“Right to be forgotten” ..
મારા તમારા જેવા માટે એક નવી વાત છે , કે “Right to be forgotten” આ વળી કઈ બલાનું નામ છે …?
પણ યુરોપના છાપાઓમાં તોફાન મચ્યું છે..!!
“Right to be forgotten” ના ૨૦૦૪ના બનેલા કાયદા હેઠળ બ્રિટનની કોર્ટમાં પેહ્લો કેસ ગુગલની સામે થયો છે..!!
પેહલા તો મારી સમજણ પ્રમાણે આ “Right to be forgotten” શું છે એ હું જેટલું સમજ્યો છું એટલું લખું..
“Right to be forgotten” એટલે ગુગલ અને ગુગલ જેવા બીજા સર્ચ એન્જીનસ આપણા વિષે જે કોઈ માહિતી રાખી રહ્યા છે એને જો આપણે કહીએ તો ગુગલ અને બીજા સર્ચ એન્જીનસ એ ડીલીટ કરવી પડે..
દાખલા તરીકે અત્યારે જો કોઈ ગુજરાતીમાં “શૈશવ વોરા” લખીને ગુગલમાં નાખે તો ચારે તરફ “મૈ હી મૈ હું ..” એવું લાગે કે જાણે દુનિયામાં બીજો કોઈ “શૈશવ વોરા” નું અસ્તિત્વ જ નથી..આખા ગુગલમાં શૈશવ વોરા નામની નીચે મારા લખેલા શબ્દો જ ભમી રહ્યા છે..!!!
હવે ધારો કે પાંચ સાત વર્ષ પછી મને “વૈરાગ્ય” ચડે, અને હું ગુગલને કહું..બસ ગુગલ, બહુ થયું..ઉતારી લે મારા નામના “પાટીયા”, તો ગુગલે “Right to be forgotten” નામના કાયદા હેઠળ મારા નામના “પાટીયા” કાયદેસર ઉતારી લેવા પડે..
મારું નામ અને એને લગતી તમામ ડીટેઇલ અને યુઆરએલ ગુગલ એ ડીલીટ કરવા પડે..!!
અને મજાની વાત તો એવી છે કે પોતાને લગતી માહિતી ડીલીટ કરવા માટે ગુગલને ૨.૪ મીલીયન એપ્લીકેશન અરજીઓ આવી છે..!!
ચોવીસ લાખ લોકો એ ગુગલને કીધું છે કે અમારા નામના પાટિયા ઉતારો ગુગલ..!!!
બહુ નવી વાત લાગે નહિ..??!!
અહિયાં જ્મ્બુદ્વીપે તો લોકો એસઈઓ કરાવી કરાવીને પોતાના નામ ગુગલ સર્ચમાં આગળ લાવવા મથે છે, એસઈઓના રૂપિયા ખર્ચે છે અને બીજી બાજુ અંગ્રેજ પોતાના નામને ડીલીટ કરાવવા અરજીઓ કરે છે..!!
હવે ગુગલ સામે જે ભાઈ પડ્યા છે, કેસ કર્યો છે એ આમ તો ધંધાદારી માણસ છે અને એમણે કૈક ૧૯૯૦માં “ઘપલો” કર્યો હતો..આપણા માલ્યા સાહેબ અને નીરવ મોદી સાહેબની જેમ..
પછી એ ભાઈ તો બ્રિટનમાં જ રેહતા અને ભાગીને ઇન્ડીયા તો અવાય નહિ, ઇન્ડીયાવાળો બ્રિટન કે અમેરિકા ભાગે, બ્રિટનવાળો તો “ઘપલા” કરીને જેલમાં જાય પણ ઇન્ડીયા ના આવે..કોઈક સ્વદેશીવાળાને લાગી આવે તો માફી હો..!
હવે એ “ધંધાદારી” ભાઈએ એમના કરેલા ઘપલાની સજા પણ ભોગવી પણ હવે એ ભાઈ ગુગલને કહે છે કે મારા નામને લગતી અને ઘપલાને લગતી બધી ડીટેઇલ તમે ગુગલમાંથી કાઢો અને એમાં એ સમયના જે કોઈ છાપાઓમાં પણ મારા કરેલા કાંડની વિગતો હતી એ બધી તમે “ઈરેઈઝ” કરો..!!
ગુગલ કહે એમ નાં થાય ભાઈ..તમે ઈતિહાસને “રીરાઈટ” ના કરી શકો..!!
ઈતિહાસને ફરી ના લખી શકો..!!
હે..હે..હે …!! હા..હા..હા..!! હો..હો..હો..!!
હસવું તો આવે ને ભાઈ ઈતિહાસને ફરી ના લખી શકો ..?
અલ્યા ગુગલ અહિયાં આવો ભાઈ ,ઈતિહાસની ક્યા વાત કરો અમે તો ભૂગોળને ય ફરી લખી નાખીએ..!!
અમારા દેશમાં તો બાકી જે ચાલી રહ્યું છે, કઈ કેટલા ઈતિહાસ અત્યારે ફરી લખાઈ રહ્યા છે અને હજી પણ ફરી લખાશે..
આખા રામાયણ અને મહાભારતને પણ ફરી લખી કાઢશે અમારી મહાન પ્રજા..! ઈતિહાસની ક્યાં વાત કરો છો ગુગલ..
લગભગ અત્યારે એવું વાતાવરણ તૈયાર થઇ ચુક્યું છે કે ગાંધીજી તો ખોટા ચડી વાગ્યા હતા, નાથુરામ ગોડસે એ જ આઝાદી અપાવી હતી..અંગ્રેજો તો થાકીને એમની મરજીથી ભારત છોડી ગયા હતા, ગાંધી નો કોઈ રોલ જ નોહતો અને ઉપરથી ગાંધી એ જ ભારતના ભાગલા કરાવ્યા..ગોડસેને તો ખાલી ખોટા “શહીદ” કરી નાખવામાં આવ્યા છે..!!
કેવા કેવા મુદ્દા ઉપર ગુગલ કોર્ટમાં જાય છે નહિ..??
ચાલો છોડો , જવા દો..
પોઈન્ટ ત્યાં આવે છે કે કોઇપણ વ્યક્તિના ગુન્હાહિત ભૂતકાળને સરકાર અને સમાજ એના ગુન્હા ની સજા આપી દયે છે, અને એ સજા ભોગવ્યા પછી એ ભૂતપૂર્વ ગુન્હેગાર પોતાના ગુનાહિત ભૂતકાળને ભૂલી અને એક નવી જીદગી શરુ કરવા માંગતો હોય તો એના ગુન્હાહિત ભૂતકાળને પકડી રાખનાર ગુગલ કોણ ..?
અને ગુગલ એમ કહે છે તમે જે કર્યું એ ઈતિહાસનો એક ભાગ છે તો એને કેવી રીતે ભૂંસાય..?
બંને પોત પોતાની જગ્યા એ સાચા છે..!!
ગુગલ કહે છે કે ઘણા લોકો એ જુવાનીમાં ભૂલ કરી હોય પણ એમને ફરી એકવાર નોર્મલ જિંદગી જીવવાનો હક્ક છે પણ જેણે સીરીયસ ક્રાઈમ કર્યો હોય તો એ ક્રાઈમને કેવી રીતે ભુલાવી શકાય..? આજકાલની નવી પેઢી કોઈપણ નવી વ્યક્તિને મળતા પેહલા ગુગલ કરી લ્યે છે અને પછી મળવા જાય છે, એવા સંજોગોમાં ભૂતપૂર્વ ક્રિમીનલ પોતાની જાતને કેવી રીતે છુપાવી શકે..?
અઘરો કેસ છે આખો..
ભૂતકાળ ભૂલવો કે નહિ ?
આપણે ભારતવાસીઓ તો એમાં માનતા જ નથી, આખી રામાયણ લખનારા મહર્ષિ વાલ્મીકીની પેહલી ઇન્ટરોડક્શન તો “વાલીયા લુંટારા” તરીકે જ સ્કુલમાં અપાય છે, પછી મહર્ષિ વાલ્મીકી તરીકે એસ્ટાબ્લીસ્ટ કરવામાં આવે છે..
આપણે માફી ચોક્કસ આપીએ છીએ, પણ ભૂલવાનો હક્ક તો ભૂલથી પણ કોઈને આપતા નથી, અને એટલે જ આપણે ત્યાં ગ્રે એરિયા વધારે મોટો છે, બ્લેક એન્ડ વ્હાઈટ કરતા..!
આપણી પાસે નથી કાળું કે નથી ધોળું બધું જ બંને નું મિક્ષચર છે ગ્રે છે..!!
માફી આપીને ભૂલી જવાની સંસ્કૃતિ આપણે છોડી ચુક્યા છીએ એટલે “ભૂલ” નો સ્પેક્ટ્રમ મોટો કરી નાખ્યો છે..
બહુ જ “મોટી ભૂલ” જ સજાને પાત્ર છે.. બાકી “નાની નાની ભૂલો” તો થાય હવે, અને એક્ચ્યુલી એવી “ભૂલ” કરવા માટેના “ચાન્સ” લોકો શોધતા હોય છે..!!
આટઆટલા મોટા કૌભાંડો કરીને મોટા થયેલા લોકો ને આપણો સમાજ હમેશા મંચ પર બેસાડે છે ,
કૌભાંડ કરીને પરદેસ નાસી તો બે ચાર જ જાય છે, બાકી અહિયાં રહીને પણ “મોટા” થયેલા લોકો આજે બે હિસાબ દૌલતના માલિક છે..અને એ લોકો સમાજના “મોટા” માણસો છે..!!
આપણા દેસમાં હજી દરેક માણસ માટે ગુગલ કરવાનો રીવાજ નથી, હજી પણ આપણે છાનામાનાં કોઈક “પંચાતીયા”ને ઝાલીએ છીએ અને રેફરન્સ લઈએ “ ફલાણો કેવો ?” “ઢીંકણો કેવો ?”
આ પંચાતીયા શબ્દ ઉપર બહુ હરખાવાની જરૂર નથી હો ,દરેકમાં એક પંચાતિયો રહેલો છે..!!
હજી પણ આવો એક બીજો કેસ હાઈકોર્ટમાં જઈ રહ્યો છે,એ ભાઈએ કોઈના કોલ આંતરીને ટેપ કર્યા હતા..!! અને ગુગલ સામું પડ્યું છે કે ના ભાઈ તમારી હિસ્ટ્રી ડીલીટના થાય..!
સાલું ગુગલ ક્યારેક આપણા સર્ચએન્જીન ની ડીટેઇલ હિસ્ટ્રી જાહેર કરી દયે કે આપણે શું શું સર્ચ કરીને શું શું જોતા હતા બાળપણથી તો ..?? અને હજી પણ શું જોઈએ છીએ તો ?
બોલો..બોલો ..
હાથમાંથી ચા નો કપ છૂટી જાયને ..
ઘાભરું નકો ..
સિદ્ધાં જુઠ્ઠા બોલનેકા, મારા એકાઉન્ટ કોઈકે હેક કરેલા ભાઈ, બાકી મું` તો રોજ દેવદર્શન કરનારો અને તિથી પાળનારો, અને પુનમ ભરનારો, હું તો આવું કઈ કરું..?
ના લાલા ના…!!
હું કરું હો, તું નહિ..!!
આપનો દિવસ શુભ રહે
શૈશવ વોરા