેખકના નામ વગર કે તેમાં કોઈપણ જાત ના ચેડા કરીને મુકવો તે સંપૂર્ણપણે ગેરકાયદેસર છે , જે કોઈ વ્યક્તિ તેવું કરશે તો કોપીરાઈટ એકટ નો ભંગ ગણાશે અને તે પ્રમાણે કરનાર સામે કાયદેસર કાર્યવાહી ચોક્કસ કરવામાં આવશે..)*