સપરમાં ના દિવસો જાય છે ..!!
આવતીકાલે પુષ્ય નક્ષત્ર એટલે ઘેર ચોપડા આવી જાય , લાપસીના આંધણ ચડે અને પછી છેક લાભ પાંચમ સુધી ખીચડીના બને ..રોજ સારું સારું કરીને ખાવાનું..!!
આવું બધું જુના જમાનામાં થતું હવે તો લગભગ ચોપડા આવતા બંધ થઇ ગયા છે અને આવે છે તો ચોપડા પૂજન મંદિરો કે દેરાસરોમાં જઈને પતાવી દેવામાં આવે છે ,આખી ચોપડા પૂજનની સીસ્ટમ જ નીકળતી જાય છે..
દિવાળીની મધરાત કે બેસતા વર્ષના બ્રહ્મ મુર્હુતમાં ચોપડા પૂજન થાય હોય ત્યારે આખું ઘર ભેગું થાય ઘરના વડીલો ને પગે લાગવાનું અને બોણી લેવાની અને આપવાની ,પછી ઘેર ઘેર જઈને નાસ્તા થાય બધાને મળી આવવાનું ..લગભગ બધી જ સીસ્ટમ ખતમ થઇ ગઈ છે..
દિવાળી અને બહુ બહુ તો બેસતું વર્ષ પછી તો આખું અમદાવાદ ભેંકાર થઇ જાય છે તે છેક પાંચમ સુધી અને પાછળ શનીરવિ હોય તો સાતમ સુધી અને ગુજરાતની આજુબાજુના ફરવાના સ્થળો એ કીડીયારા ઉભરાય છે ..
આ વર્ષે જોઈએ એટલા બુકિંગ લાગતા નથી, હજી ગઈકાલે જ એક એસએમએસ આવ્યો હતો શ્રીલંકા છપ્પન હજાર રૂપિયા દિવાળીમાં..! લગભગ એક મહિનાથી આ એસએમએસ આવે છે અને હજી આવી રહ્યો છે એટલે ધાર્યા બુકિંગ મળ્યા હોય એવું લાગતું નથી..!!
બજારો શણગાર સજી રહ્યા છે, પણ ઘરાક બજારથી દૂર છે… હજી બોનસની રાહ જોવાઈ રહી છે ,લાગે છે કે દર વર્ષની જેમ છેલ્લી મીનીટે ઘરાકી છુટશે..
બાકી તો ઓનલાઈન સેલવાળા બાજી પેહલેથી જ મારી ગયા છે ,છેલ્લા ઘણા વર્ષોથી ઘરાક બજારમાં આવે એ પેહલા જ ઓનલાઈન સેલવાળા એમના ખિસ્સા ખંખેરી લે છે અને ક્રેડીટ કાર્ડ થી ખરીદી થાય એટલે આ મહિનો નહિ આવતા મહિનાના બજેટ પણ પુરા થઇ જાય છે ,અને અમુક કેસમાં બાર મહિનાના ઇએમઆઈ થઇ જાય એટલે રઘો સાવ કડકો થઇ જાય ઓનલાઈનમાં જ..!!
એક વાત નો હવે સ્વીકાર કરી લેવો જોઈએ કે હવે દુકાનો ના દિવસો પુરા થઇ રહ્યા છે કેમકે જેમને મીલેનીયર્સ તરીકે ઓળખવામાં આવે છે અને આ એ જ પેઢી છે કે જેમના માથે હજી જવાબદારી એટલી નથી માટે કમાઈ કમાઈ ને રૂપિયા ખર્ચી શકે છે એ પેઢી હવે દુકાને દુકાને ફરવા કરતા ઓનલાઈન સાઈટો ઉપર ફરવાનું વધારે પસંદ કરે છે અને ત્યાંથી ખરીદી કરવાનું પસંદ કરે છે એટલે હવે ખોટી આશા કે કકળાટ કરવાનો મતલબ નથી..!!
બીજી પણ એક હકીકત નો પણ આજે સામનો થયો ..એક ઘણા મોટા ઉદ્યોગકારને મળવાનું થયું ,સાત દિવસની ચીન દેશની યાત્રા કરીને પાછા આવ્યા હતા તેઓ ,અને લગભગ દોઢ બે કલાકની રાહ જોવડાવ્યા પછી એમનો એક કલાક મને મળ્યો હતો..!!!
શૈશવ ભૂલી જા આ બધી યુરોપિયન એજન્સી ની વાતો ..ચાઈના બાજુ જ જવું પડશે અને ત્યાંથી જ બધું ઈમ્પોર્ટ કરી કરી ને લાવવું પડશે , પાકિસ્તાન આપણું દુશ્મન છે કે નહિ એની ખબર નથી પણ ચાઈના તો પાક્કું છે ,અરે એકવાર લશ્કર છેક કાબુલ સુધી લઈને આપણે પોહચી જઈશું પણ ત્યાં સુધીમાં આખા દેશના ઉદ્યોગો ને ચાઈના ખાઈ ગયું હશે..!!
વાત તદ્દન સાચી એટલે લાગી કે ઓનલાઈન સેલમાં ઓગણીસ હજાર કરોડના મોબાઈલ અને ઈલેક્ટ્રોનિક સાધનો વેચાયા અને એમાંથી પંચાવન ટકા તો ઇલેક્ટ્રોનિકસ હતા , એ ઉદ્યોગકાર ની વાત એવી હતી કે એક પણ ઇલેક્ટ્રોનીક્સ બનાવતી કંપની ઓ ઇન્ડિયામાં વધારે જીવતી નથી અને જે એસેમ્બલીંગ કરી રહી છે એમાં હાલત એવી છે કે પેહલા તો કોઇપણ ઇલેક્ટ્રોનીક્સના હાઉસિંગ છુટા આવતા હતા અને એમાં આઠદસ સ્ક્રુ લગાડી ને આપણે મેઈડ ઇન ઇન્ડિયાના સ્ટીકર ચોટાડી દેતા પણ હવે તો સ્ક્રુની બદલે ઘીસી અવી ગઈ છે ,ખાલી બે ફાડિયા આવે છે અને એને જોરથી તાળી પાડી ને ચોટાડી દેવાના હોય છે અને પછી મેઈડ ઇન ઇન્ડિયા ના સ્ટીકર મારીએ છીએ..!! સ્ક્રુ લગાડવાની લેબર પણ ના રહી..!!!
બહુ દુર્દશા છે મેન્યુફેક્ચરિંગ ક્ષેત્રની અને એમાં ઉપરથી “આરસેપ” ઉપર સહી કરવાની વાતો ચાલી રહી છે ( ગુગલમાં RECP ટાઈપ કરી ને ડીટેઇલ વાંચી લેજો )
ભૂલ ભૂલમાં પણ જો આ “આરસેપ” ઉપર WTO ની જેમ સહી થઇ ગઈ તો પૂરું બેન્ડ વાગી જશે..!
કેટલા બધા ક્ષેત્રો છે કે જ્યાં WTO ને લીધે એન્ટીડમ્પિંગ ડ્યુટી નથી નાખી શકાતી અને છેવટે આંખ આડા કાન થાય છે..!!
આભ ફાટી ચુક્યું છે ,ભારત લગભગ “ઈમ્પોર્ટ કન્ટ્રી” તરફ જતું રહ્યું છે ,
એમએસએમઈ નો ખો નીકળતો જ જાય છે અને પિતામહ ભીષ્મ ની જેમ સરકારો હસ્તિનાપુર ને ચહું ઓર સે સુરક્ષિત કરવા સિવાય બીજું કશું કરી શકતી હોય તેમ લાગતું નથી..!
ખાલી ખીસ્સે તો કાબુલ સુધી પોહચેલી સેનાઓને પણ પછી જ બોલાવી લેવી પડે ,
બચવા માટે તો એમએસએમઈ ને ધિરાણ છોડવા જ રહ્યા ,જો કે એમએસએમઈ ને ધિરાણ છુટા મુકવામાં બેંકોનો પણ એક ટેકનીકલ પ્રોબ્લેમ છે..
નેશાનાલાઈઝ બેંકમાં વીસ લાખથી મોટા ધિરાણ માટે સીનીયર મેનેજર કક્ષાનો માણસ જોઈએ અને પચાસ લાખ ઉપરના પાવર માટે બેંક મેનેજર લગભગ એજીએમ લેવલ નો હોય હવે એજીએમ લેવલે જયારે કોઇપણ બેંક નો મેનેજર પોહચે ત્યારે પચાસ પંચાવન વર્ષ ની ઉંમર ક્રોસ કરી ગયો હોય અને પછી એને રીટાર્યામેન્ટ આંખ સામે દેખાતું હોય એટલે સેહજ પણ “ઢીલી” પાર્ટી દેખાય તો ધિરાણ આપવામાં મેનેજર પાછો પડે ..
કેમકે ના કરે નારાયણ અને પાર્ટી જો એનપીએ થઇ તો સરકાર હવે રીટાયર્ડ થયા પછી પણ છોડતી નથી તો પછી આપણે વળી જોખમ શું કામ લેવા ..?
પત્યું ન રહેગા બાંસ ન બજેગી બાંસુરી ..!!
ધિરાણ આપીએ તો પ્રોબ્લેમ ને ..?
હાઉસિંગ અને ઓટો લોનો કર્યા રાખવાની ,ઉદ્યોગ આવે તો જે`શીક્રષ્ણ …!!!
ઓટો સેક્ટરમાં ધીમે ધીમે કરંટ પકડાઈ રહ્યો છે ,પણ ગ્રાહક રાજ્જા છે ,
મો માંગ્યા ડિસ્કાઉન્ટ મળી રહ્યા છે લગભગ પડેલો માલ જાન્યુઆરી એન્ડ સુધીમાં ખપી જાય એમ લાગી રહ્યું છે એટલે માર્ચ મહિનાથી ફરી ઓટોમોબાઈલમાં સળવળાટ થાય એવી આશા બંધાણી છે..!
બાકી સર બજાર તો છેલ્લા અઠવાડિયાથી ફટકડા ફોડી રહ્યું છે અને આગેવાની રિલાયન્સએ લીધી છે એટલે આન્તાલિયા ઉપર દિવા ઝગમગશે અને બાકી ની જનતા મની કન્ટ્રોલ ઉપર આંકડા જોઈ જોઈ ને હરખાશે ..સાલું વેચી મારીએ તો ફરી એ ભાવે હાથમાં ના આવે તો ..?
લાલચ બુરી બલા હૈ પણ આપણે બલા ને જ કહીએ છીએ આ બલા પકડ ગલા ..!!
શુભ રાત્રી
શૈશવ વોરા