છેલ્લા એક મહિનાથી લગભગ કશું લખ્યું નથી , અને લખ્યું તો લખી ને ડીલીટ કરી મુક્યું..!
બસ નથી લખવું કે મૂડ નથી, બહુ થયું આ સોશિઅલ મીડિયાનું તરકટ, મુક ને છાલ , નથી કઈ કરવું , આવી બધી મિશ્રિત ફીલિંગ્સ થી ઘેરાયેલો રહ્યો ..!
બહુ મોટે ઉપાડે એવું ગામને કેહતો ફરતો કે પોઝીટીવ, નેગેટીવ એવું બધું કશું હોતું જ નથી જો જીવનમાં ક્રિયેટીવ બનીએ તો..!
પણ ખોટી વાત છે, સમય સમય નું કામ કરે જ છે , ગમ્મે તેટલા ક્રિયેટીવ રહો તો પણ જિંદગી એના સમયે તમને રમાડી જ જાય..!!
લગભગ ચાર અઠવાડિયા કઈ ના લખ્યું કે પોસ્ટ ના કર્યું અને બેઠા બેઠા ખેલ જોયા , ગામ આખાની વોલ ઉપર જઈ જઈ ને “સ્ટોક” કર્યા કર્યું , કોણ કેવો છે અને કેવી છે ?
ફેસબુક કે ઇન્સ્ટા એના અલગોરિધમ એવા છે કે તમે જો બહુ કોઈને લાઈક ના આપો કે પછી એની પોસ્ટ ને તવજ્જુ ના આપો તો એમની પોસ્ટ દેખાતી બંધ થઇ જાય ,
એટલે એવા “જુના જુના” ને શોધી શોધી ને લાઈકો આપી ..!
બે ચાર ખરા મિત્રોના ફોન પણ આવ્યા અલ્યા શૈશવ્યા તબિયત સારી ? બધું બરાબર ? કેમ લખતો બંધ થયો ?
સારું લાગે આવું થાય ત્યારે , સ્વર્થાઆંધ દુનિયામાં ચારેબાજુ તમારી લેવાતી જ હોય ત્યારે એકાદ બે ફોન આવા શાતા આપી જાય..!!
પાછલો એક મહિનો કે એક અઠવાડિયું કે વર્ષ કેવા ? એવા વિચારો કરવા બેસીએ તો જરાક કાઠું પડે છે , ઉર્ધ્વગામી જીવન અધોગામી ભાસે..!!
રમખાટ રન-વે ઉપર દોડતી-ઉડતી જિંદગી અચાનક થંભી ગઈ, છૂપો ડર પેસી ગયો ઉડાન ભરતા..!!
છતાં પણ હૈયે હામ રાખી ને રન વે ઉપર એક લટાર મારી ને આવ્યો કોવીડના વર્ષના ઉપવાસ ના પરાણે પારણા કર્યા ,
પણ ફફડતા જીવે બધું ,અધ્ધર અધ્ધર..!!
ચાલો એ જ એક્સપીરીયન્સ શેર કરી દઉં..!!
માથે મુક્યો ફેસશિલ્ડ નામનો મોડ્યો, ને માસ્ક ની કાઢી લાજ,
સેનેટાઈઝર થી વારે વારે હાથ ઘસ્યા , એવી લીધી અમે ફ્લાઈટ..!
પાક્કા એક વર્ષે ફરી એકવાર વિમાન પતન સ્થળ ઉપર પગ મુક્યો થરથર કાંપતા કાંપતા..!!
પણ ભારત ભૂમિ ઉપર ભડ ના દીકરા ના ભેટા ચારેબાજુ થઇ જ જાય તમને.!!
અમે કોણ ? હાવજ ..! ઇ`ના મોઢે માસ્ક હોય કાં`ઈ ?
`વસતી` સા`લી સમજવાનું નામ જ નથી લેતી, એરપોર્ટ ઉપર પણ માસ્ક કાઢી ને રખડે,
અરે, હવાઈ જહાજમાં મારી બિલકુલ પાછળ બેઠેલો એક `ડોકરો` ઉધરસ ખાય અને પાછો ફેસશિલ્ડ ના પેહરે, પીપીઈ કીટમાં શોભતા બિચારા હવાઈ સુંદરી ત્રણ વખત આવ્યા અને કહી ગયા કે તમારી ઉંમર છે જવા`ની પણ બીજા ને જોડે ના લેતા જાવ, મેહરબાની કરી ને એરક્રાફ્ટમાં ફેસશિલ્ડ પેહરો..
તો ડોક`રો વિચિત્ર અંગ્રેજીમાં ઉવાચ્યો .. વાય યુ આર વેરી એન્ગ્શીયસ ફોર મી ટુ વેર ફેસશિલ્ડ ? જાણે એનો બાપ અંગ્રેજ હોય..!
મને તો છેક મોઢા સુધી આવી ગયું કે `છાનીમુની ફેસશિલ્ડ પેહર ને લમણા લીધા વના ની ડોહા..!!` પણ કોણ બાઝવા જાય આવી ફાટેલી એક તાંતણે લટકી રહેલી ઓવર કોન્ફીડન્ટ નોટો જોડે..!!
ફફડતા જીવે હવાઈ સફર ખેડી ..
અનાડી કા ખેલ ને ખેલ કા સત્યનાશ..!!
વેહલી સવાર સવારમાં અમદાવાદ વિમાન પતન સ્થળ ઉપર ની ભીડ જોઈ ને પેહલા તો અચંબો થઇ ગયો, એવું લાગ્યું કે જાણે કોવીડ આવ્યો જ નથી , વેબ ચેક ઇન કરેલું હતું એટલે સડસડાટ આગળ વધ્યા પણ ચારેબાજુ લાઈનો જ લાઈનો, સમાજિક દૂરી બનાયે રખીએ એવા એનાઉન્સમેન્ટ ની કોઈ જ અસર વર્તાય નહિ ,
હું પેહલો.. એમ કરી ને હ`ડી જ કાઢે માટીડો ..!
ધરપત જેવી વાત જ નહિ..!
એરક્રાફ્ટમાં બેસવા માટે પણ બિલકુલ પેહલા ની જેમ જ ધસારો અને બાહર નીકળવા માટે પણ એ જ જૂની હરકતો,
મને એમ હતું કે મારી જેમ બે ચાર રડ્યા ખડ્યા અભાગિયા હશે કે જેમને જખ મારી ને જવું પડતું હશે એટલે હવાઈ સફર ખેડવા આવ્યા હશે પણ વિમાન પતન સ્થળ ઉપર તો જુદો જ સીન ..જાણે મેળો લાગ્યો હતો..!
હેઈ મજાના નવા નવા પરણેલા હનીમુને નીકળેલા , નાનો નાનો બચરવાળ લઈને થોડાક વેકેશન કરવા નીકળેલા , ડોસા ડોસીયું તે પ્રેમથી વ્હીલ ચેરમાં બેઠા બેઠા જાણે કોવીડ આવ્યો જ નથી એવી બેફિકરાઈથી એરપોર્ટ ઉપર બેઠા નો આનંદ લેતા દેખાયા..!!!
મારી જાત સિવાય મને ક્યાંય સ્ટ્રેસ વર્તાયો જ નહિ ..!
હરામ છે કે જો કોઈ એક `જણ` સેનેટાઈઝર થી હાથ ધોતો દેખાય..!!
છેક કોવીડ દેખાયો ક્યાં ? તો કહે છેક સાંજે,
દેશ ની રાજધાની ના વિમાન પતન સ્થળ ના પાર્કિંગ લોટમાં ,
જ્યાં નજર પડે ત્યાં સુધી પાર્ક થયેલા હવાઈ જહાજ દેખાતા અને એ પણ દુનિયાભરની બધ્ધી જ એરલાઈનના ત્યાં કોવીડ દેખાયો..!!
સાવ ખાલી ખમ્મ પાર્કિંગ એરિયા માંડ ત્રીસ ચાલીસ જહાજ દેખાયા ટોટલ ,એ પણ દેશી , પરદેશી જહાજ તો હજી દુર્લભ ..!!
બહુ `બુરો` માર ખાઈ રહી છે એરલાઈન ઇન્ડસ્ટ્રીઝ ..!!
દયા આવી જાય , કેમનો આટલો મોટો કારભારો કુટતા હશે બિચારા..!!
અને કૃ ની પણ ખરેખર દયાજનક હાલત છે ,એક તો પીપીઈ પેહરવાની માસ્ક ઉપર ફેસશિલ્ડ અને ઉપરથી એરક્રાફ્ટ ના એન્જીનની ઘરઘરાટી ,
આપણી પ્રજા ને પાણી જોઈએ ને બીજું કૈક.. કૈક જોઈએ ,ઘાંટા પાડી પાડી ને કૃ ને બોલવું પડે અને એ પણ સાવ નજીક જઈ ને..!!
બંધ કરવી જોઈએ ઇન ફ્લાઈટ તમામ સર્વિસ ડોમેસ્ટિકમાં , આખા દેશમાં મને લાગે છે કે કોઇપણ છેડે જવું હોય તો સળંગ અઢી કલાકથી મોટી ફ્લાઈટ છે નહિ ,તો શું મરી જવાનો હતો એમ પાણી પીધા વિનાનો તે પેલા બિચારા કૃ ના છોકરા છોકરીઓ ને દોડાવ્યા કરે ?
ટર્મિનલ ઉપર જ સેફટી કીટ ની જોડે પાણી ની બાટલી નાની ઝલાવી દેવી જોઈએ , લે આટલું પાણી છે એમાં કલાક બે કલાક ચલાવી લેજે પેસેન્જરિયા ..!
ખરેખર જેમ હોસ્પિટલના સ્ટાફ જીવ જોખમમાં મૂકી ને કામ કરે છે એમ જ આ દરેક એરલાઈનનું કૃ અત્યારે કામ કરી રહ્યું છે..!!!
સલામ..!!!
સમય હતો એટલે દિલ્લી ના ટી-થ્રી નો સર્વે કર્યો , ઘણી બધી દુકાનો ટી-થ્રી અને ટી-૨ ઉપરથી `ઉઠી ગઈ` છે , ભારતીય વિમાન પતન પ્રાધિકરણ એ ટર્મિનલ ઉપર ટેમ્પરરી પાટિયા મારી મારી ને ઘણું બધું બંધ કર્યું છે , જો કે મોટા એરપોર્ટના ટર્મિનલ ઉપર દેખાતી ચકાચોંધ બહુ મોટી નુકસાની નો ખાડો છે ,ખાલી બ્રાન્ડીંગ પર્પઝથી જ દુકાનો હોય છે બાકી દારુ સિવાય કશાય નું બહુ લાંબુ સેલ્સ મળે નહિ ..!
કોવિડ પેહલા પુણે વિમાન પતન સ્થળ ઉપર એક સારી લાઉન્જ જેવું કૈક બન્યું હતું પણ અચાનક ઉઠી ગઈ પાર્ટી , આદત મુજબ સ્ટાફ ને ખોતર્યો કેમ બંધ થઇ ગઈ ?
અરે સા`બ એ લોગ ભાડા બહોત હાઈ લેતા હૈ , ઇતના સેલ્સ ભી નહિ મિલતા ,ઉપર સે મેન્ટેનન્સ.. કૈઈસે પરવડેગા..!
સાચી વાત છે..!
ટર્મિનલની બાહર ચાલીસ પચાસ કે બહુ બહુ તો સો રૂપિયા ની સેન્ડવીચના સીધા ત્રણસો ચારસો તોડે અને કોફું પીવો તો એટલા બીજા એટલા..!
છાતીએ જ વાગે મારા જેવાને તો એક મોટું કોફું અને એક સેન્ડવીચના સાતસો સાડા સાતસો..!!
પણ એમના શું વાંક ભાડા જ એટલા છે..!
સવારથી ધંધે લાગેલો હતો એટલે જમવાનું ભૂલી ગયેલો ,નક્કી જ કર્યું હતું કે વિમાન પતન સ્થળ ઉપર જઈને કૈંક ભચડી લઈશું એટલે એક સેન્ડવીચ અને મીડીયમ કોફું આટલો ઓર્ડર કર્યો , કોફું વાળા ભાઈએ પાણી જોઇશે એમ કરી ને એમનું કાઉન્ટર સેલ્સ વધાર્યું અમે હા પાડી ને ખાણખણીયા આપ્યા, પછી બે પાંચ મિનીટ પછી એમ થયું કે કોફું મીડીયમની બદલે લાર્જ કરાવી દઉં , એટલે અમે પેલા ભાઈ ને કીધું કે કોફું લાર્જ કરી મુકો અને ડિફરન્સ ના કુકા કેટલા ?
એ બકો કહે કઈ નહિ હું એમનેમ કરી આપું છું , પેહલા તો આનંદ થયો પણ પછી ખટક્યું એટલે ઓર્ડર આવ્યો ત્યારે પાણી ની બાટલી ત્યાં જ પાછી આપી દીધી.. કોણ મફત નું ખાય ..?
આવું છે બધું જિંદગીનું ,
એક સમયે પાપા બજાજના સ્કુટર કે એમની `૪૭ મોડેલની પોંટીઆક ના રોડ જોડે ઘસાયેલા ગરમ ગરમ ટાયર ની વાસ ગમતી ,પછી હવાઈ જહાજના અને હવે કોવીડ કાળ આવ્યા પછી ટ્રેડમિલના પટ્ટા ..!!!
ચાલતા રેહવું બસ એટલું મનને મનાવું છું..!!
ચાલો સારથી આવી ગયા છે અને રથ ને ચાલુ કરી ને ઉભા છે , કોણ જાણે આ સારથીઓ ને કોણે શીખવાડ્યું છે કે સવાર સવારમાં પેહલો સેલ મારી ને ગાડી બે પાંચ મિનીટ ચાલુ રાખવાની એટલે એન્જીન સારું રહે , છેલ્લા પચ્ચી વરહ થી મોંઘા ભાવ નું ડીઝલ એન્જીન સારું રાખવા રોજ સવારે અમારા સારથીજી બાળે છે..!!
એને ય હવે પાકે ઘડે કઈ ચડે એમ નથી .. જે કરતો હોય એ કરવા જ દઉં છું..!!
આપનો દિન શુભ રહે
શૈશવ વોરા
*(ચેતવણી :- આ બ્લોગને પોતાના નામે કે પછી મૂળ લેખકના નામ વગર કે તેમાં કોઈપણ જાત ના ચેડા કરીને મુકવો તે સંપૂર્ણપણે ગેરકાયદેસર છે , જે કોઈ વ્યક્તિ તેવું કરશે તો કોપીરાઈટ એકટ નો ભંગ ગણાશે અને તે પ્રમાણે કરનાર સામે કાયદેસર કાર્યવાહી ચોક્કસ કરવામાં આવશે..)*