અડધી કિંમતે વેચાઈ ટિકિટો..અમદાવાદની કોન્સર્ટમાં ..!!!
આપણે તો નવરાત્રી પેહલા જ સરકાર માઇબાપને કીધું હતું કે ગરબા અને ઇવેન્ટોના પાસનું એક્ષચેન્જ ખોલી અને એના સટ્ટા બજારને ઑફિશિયલ કરી નાખો ,પણ ગરીબનું કીધું ભિખારી ના માને એટલે આ વખતે “બ્લેક માર્કેટ” “વ્હાઈટ માર્કેટ” થયું , સો રૂપિયાની ટિકિટ બસ્સોમાં વેચાય તો કાળાબજાર કેહવાય , બ્લેક માર્કેટ કેહવાય ,તો પછી બસ્સોની ટિકિટ સો રૂપિયામાં વેચાય એને ધોળા બજાર જ કેહવાય ને ?
વ્હાઇટ માર્કેટ…!!!
જય હો અમદાવાદ..!!
આ શહેર તમારા મનસૂબા ઉથલાવી દે કેહવાય નહીં ..!
આજે નગરી અમદાવાદે દરેકને એકથી સાત તારીખમાં હપ્તો ખાતામાં પડે છે , લોન લીધા વિનાનો માણસ શોધ્યો મળતો નથી , અને હપ્તા કાઢવાની રામાયણ થઈ ગઈ છે ..!! બીજા બધા ખર્ચા એટલા બધા છે કે રૂપિયા ગમ્મે ત્યાંથી જોઈએ જ છે ..
આઇપીઓ ભરો , કે ત્રણ મહિના પેહલા ગરબાના પાસ લઈને ટેલીગ્રામ ઉપર ડબલ ભાવે વેચો, પણ એક્સ્ટ્રા ઈનકમ ઊભી કરો ,
એવું સાંભળ્યું છે કે પોલીસવાળા કાકા શટલિયામાં ફેરવવા રિક્ષાઓ ભાડે આપે , અને બહુ મોટા અધિકારીઓ જમીન અને બાંધકામમાં રોકડા રૂપિયા નાખે.. રોકડાની ઇકોનોમી કઈ ગઈ નથી ..આવું બધું સાંભળ્યું છે ,સાચું ખોટું રામ જાણે પણ સરકાર માઈબાપે ઓપરેશન ગંગાજળ ચાલુ કર્યું છે એટલે ક્યાંક થોડું સત્ય તો હશે..!
અડધા ભાવે પણ છેક છેલ્લી મિનિટ સુધી પાસ વેચાતા નોહતા, પ્રયત્ન ઘણા કર્યા લોકોએ પણ આ વખતે સટ્ટો ઊંધો પડ્યો ..!!
ગમ્યું આપણને ,તો એક સીધી લીટીમાં પાસ બજાર જતું હતું એની બદલે આવા ઝીગઝેગ આવે તો મજા આવે , બજાર એનું જ નામ ..!!
કોઈને આવતી એટલે કે ૨૦૨૭ ની નવરાત્રીનું લોન્ચિંગ કરવું હોય તો થાય હોં..!!
સાહિત્ય ,કલા , સંગીત આ બધા તો વોટ્સ એપ ગ્રુપો બનાવીને એક બીજાને અંદર અંદર રમાડ્યા કરે છે , કંઈક ચૂંટણી કરી , ધમાલ કરી પણ એમનામાંથી જે લોકો રૂપિયા કાઢી જાય છે એની હજી થેક લેતી હોય એમ નથી લાગતું …
આજ સુધી એમ નથી સાંભળ્યું કે ફલાણા ગરબાના રચયિતા ને અને કંપોઝરને બે બે લાખ રૂપિયા મળ્યા ..
મલાઈ તો પેલો ઇવેન્ટ મેનેજર અને વધી વધીને મોટામોટા ગાવાવાળા લઈ જાય છે ,આ બધા માટે તો અમૂલના સ્પેશિયલ ચા માટેના દૂધની ચા જેમાં પાણી વધારે અને દૂધ નામ માત્રનું.. અને તો પણ સબડકા મારી મારી અને પીવે …!!
સાહિત્ય , કલા અને સંગીતના સાધકો મોટેભાગે કોઈકની લક્ષ્મીના દર્શન કરી આનંદ આનંદ કરી લ્યે છે..
બહુ વર્ષો પહેલાની વાત …
ગુરુજીનો ફોન આવ્યો .. શૈશવ ગાડી લઈને આજે ક્લાસમાં આવજે આપણે એક જગ્યાએ આપણે જવાનું છે ..!!
સાલ ૧૯૯૩ની આજુબાજુની ..
હું બાઈક મૂકીને ગાડી લઈને ક્લાસમાં ગયો , બે કલાક રાગડા તાણ્યા, ( ગુરુજી તો રાગ શીખવાડતા પણ હું રાગને રાગડો બનાવતો ) ક્લાસ પત્યા પછી ગુરુજી કહે ગાડી કાઢ , પણ એ પેહલા એમણે મને સો નું બંડલ હાથમાં પકડાવ્યું મને કહે ગણી લે.. આપણે વાણિયાનું લોહી બંડલ હાથમાં પકડ્યું અને કીધું ઓકે છે સાહેબ , સાહેબ બોલ્યા ગણી લે ને બેટા એક નોટ ઓછી હશે તો પાપ મને ચડશે ..
શૈશવે ફટાફટ બેંકના કેશિયરની જેમ નોટો ગણી લીધી , દસ હજાર પૂરા , સાહેબ અચરજથી જોઈ રહ્યા , મેં આંગડિયાની ભાષામાં કીધું થઈ ગયા ..!
આંગડિયા માં એકવાર થઈ ગયા બોલ્યા એટલે બોલ્યા .. પછી આંગડિયો હાથના મૂકવા દે ઓછુંવત્તુ હોય તો..
સાહેબ ગાડીમાં બેઠા અને શૈશવે ગાડી ઉપાડી .. અમદાવાદના લોઅર મિડલ ક્લાસ વિસ્તારમાં અમે ગયા, ચાલીની બાહર ગાડી પાર્ક કરી ત્યાં તો ટેણિયા ગાડીની આજુબાજુ ફરવા લાગ્યા , એ સમયે ઈંટના નાના નાના ટુકડાથી નાના છોકરા ગાડી ઉપર લીટા કરી નાખતા એટલે સેહજ એ નાના ટેણિયાઓને ડારો આપ્યો .. અને અમે ચાલીમાં એન્ટર થયા.. બપોરનો સુમાર , ગીચ ઘરો, સામસામેના બે ઘર વચ્ચે માંડ છ સાત ફૂટનો રોડ ..
એક ઘર પાસે આવીને ગુરુજી ઊભા રહ્યા , લગભગ આઠ બાય આઠ ફૂટનો રૂમ , અને પાછળ ચાર ફૂટનું રસોડું ઘર પૂરું , બાથરૂમ કરતા નાનો રૂમ ..એક ખાટલીમાં એક વૃધ્ધ ટૂંટિયું વાળીને પડ્યા હતા.. અને ખાટલી ની નીચે એક ડોશી લગભગ ફાટેલી પણ થીંગડા વાળી સાડીમાં.. એક ખૂણામાં તાનપુરો પડ્યો હતો..
છેલબટાઉ શૈશવ ચારેય બાજુ નાગો નાચ કરતી દરિદ્રતા જોઈને ધ્રૂજી ગયો , શૈશવને ગભરામણ થવા લાગી , રૂમમાં જગ્યા નોહતી ,બહાર જ ચાલીમાં ઊભો રહ્યો , સાહેબે દસ હજાર રૂપિયા આપ્યા અને પેલા વૃધ્ધે તાનપુરો આપી દીધો..
મને સાહેબે ઈશારો કર્યો તાનપુરો લઈ લે.. મારા હાથ ધ્રુજે , ઓલ્મોસ્ટ હું રડી પડવાની તૈયારી ..
એક લાશ ઉઠાવતો હોઉં એના કરતા મને એ તાનપુરા નું વજન ભારે લાગ્યું , મેં ખાટલી ( ખાટલો નહીં ,ખાટલી જ ) માં પડેલા કૃશકાય વૃધ્ધને પ્રણામ કર્યા .. તે એટલું બોલ્યા સંગીત શીખજો , શીખતા રહેજો..પેલા વૃધ્ધા એ દસ હજાર ઉપાડી લીધા હતા.. કદાચ જીવનની છેલ્લી મૂડી એવો તાનપુરો વેચાઈ ગયો હતો …!!!
મારી ગાડીમાં તાનપુરો સેટ કર્યો , મેં ગુરુજીને પૂછ્યું કોણ છે આ ? ગુરુજી બોલ્યા એક સ્કૂલમાં સંગીત શિક્ષક હતો , એની વહુ ઘરના કામ કરવા જતી , છોકરા માં એક છોકરો હતો એ કંઈક મરી ગયો હવે કોઈ નથી , દયા દાન ઉપર જીવે છે.. મેં કીધું એટલે તમે દસ હજાર આપ્યા…? આ તાનપુરો તો નવો છ હજારમાં મળે છે ..ગુરુજી બોલ્યા મેં નથી આપ્યા એક મુંબઈમાં મારો તારા જેવો છોકરો છે , એણે રૂપિયા મોકલ્યા છે , હજી આ તાનપુરો કોઈક ને વેચીશું ,જે આવે તે રૂપિયા તું આપી આવજે એને ..એના જે દિવસો ટૂંકા થાય..!!!
મન મારું રડી રહ્યું હતું.. સરસ્વતીના ઉપાસકની આ હાલત..
થોડા સમય પછી તાનપુરો ત્રણ હજારમાં વેચાયો ,ગુરુજી એ કીધું જા આપી આવ .. મારી હિંમત ના ચાલી ત્યાં ફરી જવાની .. મેં કીધું મની ઓર્ડર કરી દઈએ.. માણેકબાગ પોસ્ટ ઓફિસથી મની ઓર્ડર કર્યું પણ પાછું આવ્યું.. ગુજરી ગયા હતા.. સાહેબે બીજા કોઈ સાથે એની વહુને રૂપિયા મોકલી આપ્યા..
હું હારી ગયો હતો…!!!
રામકૃષ્ણ પરમહંસ નો દરિદ્ર નારાયણ શબ્દ મને ખબર હતી પણ એટલી સમજણ નોહતી કે દરિદ્રતા માં નારાયણને હું જોઈ શકું અને એની સેવા કરી શકું …
કદાચ આજે પણ નથી … હિંમત જોઈએ ..!!
ધોમ કમાયા હોઉ પાસ વેચીને તો જરાક આવા ખૂણે ખાંચરે પડેલા કલાના સાધક દેખાય તો ..મારી જેમ ભાગી ના છૂટતા…!!
ભયંકર અફસોસ છે.. એ તાનપુરો ઉપાડ્યાનો..!
લાશ હતી એ સંગીત માસ્તરની..!
શૈશવ વોરા
*(ચેતવણી :- આ બ્લોગને તમે ફોરવર્ડ ચોક્કસ કરી શકો છો, પરંતુ પોતાના નામે કે પછી મૂળ લેખકના નામ વગર કે તેમાં કોઈપણ જાત ના ચેડા કરીને મુકવો તે સંપૂર્ણપણે ગેરકાયદેસર છે, જે કોઈ વ્યક્તિ તેવું કરશે તો કોપીરાઈટ એકટ નો ભંગ ગણાશે અને તે પ્રમાણે કરનાર સામે કાયદેસર કાર્યવાહી ચોક્કસ કરવામાં આવશે..)*