આજે રવિવાર..૨૯ મી માર્ચ ૨૦૨૦..!
ખાસ તારીખ અને વાર લખવાનું કારણ એક જ કે મોટાભાગની જિંદગીઓ મારી જેમ એવરી ડે ઈઝ સન્ડે
ની થઇ ચુકી છે, તદ્દન નવરી બજાર થઇ ગઈ છે જિંદગી ..
એકલા વોટ્સ એપ, ફેસબુક અને બીજા સોશિઅલ મીડિયામાં દિવસ સાચું કહું તો ક્યાં પસાર થાય છે એની ખબર જ નથી પડતી,પેહલા એવું હતું કે આવા પહાડ જેવા ૨૧ દિવસો કેવી રીતે જશે ?
પણ ઉગેલો સુરજ આથમી જ રહ્યો છે અને એ પણ સારી રીતે ,
નોકરિયાતો ને ચિંતા ઓછી છે, પણ જે ધંધા ધાપા લઈને બેઠા છે એમના માથે બજારમાં ફરતા વોટ્સ એપ અને બેજવાબદાર મીડિયાના બયાનો ચિંતાની લકીર લાવી દે છે..
સરકારે એક આર્થિક રાહત પેકેજ બનાવ્યું અને મુક્યું કે જે ૩૦મી જુન સુધી નું છે એટલે એવા અનર્થ
કાઢવા ના ચાલુ થઇ ગયા કે લોકડાઉન ૩૦મી જુન સુધી ચાલશે..
હર્રામ નું ખાવું છે અને બેઠા બેઠા ફક્ત સોશિઅલ મીડિયા કરી ખાય છે એવા લોકો સરકારના તમામ પગલા ને આ રીતે મિસઈન્ટરપ્રીટ
કરી રહ્યા છે..
એટલી સધ્ધર ઈકોનોમી નથી કે ૩૦ જુન સુધી બધા ને બેઠા બેઠા આખો ભારત દેશ ખવડાવે, સરકાર નોટબંધી થી ઈનફ દાઝી ચુકેલી છે..
બેજવાબદાર મીડિયા નો એક મોટો ભાગ પોઝીટીવ ને બદલે નેગેટીવ રીપોર્ટીંગ કરી રહ્યો છે અને એના કારણે પલાયન વધી રહ્યું છે,
બાયડી છોકરા ને ખભે લઇ ને ચાલતો નીકળે તો એને બિરદાવવામાં આવે છે એની બદલે એમ નહિ કે બકા જા ને જ્યાં રેહતો તો ત્યાં જ બધી વ્યવસ્થા કરવીએ છીએ, નિર્જીવ રીપોર્ટીંગ થાય છે પેલા છોકરા અને ગીધના ફોટા જેવું..
જમવા ના સીધુ સામાન ના વિતરણ માટે સરકાર ના ખભે ખભા મિલાવી ને સામાજિક અને ધાર્મિક સંસ્થાનો પણ હવે મેદાનમાં આવી ચુક્યા છે એટલે કદાચ પલાયન ઉપર થોડો કાબુ મેળવી શકાય તેમ લાગે છે પણ લોકો હજી પણ નથી સમજતા અને દે દે અફવાઓ ને ફોરવર્ડ કરી રહ્યા છે..
ખોટી અફવાઓ દુનિયાભરમાં ફેલાઈ રહી છે અને ઈરાન જેવા દેશમાં એ પણ ઘાતક નીવડે છે, સોશિઅલ મીડિયા નો ઉપયોગ ને બદલે દુરુપયોગ થાય ત્યારે કેવું પરિણામ આવે એ આજે ઈરાનમાં જોવા જેવું છે..
કોરોના ના ફીઝીકલ કેસ કરતા “માનસિક કોરોના” ના કેસો વધી રહ્યા છે જેમ જેમ દિવસો વિતતા જાય છે તેમ તેમ ,
ઘણા બધા કેસમાં તો ડોકટરો પોતે પણ કે જે દવાખાના અને હોસ્પિટલો બંધ કરી ને બેઠા છે અને એમાં પણ “માનસિક કોરોના” નો ભય દેખાઈ રહ્યો છે..
નોન-મેડીકો થઇ ને મેડીકો ને ચેલેન્જ ના કરાય પણ જિંદગી આખી મેડીકો ની વચ્ચે જીવ્યો છું એટલે એટલી તો ખબર પડે છે કે પ્રાઈવેટ ડોક્ટર્સ એ પોતાની એક લક્ષ્મણ રેખા બાંધી દીધી છે,
સાવ હાયપોગ્લાયસીમા ના કેસ હોય તો પણ એને અડતા “નાની હોસ્પિટલ” વાળો “નાનો ડોક્ટર” ડરે છે અને “મોટી હોસ્પિટલ” ભેગું થાય છે પેશન્ટ ,
ને ત્યાંથી પણ જેવું પેશન્ટ કન્ટ્રોલમાં આવ્યું એ ભેગું ઘેર ,
જ્યાં એવો પ્રોટોકોલ હતો કે આઈસીયુમાં આવે એટલે ૭૨ કલાક તો ઓબ્ઝર્વેશનમાં પેશન્ટ રાખવું ત્યાં ફટાફટ ડીસચાર્જ ..
કોઈ ને એપીડેમિક માં પેશન્ટ “પકડી” રાખવામાં રસ નથી રહ્યો..
ઝટ ઘરભેગું કરો એટલે અમે છુટ્ટા..!
કોરોના માટે કોન્ફિડન્સ લેવલ આવતું નથી..નથી દવા કે પ્રોટોકોલ ડેવલપ થતો કે નથી મેડીકો રેપ જેને “તુચ્છ” ગણવામાં આવે છે એ એમની બેગમાંથી કોરોના વિશે ના જ્ઞાનના ભંડાર ખોલતા એટલે ડોક્ટર્સ પણ મીડિયા અને સોશિઅલ મીડિયા ને સહારે છે ..
જેમને કોરોના ના પેશન્ટ જોડે ડીલ કરવા મળ્યું છે એ બધા ઝટ પેપર્સ પબ્લીશ કરો કઈ ટ્રીટમેન્ટ કરી અને શું રીઝલ્ટ આવ્યું એટલે બીજા ને સૂઝકો પડે,બાકી તો સોશિઅલ મીડિયા ની કૃપાથી પેશન્ટ જેટલું જ નોલેજ ડોક્ટર સાહેબ જોડે રેહશે અને પછી તો માનસિક કોરોના હોય કે ખરો કોરોના હોય “ટ્રીટ” કરી રહ્યા ડોક્ટર્સ..
જો કે પબ્લિક સામે બીમાર પડતી પણ ઓછી થઇ ગઈ છે , બાહરનું ખાવાનું બંધ ,દુનિયાભરના સ્ટ્રેસને બાજુ ઉપર મૂકી દીધા છે અને સોશિઅલ મીડિયા ઉપર હા..હા..હીહી ચાલી રહ્યા છે એટલે એશી ટકા રોગ ઓછા થઇ ગયા છે ને કોગળિયાની બીકે ઘરમાં પણ આચરકુચર બહુ ખાતી નથી પ્રજા એટલે ઘણું બધું એક સાથે કન્ટ્રોલમાં આવ્યું છે..વજન સિવાય..!!
બેહનો ને કામવાળા નથી એટલે બધું મેળે મેળ આવી રહે છે કેલરી સારી એવી બળી જાય છે , “ખાટલે થી પાટલે ને પાટલે થી ખાટલે” વાળા ને જેવું બધું ખુલે એ ભેગા ક્યાં તો જીમ ની ફી ભરવા દોડવા નું છે અને ક્યાં તો ત્રણ ઇંચ મોટી કમ્મર ના પેન્ટ બજારમાંથી લેવા..
વધેલું દેવું અને વધેલી કમ્મર આ બે ને ઉતારતા અચ્છા અચ્છા ના ઘોર કલિયુગમાં દમ નીકળી જાય છે..!!
એક બીજી પણ ભણેલી ગણેલી પ્રજા બેજવાબદારી ભર્યું વર્તન કરી રહી છે , જે દવાઓ ફક્ત પ્રિસ્ક્રીપ્શનથી જ મળે એ બધી દવાઓ નું લીસ્ટ ફેરવી રહી છે જનતા , કે ડોક્ટર ના મળે તો ઈમરજન્સીમાં તમારે આ દવાઓ ખાઈ લેવી..
તારા બાપ નું તગારું રીએક્શન આવશે તો શું કરીશ ? એક ઝાટકે તારી નજર સામે ઉકલી જશે તારું જ સગું..
મેહરબાની કરી ને એવા કોઈ જ ધંધા ના કરતા , ડોક્ટરની સલાહ વિના એકપણ દવા ખવાય નહિ, ઘણા બધા લોકો મારા મમ્મી પપ્પા ને કેહતા અને કહે છે સાહેબ કઈ થયું નથી પણ શરદી ઉધરસની દવા આપી દો ને અને પાપા અને મમ્મી નો એક જવાબ હોય છે આ તે કઈ મીઠાઈ ની દુકાન છે કે મન થયું એટલે ખરીદી લેવાની ?
હાલતો થા ..
એક દોઢ ડાહ્યું તો પાછું ભર દવાખાને આગળ વધ્યું ..અરે સાહેબ હું ક્યાં મફત માંગુ છું ? અને પછી તો બીજા દવાખાનામાં બેઠેલા પેશન્ટો એ જ એને પૂરો કરી નાખ્યો .. “હેઠો ઉતર અને ફરી આ દવાખાને પગ નો મુકતો લોહરીના કરી ને એક જુના પેશન્ટ કાકી એ એને જે લીધો છે .. મારા આ વોરા સાહેબ અને ભાભીએ કોઈ દિ રૂપિયા માટે કોઈને દવા નથી દીધી , હાલી મળ્યો છે રૂપિયા ના પાવર બીજે બતાડવાના ,હાલ હેઠો ઉતર નકર ચપ્પલ કાઢું સુ...” એમનું વિકરાળ સ્વરૂપ જોઇને પેલો જાય નાઠો..પછી મમ્મીએ એ બેન ને શાંત કર્યા ..બેન આમ ના બોલાય દવાખાનામાં .. પણ બેનની આંખમાંથી પાણી ની ધાર જાય ..અરે બેન તમે ને સાહેબે કે
દી રૂપિયા લીધા છે ? આ હું ભૂંડી અઠવાડિયે બે વાર પ્રેશર મપાવા હાલી આવું છું અને નથી તમે રૂપિયા લેતા કે નથી આ મારા સાહેબ, મને ય શરમ આવે છે ભૂંડી હું કેમ આમ મફતમાં મોઢું ઉપાડી ને હાલી આવું છું..
અને મમ્મી પછી એમને શાંત કરે..
જો કે અમારા પેશન્ટો પણ જરાય નગુણા નહિ ,પપ્પા મમ્મી જેમના જેમના રૂપિયા ના લ્યે એ એમનાથી થાય એટલા એ જાતે ઘસાય કે પછી કૈક વસ્તુઓ લેતા આવે .. છેવટે એકાદ અથાણા નો ડબ્બો કે વડી પાપડ એવું પણ લેતા આવે મહીને દિવસે..!
નથી લેતો કે રાખતો…સમાજ નો એક વર્ગ એવો છે કે જેને કદર છે..
ગઈકાલે એક નોકરિયાત નો ફોન હતો શૈશવભાઈ બેઠા બેઠા હરામ નું આવું કેવી રીતે ખાવું અને કેટલા દિવસ ખાવું ? દર્દ હતું એના અવાજમાં મફતનું ખાવાનો..
છે ,એવા પણ લોકો છે કે જે આવું પણ વિચારે છે..
બહુ દિવસે આ “લોહરીના” ગાળ યાદ આવી છે, મતલબ ખબર નથી પણ વાપરું છું..
“લોહરીનાઓ અફવાઓ નો ફેલાવશો અને સોશિઅલ ડીસ્ટનસિંગમાં સમજજો મુઆ ઓ નહિ તો કોગળિયું ઘાલી જશે લાકડે..! અને આંકડા જોઈ જોઈ ને બીશો નહિ અને બીવડાવતા નહિ ધરપત રાખી ને ઘરમાં ગુડા
જો ”
બસ હો, એ કાકી તો સ્વર્ગે છે પણ જોર ગાળો નો ખજાનો હતો..
લુંટવા નો રહી ગયો,
આ મમ્મી ને લીધે .. એકવાર બાળપણમાં “લોહરીના” બોલ્યો હતો અને પ્રેક્ટીકલી મરચું ભરવામાં આવ્યું હતું મોઢામાં..!!
યાદ છે ..
ચાલો લખતા લખ્યું છે કોઈને કઈ વાંકું લાગે તો ક્ષમા, પણ સાચવજો મુકમ્મલ ઈલાજ નથી એટલે સાચવવું એ જ રસ્તો..
આપનો રવિવાર શુભ રહે
શૈશવ વોરા
(ચેતવણી :- આ બ્લોગને પોતાના નામે કે પછી મૂળ લેખકના નામ વગર કે તેમાં કોઈપણ જાત ના ચેડા કરીને મુકવો તે સંપૂર્ણપણે ગેરકાયદેસર છે , જે કોઈ વ્યક્તિ તેવું કરશે તો કોપીરાઈટ એકટ નો ભંગ ગણાશે અને તે પ્રમાણે કરનાર સામે કાયદેસર કાર્યવાહી ચોક્કસ કરવામાં આવશે..)