ગઈકાલે પાકિસ્તાની મૂળ ના અને હવે કેનેડીયન એવા જાણીતા વિચારક તારક ફતાહ એ `ભાંગરો વાટ્યો`..
ગુજરાતી ડાયરાની એક કલીપ એમના ફેસબુક એકાઉન્ટ ઉપર મૂકી અને પછી લખ્યું કે ..
*“Disgraceful conduct by Indian men .what will they say to their daughters ? Pappa was buying women on stage ?”*
ગુજરાતી કરું તો..
*“ભારતીય પુરુષો દ્વારા કરાયેલું અભદ્ર વર્તન..આ લોકો એમની દીકરીઓ ને શું કેહશે ? પપ્પા સ્ટેજ ઉપર સ્ત્રી ને ખરીદી રહ્યા હતા ..?”*
અને પછી તો એમની ઉપર જે `તડી` બોલી છે.. અને અંતે એમણે લખવું પડ્યું કે..
*”Someone just shoot me ..please”*
*મને કોઈ ગોળી મારી દો ..મેહરબાની કરો..*
ઘણા સમયથી ફેસબુક અને બીજા સોશિઅલ મીડિયા ઉપર ડાયરામાં ઉડાડવામાં આવતા રૂપિયાની ચર્ચાઓ થઇ રહી છે,
શ્રીમાન તારક ફતાહ તો બિલકુલ અંધારામાં તીર મારવા ગયા અને ભરાઈ પડ્યા..
ક્યારેક એવું થાય..ઘણું બધું જ્ઞાન ધરાવતા લોકો અજગરના પુછ્ડે પગ મૂકી દેતા હોય છે.. શ્રીમાન તારક ફતાહ માટે મને એટલે માન છે કે એ ભારતીય ઉપમહાદ્વીપના બહુ ઓછા મુસલમાનોમાંના એક છે કે જે જાહેરમાં કબૂલ કરે છે કે એમના બાપદાદાઓ હિંદુ હતા અને એમના માટે એ ગૌરવની વાત છે ..
બાકી તો સમસ્ત ભારતીય ઉપમહાદ્વીપના મુસલમાનો પોતાને અરબી કે તુર્કી જ માને છે..
હવે મૂળ વાત ..
કઈ માનસિકતાએ શ્રીમાન તારક ફતાહને એવું વિચરવા પ્રેર્યા કે સ્ટેજ ઉપર આજે પણ હિન્દુસ્તાનમાં સ્ત્રી “વેચાય” છે..!!?
અને એ પણ ભરી સભામાં ? અને ગુજરાતમાં ..?
અમદાવાદ કે ગુજરાતના ઈતિહાસમાં છેલ્લા છસ્સો સાતસો વર્ષમાં કોઈ સ્ત્રીનું જાહેરમાં “વેચાણ” થયાનું વાંચ્યું નથી..!!
હા સિદ્ધરાજ જયસિંહ રાણકની પાછળ પાગલ થઈને લાવ લશ્કર સહીત જુનાગઢ સુધી દોડ્યો હતો, પણ એ જ રાણક ભોગાવોને કાંઠે સતી થઇ ત્યાં સુધી સિદ્ધરાજ જયસિંહ એને અડ્યો નોહતો..અને રાણક દેવીના શ્રાપ એ આજ દિન સુધી ભોગાવો બે કાંઠે નથી થઇ..!! કદાચ એક યુગ વીતી ગયો છે ગુજરાતમાં સ્ત્રી ના જાહેરમાં “વેચાણ” થયે..!!
ઇસ્લામિક દેશોમાં સ્ત્રીનું જાહેરમાં `વેચાવું` આ ચલણ ઘણો લાંબો સમય ચાલુ રહ્યું છે, અને આપણે ત્યાં પણ મુંબઈના ડાંસ બાર કે પછી બેંગ્લોરના ડાંસ બારમાં આ બધું થતું..
બે દસકા પેહલા અમે અમારી આંખ સામે મુંબઈમાં રૂપિયા ઉડાડીને લોકો ને છોકરી `ઉપાડતા` જોયા છે..!
સંગીતના આજીવન વિદ્યાર્થી તરીકે એટલું તો ચોક્કસ કહીશ કે `કામ` અને `સંગીત`ને ખુબ નજીક નો સંબંધ રહ્યો છે..
ઓમકારના નાદ અને વેદોની ઋચાઓથી ઉત્પન્ન થયેલું ભારતીય સંગીત મંદિરોના રંગમંડપ સુધી પોહચ્યું, પછી ત્યાંથી નવરસમાં ના એક રસ ભક્તિ રસને કોરાણે મૂકી અને મોગલ કાળમાં ભારતીય સંગીત કોઠા સુધી પોહચી ગયું ,જ્યાં ફક્ત ને ફક્ત શૃંગારિક ચીજો જ ગવાતી કે વગાડવામાં આવતી..!!
છેલ્લા અઢીસો વર્ષમાં આઝાદી પછી ભરપુર પ્રયત્નો થયા છે ભારતીય સંગીતને સભ્ય સમાજમાં ગોઠવવાના, પણ બોલીવુડના આઈટમ સોંગ્સ સંગીતને ક્યાંક સભ્ય સમાજથી દૂર રાખે છે, આજે પણ “નાચ” અને નાચવાવાળા કે વાળી ને એક અછડતી હલકી નજરે તો જોવાઈ જ જાય છે..!
શ્રીમાન તારક ફતાહ , ડાયરાને પેલી ડાંસ બાર જેવી `હલકી` મેહફીલ સમજી બેઠા અને એમણે આવું સ્ટેટમેન્ટ ઠપકારી દીધું..
પણ હું થોડોક ફરી એકવાર પાછળ જાઉં કે આ રૂપિયા ઉડાડવાની રીતરસમ ક્યાંથી ચાલુ થઇ હશે ?
તો એક વાત તો નક્કી છે કે કલાકાર ને હંમેશા રૂપિયાની નહિ પણ કદરની ભૂખ રહી છે, સદીઓથી રાજારજવાડાઓ કલા ને પોષતા અને કલાકારોનું જતન કરતા , રાજદરબારોમાં થતી મેહાફીલોમાં કલાકારની કલાકારીતા ઉપર આફરીન થઈને સોના ચાંદીના ઘરેણા કે રૂપિયા ના સિક્કા એમની ઉપર વરસાવવામાં આવતા..અહિયાં રૂપિયા એટલે રૂપુ ઉર્ફે ચાંદીમાંથી બનેલા રૂપિયા..!! અને આપણે ગમે તે કહીએ પણ સરસ્વતીના સંતાનોને ક્યાંક તો લક્ષ્મીની ખેવના તો ચોક્કસ રેહતી..!!
અને કદાચ ત્યાંથી આ રૂપિયા ઉડાડવાની કે રૂપિયે તોલવા ની પરંપરા ચાલુ થઇ હશે..
હવે વાત આજ ના જમાનામાં ડાયરામાં ઉડાડવામાં આવતા રૂપિયાની ..
ઘણા બધાની દલીલ છે કે જે લક્ષ્મી ને તમે માતા ગણી ને પૂજો છો એને આમ કેમ ઉડાડો છો ? ભલે ડાયરામાં ઉડતા રૂપિયા સત્કાર્ય માં કેમ ના વપરાતા હોય ..!!
અહિયાં મારો મત જુદો છે ડાયરામાં “લક્ષ્મી” નહિ “ધન” ઉડે છે..!! જુના જમાનામાં પણ ધન જ અપાતું કલાકારને લક્ષ્મી નહિ..!!
`ધન`ના માલિક લંકાધિપતિ રાવણના ભાઈ અને અલકા નગરીના સ્વામી કુબેર છે..
જયારે લક્ષ્મીજી ની `માલિકી` કોઈની નથી..!
સમુદ્રમંથનમાંથી નીકળેલા ચૌદ રત્નોમાનું આઠમું રત્ન એટલે લક્ષ્મીજી..!
લક્ષ્મીજી પોતની મરજીથી વિષ્ણુ ભગવાન ને વર્યા ,સમસ્ત સૃષ્ટિના સુરાસુર એમને વરવા લાઈનમાં ઉભા હતા પણ એમણે વિષ્ણુ ભગવાન ને પસંદ કર્યા..
માઈન્ડ વેલ…લક્ષ્મીજી એ પસંદ કર્યા છે વિષ્ણુને..!!! એમના બાપ સમુદ્રએ નહી ..!
હવે લક્ષ્મીજી માટે મેહતા નરસિંહ ને એમના ઠાકોરજી ઉર્ફે વિષ્ણુજી એમ કહે છે કે ..
*લક્ષ્મીજી અર્ધાંગના મારી, તે મારા સંતની દાસી રે,* અડસઠ તીરથ મારા સંતને ચરણે, કોટિ ગંગા, કોટિ કાશી રે … પ્રાણ થકી
વિષ્ણુજી ના ચરણોમાં લક્ષ્મીજી રહે છે..
એટલે વિષ્ણુજી જેના `મનમાં` છે, લક્ષ્મીજી એના ચરણોમાં છે, અને લક્ષ્મી જેના મનમાં છે એના ચરણોમાં સ્વયં વિષ્ણુ છે..
લક્ષ્મીજી એમના પતિદેવનું અપમાન ક્યારેયના સાંખી લ્યે ..!!
માટે જેના મનમાં રૂપિયા ચડે છે ત્યાં `લક્ષ્મીજી` નથી રેહતા, `ધન` રહે છે , અને જેના મનમાં વિષ્ણુજી રહે છે એને ત્યાં લક્ષ્મીજી આવ્યા વિના છૂટકો નથી ..
એઝ પર વિષ્ણુ ભગવાન પ્રોમિસ..!!
હવે જો આટલો `ફર્ક` જ સમજાય તો પછી ડાયરામાં ઉડતા રૂપિયાનો અર્થ સમજાય..!!
મેં ઘણા બધા ડાયરાની કલીપો જોઈ છે અને ડાયરા પણ જોયા છે ..રૂપિયા ઉડતા જાય તેમ તેમ કલાકારને ચાનક ચડતી જાય અને ડાયરા જામતા જાય એક માહોલ ,સમો બંધાતો જાય , અને જ્યારે રૂપિયાની પથારી કલાકારને ફરતે પથરાય ત્યારે ડાયરાના `પીક` આવતા જોયા છે..!
કલાકારને ચાનક ચડાવવા ના બીજા ઘણા રસ્તા હોઈ શકે છે રૂપિયા ઉડાડવા સિવાય, પંજાબીઓમાં લગ્ન વખતે રૂપિયાના હાર વરરાજાને પેહરાવવામાં આવે છે , દક્ષીણ ભારતમાં પણ રૂપિયાના હાર ઘણા પ્રચલિત છે પણ દરેકની સમાજ એની ટીકા કરતો આવ્યો છે..
સમય અનુસાર પરંપરાઓના નવા રૂપ આપી શકાય છે એક દાન પેટી ડાયરામાં આગળ મૂકી અને નામ બોલતા જાય અને રૂપિયા નાખી શકાય છે,..
બાકી તો ડાયરો એટલે લોકોસંગીત..લોકો દ્વારા રચાલેલું ,લોકો માટેનું સંગીત ..
અમારા ગુરુ સંગીત શ્રીમતી સરોજ બેન ગુંદાણી હમેશા કહે દુનિયાભરનું સંગીત ગાઈ અને છેલ્લે લોકસંગીત ગાવ એટલે બાકી બધું ભૂલાય અને ઘેર જતો શ્રોતા એ લોકસંગીતનું ગીત મમળાવતો ઘેર જાય..!!
શ્રીમાન તારક ફતાહ સાહેબ ડાયરાને સમજવા તો ગુજરાતીના પેટે અવતરવું પડે હો બાપ ઈમ નો હમજાય..!! તમે ભી`હ ભૂલ્યા..!!
હા અમારી ભૂલ એટલી ખરી કે પેહલા એક જમાનામાં કલાકારના હાથમાં કે ચરણમાં રૂપિયા મુકતા ત્યારે સરસ્વતી અને લક્ષ્મી બંને શોભતા જયારે આજે કલાકારના માથે રૂપિયા ઉડાડાય છે..!!
એ ઉડે ઈ `ધન`….,
`લખમી` નહિ વા`લા ….!!
એ ત્યારે ભલી કરી વાલીડાઊં,
હ`ઉ મધરાત્ય ના રામ રામ..
બાપલીયા થોડામાં ઝાઝું ને ભૂલ`સુક માફ..!!
શૈશવ વોરા