અધિનાયક વાદ ..
આજે એક સ્તંભ લેખકોના વોટ્સ એપ ગ્રુપમાં એક મેસેજ આવ્યો ,મેસેજ વર્તમાન સરકારની વિરુદ્ધમાં હતો અને પછી તો બે ચાર જણા તૂટી પડ્યા મેસેજ મોકલનાર ઉપર..
જો કે આવું કૈક જયારે બીજા ગ્રુપ્સમાં પણ થાય છે ત્યારે તો બાપરે..અહિયાં તો ઘણી શાલીનતા જળવાઈ, પણ બીજા ગ્રુપ્સમાં તો કુતરાની જેમ બાઝવા ચડે છે પ્રજા,અને સામસામે આવી જાય ..
અભદ્ર અને ઘણીવાર અશ્લીલ દલીલો પણ વાપરવામાં આવે છે..!
આવું બધું હું જોઉં ને ત્યારે મને આ “અધિનાયકવાદ” યાદ આવે છે, પશ્ચિમે અધિનાયકવાદ ના ઘણા અર્થ કર્યા છે પણ એક સીધો અર્થ “તાનાશાહ” કે “ડીક્ટેક્ટર” જ ,જો આપણે સાદી ભાષામાં જોઈએ તો આવે છે..!
બહુ બધું લખાયું છે આ અધિનાયક વાદ ઉપર કૈક લોકો પીએચડી થયા, પણ કોઈએ ખોંખારી ને કીધું નહિ કે અધિનાયક વાદ સારો કે ખરાબ..?
અધિનાયકવાદ ને જો પશ્ચિમ ની વ્યાખ્યા “તાનાશાહ” કે “ડીક્ટેક્ટર” માંથી જો આપણે મુક્ત કરી શકીએ તો આપણે ત્યાં યુગો યુગોથી આ `અધિનાયકવાદ` જ ચાલી રહ્યો છે..!!
રામ અને કૃષ્ણ ની ભક્તિ એ `અધિનાયકવાદ` જ છે..
ફરી ચેતવું છું પશ્ચિમની વ્યાખ્યા ને બાજુ પર મુકજો..ખોટા પશ્ચિમની વ્યાખ્યાની જોડે સરખામણી કરી ને મારા લોહીના પીશો કે શૈશવભાઈ તમે કેમ રામ-કૃષ્ણ ને “તાનાશાહ” કે “ડીક્ટેક્ટર” કીધા..??
અધિનાયકની હું સાદી વ્યાખ્યા કરું તો તારણહાર છે..
બધા દુઃખ અને દર્દની દવા એટલે અધિનાયક..નાયક થી કૈક વધારે અધિક એટલે અધિનાયક..!
યુગો યુગો થી આપણે ટેવાયેલા છીએ એક જ વ્યક્તિએ આદર્શ બનાવી અને એને અનુસરવા માટે, પછી એ જીવિત હોય કે મૃત પણ આદર્શ તો એક જ વ્યક્તિ..
અને આ વાતનો ઇન્ડિયન માઈન્ડ સેટનો ભરપુર લાભ એના શાસકો એ લીધો ..
અરે ત્યાં સુધી કે રાજાને વિષ્ણુ નો અવતાર અને રાણી ને લક્ષ્મી નો અવતાર ગણી લેવામાં આવતા..!!
અને ઈશ્વર નો દરજ્જો પ્રાપ્ત પંચમહાભૂતનું શરીર હોય એટલે એ કેટલું ઝાલ્યું ઝલાય..?
આપણે ત્યાં રહેલી સંસદીય લોકતાંત્રિક પ્રણાલી ખુબ જ આદર્શ છે, પણ કદાચ આ દેશ માટે નથી..!!
આપણે બહુ જ ગંદી રીતે અધિનાયકવાદ થી પીડાતી પ્રજા છીએ,એક જમાનામાં નેહરુ પછી કોણ ? પછી ઇન્દિરા પછી કોણ ? અને આજે નરેન્દ્ર મોદી પછી કોણ ?
આ બહુ જ ગંદા સવાલો છે, પ્રજા પોતે જાણે નિર્વીર્ય થઇ ગઈ હોય એમ દલીલો કરે છે..
પેહલા પણ આ જ પ્રકારે દલીલો થતી..પ્રજાને પોતાનામાં આત્મવિશ્વાસ ના રહ્યો હોય એમ દલીલો થાય છે..
શા માટે પ્રજા આવું કરે છે ?
ઇન્દિરા ગાંધીના અકાળ મૃત્યુ પછી એક સન્નાટો છવાઈ ગયો હતો ભારતીય જનમાનસમાં..
આઘાત અને સન્નાટામાં ફર્ક રાખજો..
આજે પણ એ જ પ્રકારની પરિસ્થિતિનું નિર્માણ છે,
અને દરેક જગ્યાએ એમ પુછાય છે ઓપ્શન કોણ..?
મને આ સવાલ જયારે રાજકીય પરીપેક્ષમાં પૂછવામાં આવે છે ત્યારે મારો એક જવાબ હોય છે ધરતી વાંઝણી નથી થઇ ગઈ .. દરેક કંસ નો કાળ એની નાકની નીચે જ મોટો થઇ રહ્યો હોય છે અને ફક્ત સમયની જ રાહ હોય છે..!!
આપણા દેશમાં શાસક જયારે વિપક્ષ થાય છે ત્યારે એ વિપક્ષ ને કંસ ચીતરાય છે અને એ જ વિપક્ષ જયારે શાસક થાય છે ત્યારે ફરી પાછો સામેવાળા ને કંસ તરીકે ચીતરવામાં આવે છે ..
ખુબ ખોટી પરંપરા સેટ થઇ છે..
અને આ જ પરંપરા ના એક ભાગ રૂપે પોતના નેતાના પુતળા અને નામ દરેક જગ્યાએ ચોંટાડી દઈ અને નાયક માંથી મહાનાયક અને પછી આગળ વધી ને અધિનાયકનું રૂપ ધારણ કરવાની કે આપી દેવાની ઘૃષ્ટતા થાય છે..!
અધિનાયક શબ્દ ઉપર ગુરુદેવ રવીન્દ્રનાથ ઉપર ઘણી ટીકાઓનો વરસાદ વરસ્યો છે..
રાષ્ટ્રગાન જન ગણ મન માં અધિનાયક શબ્દમાં અધિનાયક કોણ ?
બરતાનિયા ના રાજાના સન્માનમાં લખાયેલું આ ગીત આજે રાષ્ટ્રગાન નો હોદ્દો ભોગવી રહ્યું છે પણ ગુરુદેવ આ બાબતે ઘણી પેહલા જ સપ્ષ્ટતા કરેલ કે મારો અધિનાયક મારો ઈશ્વર ,અથવા મારા દેશ નો શાસક બીજો કોઈ જ નહિ ..!!
અધિનાયકનો ઈતિહાસ જોઈએ તો સતયુગમાં એવા કોઈ જ એક પ્રોમીનેન્ટ અધિનાયક નો ઉલ્લેખ મળતો નથી, પણ ત્રેતા અને દ્વાપર બંને રામ અને કૃષ્ણથી છવાયેલા રહ્યા છે અને હજી પણ કલિ કેટલો બાકી છે એની ખબર નથી,પણ લગભગ પાંચેક હજાર વર્ષથી કલિ ચાલુ થયો એમ ગણીએ તો ત્યારથી પણ રામ અને કૃષ્ણ એ જગ્યા પર તારણહારની જગ્યાએ બેઠેલા છે..!!
કૃષ્ણ માટે અધિનાયક ની જગ્યાએ ઘણી બધીવાર મહાનાયક શબ્દ વપરાય છે, પણ એમાં કોઈ વિવાદ કરવા નો મતલબ નથી કેમકે રામ અને કૃષ્ણ બંને આ આખે આખા ઉપમહાદ્વીપ માટે અનહદ આસ્થા ના કેન્દ્રો છે..!!
પશ્ચિમની સરખામણીમાં આપણે થોડી વધારે પડતી ધર્મભીરુ પ્રજા છીએ અને ડગલે ને પગલે રેફરન્સ લઈને ચાલનારી પ્રજા છીએ..! અને માટે જ આજે પણ રામ અને કૃષ્ણ જીવી રહ્યા છે..!!
અમેરીકન ડોલરની નોટ ઉપર એ લોકો કહે છે IN GOD WE TRUST ,અમને ઈશ્વરમાં વિશ્વાસ છે અને અહિયાં એ હાલત છે કે અમે ઈશ્વરમય થઇ ચુકેલી પ્રજા છીએ..
અહી કોઈ એવી અર્ગ્યુંમેન્ટ કરશે કે તો તમે આટલા “હરામી” કેમ છો..?
ટેક્ષ ચોરી ,ગંદકી વગેરે વગેરે..
એ એક જુદો ચર્ચા નો વિષય છે ફરી ક્યારેક પણ ટૂંકમાં કહી દઉં તો `વિશ્વાસવાળા` પોતાનો સ્વાર્થ ને કોઈ તકલીફ ના હોય ત્યાં સુધી `સારા` પછી હરામી, અને ઈશ્વરમય થયેલા નાની મોટી નાલાયકી કરી લ્યે પણ ઓવરઓલ સીરિયા કે બગદાદને ઉજાડી ના મુકે..!!
અત્યારના સંજોગો જોતા મને ઘણીવાર એમ લાગે છે કે મોનાર્કી ફરી એકવાર આ દેશમાં પાછી આવશે..આપણે એક જ વ્યક્તિમાં તારણહાર શોધવા ટેવાયેલા છીએ અને બાળપણથી રામાયણ અને મહાભારત બે મહાકાવ્યો સાંભળી ને મોટા થયેલી પ્રજા છીએ..
એક એક બાળવાર્તામાં એક હતો રાજા અને એક હરો રાણી ,એક હતો રાજકુમાર અને એક હતી રાજકુમારી..!! આ જ સાંભળીને મોટા થયા છીએ ..
એટલે આપણને પેઢીઓથી નાયકની નહિ અધિનાયકની ટેવ છે જે આપણા “દુઃખદર્દ” સુદામાના થયા તેમ ચપટીમાં દુર કરે..!
અને આવી જ અપેક્ષાએ વોટ આપીએ છીએ અને સત્તા ના ઉથલા મરાવીએ છે..
વચ્ચે ટીવીમાં બોલાતું હતું કે બહુ ઓછા દેશોમાં ટ્રાન્સફર ઓફ પાવર આટલી આસાનીથી થાય છે..!
ખરેખર થાય છે..?
શંકા છે માટે સવાલ પૂછું છું..
નવા નાયક ને જુનું તંત્ર સપોર્ટ કરે છે જોઈએ તેટલો ?
એવું કોણ દિલ્લીમાં બેઠું છે કે જે દેશના જીવતા-મરેલા તમામ વડાપ્રધાનના મગજમાં નોબેલ પ્રાઈઝ નો કે વિશ્વવિભૂતિ બનવાનો કીડો ઘાલે છે અને સરવાળે ભાગાકાર થઇ અને એમની બાદબાકી થઇ જાય છે..?
પ્રજા જેને નાયકમાંથી મહાનાયક ગણી ને સત્તા સોપે છે એ શા માટે અધિનાયક થવાની કોશિશ કરે છે ?
સવાલો ઘણા છે પણ હું માનું છું કે સંસદીય લોકતંત્ર એ આપણા માટે નથી, અધિનાયક ને ભારતભાગ્ય વિધાતા કહીએ છીએ તો પછી વિધાતા ની જેમ પાવર આપી દયો ,,
દરેક જગ્યાએ ચેક્સ એન્ડ બેલેન્સ મુકવામાં દેશની ઘોર ખોદાઈ ગઈ છે..
આજે રાજ કોનું છે ? કોર્ટ નું ? બ્યુરોક્રસી નું ? કે ચુટાયેલા નાયકો નું ? કે પછી મીડિયા નું ?
દેશ ને એવા નાયક ,મહાનાયક કે અધિનાયકની જરૂર છે જેને વિશ્વમાનવ ,વિશ્વવિભૂતિ , કે નોબેલ પ્રાઈઝની ખેવના કે ઝંખના ખરેખર ના હોય..
વાણી અને વર્તન કૈક અને દિલમાં કૈક એનો મતલબ નથી ખાદી ના ઝભલા પેહરે ગાંધી કેવી રીતે થવાય ..?
ગાંધીને અધિનાયક કેહવાય ..?
બીજા બે-ત્રણ બ્લોગ લખાવા પડે ..!
ફરી કયારેક..
શુભ રાત્રી
શૈશવ વોરા
તા.ક. :- કદાચ બ્લોગ લખવામાં વિરામ લઈશ એક વાર્તા ચાલુ છે અને મૂડ પણ બન્યો છે એટલે દિવાળી પેહલા પૂરી કરવી છે ,પચાસેક પાનાં લખી ચુક્યો છું બસ્સો અઢીસો પેઈજ થાય એવું લાગે છે જોઈએ હવે કેટલે પોહ્ચાય છે ,એવું પણ બને કે દિવાળીએ થોડાક પેઈજ આપી દઉં પછી વેકેશનમાં બીજો ભાગ .. પણ બે ભાગથી વધારે નહિ કરું એટલું ચોક્કસ સાયકલ મીટીંગ ની જેમ સાત મહિના નહિ ચાલવું ..
આશીર્વાદ અને પ્રેમ આપતા રેહજો ..!! બહુ જરૂર છે..!!