પેહલા લખ્યું હતું કે અલગથલગ
પડતી જતી દુનિયા,
આજે અલગ-થલગ
પડી ચુકેલી છે દુનિયા,
થઇ ચુકી છે દુનિયા અલગ અને થલગ
,
ભારત દેશ બંધ થઇ ચુક્યો છે,જોડે જોડે બાહરની બીજી ઘણી બધી દુનિયા પણ બંધ કરી મુકવામાં આવી છે,
એની પાછળ નો આશય પણ એક જ છે વસ્તી ને બચાવો..
અમારા કનકકાકાની એક કેહવત હતી કે “દઈણા દળી ને રાજ રાખવા પડે..”
ઇટલી નો અનુભવ લઇએ તો જો આમ ને આમ મૃત્યુદર આગળ વધતો જ રહ્યો તો રાજ કરવા માટે વસ્તી જ નહિ બચે,
વસ્તી હશે તો રાજ કરશો ને..?
ધીમે ધીમે લોકડાઉનમાંથી “મજા” નું તત્વ ગાયબ થઇ રહ્યું છે ને અજાણ્યો ભય ઘેરી રહ્યો છે ભારત બહારની દુનિયા ને,
જે લોકો આપણા પેહલા લોકડાઉનમાં ગયા છે ને ઘણા સમયથી લોકડાઉનમાં છે એવી જગ્યાઓથી ફ્રસ્ટેશન ચાલુ થયા છે..
બેફામ આવતા વોટ્સ એપ અને બીજા સોશિઅલ મીડિયા જોઈ જોઈ ને લોકોના દિમાગ સડી ગયા છે પરદેસમાં, એટલે ત્યાંથી ક્યાંક કોઈક નો ફ્રસ્ટેશનમાં ફોન આવે તો જરાક પ્રોપર હેન્ડલ કરી લેજો..
અમેરિકાના કેસ ચાઈના ને ક્રોસ કરી ચુક્યા છે તો પણ ટ્રમ્પ સાહેબ ટસના મસ નથી થતા લોકડાઉન માટે, દરેક પ્રોવિન્સના ગવર્નર અને મેયરોના માથે નાખે છે ,
ન્યુયોર્ક ની પરિસ્થિતિ વધારે ખરાબ થતી જાય છે પણ ટ્રમ્પ સાહેબ ને ઈસ્ટર સન્ડે અને ઈસ્ટર યાદ આવે છે એમની ઈચ્છા છે કે બધાય ભેગા થઈને ચર્ચમાં જાય ઈસ્ટર સન્ડે એ..!
બે થીયરી બહાર આવી છે કોરોના ના કોગળિયામાં ..
એક “દઈણા દળી ને રાજ રાખવા પડે..”
બે “એમ જીવતર ના મોહ રાખી ને ફનાફાતિયા ના થવાય..”
દુનિયા આખીમાં લગભગ લોકતંત્ર છે, લોકો ના હાથમાં રાજ છે ,પેઢી દર પેઢી રાજકાજ નથી થઈ રહ્યા એટલે નક્કી નથી થતું કે શું સાચું છે..
ગમે તે ભોગે પ્રજા ને બચાવી લેવી , કે પછી બચે એટલા બચાવો અને બાકીના ને લઈને આગળ વધો..
એક અમેરિકન સેનેટર એમ કહે છે કે હું ઘરડો થઇ ગયો છું અને કોરોનામાં હું મરી જતો હોઉં તો હું ભલે મરું પણ લોકડાઉન કરી ને આર્થિક રીતે પાયમાલ થયેલા દેશને મારા ગ્રાન્ડચિલ્ડ્રન ને મારે નથી આપવો ..!!
અને બીજી બાજુ “દઈણા દળી ને રાજ રાખવા પડે..” ને રાજ રાખવાની વાત કરવી પડે છે , ગમ્મે તે થાય ઈકોનોમી પૂરી થતી હોય તો થાય, પણ પ્રજા ને જીવાડો ..
બોલો પ્રજા વત્સલ
કોણ..?
રૂપિયે ટકે બરબાદ થઇ ને પોતના ઘરડા લોકો ને સાચવતો કે પછી અમે મરીએ તો ભલે મરતા પણ અમારા સંતાનો ને પાયમાલ નથી કરી મુકવા..
ઘરડા નો મોહ છોડી અને બાકીના ને કોરોના થતો હોય તો થવા દઈ અને થતો હોય તો ક્યોર થવા દઈ ને આગળ વધીએ.. કે પછી મેહલો મીનાર નથી જોઈતા માણસ નામે જોઈએ છે..!!
ભારત દેશના ધીરજ ની કસોટી થવાની છે, ૨૧ દિવસ તો પ્રજા હોંશે હોંશે કાઢી નાખશે પણ પાછળથી ક્યાંક લોકડાઉન લંબાવવાનો વારો આવ્યો તો ?
હમણાં જ એક પરદેસથી આવેલા હોમ કોરોન્ટાઇન કરેલા મિત્ર જોડે વાત થઇ..
વીવીઆઈપી ટ્રીટમેન્ટ આપી રહી છે ગુજરાત સરકાર અને એએમસી,
રોજ ચોખ્ખા શાકભાજી અને દવાઓ વત્તા ફ્યુમીગેશન જબરજસ્ત સર્વિસ અપાઈ રહી છે..
સેલ્યુટ ગુજરાત સરકાર અને અમદાવાદ મ્યુનીસીપલ કોર્પોરેશન ના તમામ કર્મચારીઓ ને..!!!
મને લાગે છે કે અત્યારે તો નરેન્દ્ર મોદી સરકાર “દઈણા દળી ને રાજ રાખવા પડે..”
આ થીયરી ઉપર જઈ રહી છે ,આર્થિક નુકસાન જે થવું હોય તે થાય પણ પેહલી પ્રજા અને એ જ લાઈન ઉપર સમાજનું પણ સમર્થન મળી રહ્યું છે એમને , એટલે જ મફત મળે એ લઇ લેવાની વૃત્તિવાળી પ્રજા નો એક મોટો ભાગ સમય આવ્યે આપવા પણ નીકળી પડે છે..ઇનફેક્ટ નીકળી પણ પડી છે ,બાહર રોડ રસ્તા ઉપર રેહતા લોકોને ખીચડી વિતરણના ફોટા સામે આવી રહ્યા છે , ધીમે ધીમે પ્રજા પોતાના ખજાના ખોલી રહી છે અને આગળ આવી રહી છે..
કોર્પોરેટ કંપનીઓ પણ એમના બારણા ખુલ્લા કરી રહ્યા છે..
ખરા અર્થમાં એક રાષ્ટ્ર થઇ રહ્યું છે કોરોના ના કોગળિયા ની સામે..
મે મહિનો કેવો હશે એની કલ્પના આજે કોઈ જ કરી શકતું નથી..
દુનિયાભરના પ્રોજેક્શન કરનારા અત્યારે ઠંડાગાર થઇ ને બેઠા છે નથી સેલ્સના ટાર્ગેટ યાદ આવતા કે નથી પ્રોડક્શનના..
ભારતમાં કેહવું થોડુક વેહલું છે કે કેસીસ ઇટલી ,અમેરિકા કે સ્પેન જેટલા નથી વધ્યા , પણ જો આ લોક ડાઉન ના આવ્યું હોત તો ચોક્કસ ફેલાઈ જતે …
લોકડાઉન માની લઈએ એ ૧૫ એપ્રિલે ખુલી જાય તો પણ ધંધા ધાપા ની શું પરિસ્થિતિ હશે એ ખબર નથી ,બધું નોર્મલ થતા થતા બીજા ત્રણ મહિના નીકળી જાય અને તો પણ પેહલાની જેમ ખુલ્લા મોઢે ,(અહિયાં ખુલ્લી છાતીએ શબ્દ પ્રયોગ ને ટાળું કેમકે ખુલ્લી છાતીએ મરવાનું નથી પણ ખુલ્લા મોઢે …!? ) નીકળવાનો મતલબ નહિ રહે ..
તજજ્ઞો એમ કહે છે કે તમને જ્યાં સુધી કોઈ લક્ષણ નથી ત્યાં સુધી તમારે માસ્ક પેહરવા ની જરૂર નથી ,
પણ આ તો એવી વાત થઇ કે પરદેસથી આવેલા ઘણા “કલાકારો” ઇન્ડિયા આવે એના કલાક પેહલા પેરાસીટામોલ ખાઈ લેતા એટલે સાધારણ તાવ હોય તો પણ થર્મલ સ્કેનીગમાં પકડાયા નહિ અને પછી દેશ આખાની પથારી ફેરવી નાખી..
એટલે બધું ખુલે પછી પણ માસ્ક પેહરવા સારા ..!
હવે ધીમે ધીમે ઘણા બધાના આ અઠવાડિયામાં ઇન્કયુબેશન પીરીયડ પુરા થઇ રહ્યા છે હજી સુધી તો કોઈ બહુ મોટા સમૂહના એવા કોઈ લક્ષણો દેખાઈ નથી રહ્યા એટલે જરાક હૈયે હામ રાખવા જેવી ખરી..
પ્રેકટીકલ મુસીબતો ધીમે ધીમે વધી રહી છે પણ સરકાર કામ કરી રહી છે અને એ દેખાઈ રહ્યું છે, આશા રાખીએ કે ૭ મી એપ્રિલ પછી બહુ મોટું કઈ ના થાય તો તબક્કાવાર બધું ધીમે ધીમે ખોલવાનું ચાલુ કરી શકાય પણ સૌથી છેલ્લે રેલ્વે અને બસ ટ્રાન્સપોર્ટ નો વારો અને હા પરદેસથી આવે એ સીધો સરકારી નજર હેઠળ , અને એ આવનારાના જોખમે અને ખર્ચે કોરોન્ટાઇન થવો જોઈએ ૧૪ દિવસ પુરા પછી ઘેર જાય ..
અત્યારે અલાસ્કામાં જવું હોય તો ૧૪ દિવસ પેહલા કોરોન્ટાઇન થાવ પછી રખડો એમ ભારતમાં આવવું હોય તો ૧૪ દિવસ પેહલા કોરોન્ટાઇન થાવ સો વાતની એક વાત અને હા ભાઈ ફરી એકવાર તમારા ખર્ચે અને જોખમે ..
જેને અને તેને પરદેસથી તાણી લાવ્યા અને એ ઘોડીનાઓ દેશ આખામાં ભાટકવા નીકળી પડ્યા ને અત્યારે દેશની ઈકોનોમી ની પત્તર રગડી નાખી છે એવું હવે ફરી એકવાર કરવાની જરૂર નથી ..
જે પ્રજા સાનમાં સમજી છે એ પ્રજા ને ઝોમ્બી
થતા વાર નહિ લાગે..!
એટલે હવાઈ જહાજ સૌથી છેલ્લે ને આંતરરાષ્ટ્રીય એનાથી પણ પછી..!!
બધાય મરજાદી
થઇ ને અપરસ
માં રેહવાનો વારો આવ્યો છે..
જલ્દી જલ્દી આરામથી ઊંઘી જાવ ,ઉઠી ને પાછો આરામ કરવાનો છે ..
સ્કુલ ,કોલેજ છૂટી ગઈ એ પછીનું પેહલું વેકેશન છે ૨૧ દિવસનું ,
ડરો નહિ માણો..!!
ઘરમાં રહી ને..
શુભ રાત્રી
શૈશવ વોરા
(ચેતવણી :- આ બ્લોગને પોતાના નામે કે પછી મૂળ લેખકના નામ વગર કે તેમાં કોઈપણ જાત ના ચેડા કરીને મુકવો તે સંપૂર્ણપણે ગેરકાયદેસર છે , જે કોઈ વ્યક્તિ તેવું કરશે તો કોપીરાઈટ એકટ નો ભંગ ગણાશે અને તે પ્રમાણે કરનાર સામે કાયદેસર કાર્યવાહી ચોક્કસ કરવામાં આવશે..)