નગરી અમદાવાદએ અનરાધાર ,મુશળધાર ,સાંબેલાધાર .. બધી બારે બાર ધાર વરસ્યો..!
હજી બે ચાર દિવસ મેઘો આ કામ ચાલુ રાખવાનો છે એવું કૈક મેટ્રોલોજીકલ ડીપાર્ટમેન્ટ કહે છે,
કોની ઉપર તડી બોલાવશે ? અને કોની ઉપર ઝડી વરસાવશે ?
એ જેવું જેનું ભાગ્ય..!
જન્મ્યા ત્યારથી હાલાકી પડે છે એ બધા જાણે છે ,અને જે રીતના કારભાર છે એ જોતા મરશો ત્યાં સુધી હાલાકી પડતી જ રેહવાની..!
કોટ વિસ્તારમાં રેહતા ત્યારે પાણી નોહતા ભરાતા ,પછી આવ્યા એલીસબ્રીજ અને ત્યાંથી સેટેલાઈટ ..
કોટ વિસ્તારમાં એવું કેહવાતું કે ત્રણ દરવાજાનું માથું ડુબે તો ખાનપુરના તળે પાણી આવે બિલકુલ નદી કિનારે બનેલો વિસ્તાર પણ ઉંચી ભેખડ ઉપર બનાવેલો અને મજબુત કોટ, જે હજી આજે છસ્સો વર્ષે પણ ઉભો છે , ગમ્મે તેટલો વરસાદ પડે દસ મિનીટમાં સાબરમતીમાં ઉતરી જાય અને નગર ચોખ્ખું ..
પાણીને જવાનો રસ્તો આપ્યો હતો ,
પછી આવ્યા એલીસબ્રીજ રેહવા ત્યાં પણ નદીનો બીજો કાંઠો રમખાટ પાણી ઉતરે સાબરમતીમાં ..
અને હવે સેટેલાઈટ .. નખ્ખોદ…!!
વરસાદી ગટરના ભૂંગળાના આશરે આવ્યા .. દાટ વળી ગયો ..!
કોઈકને અક્કલ ચાલી કે અમદાવાદમાં વરસાદ વરસે છે કેટલો ? એક કલાકમાં એક ઇંચ તો ભયો ભયો ,,
થયું ત્યારે ,ભૂંગળું નાની સાઈઝનું ઘાલ્યું અને હવે ભોગવો તમ તમારે ..! કોણ જાણે બબ્બે ફૂટના ભૂંગળા ઘાલ્યા એની બદલે ચાર પાંચ ફૂટના ભૂંગળા ઘાલ્યા હોત તો શું ફેર પડતો ?
વાંસ ડૂબ્યા ભેગા સવા વાંસ ..!!
બાપદાદા કેહતા ટેકરે રેહવું પણ અમે તે પોશ એરિયાના શોખીન ,બધી સગવડો મળે અને હવે વસ્તી તો અમારાથી આગળ વધી એમીનીટી જોઈએ ..!
બબ્બે ભોંયરા બનવ્યા પાર્કિંગ માટે અને ભોંયરાએ દાટ વાળ્યો..
ગઈકાલે આખો દિવસ સેટેલાઈટ-બોડકદેવ વિસ્તારમાં પેલા રોડ સાઈડ આસિસ્ટન્ટ આપવાવાળા ટોઈંગ કરવાની ગાડીઓ લઇ લઇને ફર્યા છે , પાર્કિંગના ભોંયરા ખાલી કરવાવાળા ફાઈટર જેટના ભાવ બે હજાર રૂપયે એક કલાકના બોલાયા છે ..!
છાપું એક હજાર કરોડનું નુકસાન બોલે છે, પણ જેમ જેમ પાણી ખાલી થશે કૃત્રિમ રીતે તેમ તેમ ખબર પડશે કે કેટલા કરોડમાં અમદાવાદ પાણીમાં ઉતરી ગયું ..!
એક પણ ગાડીઓની સર્વિસ કરવાની એજન્સીવાળો અત્યારે તમારી સામું જોવા પણ નવરો નથી ,ગાડી સર્વિસમાં મુકો ,સર્વિસમાં મુકો.. એમ કહી કહીને સવાર સાંજ ફોન કરતા ,હવે ફોન કરતા બંધ થઇ ગયા છે , ઢગલો થઇ ગયો છે ગાડીઓ રીપેર કરવા માટે..!
સીન નંબર એક
ચાર પાંચ કરોડનો મસ્ત ફ્લેટ લીધો હોય ,પરમીટનો દારુ હોય અને સારામાં સારી સાઉન્ડ સીસ્ટમ હોય ,મસ્ત દૂર દૂર સુધી દસમાં બારમાં માળેથી અમદાવાદ દેખાતું હોય અને બધી ધારે
વરસતો હોય , ઘરના મહારાજે ભજીયા તળ્યા હોય ..
એ પણ પુનાની સ્ટાઈલમાં ,અજમો ઝીણા મરચા સમારીને ભજીયાના વાટમાં નાખ્યા હોય .. ધીમે ધીમે અસર વધે નશાની વરસાદની જોડે જોડે ,અને પછી સવાર પડ્યે ખબર પડે કે બધી ગાડીઓ નાવડી થઇ ગઈ છે અને હવે એને તાણીને પિયર લઇ જવાની છે ,
એ પણ કર્યું ,પછી ત્યાં “મામાએ” કીધું કે સર બે ત્રણ અઠવાડિયા અને પાર્ટ્સ ના મળે તો બે ત્રણ મહિના પણ થાય ..!!
પશ્ચિમ ઝોન અને નવો પશ્ચિમ ઝોન .. ઘણી બધી જગ્યાએ આવા ઘાટ ઘડાયા છે..!!
સીન બીજો ..
ધંધો કરવો છે બકાને .. પણ કુકા નથી, જગ્યા સસ્તી ,પણ ધીકતી જગ્યે લેવી છે.. નેવુંની સાલની આજુબાજુની બનેલી પેલી છ ફૂટ ભોંયરામાં અને ચાર ફૂટ ઉપર એવી કોઈ જૂની સ્કીમમાં ખોપ્ચું લઇ લે બકા ..
મોબાઈલ રીપેર કરવા છે ,અને જુના નવાનો ધંધો ચાલુ કરવો છે ..!!
ગુજરાતનો ગિરા ધોધ અચનાક વરસ્યો એના કોપ્મ્લેક્ષમાં .. હવે ..???
ભાડે લીધી હતી તે જગ્યા ખાલી કરો અને જુના શેઠને ત્યાં રૂપમ સિનેમાની સામે ફરી એકવાર નોકરીએ જતા રહો, બે ત્રણ વર્ષ નોકરું કુટીને ફરી ઉભા થવાશે ..!!!
કેટલા આશાભર્યા ઉલેચાઇ ગયા પાણીમાં ..!!
જગતના તાત માટે તો બહુ કેહવાયું અને બોલાયું, પણ જગતના દિકરા-દીકરીઓ જે બિચારા આખે આખા શેહરના ભાર વેંઢાંરે છે એની સામું જોવાની ફુરસત કોઈને નથી ,
ભારતની આજે લગભગ સાહીઠ ટકા વસ્તી શેહરોમાં આવી ને વસી ચુકી છે અને જ્યારે આવી કુદરતી આપદા આવે છે ત્યારે એની સામે જોનાર પણ કોઈ નથી , નથી એના ખાતામાં બે પાંચ હજારની મદદનો ચેક આવતો કે નથી એને કોઈ ખવડાવવા કોઈ આવતું..!
જાત મેહનતથી જ ઉભું થવું પડે એને અને છતાં પણ ઈમાનદારી અને બીજા તમામ મોરલ કમીટમેન્ટની અપેક્ષા એની જ પાસેથી રાખવામાં આવે છે..
હપ્તા ભરીને ઉભો થયેલો ગાડીનો માલિક કે બાઈકનો માલિક અચાનક ડૂબી જાય છે , ભાડાની જગ્યા લઈને કામ કરતો નાનો માણસ અને એના સપના બહુ બુરી રીતે સાફ થઇ જાય છે..!
અમારા જેવા ટીવી ઉપર બેચાર દિવસ બુમ બરાડા પાડીને બંધ થઇ જશે , ટોપિક બદલાઈ જશે પણ એક ઝાટકે બદલાયેલી જિંદગી રીવરફ્રન્ટની પાળીએ બેઠી બેઠી સિગારેટના ધુમાડા જ કાઢશે..!!
આ શેહર હવે મોટું થતું જાય છે , જોડે જોડે એના ચક્કરો પણ મોટા થતા જાય છે , ક્યા ચક્કરમાં કોણ પીલાઈ જશે એની કોઈને ખબર પડતી નથી, તમારા અને મારા સપનાના અને કિસ્મતના ખરીદદારો ઘરની બાહર ઉભા જ છે ,
અને એ લોકો એટલા ખતરનાક છે કે તમને અને મને તમારું પોતાનું સપનું ભુલાવી અને બીજા કોઈક સપના જોતા કરી દે છે અને એના થકી પોતાના સપના પુરા કરાવી લ્યે છે..!!
પેલું ગીત યાદ આવે છે .. આજા આજા .. મેરે કિસ્મત કે ખરીદ દાર અબ તો આજા ..!
આ ગીતની વિડીઓ કલીપ જો..જો યુટ્યુબ ઉપર.. અને પછી પેલી ફટકા ખાતી ઓરતની સાથે સરખામણી કરી જો જો તમારી જાતની ,આંખ બંધ કરશો તો યાદ આવશે કે કેટલા ફટકા કોણ મારી ગયું …!!!
કેટલીય આશાભરી જુવાની એક એક ફટકે નાચ કરી રહી છે, દુનિયા હવે જેન્ડર બાયસ નથી રહી ..
સ્ત્રી પુરુષ સમાન થઇ ગયા છે , એક સરખા ફટકા ખાઈ ખાઈ ને નાચી રહ્યા છે..!
ચલ બસંતી નાચ ..!!
હો ઓ ઓ ઓ ..જબ તક હૈ જાં ..જાને ..જહાં ..
મૈ નાચુંન્ગી ..!!
આવું છે … સાચવજો ..!!
આપનો દિન શુભ રહે
સવાર સવારમાં મેઘો ઘેરાયો છે ..
શૈશવ વોરા
(ચેતવણી :- આ બ્લોગને પોતાના નામે કે પછી મૂળ લેખકના નામ વગર કે તેમાં કોઈપણ જાત ના ચેડા કરીને મુકવો તે સંપૂર્ણપણે ગેરકાયદેસર છે , જે કોઈ વ્યક્તિ તેવું કરશે તો કોપીરાઈટ એકટ નો ભંગ ગણાશે અને તે પ્રમાણે કરનાર સામે કાયદેસર કાર્યવાહી ચોક્કસ કરવામાં આવશે..)