*તું નંગા હી તો આયા હૈ ક્યા ઘંટા લેકર જાયેગા..?!! અપના ટાઈમ આયેગા…*
માર્ચ મહિનો એના અંજામ તરફ ધસતો જાય છે, અને લગભગ “તું નંગા હી તો આયા હૈ ક્યા ઘંટા લેકર જાયેગા..” એવી ફીલિંગ દરેકને આવી રહી છે ..!
તું નંગા હી તો આયા હૈ ક્યા ઘંટા લેકર જાયેગા..પેહલીવાર સાંભળ્યું ત્યારે એમ થયું કે દેશ કેટલો બધો આગળ નીકળી ગયો છે..!!!
“હમ હોંગે કામયાબ ,હમ હોંગે કામયાબ..” ત્યાંથી છેક “અપના ટાઈમ આયેગા..”
નરી `જીભાજોડી`ના માહોલની વચ્ચે ત્રણસો કિલોમીટર દૂર અંતરીક્ષમાં એક સેટેલાઈટ ઉડાડી મુક્યો…સમયાંતરે શક્તિનું પ્રદર્શન અને નિદર્શન કરવું જરૂરી હોય છે..
દુનિયા આખીમાં સળવળાટ થઇ ગયો કે આ શું માંડ્યું છે ?
અમેરિકા અને રશિયા ના શીતયુદ્ધ પછી શું ભારત અને ચીન વચ્ચે `શીતયુદ્ધ`ના મંડાણ થઇ રહ્યા છે ?
થોડાક સમય પેહલા છાપામાં સમાચાર હતા કે પાકિસ્તાની ધરતી ઉપર ચાઇનીઝ આર્મી ઉતારવામાં આવ્યું છે, એમની ઇકોનોમિક કોરીડોરને સાચવવા માટે ..!
આવું વાંચીએ ત્યારે ઇસ્ટ ઇન્ડિયા કંપની જેવું લાગે, અને એમ થાય કે ઈતિહાસ ફરી એકવાર ઉપમહાદ્વીપમાં કરવટ બદલી રહ્યો છે..
થોડુક એવું પણ વિચારીએ કે ફર્ક શું આવ્યો ?
તો આપણે ત્યારે એ જમાનામાં નિશાળોમાં “હમ હોંગે કામયાબ ,હમ હોંગે કામયાબ..” કરી કરીને આપણે ગળા ફાડતા હતા, અને હવે ચાયનીઝ ઈયરફોન કે હેડફોનમાં “અપના ટાઈમ આયેગા..” થી કાનના પડદા ફાડીએ છીએ..!!
જો એમ માની લઈએ કે ભારત અને ચીન દેશ વચ્ચે શીતયુદ્ધ ના મંડાણ છે તો સારી વાત છે, હું તો અત્યંત ભારપૂર્વક માની રહ્યો છું કે ભારતને એક યુદ્ધ લડવાની તાતી જરૂર છે નહીં તો ગમે તે ઘડીએ ભારત આંતરિક યુદ્ધ કે બહુ મોટા રમખાણોમાં ફસાઈ જશે..!
ચૂંટણીમાં જે રીતે આક્ષેપો અને પ્રતિઆક્ષેપો થઇ રહ્યા છે એ સાંભળતા અને સમજવાની કોશિશ કરીએ તો સેહજ કંપારી છૂટી જાય, કે ખરેખર આવું છે અને આવું હતું..?
ટીકા થી આગળ વધીને આક્ષેપ અને પ્રતિઆક્ષેપ ઉપર આખી ચૂંટણી લડાઈ રહી છે, અને એમાં ડુંગળીના એક પછી એક પડ ખુલી રહ્યા છે..
છેવટે બધુય ગંધાઈ રહ્યું છે..!!
હવે તો ક્યારેક રાજકારણની વાત કરતો માણસ પણ બાજુમાં બેસે ને તો હવે સુગ ચડે છે, અને કહી દઉં છું મુક ને છાલ ભાઈ..
ટીવી ઉપર અને સોશિઅલ મીડિયા ઉપર આક્ષેપ અને પ્રતિઆક્ષેપ ના વધારે પડતા `મારા` જોઈ જોઈ ને એમ થાય કે આના કરતા તો એકાદ કલાક નેટફ્લીક્સ ખોલીને બેસીએ..!
ઓનલાઈન થયેલી અને ગોઠવાયેલી સિસ્ટમો એ લગભગ વેપારીઓ પોતાના નામા માર્ચ પેહલા `ગોઠવી` અને `તૈયાર` કરી મુક્યા છે ,
ગઈકાલે એક સીએને મેં કીધું અલ્યા હેપી ધનતેરસ..મને કહે કેમ ?
મેં કીધું તારે તો પેહલી એપ્રિલ બેસતું વર્ષને એટલે આજે ધનતેરસ ને..
બિચારો કહે આ ઓનલાઈને અને દંડની વાર્તાએ અમને તો નવરા કરી મુક્યા છે,લગભગ બધું ૩૧ જુલાઈએ પૂરું થઇ ગયું છે..અને લોકો તો અત્યારે ૧૮-૧૯ના ચોપડા લઈને આવી ગયા છે કે લો ભરી આપો..!!
મેં કીધું આ તો ઈન્ફોસીસથી આગળ ગઈ પ્રજા એમ ?
કેમ ઈન્ફોસીસ ?
મેં કીધું જુના જમાનામાં એવું કેહવાતું કે ઈન્ફોસીસની બેલેન્સશીટ ૩૧ માર્ચ ના રાતના બાર વાગીને એક મીનીટે તૈયાર હોય..
પેલા સીએ કહે અરે પણ ૧૮-૧૯ વર્ષના રીટર્ન ૩૧મી માર્ચ પેહલા કેમના ભરવા ?
મેં કીધું પણ સારી વાત છે ને લોકો જો સમયસર પોતાના કામ `ઉકેલી` લેતા હોય તો..!
એ બોલ્યો ..હા જીએસટી એ લગભગ બધાને લાઈન ઉપર લાવી મુક્યા છે..!
મેં કીધું બાકી બોલ કેમનું છે બીજું..? રૂપિયામાં કેમનું છે ?
મને કહે..તું નંગા હી તો આયા હૈ ક્યા ઘંટા લેકર જાયેગા..!
મેં હસતા હસતા કીધું.. અપના ટાઈમ આયેગા …!!
ઘંટી, ઘાણી ને ઉઘરાણી ત્રણેય ને ફરતી રાખવી પડે પણ ચૂંટણીને લીધે આંગડીયા બંધ થાય છે, એવા સમાચાર છે એટલે ઉઘરાણી ઘાંચમાં પડી છે..દરેક રોકડને કાળું ગણવાની ભૂલ થઇ રહી છે ..!
પ્રજા ને `લાઈન` પર લાવનારાને હવે પ્રજા ફરી મોકો આપે તો કાળા નાણાની `ગંગા` એવા રાજકારણીઓ, રાજકીય પક્ષોના ફંડ અને ચૂંટણીઓમાં બેફામ થતા ખર્ચ અને પછી કાળા નાણા ની `જમના` એવા બ્યુરોક્રેટ અને સરકારી મશીનરીની ઉપર તડી બોલે એવી પ્રજાકીય અપેક્ષા ખરી..!!
બાકી તો આપડા જેવી સામાન્ય પ્રજાએ તો સ્વીકારી જ લીધું છે “તું નંગા હી તો આયા હૈ ક્યા ઘંટા લેકર જાયેગા..અપના ટાઈમ આયેગા…”
આવતીકાલે પાનકાર્ડ અને આધારને લીંક કરવાનો છેલ્લો દિવસ છે..
એમ વિચારીએ કે કેટલા છેલ્લા દિવસ આવ્યા હમણાં હમણા ..?
મગજ ગાંડું થઇ જાય એટલા છેલ્લા દિવસ અને લીમીટો આવી..
અત્યારે યાદ કરી અને લખી લખીને દિમાગ નથી બગાડવું મારું અને તમારું બંને..
*પણ ગમે તે આવે ને ગમે તે જાય, ગમ્મે તેટલા `છેલ્લા દિવસ` કે દિવસો આવે અને જાય, એ બધ્ધાય `છેલ્લા દિવસ`ને જિંદગી જરાય અવાજ કર્યા વિના `વચલા દિવસ`માં ફેરવી નાખે છે, અને `છેલ્લો દિવસ` જયારે જેનો ઉગે છે એને ભાન પણ નથી હોતું કે એનો `છેલ્લો દિવસ` આવી અને જતો રહ્યો..!! અને હું માણસમાંથી ધુમાડો થઇ ગયો..!!*
આપણને તો આ લાઈન ગમી *તું નંગા હી તો આયા હૈ ક્યા ઘંટા લેકર જાયેગા..અપના ટાઈમ આયેગા…*
ભલે ને ખબર છે આશા અમર છે, અને નિરાશા નક્કી છે તો પણ..અપના ટાઈમ આયેગા..
આવતીકાલે ફક્ત અને ફક્ત સરકારી લેણા ભરવાના હોય તો એના માટે જ બેંક ખુલ્લી રેહશે..જાહેર જનતા માટે તો એમના કામ કરાવવાના હોય તો રાહ જ જોવાની આપના ટાઈમ આયેગા..અને મંગળવાર સુધી ઘંટા વગાડવાના ..!
રવિવાર છે ચર્ચ નો ઘંટ પણ વાગશે..!!
કોઈ ને કઈ પ્રત્યક્ષ કે પરોક્ષ `કર` રહી ગયો હોય તો જઈને આવતીકાલે ભરી આવજો..!!
હવે તો તમારો અને મારો `કર` નો રૂપિયો વિકાસમાં જ વપરાય છે, અને સાચવવાવાળા અઢળક ચોકીદારો અચાનક ફૂટી નીકળ્યા છે..!!
સારું છે , `માલિકી`ની ભાવના ઉભી થાય એના કરતા `ચોકીદારી`ની ભાવના આવે એ વધારે સારું છે ,
એમ. કે. ગાંધી ચોકાદારી નહિ `ટ્રસ્ટીશીપ` રાખવાનું કેહતા..!
ટ્રસ્ટીને તો જે કોઈ કાર્ય હોય એને આગળ વધારવાનું હોય છે, એ પણ જળકમળવત્ રહી ને..!
આપણને આશા `ટ્રસ્ટી`ની હતી ,પણ હવે ચોકીદાર તો ચોકીદાર..!
ચાલશે, કમ સે કમ વેચી તો નહિ ખાય..!!
વધારો થાય નહિ તો કાંઈ નહિ , ચાલશે..!
આપણે રાહ જોઈશું..
અપના ટાઈમ આયેગા..
અને છેલ્લે તો પછી *તું નંગા હી તો આયા હૈ ક્યા ઘંટા લેકર જાયેગા…*
શુભ રાત્રી
શૈશવ વોરા