ગુરુ પૂર્ણિમા આવી..
સવાર સવારમાં મેસેજ આવ્યો કે તમારી પાસેથી ઘણું શીખ્યો છું એટલે તમે મારા ગુરુ છો તમને પ્રણામ ..
“અલ્યા ભઈ મે
લ ને છાલ , કશા પ્રણામ નથી કરવા નક્કામો લુંટાઈ જઈશ..!”
એ જમાનો જતો રહ્યો કે પુસ્તકોમાં રહી ગયો કે જ્યારે ગુરુઓ જ્ઞાન આપી અને પછી ગુરુદક્ષિણાની અપેક્ષા રાખતા, હવે તો પેહલા દક્ષિણા અને પછી વાત થાય, જ્ઞાન આપવાની વાર્તા તો ક્યાંય દૂર રહે..!!
જે સ્કૂલોમાં ગુરુ બ્રહ્મા, ગુરુ વિષ્ણુ કરવામાં આવે છે એ નીસાળો (નિશાળ) ને પોતાની જાતને ગુરુ કેહવડાવાનો કોઈ હક્ક જ નથી ..
કારણ શું ? તો કહે “નીસાળો” ની બદલે ટ્યુશન કલાસીસમાં બાળકો જાય છે ..!
કેમ ટ્યુશન કલાસીસમાં જવું પડ્યું ?
“તમે શા જ્ઞાન ભરડ્યા માસ્તર સાહેબ કે સોકરું તમારી નીસાળ મેલી ને ટુશન ક્લાસમાં મેલવું પડ્યું હેં ?”
આખે આખી સ્કૂલિંગ સીસ્ટમ હવે બંધ કરી દેવાની જરૂર છે, ભણતર કે જ્ઞાન કશું ત્યાંથી મળતું નથી અને છોકરા ટ્યુશન કલાસીસને સહારે કે ટ્યુશનના સાહેબો ને હવાલે થઇ ચુક્યા છે ..
શા માટે સ્કુલ નામની સીસ્ટમ નો ભાર વેંઢારી રહ્યો છે સમાજ એ જ સમજાતું નથી ..!
વાત કરીએ ગુરુદક્ષિણાની તો શરૂઆત થાય છે પેહલા દક્ષિણાથી ..
સ્કુલના એડમીશનથી લઈને કોલેજની મોંઘી ફી ..
જઘન્ય કૃત્ય છે,
જો ઈશ્વર જેવી કોઈ સંસ્થા ખરેખર છે અને એની પાસે ન્યાય સીસ્ટમ છે તો ક્યા નર્કમાં આ ગુરુઓ ને સ્થાન હશે એ ખબર નથી ..
મહાભારતના અંતે એકપણ કોખ નંદવાયા વિનાની આખા ભારતવર્ષમાં બચી નોહતી સિવાય કે ઉત્તરા ,અને એવે સમયે જ્યારે ઉત્તરાના ગર્ભ ઉપર બ્રહ્માસ્ત્રનું સંધાન થયું ત્યારે કૃષ્ણ સ્વયં આડા ઉતર્યા ..
ભવિષ્ય ઉપર કોઈ નો પણ અધિકાર નથી, બ્રહ્માસ્ત્રનો પણ નહિ ..!!
ઉત્તરાના ગર્ભને સેઈફ કરી આપ્યો ..!
અને આજે ?
છોકરું જન્મે એ પેહલા માંબાપ એ ફી ની વ્યવસ્થા ગોઠવી રાખવી પડે, છોકરું એન્જીનીયર થઈને કમાશે અધધધધ, તો પેહલા ફી ભરો અદ્દ્ધધ્ધ્ધ્ધદ્ધ …!!
આખા અડધા બધાય ધ
માંબાપે ભરી દેવા પડે છે અને પછી બોલે ગુરુ બ્રહ્મા ગુરુ વિષ્ણુ ..
કેમ ભાઈ ? તમે તો વેપલો ખેલો છે શિક્ષણનો તમે શેના ગુરુ
?
કોઈ દિવસ વેપારી બ્રહ્માં ,વેપારી વિષ્ણુ… કીધું છે ?
તગડો પગાર અને ફી લઈને ભણાવતો શિક્ષક ગુરુ નથી કન્સલ્ટન્ટ છે, વેપારી છે ..!
ખોટા ખોટા ગુરુપદે બેસાડીને એમના અહમને વધારે પોષવાની સમાજે જરૂર નથી..!!
કેહવાતા મોડર્ન અને આદિ પરમ્પરાઓના વિચારોની ખીચડી કરી મૂકી છે આજ ના સમાજે..!
ઘણા લોકો માતાપિતાને પેહલા ગુરુ કહે છે , ઠીક છે સારું છે પણ વધારે પડતું પણ ખોટું છે, મારા બાપા જ સચ્ચા અને મારી મમ્મી જ સાચ્ચી અને મહાન આવું ધારી લઈએ અને પછી સવાર પડ્યે લડવા નીકળીએ તો ત્યાં પણ પછડાટ જ ખાવી પડે..!
ગુરુ શબ્દ જ અહંકારથી ભરેલો છે, ગુરુની પ્રકૃતિ જ અહંકારી બતાવાઈ છે જ્યોતિષશાસ્ત્રમાં, ગુરુપ્રધાન વ્યક્તિ હંમેશા પોતાના અહંકારમાં જ છપ્પનના ભાવમાં જાય છે ..!
ફરી એકવાર અહંકાર અને આત્મવિશ્વાસ વચ્ચેની ભેદરેખા બહુ જ પાતળી હોય છે, ઘણા આત્મવિશ્વાસથી અહંકાર તરફ ગતિ કરી જાય છે અને ઘણા લોકો અહંકારથી આત્મવિશ્વાસ તરફ જાય છે એટલે નક્કી કરવું પણ અઘરું થઇ જતું હોય છે કે માણસ આત્મવિશ્વાસથી ભરેલો છે કે અહંકારથી..!!
મેં તો એટલી તારણ કાઢ્યું છે કે સામેવાળો મને સમજીને મને દુઃખના થાય એવું બોલતો હોય તો એનો આત્મવિશ્વાસ અને દુઃખ થાય તો એ એનો અહંકાર ..!!
બેક ટુ ગુરુ .. તો મોટાભાગના ગુરુઓ જીવનમાં વામણા કેમ સાબિત થાય છે ?
તો એમાં પણ એક નિયમ મેં તારવ્યો છે ..
બાપ ને સારો કોણ કેહવડાવે ? તો કહે એના દિકરા .. બીજું કોઈ નહિ એટલે ગુરુને સફળ અને મોટો કોણ કેહવડાવે ?
તો એના ચેલા ..
આજ ના દિવસે ઘણા બધાને પોતાનો અહંમ પોષવાનો અવસર મળશે અને ઘણા તો નહિ હોય તો અવસર ઉભો કરશે ..!!
આટલું વાંચ્યા પછી સવાલ થાય કે ખરો ગુરુ કોણ ?
તો ખરો ગુરુ એ કે જે નિસ્વાર્થ ભાવે પોતાના વિદ્યાર્થીને શોધી કાઢે અને આગળ લઇ જાય..!
ગઈકાલે ગુરુપૂર્ણિમાની ચર્ચા ચાલતી હતી ત્યારે મમ્મીએ એમના જમાનાના વાત કરી ..
મમ્મી અમરેલીની સરકારી કન્યાશાળામાં ભણ્યા છે અને એ જમાનામાં એમની સ્કુલના પ્રિન્સિપલ સાહેબ સામેથી એમના ઘરે આવી અને મારા નાનાજીને આગ્રહ કરી ગયા કે આ છોકરી ખુબ હોશિયાર છે આને સાયન્સમાં મુકજો .. અને નાનાજીએ અને મામાએ એ પ્રમાણે કર્યું પણ ખરું અને મમ્મીને ડોક્ટર બનવ્યા એ લોકો ..!
સમાજના ઋણ સાથે ડોક્ટર થયેલા મારા મમ્મી પપ્પાએ સમાજના ઋણને પાછું વાળવા માટે ક્યારેય તપાસવાની ફી એટલે કે કન્સલ્ટેશન ફી લીધી નથી ..!!!
આજેપણ જીવનના ૭૯ વર્ષે મમ્મી પોતાને દવાખાને જાય છે અને થાય એટલી મદદ કરે છે ..!
સ્કૂલો એ હતી, ટ્યુશન નોહતા, ગુરુ એ હતા કે જે ઓળખી લેતા બાળકને અને આગળ વધારી દેતા પોતાના શિષ્યને કશી પણ અપેક્ષા વિના ..!
અત્યારે તો બધાય પોતાની જાત્તે “ગુરુ” ની ચિઠ્ઠી પોતાની જાત ઉપર ચોંટાડી દે અને નીકળી પડે ..!
નથી જરૂર એવા કેહવાતા ગુરુઓની આજ ના જમાનામાં ..
જે કામ સરકારી જાહેરાતો એ ના કર્યું કે મોંઘા શિક્ષણએ કરી આપ્યું છે ,
કુટુંબ નિયોજનનું ..!!
મોંઘા શિક્ષણના પાપે આજ ના યુવાનો યુવતીઓ કહે છે સેકન્ડ ચાઈલ્ડ ઈઝ લક્ઝરી ..!!
અંતે ..!
ગુરુ ગોવિંદ દોનો ખડે કિસકો લાગે પાય..
બલિહારી ગુરુ આપકી ગોવિંદ દિયો બતાય..
ગુરુજી ગોવિંદને બતાડવાની તગડી “ફી” વસુલતા હોય તો શું કરશો ?
ચાલો આપનો દિન શુભ રહે
શૈશવ વોરા
(ચેતવણી :- આ બ્લોગને પોતાના નામે કે પછી મૂળ લેખકના નામ વગર કે તેમાં કોઈપણ જાત ના ચેડા કરીને મુકવો તે સંપૂર્ણપણે ગેરકાયદેસર છે , જે કોઈ વ્યક્તિ તેવું કરશે તો કોપીરાઈટ એકટ નો ભંગ ગણાશે અને તે પ્રમાણે કરનાર સામે કાયદેસર કાર્યવાહી ચોક્કસ કરવામાં આવશે..)