દિવાળી માથે ગાજી રહી છે અને એક વોટ્સ એપ ગ્રુપમાં મેસેજ આવ્યો જે અમારા જ પત્નીજી એ ફોરવર્ડ કરેલો હતો કે…
દિવાળીમાં ફટાકડાનો ખર્ચો ના કરવો હોય તો પત્ની ની બનાવેલી મીઠાઈ રસોડામાં ઉભા ઉભા ઝાપટી જવી અને પછી કેહવું કે સારી બની છે મીઠાઈ ,પણ મારી મમ્મી જેવી તો નહિ જ ..!!
ફટાકડાની જરૂર નહિ પડે..!!
વાત તો જાણે સાચી ,પણ અમારા એક સીનીયર સાઢુભાઈએ અમને અમારા લગ્ન પછી તરત જ એક ટીપ આપેલી કે પત્નીજી ને દેખતા આપણી મમ્મીના વખાણ કરો ને તે પેહલા એમની મમ્મીના વખાણ કરી લેવા એટલે સંસાર સુખરૂપ ચાલશે ..!!
ઘણો કામ લાગ્યો છે હો અમને તો આ આઈડિયા..!! અને ફળ્યો છે પણ ખરો..
અને જેને જેને કીધો એને પણ ફળ્યો છે અને મીઠાઈની બાબતમાં તો ખાસ ..
એટલે શરૂઆત સાસુમાંથી…અમને તો અમારા સાસુમાંના હાથના ઘૂઘરા ઘણા ભાવે અને અમે પેહલીવારમાં જ ભરચક વખાણ કરી મુક્યા ને સાસરે લાજશરમ નેવે મૂકી ને ચાર પાંચ છ ઝાપટી લીધા ..એનો મોટો ફાયદો એ થયો કે બીજી કોઈ મીઠાઈના કે વાનગી ના આગ્રહમાંથી બચી ગયા અને દર વર્ષે ઘૂઘરા મળશે એની ગેરેંટી થઇ ગઈ..
સાસુમાં ના સિધાવી ગયા પછી સાળાવેલીજી એ પણ ઘૂઘરા પરમ્પરા કાયમ રાખી એટલે આપણે તો મોજ..!!
બહુ નાનપણથી મીઠાઈ પ્રાણપ્રિય..મારા બાળપણની વાત કરું તો જન્મ જાત હું મસ્ત જાડિયો હતો, અને તો પણ મોટીબા શીરો ,સુખડી ,મગજ ની લાડુડી ,મઠડી અરે ઠાકોરજી ના પ્રસાદ મારા ઘરનો તો નહિ પણ લગભગ અડધી સોસાયટીના ઘરના પ્રસાદ ઉપર મેં એકાધિકાર ભોગવ્યો છે..!!
છેક જીવનના પાંત્રીસ વર્ષે જયારે બ્લડ પ્રેશર અને ડાયાબીટીસ બોર્ડર પર આવ્યા ત્યારે જાગ્યો ,અને એ પણ કાર્ડિયોલોજિસ્ટ એ કીધું કે કસરત કર રોજ પિસ્તાલીસ મિનીટ તો જે ખાય છે તે બધું જ ખાવા દઈશ અને એક પણ ગોળી ચાલુ નહિ કરાવું ..
બસ એ દિવસથી પછી મંડાણા ,ખાવાનું અને બાળવા નું ..
એમ તે વળી કેમ ગળ્યું બધું ખાવાનું બંધ થાય..!!
અમારા સાસુમાં કાયમ કેહતા ખાધેલું હા`રે આવશે બેટા બીજું બધું આં`ય રે`શે ..!!
અને એમની હા`રે ગયું પણ ખરું..!!
ખાવું તો પડે હો ..!!
ચોક્કસ હવે અંકરાતીયા ની જેમ નથી ખવાતું પણ સ્વાદેન્દ્રિય ને મરવા નથી દીધી..!!
સારા ગુલાબજાંબુ હોય કે ગરમ ગરમ મોહનથાળ કે મુંબઈ નો આઈસ હલવો ,મેસુબ ,ગરમ ગરમ સુખડી , શીરો ,બંગાળી મીઠાઈ ,જલેબી ..
બે યાર બસ ,હવે તો યાદ કરતા મોઢામાં પાણી આવી રહ્યું છે બળ્યું ,
આપણે તો ગળ્યું એટલું ગળ્યું બાકી બધું બળ્યું ..ખાઈ તો લેવા નું યાર..!!
પણ હવે લીમીટમાં .!!
તો પણ ક્યારેક લીમીટ બાજુ પર મૂકી પણ દેવાની ..જે થવું હોય તે થાય ..!
થોડાક સમય પેહલા અમે પાંચેક મિત્રોના ફેમીલી ભેગા થયા હતા અને મને મન થયું કે ચાલો આજે આઈસ્ક્રીમ દબાવી ને ખાવો છે એટલે આપણે ઈચ્છા જાહેર કરી બધાએ કીધું `ડન` આજે તો આઈસ્ક્રીમ નથી જ છોડવો ખાઈ લેવો છે ..
એટલે અમે કિક મારી ને ઉપડ્યા અને ચાર જણ દીઠ અઢીસો ગ્રામ ગણ્યો અને છ કિલો આઈસ્ક્રીમ લેતા આવ્યા .. નોર્મલી એક માણસ એક ટાઈમમાં સો ગ્રામ ખાય અને બધાને દબાવી ને ખાવો હતો એટલે આપણે અઢીસો ગ્રામ ગણ્યો અને મને એમ હતું કે વીસ જણામાંથી બે ચાર તો પાછા મોઢાના મો`ળા નીકળશે ,એટલે આપણે ભાગે કિલો તો આવી રેહશે..!!
ભર ઉનાળો હોય અને સેહજ દબાવી ને ખાઈએ તો કિલો આઈસ્ક્રીમ તો રમતા ઘ`રી જાય..!!
સાલું એ દિવસે એટલી ગાળો પડી ..શૈશવભાઈ ને કઈ લેવા મોકલાય જ નહિ બધું હેતંક નું ઉપાડી લાવે ..અઢી કિલો વધ્યો ..!!
મને એમ થાય આઈસ્ક્રીમ ..?? કેમ ના ખવાય યાર ? આ તો ડ્રાઈવર કંડકટર કેહવાય ગમે તેટલી બસ ફૂલ હોય એની જગ્યા તો થઇ જ જાય યાર ,અરે છાપરે ચડી ને બધા બેઠા હોય તો પણ ડ્રાઈવર કંડકટર ની જગ્યા તો થાય જ …!!
ખવાય યાર ,જન્મારો એના માટે તો લીધો છે ..સવારથી સાંજ વૈતરાં પાપી પેટ માટે તો કરીએ છીએ ત્યારે શું ?
થોડાક સમયથી મને એકલી મીઠાઈઓ ખાવાની ઈચ્છા થઇ રહી છે ,
એક મિત્ર ના મિત્ર છે , મારી જ ઉંમરના છે પાર્ટી જીમમાં સારું એવું બાળે પણ એમનો નિયમ છે દર રવિવારે લગભગ એક કિલો લસલસતા ઘી નો શીરો બનાવડાવી અને ખાવા નો એટલે ખાવાનો ..!!
મને તો ઈર્ષ્યા થઇ ગઈ દર રવિવારે શીરો..???
આ રવિવારે વારો પાડવો પડશે ..શીરો અને એમાં બદામ ની કતરણ ..! યમ્મી ..!! મમ્મી રે ..!! આમ તો આપણને સીઝન નો ગાજર નો હલવો ,દુધી નો હલવો ,ફ્રુટ સલાડ , ખીર ,દૂધપાક ,દૂધ નો હલવો આવું બધું ભાવે અને સમય સમય પર મળે પણ ખરું પણ દર રવિવારે તો નથી મળતા..!!
અને ડીમાંડ મુકીએ તો પત્નીજી બોલે એ પેહલા માતાજી જ બુમ પાડે માંડ માંડ નેવું કિલોમાંથી એશી એ આવ્યો છે ..!!
અને તો પણ .. મમ્મી અને પત્નીજી રસોડામાંથી આઘ્પાછા હોય ત્યારે જે પડ્યું હોય તે ઠોકી જ લેવાનું , અમારા એક મિત્રના મમ્મી ગાયનેકોલોજિસ્ટ છે એટલે એમના ઘરે દુનિયાભરની ડેરીના પેંડા આવે જ્યારે જાઉં ત્યારે સીધા રસોડામાં જઈને બોક્સ ખોલી અને બે ચાર અંદર..ઘટક ..!!
યાર મીઠાઈ કેમ છૂટે ?
દિવાળી માથે આવી છે એટલે મીઠાઈઓના ઢગલા થશે પણ આપણને તો પેલા બજારના તૈયાર પડીકા કરતા ઘરની બનાવેલી જ મીઠાઈ જામે ભાઈ..!!
દિવાળીની ઘરની બનતી મીઠાઈમાં એક વાત તો નક્કી હોય છે કે દરેક સાસુઓને એકાદી મીઠાઈ તો જોરદાર બનાવતા આવડતી જ હોય અને જો મારા જેવાના હાથમાં એ મીઠાઈ આવે તો પછી પત્યું , ડબ્બો ખેંચી લેવો પડે ,બાકી તો ચારસો પાંચસો ગ્રામ તો ઉલાળી નાખીએ..બિલકુલ બેશરમી થી..!!
એક મિત્રના મમ્મી જે મસ્ત દૂધ નો હલવો બનાવે ..એ મિત્રના પત્નીને ભાર દઈને કીધેલું કે તારા સાસુ પાસેથી દૂધ નો હલવો શીખી લેજે ..
હજી આપણે ત્યાં એટલું તો બચ્યું છે કે દિવાળીએ એકાદ બે મીઠાઈ તો ઘરની બને છે..હા કાજુ કતરા ને અંજીર કતરા એવું બધું બહારથી આવે પણ એકાદી મીઠાઈ અને સેવ ,ચેવડા ,ફરસી પૂરી ,ચકરી , સક્કરપારા આવું બધું ઘરનું બને છે હા મઠીયા લગભગ બાહરથી આવે અને પછી ઘેર તળાઈ જાય ..!!
તમને થશે કેવા કેવા બ્લોગ લખે આ માણસ ..?
પણ યાર સખ્ખત `ક્રેવીંગ` થઇ રહ્યું છે મીઠાઈઓ નું ,અને મીઠાઈ ની જગ્યા કોઈ ચોકલેટ ,બિસ્કીટ ના જ લઇ શકે ..
મીઠાઈ એટલે મીઠાઈ ..! અને ઘરની બનેલી એટલે ઘરની..!!
મારે તો ફટકડા લાવવા છે ,એટલે એમ નથી લખતો કે મારી મમ્મી ના હાથ જેવી મીઠાઈ કોઈ ની નહિ ,તમારે ફટાકડાનો ખર્ચો બચાવવો હોય તો મારી મમ્મીના હાથ ની મીઠાઈ એટલે કેહવું પડે ..બીજું કોઈ બનાવી જ ના શકે..બોલી નાખો ખર્ચો બચી જશે..!!
એક આઈડિયા આવ્યો છે દિવાળીએ ઘરની બનેલી મીઠાઈ નો પોટલોગ કરો ..મજો પડશે..!
મમ્મી ઓ મમ્મી આ રવિવારે શીરો બનાવજો.!!
નહિ ફૂટે..
પેહલા જ સાસુમાં ના ઘૂઘરાના વખાણ કરી લીધા છે ટેન્શન કરું નકો..!!
શુભ રાત્રી
શૈશવ વોરા
*(ચેતવણી :- આ બ્લોગને પોતાના નામે કે પછી મૂળ લેખકના નામ વગર કે તેમાં કોઈપણ જાત ના ચેડા કરીને મુકવો તે સંપૂર્ણપણે ગેરકાયદેસર છે , જે કોઈ વ્યક્તિ તેવું કરશે તો કોપીરાઈટ એકટ નો ભંગ ગણાશે અને તે પ્રમાણે કરનાર સામે કાયદેસર કાર્યવાહી ચોક્કસ કરવામાં આવશે..)*