છેલ્લા બે ચાર દિવસથી અમે અમદાવાદની રાતની “ચોક્દારી” રાખેલી..
મસ્ત મસ્ત ગુલાબી ઠંડી છેલ્લા અઠવાડિયાથી પડી રહી છે એટલે મધરાતે કાંટીયું માથે ચડે પછી રખડી ખાવાની જોર મજા આવે,
સદીઓથી અમને એવી આદત રહી છે, રાત માથે લેવાની, અને અમને અમારી જોડે અમારા જેવા ચોકીદારો મળી રહે છે..!!
એશીના દાયકામાં અમારી જોડે “ચોકીદારી” કરતા એ બધા જોડે પોણી રાત્રે અમે “થાકી”ને વિસામો લેવા સિલ્વર લીફમાં ભેગા થતા, પછી ધીમે ધીમે જેમ જેમ અમદાવાદનો `વિકાસ` થતો ગયો અને થોડાક વધારે સિતારા લાગતા ગયા હોટેલોને એમ એમ એમની નવી નવી કોફી શોપ્સ ખુલતી ગઈ, અને અમે અમારા વિસામા લેવાના ઠેકાણા બદલતા ગયા..
અત્યારે “ચોકીદારી” કરી ને થાકીએ તો મેરિયટ કે પછી હયાતમાં મુકામ કરીએ અને પત્નીજીના ત્રણ ચાર ફોન પછી ગેંગને કહીએ કે હવે જવું પડશે હો .. એમ કરીને નીકળીએ..!!
બે દિવસ પેહલા મધરાતે નવરંગપુરા મ્યુનીસીપલ માર્કેટ અમે પોહચ્યા અને આદત પ્રમાણે થીક-શેક માટે અમારો જુનો પાળેલો વેઈટર જેન્તી ના નામની બુમ પાડી અને જેન્તી`ડો દોટ મૂકીને આવ્યો સાહેબ સાહેબ .. કરતો.. થોડીક વાર જેન્તીડાની જોડે તને સાંભરે રે મને કેમ વિસરે રે કર્યું ..અને વગર ઓર્ડર કર્યે જેન્તી આપણો થીક-શેક લેતો આવ્યો..
જેન્તીડા જોડે વાતો કરતા કરતા પેહલા તો સમય કેટલો પસાર થઇ ગયો એ ખબરના પડી પણ જેન્તી થીક-શેક લેવા ગયો ત્યારે દિલમાં એક થડકારો થઇ ગયો ..
ત્યારે તો જેન્તીડો નાનો ટેણીયો હતો, મારી આંખ સામે જેન્તી ને મુછ નો દોરો ફૂટ્યો અને જુવાની જેન્તીડા એ પકડી..મહાદેવની પાછલી ગલીમાં જેન્તી`ડો કોઈ હોલીવુડની હિરોઈન ને લઈને ઉભો રેહતો, ત્યારે એકવાર એને ઝાલ્યો હતો અને પછી હું એના શેઠને કે એના મોટાભાઈને કહી દઈશ એવી બીકે સિધ્ધો દેશમાં ભાગી ગયો હતો,એના દેસમાં બાળલગ્ન થઇ ગયેલા હતા એટલે એ ડર્યો હતો..અને આજે તો જેન્તીના પોણા વાળ ધોળા થઇ ગયા છે..
બાપરે..
જિંદગી ચાર દસકા આગળ ખેંચાઈ ગઈ અને અમે ત્યાના ત્યાં રહ્યા..શીંગડા ટ્રીમ કરી કરીને વાછરડાઓ જોડે રખડતા રહ્યા..!!!
પણ ચાર દસકામાં ફર્ક શું આવ્યો..?
દેખીતો ફર્ક એવો આવ્યો કે કંજૂસ ગણાતું અમદાવાદ છુટ્ટે હાથે રૂપિયા વેરી રહ્યું છે..!!
જયારે અમે સિલ્વર લીફમાં બેસતા ત્યારે અમે `છેલબટાઉ` કેહવાતા અને આજે નહી..!!
અમદાવાદી માણસને પ્રાઈઝ અને વેલ્યુ નો ફર્ક ત્યારે પણ ખબર હતો અને આજે પણ છે, છતાંય બહુ પ્રેમથી અમદાવાદી રૂપિયા વેરે છે ..!
એક ઢોકળાની કે મુઠીયાની ડીશ આજે અમદાવાદની હોટેલોમાં પાંચસો રૂપિયા સુધી વેચાય છે, જુના લોકોને લઇને એવી જગ્યાએ જાવ તો બીલ અને મેનુ કાર્ડ સંતાડવું પડે નહિ તો ધરાર ના જમે..!!
એક કોલ્ડકોફી ચાલીસ ની પણ મળે છે અને લાત્તે કોલ્ડ ના નામે ચારસોની પણ વેચાય છે..
દસની ચા કીટલી ઉપર પણ મળે છે અને પેલી ચા ની નવી નવી થયેલી લાઉન્જમાં હજારનું બીલ ખાલી બે ત્રણ ચા માં પણ તમે કરી શકો.. પેલી કૈક રોઝ ફ્લેવર વાળી અમે મંગાવી હતી અને પીધા પછી રૂપિયા ચુકવતી વખતે અમે જોર પસ્તાયા હતા..!
ત્યારે પતંગમાં જમવા જતા તો પાંચસો ની તૂટતી આજે ગુલાબી તૂટે છે..ત્યારે `આવો આવો` કરતા આજે `જાવ જાવ` થાય છે..અમે આજે ફુલ્લી બુક છીએ એવા જવાબ મળી રહ્યા છે..!!
હેવમોર ટાઉનહોલ `લક્ઝરી` હતી આજે `ફૂટપાથ` પર છે..!!
આશ્રમ રોડ નો દબદબો અમે માણ્યો અને સીજી ને પેટ્રોલ રેડી રેડીને ઉછેરીને મોટો કર્યો..!!
એસ જી ઉપર થી નીકળતા પણ લોકો ડરતા ,ભાવનિર્ઝર અને છાવણી વેરાન ખેતરાં..
નેહરુનગર ચાર રસ્તા તો લીમીટ,પણ પંદર વર્ષના છોકરાને ડોકે એક રાતમાં અચાનક હૈડિયો ફૂટે અને એ સવારે એનો ઘોઘરો જાડ્ડો થઇ જાય, હાથપગ, છાતી ને ખભ્ભામાં ભાર વધી જાય એમ અમદાવાદને હૈડિયો ફૂટ્યો ને અમદાવાદ આંબલી મુકીને વાયા બોપલ થઈને ઘુમા સુધી ફાટી ગયું..!! ફાલી ગયું..!!
કમાણી પણ એવી ચાલુ થઇ છેલ્લા પચ્ચીસ વર્ષમાં ..અને ખર્ચા પણ , રૂપિયા બે રૂપિયાનું સમોસું દસ બારથી લઈને સારી હોટેલો કે કોફી શોપ્સ બસ્સો રૂપિયા ત્રણસો રૂપિયા તોડી લ્યે છે, અને ત્યાં અમદાવાદી “તુટવા” જાય પણ છે..!!
પેહલા અમને આવા વગર બંધુકે લુંટતા લુંટારા ખાલી એરપોર્ટ ઉપર જ મળતા પણ હવે અમદાવાદમાં ઠેર ઠેર મળે છે..!!
પણ થોડાક સમયથી અમદાવાદમાં એક મોટો ફેરફાર અમે જોઈ રહ્યા છીએ.. રાત્રે રખડવાવાળી પબ્લિક ઓછી દેખાઈ રહી છે..અને હોટેલો ખાલી દેખાય છે રવિવારે પણ સાંજે આઠ સાડા આઠે પણ હોટેલમાં ટેબલ મળી જાય છે..!!
રાતની રખડતી `પબ્લિક` અને હોટેલમાં જઈને ભચડતી `પરજા` ઓછી થવા પાછળ આપણને ઓનલાઈન વાળા જવાબદાર લાગી રહ્યા છે દરેક હોટેલોમાં ટેબલ સેલ કરતા કાઉન્ટરના ડીલીવરી સેલના આંકડા વધી જાય છે એટલે ધીમે ધીમે હોટેલો ઓછી થાય તો નવાઈના પામશો..!!
હવે પૂરું કરતા પેહલા..તમને એમ થાય કે આવી રાતની રાત વાતો શું થાય તો એક નમુનો મુકું છું..
એક પાક્કા અમદાવાદી કાકાની જોડે “મધરાતે” ગલ્લે બેસીને થતી વાત..
કાકાનું કાલ્પનિક નામ રાખીએ જયેશકાકા.. જયેશકાકાની ઉંમરની આગળ આઠડો લાગી ચુક્યો છે પણ જેમ અમારી ઉંમરની આગળ પાંચડો લાગુ લાગુ થઇ રહ્યો છે અને અમને એનું ભાન જ નથી એમ જયેશ્કાકાને પણ એવું જ કૈક..
હવે થયું એવું કે જયેશકાકા અને એમના દસબાર `સાગરીતો` જેમાંનો એક નંબર વાર તેહવારે અમારો પણ આવે, એ બધા દસબાર જણા રાતના સાડા અગિયાર બાર સુધી અમદાવાદના એક જાણીતા ગલ્લે રોજ બેસે , એમની બેઠક ત્યાં અને અમને થયું કે લાવ પેટ્રોલ થોડું બાળી આવીએ અને દેવદિવાળીના સાલમુબારક કાકાને અને બાકીનાને કરી ને આવીએ..
અમે ગલ્લે પોહ્ચ્યા સભામાં ..
અમે કાકાને પગે લાગ્યા અને બધાને સાલમુબારક કર્યા ,
પછી કાકા ને પૂછ્યું કાકા બધું બરાબર ..? તબિયત પાણી ..?
કાકા બોલ્યા ઘૂઘરા જેવા લ્યા આપણને શું થવાનું..?
અમને ટીખળ સુજી અને કાકાને પૂછ્યું કાકા તમારી જૂની ધર્મિષ્ઠા ,શર્મિષ્ઠા મજા માં..?
અને કાકાની આંખમાં ચમક આવી અને શર્મિષ્ઠા મળી ગઈ હતી ..
અમે પૂછ્યું ક્યાં..?
તો કાકા બોલ્યા સમશાને..
અમારી આંખો ચશ્માંમાંથી બહાર, અને જોડે જોડે જીભડી મોઢામાંથી હે ..? ગઈ તમારી શર્મિષ્ઠા..?
કાકા ખુશીથી બોલ્યા ગઈ..મારી બાજુવાળો `ચમન` ડોહો ગયો ને તે એને નાખવા ગયા હતા અને ત્યાં જ પાછળને પાછળ શર્મિષ્ઠાને લા`યા..
અમને દુખ થયું એટલે અમે કીધું સોરી કાકા તમારી જવાનીની યાદો ગ`ઈ ..કાકા બોલ્યા હવે એમાં સોરી ફોરી નાં હોય લ્યા, એ તો ઉંમર થાય એટલે જાય પણ મને દુઃખ એ વાત નું છે કે એની પેહલા પેલા ચમન ડોહા ને ભઠ્ઠી માં મેલ્યો અને પછી શર્મિષ્ઠાને મેલી..
અમે બોલ્યા ઓત્તારી કાકા શર્મિષ્ઠા તમારા પાડોશી ચમન ડોહા જોડે `એકાકાર` થઇ એમ ?
કાકા બોલ્યા હા લ્યા..તને ખબર છે શર્મિષ્ઠા ને આપણા સિવાય કોઈએ આંગળી નથી અડાડી.. અને આ તો સાલ્લુ ..
અમને આખો મામલો સમજાઈ ચુક્યો હતો ..એટલે અમે બોલ્યા કાકા હવે ગમે તે જોડે ભઠ્ઠીમાં મિકસ તો થવા નું જ હતું ને. ચમન નહિ તો મગનો હોત..
કાકા દુઃખી થઇ ને બોલ્યા પણ પેલા ચમનીયાની જોડે ..?
અમે કાકા ને હ`ળી કરી ..પણ કાકા તો પછી તો તમારે શર્મિષ્ઠાની સમાધિ જ બનાવડાવી હતીને ..
કાકા ફોર્મમાં આવ્યા અને બોલ્યા હું એનો ધણી થયો હોત તો ચોક્કસ બનાવાતે ..એનો બાપ મિલમાલિક હતો, એની માં ને કેટલા બધા વીઘા જમીન અરવિંદિયાને શર્મિષ્ઠાના બાપા પાહેથી આ`યી છે, અને એ સાલાએ શર્મિષ્ઠાને થલતેજમાં બાળી ..
આપણે આપણી સ`ળી થોડી આગળ વધારી.. તે કાકા તમારી જોડે ય સાણંદમાં ત્રણચાર વીઘા તો છે શર્મિષ્ઠા “કાકી” કેટલી જગ્યા રોકતે..
અને જયેશકાકા ઉછળ્યા..પ્યોર અમદાવાદી ભાષામાં કાકાએ મણ મણ ની જોખાવી..
સભા હસી હસી ને બેવડ વળી ગઈ અને અમને દિલમાં ટાઢક થઇ..
પણ આ અમદાવાદ છે, એટલે `નોટ` થી ઉપર ની `નોટ` પણ હોય જ ..
એક નોટ અમારાથી ઉપરની નોટ હતી.. બોલી જયેશકાકા તમે યાર ગોલ્ડન ચાન્સ ખોયો..
કાકા આંખો ઝીણી કરી ને બોલ્યા કયો ..?
અરે કાકા તમારે તો તાં જ એ જ ટાઈમે સમશાનમાં જ `ઢે` થઇ જવાનું હતું ..તો તમને અમે ત્યાં જ શર્મિષ્ઠાની પછી જ તરત જ ભઠ્ઠીમાં ઘાલી દે`ત..ઘેર લાઈ ને નવડાયા પણ ના હો`તે
અને પછી તો સભા જે ખખડી છે…રાતના સાડા અગિયાર ની બદલે સાડા બાર થઇ ચુક્યા હતા..
આ છે અમદાવાદ અને અમદાવાદી ગલ્લે થતી રાતની વાતો..
ઉંમરની આઠડો આગળ લાગે તો પણ ધર્મિષ્ઠા અને શર્મિષ્ઠા કરે, અને શર્મિષ્ઠા સમશાનમાં મળે તો`ય ખુશ, મળી તો ખરી આટલા વર્ષે..!!
પણ દુઃખ એટલે થાય કે એની જોડે ભઠ્ઠીમાં કોઈ`ક ચમન ગયો..
ચલો કાલે તો સોમાકાકા નો વાર..
સવારે વેહલું ઉઠવાનું છે
સૌ ને જે` શીક્ર્ષ્ણ
શૈશવ વોરા
(શર્મિષ્ઠાકાકી જે શ્રી કૃષ્ણ ની બદલે જે`શી ક્રષ્ણ બોલતા ,અરે હા તમને કોઈને જયેશકાકા જેવા “દ:ખ” પડ્યા છે ક્યારેય કે ..? )