ઓઅલુ ..
નામ સાંભળ્યું છે ક્યારેય ..? મેં પણ નોહતું સાંભળ્યું..બીબીસી એ સ્ટોરી કરી છે આ શેહર ઉપર, બાલ્ટિક સમુદ્રના છેડે છેક ઉપ્પર સ્વીડનની સામે ફિનલેન્ડમાં આવેલા એક નાનકડા ગામનું નામ છે , જેની વસ્તી ખાલી એક લાખ નેવું હજારની છે..!!
ઓઅલુ નામના આ ગામે સોના ના સુરજ ને ઉગતો પણ જોયો અને આથમતો પણ જોયો..!!
સરેરાશ તાપમાન આખું વર્ષમાં બે ડીગ્રી રહે છે એવા આ ગામે સંચાર ક્ષેત્રમાં જબરજસ્ત ક્રાંતિ આણી અને એક એવી કંપની ને જન્મ આપ્યો કે જે ઝપાટે દુનિયાભર માં છવાઈ ગઈ..
નોકિયા..
આપણા બધાનું એક જમાનાનું સપનું કે મારા હાથમાં નોકિયાનો હેન્ડસેટ હોય..!!
અને આ સપના ની જોડે જ નોકિયાનો ઉદય થયો, એક જ કંપની નોકિયા અને એ કંપની એ આખા ફિનલેન્ડનું અર્થતંત્ર બદલી નાખ્યું ૨૦૦૧ પછી નોકિયાને લીધે ફીન્લેન્ડે ધૂમ તેજી ખાધી ,આખો દેશ યુરોથી ફાટફાટ થતો હોય એવી હાલત હતી પણ કાળચક્ર કોને કીધું ..?
એપલ અને ગુગલ ..એપલ ની આઇઓએસ અને ગુગલની એન્ડ્રોઇડ..!!
આખા ઓઅલુ ઉપર કાલીમા વેરી ગયું..!!
નોકિયા એ જેટલી ઝડપથી ઉત્થાન નોહતું જોયું એનાથી ડબલ ઝડપથી પતન જોયું…!
એક લાખ નેવું હજારની વસ્તીવાળા ગામમાં માં અચાનક બાર હજાર લોકો બેકાર થઇ ગયા..!!
અને એ પણ કેવા લોકો કે જેમના પગારો ને રૂપિયામાં કન્વર્ટ કરીએ તો ભારતના રાષ્ટ્રપતિ કરતા કૈક ગણા વધારે કમાતા લોકો..!!
હવે કલ્પના કરો કે ભારતમાં આવી કોઈ કંપની અચાનક બંધ થાય પછી શું પરિસ્થિતિ ઉભી થાય ..?
કોર્ટમાં કેટલા કેસો થઇ જાય ..?
૧૦૫ મિલો થી ધમધમતું અમદાવાદ શેહર ૧૦૫ મિલોના પતન પછી ક્યાં પોહચ્યું..?
મિલો બંધ થઇ પછી મિલોના કામદારો અને બીજા મેનેજરો એ શું કર્યું ?
માલિકો એ શું કર્યું ..?
ઈતિહાસ દરેક અમદાવાદી ને આંખની સામે જ છે ખાલી ખોટી ચીતરવાની જરૂર નથી..!!
મિલમાલિકો એ તો સાત પેઢી નું ભેગું કર્યું હતું હજી પણ એમના વારસદારો બાપદાદાના જુના મોટ્ટા બંગલા વેચી વેચી ને વીઘાઓ માં જમીનો ભેગી કરે છે અને એકરોમાં જમીનો ઉપર કબજો કરી ને બેઠા છે..!!
ઘણીવાર વિચાર આવે છે કે આ સાત પેઢીનું ભેગું કરવું એટલે શું ?
પોતાના જ વીર્ય ઉપર ભરોસો નહિ માટે સાત પેઢી નું ભેગું કરવું પડે ..?
નિ-વીર્ય પ્રજા ને હું પેદા કરવાનો છું માટે હું સાત પેઢીનું ભેગું કરી ને મુકતો જાઉં..પત્થર ઉપર પાટું મારી ને પાણી કાઢે એવી પ્રજા હું પેદા નહિ જ કરી શકું એટલો દઢ વિશ્વાસ છે મને મારી આવનારી પેઢી માટે..?
અને માટે જ હું ભ્રષ્ટાચાર કરું, માટે જ હું અનીતિ દુર્વ્યવહાર, જે હથકંડા આવડે તે બધા જ વાપરી અને ધન અને સંપત્તિના ભંડારો ભેગા કરું છું..?
બહુ જ ગંદી માનસિકતા છે ભારતની આ સાત પેઢી નું ભેગું કરી લેવાની..!!
ઓઅલુની બેકાર થયેલી પ્રજા પાસે એક વસ્તુ હતી અને એ હતી હાથમાં હુન્નર ,નોકિયા ચોક્કસ ડૂબી પણ એ એના એમ્પ્લોઇને હાથમાં હુન્નર આપતી ગઈ હતી..
સરકારે ત્યાં એન્ટરપ્રીનર સેન્ટર ખોલ્યા, જેને જે જોઈએ તે આપી અને નવા નવા સ્ટાર્ટ અપ ખોલવામાં મદદ કરી..
આપણી જેમ બધું કાગળ પર નહિ હો ..
અહિયાં તો સૌથી પેહલા સરકાર મફતના ભાવે જમીન આપવી જોઈએ ,અને પાછું જેવી આપે તેવી એ જમીન ઉપર કબજો કરી અને પછી કાગળ ઉપર ધંધો કરવાનો , કબજો બળવાન ..!!
હવે એમાં કોઈક ખરેખર ધંધો પણ કરે પણ જો નુકસાન જાય તો પણ સરકારે આપેલી સસ્તા ભાવની જમીન વેચી ખાઈશું એટલે આપણે ટેન્શન નહિ..!!!
એક નાનકડી વાત કરી દઉં..
થોડાક વર્ષ પેહલા એક ડેલીગેશન ના ભાગ રૂપે અમે લગભગ ત્રીસેક જણા ચીન દેશે ગયા હતા, અને ત્યારે ચીન દેશની એક ફેક્ટરી ની વિઝીટ એ ડેલીગેશનની ગોઠવવામાં આવી હતી..
ચીન દેશની એ ફેક્ટરીમાં લગભગ ત્રણ એક હજાર કામદારો કામ કરે..બારણે થી એન્ટર થતા જ લાગે કે કૈક જોરદાર શીખવા મળશે ..મારો બેટો ચીનો કૈક નવું લાવ્યો હશે અને શોધવું તો પડશે..
હવે થયું એવું કે ચીન દેશમાં થોડાક અંતરીયાળ વિસ્તારમાં આ કારખાનું હતું એટલે એમને ત્યાં મેહમાનો થોડા ઓછા આવતા હશે એટલે ઉત્સાહના માર્યા ફેક્ટરીના માલિક જાતે ફેક્ટરી બતાડવા આવ્યા..
અમે તો ઓળઘોળ બાપલીયા..અને ચીના કાકા પણ એવા જ ઓળઘોળ ..કારખાનાનો ખૂણે ખૂણો બતાડ્યો બધી લેટેસ્ટ ટેકનોલોજી ઓ દેખાડી અને ભાંગીતૂટી અંગ્રેજીમાં અમને ત્રીસે ને સમજાવી..
આપણને તો મોજ આવી ચીના કાકા જોડે વાતો કરવાની..
હવે ટોટલ ચાર માળ ની જાયન્ટ ફેક્ટરી અને ચોથે માળે અમે બધું છેક ધાબા લગી પોહચ્યું , અને મારો એક મરાઠી દેસી ઉદ્યોગકાર ઉવાચ્યો ..એ `સેસવ` ઇસકો પૂછ ના ઇસકી લેન્ડ કિતની હૈ ..? જમીન ..જમીન ઇસકે પાસ મેં કિતની હૈ ..?
એવી ખોપરી ફરી મારી તો..પેહલા એક ગાળ આપી અને પછી કીધું કે તારે અહિયાં જમીન માપવી છે કે ટેકનોલોજી જોવી છે ..? જમીનમાંથી જીવ કાઢ તારો ..!
પણ નથી નીકળતો કોઈ નો જીવ જમીનમાંથી નથી નીકળતો ..!!
આજે દેશ આખામાં જમીનદાર મરી ગયા છે અને એમના નવા રૂપ લઈને બીજા જુના જમીનદારો કરતા પણ મોટ્ટા જમીન માફિયાઓ આપણે રાજકરણીઓની સાંઠગાંઠથી ઉભા કર્યા છે…
દેશમાં નવા ઉદ્યોગો નાખવા માટે આપણી પાસે નથી રહી જમીન કે નથી રહ્યા પાણી..!
ઢોર નિંદ્રામાં પ્રજા અને સરકારો ઊંઘી રહી છે..
ઘોર નહિ ઢોર નિંદ્રા .. !!
ઢોરાં ને ઊંઘ આવે એટલે જ્યાં ઉભા હોય ત્યાં ઉભા ઉભા જ ઊંઘે એ સેહજ કોઈ લાકડી મારે કે હલાવે તો ત્યાંથી ખસી જાય અને પછી ફરી પાછા ઉભા ઉભા ઊંઘે ..
હવે ઘોર નિંદ્રા અને ઢોર નિંદ્રા નો ફર્ક સમજાયો ..?
ઓઅલુ ગામની પ્રજા એ ૨૦૦ નવા સ્ટાર્ટ અપ ખોલ્યા કોઈ કે એમનું નોકિયાનું શીખેલું નોલેજ લઈને બેહારાશ આવી હોય એવા લોકો માટે હિયરીંગ એઇડ બનાવ્યા , કોઈકે ઓટોમોબાઇલ કંપની ને કામ લાગે એવા સાધનો ડેવલપ કર્યા..કોઈ કે વાયરલેસ મોડ એમ ઉપર કામ કર્યા..
આખા ઓઅલુ ની પ્રજા એક થઇ અને મચી પડી ,એ લોકો સમજી ગયા કે ગ્રો થવું હશે તો ગ્લોબલ થવું પડશે અને એ લોકો ગ્લોબલ થયા..!!
અહી તો ગ્લોબલ થવું એટલે અમેરિકા કેનેડા રેહતા ભાઈબંધ ને કૈક ફેસબુક પર પોસ્ટ નાખી ને ટેગ કરવાનો એટલે ગ્લોબલ થઇ ગયા..!!
આખા ઓઅલુ ગામે દુનિયાભરમાં ટેહલ નાખી કે અમે અમારી શીખેલી ટેકનોલોજી સાથે અવેલેબલ છીએ અને પેહલો હાથ ઝાલ્યો માઈક્રોસોફ્ટ એ ,પછી એક પછી એક બધી કંપનીઓ આવતી ગઈ અને પ્રજા પોતાના પણ નવા નવા સ્ટાર્ટ અપ ખોલતી ગઈ ..
આજે એક દસકા ના અંધારા પછી ઓઅલુમાં સોના નો સુરજ ઉગ્યો છે અને એ પણ એક કંપની વાળો નહિ અનેક કંપની નો ભેગો થઇ ને ..!!
હવે કોઈ ના પાડી શકે ઓઅલુ ને..!!
ચાલો વિચારજો .. ગમે તે ધંધામાંથી કમાયેલા રૂપિયાનું મોત છેવટે જમીનો અને એસેટ ઉભી કરવામાં જ થવાનું હશે તો આ દેશ બહુ જલ્દી પરાધીન થશે..!!
ચીન પાકિસ્તાનમાં રોડ બાંધવા આવે છે અને એમના એન્જીનીઅરને કોઈ મારે નહિ માટે પોતાના સોલ્જર ઉતારવાની વાત કરે છે .. પાકિસ્તાનમાં આપણા કરતા વધારે જમીનદારો છે હજી ..
આપણે બહુ દૂર નથી..
ધોલેરા ના પ્લોટના કાગળિયાં સાચવી ને બેઠા છો ને ..?
સાચવો હો સાચવો….સ્પર્મ ડોનેશન કરનારા ઘણા પડ્યા છે..!!
આપનો દિન શુભ રહે
શૈશવ વોરા